2020નાં દિલ્હીનાં સીએએવિરોધી ‘પ્રદર્શનો’ દરમ્યાન ભાજપ નેતાઓ અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માએ આપેલાં ભાષણોને ‘હેટ સ્પીચ’ ગણીને તેમની વિરુદ્ધ FIR નોંધવાની માંગ સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. ઑગસ્ટ 2020માં દિલ્હીની નીચલી કોર્ટે અને ત્યારબાદ જૂન 2023માં દિલ્હી હાઇકોર્ટે આપેલા ચુકાદાને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બંને નેતાઓ વિરુદ્ધ કોઈ ગુનો બનતો નથી અને FIR નોંધવા માટેનાં કોઈ કારણો નથી. આ અરજી CPI(M) નેતા બ્રિન્દા કરાતે દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ અરજી ફગાવીને વિવાદ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આ અગાઉ જૂન 2023માં દિલ્હી હાઇકોર્ટે વૃંદા કરાતની રિટ પિટિશનને ફગાવીને ઓગસ્ટ 2020ના ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ટ્રાયલ કોર્ટે તેની સુનાવણીમાં સ્પષ્ટ કર્યું હતું કે પૂર્વ મંજૂરીના અભાવે આ નેતાઓ વિરુદ્ધ IPCની કલમ 153A, 153B અને 295A જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવા માટે નિર્દેશ આપી શકાય નહીં.
કેસની શરૂઆત અને પૃષ્ઠભૂમિ
2019ના અંત ભાગમાં કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરેલા નાગરિકતા સંશોધન બિલ (જે પછી કાયદો બન્યું– CAA) વિરુદ્ધ દેશભરમાં પૂર્વાયોજિત પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં. ખાસ કરીને દિલ્હીના શાહીનબાગને આ પ્રદર્શનોનો અડ્ડો બનાવવામાં આવ્યો અને મહિનાઓ સુધી અહીં પ્રદર્શનો ચાલતાં રહ્યાં. ત્યારબાદ દિલ્હીમાં હિંદુવિરોધી હિંસા પણ થઈ, જેના અલગથી કેસ ચાલી રહ્યા છે. બીજી તરફ આ જ સમયગાળામાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પણ હતી.
27 જાન્યુઆરી, 2020ના રોજ રિથલા વિધાનસભા વિસ્તારમાં એક ચૂંટણી સભા દરમિયાન તત્કાલીન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે “દેશ કે ગદ્દારો કો…”ના સૂત્રોચ્ચાર કર્યા હતા, જેની સામે હાજર ભીડે “ગોલી મારો…” કહીને ઉત્તર આપ્યો હતો. આ જ સમયગાળામાં તત્કાલીન સાંસદ પ્રવેશ વર્માએ પણ પોતાનાં ભાષણોમાં શાહીન બાગના પ્રદર્શનકારીઓ અને CAA વિરોધી આંદોલન વિશે ટિપ્પણીઓ કરી હતી, જેની વિરુદ્ધ પછીથી કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી.
આ ભાષણોના વિરોધમાં અરજી કરીને વૃંદા કરાતે આક્ષેપ કર્યો હતો કે ભાજપના આ બંને નેતાઓએ તેમનાં ચૂંટણી ભાષણોમાં શાહીન બાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ તથાકથિત રીતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે બળપ્રયોગ કરવાની ધમકી આપી હતી. આ ભાષણો દ્વારા પ્રદર્શનકારીઓમાં ભયનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું અરજીમાં જણાવાયું હતું.
અરજીમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ નેતાઓના ભાષણોએ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપ્યું હતું. નેતાઓએ પ્રદર્શનકારીઓને એવા ‘આક્રમણખોરો’ તરીકે રજૂ કર્યા હતા જે ઘરોમાં ઘૂસીને હિંસા, બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી શકે છે, જેનાથી સામાજિક વૈમનસ્ય વધવાની શક્યતા હતી.
અરજીમાં કરાતે 27 જાન્યુઆરી, 2020ના રોજ અનુરાગ ઠાકુર દ્વારા આપવામાં આવેલા ભાષણનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ઠાકુરે ‘દેશ કે ગદ્દારો કો, ગોલી મારો સાલો કો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો અને દલીલ કરવામાં આવી કે એ હિંસાની સીધી ઉશ્કેરણી છે. અરજીમાં પ્રવેશ વર્માએ 27-28 જાન્યુઆરી, 2020 દરમ્યાન પ્રચાર દરમ્યાન કરેલાં ભાષણોનો અને ત્યારબાદના મીડિયા ઇન્ટરવ્યુનો પણ સંદર્ભ આપ્યો અને દલીલો કરી કે આ બયાનો શાહીન બાગનાં પ્રદર્શનો અને સમુદાય વિશેષને લક્ષ્ય બનાવીને ઇરાદાપૂર્વક આપવામાં આવ્યાં હતાં.
ટ્રાયલ કોર્ટે અરજી ફગાવી, હાઇકોર્ટે પણ બહાલ કર્યો હતો નિર્ણય
આ ઘટનાઓ બાદ, 29 જાન્યુઆરી, 2020ના રોજ દિલ્હી પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપીને બંને નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ 2 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં વૃંદા કરાત અને તેમના જેવા ડાબેરી એક્ટિવિસ્ટોએ CrPCની કલમ 156(3) હેઠળ ટ્રાયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ એજન્સીએ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઉપલબ્ધ રેકોર્ડ અને સામગ્રીના આધારે કોઈ સંજ્ઞાનાત્મક (કોગ્નિઝેબલ) ગુનો બનતો જણાતો નથી. આ રિપોર્ટના આધારે ટ્રાયલ કોર્ટે ફરિયાદ ફગાવી દીધી અને જણાવ્યું કે સક્ષમ સત્તાધિકારીની ‘પૂર્વ મંજૂરી’ વગર આ નેતાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી આગળ વધારી શકાય નહીં.
અંતે અરજદારોએ ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટે પણ નીચલી અદાલતના તર્કને માન્ય રાખતા રિટ પિટિશન ફગાવી દીધી હતી અને ઠરાવ્યું હતું કે પૂર્વ મંજૂરીના અભાવે CrPCની કલમ 156(3) હેઠળ FIR નોંધવા કે તપાસના આદેશ આપી શકાય નહીં. આ લાંબી પ્રક્રિયા બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને કાયદાકીય પાસાઓ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ મામલાની સુનાવણી કરતાં સ્પષ્ટ કર્યું કે તેઓ આ કેસમાં દિલ્હી હાઈકોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી. અદાલતે વૃંદા કરાતે દાખલ કરેલી અરજીને ફગાવી દેતાં કહ્યું કે આ મામલે FIR નોંધવાનો કોઈ આદેશ આપી શકાય નહીં. બેન્ચે નીચલી અદાલતોના એ તારણને માન્ય રાખ્યું કે આરોપીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતા આધારોનો અભાવ છે.
ચુકાદાનું સૌથી મહત્વનું પાસું એ હતું કે સુપ્રીમ કોર્ટે કેસના ‘મેરિટ્સ’ એટલે કે ગુણદોષ પર ગંભીરતાથી વિચાર કર્યો હતો. અદાલતે અવલોકન કર્યું કે અરજદારો દ્વારા જે ભાષણોને હેટ સ્પીચ ગણાવવામાં આવ્યા હતા, તેમાંથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ ‘કોગ્નિઝેબલ’ (સંજ્ઞાનાત્મક અને ધરપકડ પાત્ર) ગુનો બનતો જણાતો નથી. જસ્ટિસ મહેતાએ સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે કથિત ભાષણો અને હિંસા વચ્ચે કોઈ સીધો સંબંધ સ્થાપિત થતો નથી, જેના કારણે પોલીસને FIR નોંધવા માટે મજબૂર કરી શકાય નહીં.
જોકે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો દ્વારા આપવામાં આવેલા ‘પૂર્વ મંજૂરી’ના તર્ક અંગે એક મહત્વની કાયદાકીય સ્પષ્ટતા કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે એવું ઠરાવ્યું હતું કે જાહેર સેવકો વિરુદ્ધ તપાસના આદેશ આપતાં પહેલાં સરકારની મંજૂરી લેવી અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે CrPCની કલમ 156(3) હેઠળ માત્ર તપાસના આદેશ આપવા માટે આવી મંજૂરીની જરૂર નથી. પરંતુ આ કાયદાકીય સ્પષ્ટતા છતાં કોર્ટે ઉમેર્યું કે વર્તમાન કેસનાં તથ્યો જોતાં તપાસની કોઈ જરૂર જણાતી નથી.
અદાલતે એ બાબત પર પણ ભાર મૂક્યો કે હાઇકોર્ટે જે કારણોસર FIR નોંધવાની મનાઈ કરી હતી તે યોગ્ય હતાં. દિલ્હી પોલીસે અગાઉ જ અદાલતને જણાવ્યું હતું કે આ ભાષણોમાં કોઈ ગુનાહિત કૃત્ય જણાતું નથી. સુપ્રીમ કોર્ટે પોલીસના આ રિપોર્ટ અને હાઈકોર્ટના વિશ્લેષણને ગ્રાહ્ય રાખતાં જણાવ્યું કે જ્યારે ઉચ્ચ અદાલતે પહેલેથી જ ભાષણોનું અવલોકન કરીને નિર્ણય આપ્યો હોય ત્યારે સર્વોચ્ચ અદાલતે તેમાં ફેરફાર કરવાની જરૂર જણાતી નથી.
અંતે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનુરાગ ઠાકુર અને પરવેશ વર્મા વિરુદ્ધના આ વિવાદનો કાયદાકીય અંત આવ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું કે જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે તે FIR નોંધવા માટે અપૂરતા છે. આ નિર્ણય સાથે સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલતોના એ નિર્ણય પર અંતિમ મહોર લગાવી દીધી કે આ કેસમાં કોઈ ફોજદારી કાર્યવાહી આગળ વધશે નહીં, જેનાથી બંને નેતાઓને મોટી રાહત મળી છે.


