સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ચાલી રહ્યું છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરીએ કહ્યું છે કે ગુજરાત ભારતની ઊર્જા કથાના કેન્દ્રમાં છે. વૈશ્વિક સ્તરે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાને કારણે ઊર્જા સપ્લાયમાં 20થી 30 ટકા વિક્ષેપ પડ્યો હોવા છતાં ભારતમાં છેલ્લા 60 દિવસથી પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો થયો નથી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડા પ્રધાનની દૂરદર્શી નીતિ અને ગુજરાતના મજબૂત ઊર્જા માળખાને કારણે જ ભારત આ સંકટમાં પણ અડીખમ ઊભું રહી શક્યું છે. તેમણે ગુજરાતને ભારતની એનર્જી કેપિટલ અને નેચરલ ગેસનું ગેટવે કહીને પ્રશંસા કરી હતી. આ ભાષણ ખાલી કહેવા પૂરતી વાત નહોતી, પરંતુ તે ગુજરાતની વાસ્તવિક તાકાત અને ભારતની ઊર્જા સુરક્ષામાં તેની અનિવાર્ય ભૂમિકાને રેખાંકિત કરતું હતું.
વૈશ્વિક સંકટની પૃષ્ઠભૂમિ અને ભારતની સ્થિરતા
વૈશ્વિક ઊર્જા સંકટની પૃષ્ઠભૂમિમાં આ વાત વધુ મહત્ત્વની બને છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિશ્વના મોટાભાગના ક્રુડ ઓઇલના પરિવહનનું મુખ્ય દ્વાર છે. તે બંધ થતાં ફ્રેઇટ ખર્ચ વધ્યા, વીમા ખર્ચ આસમાને પહોંચ્યા અને કાર્ગોમાં વિલંબ થયો. અન્ય દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેમ કે જર્મનીમાં 99.8 ટકા વધારો અને અન્ય દેશોમાં 35 ટકાથી વધુ વધારો.
गुजरात, भारत की ऊर्जा गाथा के केंद्र में है।
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 1, 2026
यह राज्य 101.9 मिलियन मीट्रिक टन वार्षिक क्षमता वाली 4 रिफाइनरियों के साथ देश के लगभग 40% कच्चे तेल को Refine करता है। 32.7 मिलियन मीट्रिक टन क्षमता वाले 4 एलएनजी टर्मिनलों के साथ, यह देश का सबसे बड़ा एलएनजी रिसीविंग हब है।
लगभग 4800… pic.twitter.com/qpyv8tXdDk
આવા સમયે ભારતે પોતાના નાગરિકોને આ સમસ્યાથી બચાવ્યા છે. છેલ્લા ચાર વર્ષથી વૈશ્વિક ક્રુડ માર્કેટમાં વોલેટિલિટી હોવા છતાં રિટેલ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે સરકારે પેનિકને પોલિસી ન બનવા દીધી અને ખર્ચને ફિસ્કલ લેવલે શોષી લીધો. આમાં ગુજરાતની ભૂમિકા નિર્ણાયક છે.
ગુજરાતની રિફાઇનિંગ ક્ષમતા અને વેલ્યુ એડિશન
ગુજરાતની આ તાકાતનું મૂળ તેની વિશાળ રિફાઇનિંગ ક્ષમતામાં છે. રાજ્યમાં ચાર મોટી રિફાઇનરી છે જેની વાર્ષિક ક્ષમતા 101.9 મિલિયન મેટ્રિક ટન છે. આ રિફાઇનરી કાચા તેલને પેટ્રોલ, ડીઝલ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ અને પેટ્રોકેમિકલ્સમાં ફેરવે છે. આ પ્રક્રિયા માત્ર ઊર્જા ઉત્પાદન નથી, પરંતુ વેલ્યુ એડિશનનું ઉત્તમ ઉદાહરણ છે. કેન્દ્રીય મંત્રી પુરીએ તેની તુલકા બેલ્જિયમ મોડલ સાથે કરી છે.
જેમ બેલ્જિયમ કોકો બીન ઉગાડ્યા વિના વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ બનાવે છે, તેમ ગુજરાત આયાત કરેલા ક્રુડ ઓઇલને પ્રોસેસ કરીને ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું રિફાઇનર અને પાંચમું સૌથી મોટું પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ નિકાસકાર બનાવે છે. આ વેલ્યુ એડિશનને કારણે જ વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતની સપ્લાય ચેઇન સ્થિર રહી અને લોકોને પંપ પર સુરક્ષા મળી.
LNG ક્ષમતા અને ગેસ વિતરણનું વ્યાપક નેટવર્ક
ગુજરાતની ઊર્જા ક્ષમતાનો બીજો મહત્ત્વનો સ્તંભ છે તેની LNG ક્ષમતા. રાજ્યમાં ચાર LNG ટર્મિનલ્સ છે જેની કુલ ક્ષમતા 32.7 મિલિયન મેટ્રિક ટન છે. આ દેશનું સૌથી મોટું LNG રિસીવિંગ હબ છે. હજીરા LNG ટર્મિનલ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સુરતથી લગભગ 25 કિમી દૂર આવેલું આ ટર્મિનલ Shell Energy India દ્વારા ચલાવવામાં આવે છે અને તે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા બનેલું LNG ટર્મિનલ છે. અહીં આયાત કરેલ LNGને રી-ગેસિફાઇ કરીને ગેસમાં ફેરવવામાં આવે છે અને પાઇપલાઇન તેમજ ટ્રક દ્વારા વિતરિત કરવામાં આવે છે. આ ક્ષમતાને કારણે જ ગુજરાતને નેચરલ ગેસનું ગેટવે કહેવામાં આવે છે.
નેચરલ ગેસના ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન વધુ આકર્ષક છે. રાજ્યના પ્રાથમિક ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો 21.6 ટકા છે, જે વૈશ્વિક સરેરાશની નજીક છે અને રાષ્ટ્રીય સરેરાશથી ત્રણ ગણું વધારે છે. આ સાથે 4800 કિમી લાંબુ મુખ્ય ગેસ પાઇપલાઇન નેટવર્ક છે.
દેશના કુલ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન વપરાશના 26 ટકા ગુજરાતમાં થાય છે. તેમજ ભારતના કોમર્શિયલ પીએનજી વપરાશના લગભગ 50 ટકા અને ઇન્ડસ્ટ્રીયલ પીએનજી વપરાશના લગભગ 25 ટકા પણ ગુજરાતમાં જ થાય છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાત માત્ર ઊર્જા પૂરી પાડતું નથી, પરંતુ તેને વિતરિત કરીને અર્થતંત્રને પણ સ્થિર રાખે છે.
વર્તમાન સંકટમાં ગુજરાતનું નિર્ણાયક યોગદાન
વૈશ્વિક સંકટની હાલની સ્થિતિમાં ગુજરાતની આ ભૂમિકા વધુ સ્પષ્ટ થાય છે. ક્રુડ આયાતના સ્ત્રોતને 27 દેશોમાંથી 41 દેશો સુધી વિસ્તારવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની રિફાઇનરીઝ અને પોર્ટ્સે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ઘરગથ્થુ LPGને પ્રાથમિકતા આપીને 33 કરોડ ઘરોને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. ઉજ્જવલા યોજનાના 10 વર્ષ પૂરા થયા છે અને તે 10 કરોડથી વધુ ઘરોને લાભ આપી રહી છે.
ડોમેસ્ટિક LPG પ્રોડક્શનમાં 60 ટકા વધારો કરવામાં આવ્યો છે, જે 36,000 મેટ્રિક ટનથી વધારીને 54,000 મેટ્રિક ટન પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે. આ તમામ પગલાંમાં ગુજરાતની ઊર્જા ક્ષમતાએ મજબૂત આધાર પૂરો પાડ્યો છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ, સ્ટીલ અને કેમિકલ જેવા લેબર-ઇન્ટેન્સિવ ઉદ્યોગોને વ્યવસાયિક ગેસ પુરવઠો સ્થિર રાખવામાં આ ક્ષમતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ગુજરાતનું ઊર્જા મોડલ અને ભારતનું ભવિષ્ય
ગુજરાત ન માત્ર આયાત કરેલા કાચા માલને પ્રોસેસ કરે છે, પરંતુ તેમાંથી વાપરી શકાય તેવી ઊર્જા તૈયાર કરે છે. તે કાચું તેલ ખોદીને બહાર કાઢતું નથી, પરંતુ તેને પેટ્રોલ અને ડીઝલમાં ફેરવીને દેશની જરૂરિયાતો પૂરી કરે છે. આ જ કારણે તેને ભારતનું ઊર્જા કેન્દ્ર કહેવામાં આવે છે. આ ક્ષમતાએ વૈશ્વિક સંકટ વચ્ચે ભારતના રસોડાંને અછતથી બચાવ્યાં છે, ઉદ્યોગોને સ્થિરતા આપી છે અને અર્થતંત્રને મજબૂતીથી આગળ વધાર્યું છે. ગુજરાતનું આ મોડલ ભારત માટે માત્ર એક ઉદાહરણ નથી, પરંતુ ઊર્જા સુરક્ષાનું જીવંત પ્રતીક છે.
આખરે, હરદીપ સિંઘ પુરીનાં ભાષણમાં ગુજરાતની પ્રશંસા કરવાનું કારણ એકદમ સ્પષ્ટ છે. 40 ટકા રિફાઇનિંગ, 32.7 મિલિયન મેટ્રિક ટન LNG ક્ષમતા, 21.6 ટકા નેચરલ ગેસ હિસ્સો અને વ્યાપક વિતરણ નેટવર્ક સાથે ગુજરાત ભારતને ન માત્ર ઊર્જા પૂરી પાડે છે, પરંતુ તેને વૈશ્વિક સંકટોથી બચાવે છે અને આર્થિક વિકાસના પાયાને મજબૂત કરે છે. વડા પ્રધાનની નીતિ અને ગુજરાતના મોડલના સંયોજનથી ભારત આજે પણ અડીખમ છે. આ ગુજરાત માટે ગૌરવની વાત છે અને ભારત માટે આશાનું કિરણ.


