હોમપેજગુજરાતસુરતમાં શરૂ થઈ ભારતની પહેલી બેરિયરલેસ MLFF ટોલ સિસ્ટમ: વાંચો તે શું...

સુરતમાં શરૂ થઈ ભારતની પહેલી બેરિયરલેસ MLFF ટોલ સિસ્ટમ: વાંચો તે શું છે અને કેવી રીતે કરશે કામ

આ ટેક્નોલોજીથી માત્ર મુસાફરીનો સમય ઘટશે એવું નથી, પરંતુ તે આધુનિક ભારતની ડિજિટલ પ્રગતિનું પ્રતીક પણ છે. આગામી વર્ષોમાં જ્યારે સમગ્ર દેશના હાઈવે આ પદ્ધતિથી સજ્જ થશે, ત્યારે મુસાફરી ખરા અર્થમાં અવિરત અને આરામદાયક બની રહેશે.

- Advertisement -

નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ (NHAI) હાઈવે મુસાફરીને વધુ ઝડપી અને અવરોધરહિત બનાવવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું ભરતા સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે ભારતની પ્રથમ ‘બેરિયરલેસ’ (અવરોધ વિનાની) ટોલ સિસ્ટમ કાર્યરત કરી છે. આ નવીન સિસ્ટમ ‘મલ્ટી લેન ફ્રી ફ્લો’ (MLFF) ટેક્નોલોજી પર આધારિત છે, જે વાહનોને ટોલ નાકા પર ઉભા રહ્યા વિના સીધા જ પસાર થવાની મંજૂરી આપે છે. મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે (NH-48) પર સુરત અને ભરૂચ વચ્ચે કામરેજ-ચોર્યાસી સેક્શન પર આવેલ આ પ્લાઝા હવે દેશનું પ્રથમ એવું ટોલનાકું બન્યું છે જ્યાં બૂમ બેરિયર કે ભૌતિક અવરોધો નથી.

આ ટેક્નોલોજીના અમલીકરણથી વાહનચાલકોના સમય અને ઇંધણમાં મોટો બચાવ થશે. અગાઉની સિસ્ટમમાં વાહન થોભવાની પ્રક્રિયા, ફાસ્ટ ટેગ રીડિંગ અને બેરિયર ખુલવામાં સરેરાશ 20 સેકન્ડનો સમય જતો હતો, જેના કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાતો હતો. હવે MLFF સિસ્ટમ હેઠળ વાહનો 80થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે ટોલ પોઈન્ટ પરથી પસાર થઈ શકે છે. NHAIના ચીફ ઑપરેટિંગ ઑફિસર અમિત રંજન ચિત્રાંશીએ જણાવ્યું હતું કે આ અદ્યતન સિસ્ટમમાં વાહન પસાર થવા માટે કોઈ ભૌતિક બેરિયર રાખવામાં આવ્યા નથી. વાહનો સીધા ગેટ (ગેન્ટ્રી) નીચેથી પસાર થશે અને તેનો ટોલ આપમેળે કપાઈ જશે.

કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?

આ સિસ્ટમ હાઈ-પાવર્ડ કેમેરા, રડાર, લિડાર (LiDAR) અને RFID સેન્સર્સના મિશ્રણનો ઉપયોગ કરે છે. હાઈવે પર લગાવવામાં આવેલી મોટી કમાન (Gantry) પર હાઈ-ડેફિનેશન કેમેરા અને સેન્સર લગાવેલા હોય છે, જે વાહન ગમે તેટલી ઝડપે પસાર થાય તો પણ તેના ફાસ્ટ ટેગ અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) દ્વારા વાહનની ઓળખ કરી લે છે. આ ડેટાના આધારે વાહનના લિંક થયેલા બેંક ખાતામાંથી ટોલની રકમ ત્વરિત અને સંપર્ક વગર કપાઈ જાય છે.

- Advertisement -

સુરત ખાતેનો આ પ્રોજેક્ટ આશરે ₹16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ સિસ્ટમનું મોનિટરિંગ ટોલ પ્લાઝા પાસેના એક સમર્પિત કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે. આ માટે તાઈવાનની એક ટેકનિકલ ફર્મની પણ મદદ લેવામાં આવી છે. ચોર્યાસી ટોલ પ્લાઝા પર ફેબ્રુઆરી મહિનાથી ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી અને બે મહિનાના સઘન પરીક્ષણ બાદ તેને હવે સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે આ ટેક્નોલોજીથી રેવન્યુ લીકેજ પણ ઘટશે કારણ કે બધી જ પ્રક્રિયા માનવીય હસ્તક્ષેપ વિના ઓટોમેટેડ છે.

2026ના અંત સુધી 1050થી વધુ પ્લાઝા AI આધારિત બનાવવાનો લક્ષ્યાંક

કેન્દ્ર સરકાર અને પરિવહન મંત્રાલયનો લક્ષ્યાંક 2026ના અંત સુધીમાં દેશના તમામ 1,050થી વધુ ટોલ પ્લાઝાને આવી AI-આધારિત બેરિયરલેસ સિસ્ટમમાં રૂપાંતરિત કરવાનો છે. આ માટે NHAI એ 17 ટોલ પ્લાઝા માટે કોન્ટ્રાક્ટ આપી દીધા છે અને અન્ય 108 પ્લાઝા માટે બિડ મંગાવ્યા છે. પ્રથમ તબક્કામાં તમામ ચાર કે તેથી વધુ લેન ધરાવતા હાઈવે પર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. દિલ્હીના મુંડકા ટોલ પ્લાઝા પર પણ આ સિસ્ટમનું પરીક્ષણ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.

ભાવિ યોજનાઓ અંગે કેન્દ્રીય હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે 2026 સુધીમાં ભારત ટોલ કલેક્શનમાં સંપૂર્ણપણે બેરિયર-ફ્રી બનવાની અપેક્ષા છે. આ સિસ્ટમથી વાર્ષિક અંદાજે ₹1,500 કરોડના ઈંધણના ખર્ચની બચત થઈ શકે છે અને કાર્યક્ષમતા વધવાને કારણે ₹6,000 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે. સરકાર ધીમે-ધીમે ભૌતિક ટોલ બૂથને હટાવીને બેરિયરલેસ અને GPS-આધારિત ટોલિંગ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે.

ટોલની ચૂકવણી ન કરનાર માટે કડક નિયમો

ટોલની ચૂકવણી ન કરનારા વાહનચાલકો માટે કડક નિયમો પણ બનાવાયા છે. જો કોઈ વાહન માલિક ટોલની ચૂકવણી નથી કરતો તો સિસ્ટમ તેને શોધી કાઢશે અને તેને ઈલેક્ટ્રોનિક નોટિસ મોકલવામાં આવશે. જો 72 કલાકની અંદર ચૂકવણી કરવામાં નહીં આવે તો દંડની રકમ બમણી કરવામાં આવશે. વધુમાં લેણાં બાકી રાખનાર વાહન માલિકોને વાહન નોંધણી રિન્યુઅલ, માલિકી ટ્રાન્સફર અને ફિટનેસ સર્ટિફિકેટ જેવી મહત્વની સેવાઓનો ઈનકાર પણ કરવામાં આવી શકે છે. 

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ભલે ટોલ વસૂલાતની પદ્ધતિ બદલાઈ હોય, પરંતુ ફી વસૂલવાના નિયમો ‘નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008′ મુજબ જ રહેશે. ડિસ્કાઉન્ટ કે અન્ય કન્સેશન માટેના જૂના નિયમો યથાવત રહેશે. MLFF સિસ્ટમ માત્ર અત્યંત ઝડપી અને અદ્યતન ટેક્નોલોજી ધરાવતું મોડલ છે. સુરતનો આ પાયલોટ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં વ્યાપક અમલીકરણ માટે પાયો નાખશે.

30 વધુ એડવાન્સ કેમેરાથી મોનિટરિંગ

મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે લેન-ફ્રી ટોલિંગમાં પણ યોગ્ય મોનિટરિંગ રાખવામાં આવશે. ચોર્યાસી ટોલ પ્લાઝા પર દરેક લેન દીઠ બે એવા કુલ 30થી વધુ એડવાન્સ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ એટલી કાર્યક્ષમ છે કે જો કોઈ વાહન 120 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પણ પસાર થાય તો પણ તેની નંબર પ્લેટ અને ફાસ્ટ ટેગને સચોટ રીતે સ્કેન કરી શકાય છે. સુરતમાં શરૂ થયેલી આ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિમાં એક મોટું પગલું છે. આ ટેક્નોલોજીથી માત્ર મુસાફરીનો સમય ઘટશે એવું નથી, પરંતુ તે આધુનિક ભારતની ડિજિટલ પ્રગતિનું પ્રતીક પણ છે. આગામી વર્ષોમાં જ્યારે સમગ્ર દેશના હાઈવે આ પદ્ધતિથી સજ્જ થશે, ત્યારે મુસાફરી ખરા અર્થમાં અવિરત અને આરામદાયક બની રહેશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં