પશ્ચિમ બંગાળમાં જો ભાજપ જીતે તો આ વખતે કલકત્તા તરફ જવાનો પ્લાન કરવો છે એવું દસેક દિવસ પહેલાં, પ્રથમ તબક્કાના મતદાન પછી મેં એક મિત્રને કહ્યું એ જ દિવસે સોશિયલ મીડિયા પર બીજા કેટલાક હિન્દુવાદીઓએ પણ લગભગ આ જ સૂરનાં લખાણો પોસ્ટ કર્યાં.
મોટાભાગનાં એક્ઝિટ પોલ્સ દીદીનું રાજકીય અસ્તિત્વ એક તાંતણા પર લટકી રહ્યું છે એવી આશા જન્માવતા આંકડા આપી રહ્યા છે. ચોથી મેએ સ્પષ્ટ થઈ જશે કે બંગાળનું ભવિષ્ય રાષ્ટ્રપ્રેમી બંગાળીઓ નક્કી કરશે કે ઘૂસપેઠિયા બાંગ્લાદેશીઓ.
ભારતની આઝાદી પછી બંગાળમાં કોંગ્રેસની સરકારોએ રાજ્યની આર્થિક પાયમાલી કરી અને 1977 સુધી પોતાનાં ગજવાં ભર્યાં. એ પછી જ્યોતિ બસુ અને એમની કમ્યુનિસ્ટ ટોળકીએ બંગાળની ઔદ્યોગિક પ્રગતિથી માંડીને બંગાળની સાંસ્કૃતિક ઓળખ સુધીની તમામ બાબતો પર પ્રહારો કર્યાં. 2011 બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે રાજ્યમાં રીતસરનો હાહાકાર મચાવ્યો. 2021ની વિધાનસભા ચૂંટણી વખતે 58 પોલિટિકલ કિલિંગ્સ નોંધાયાં હતાં અને 2019ની લોકસભા ચૂંટણી વખતે 72.
મમતાએ કેન્દ્રની મોદી સરકાર સામે શીંગડાં ભેરવીને બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓના આક્રમણને ખમ્મા ખમ્મા કરીને વધાવી પોતાની વોટ બૅન્ક મજબૂત કર્યે રાખી.
2026નાં પરિણામો બંગાળને દુશાસકોની ચુંગાલમાંથી જો બહાર નહીં કાઢી શકે તો તે પરિસ્થિતિ બંગાળ માટે જ નહીં, સમગ્ર રાષ્ટ્ર માટે ખતરાની ઘંટડી સમાન હશે.
બંગાળમાં 2021ની વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે મોટાભાગના એક્ઝિટ પોલે કહ્યું હતું કે ભાજપને સરકાર બનાવવા જેટલી બેઠકો નહીં મળે. અને ન મળી. આમ છતાં 77 બેઠકો તો મળી જે અગાઉની ચૂંટણીમાં માત્ર 3 હતી.
2021ની ચૂંટણી વખતે કોરોનાની મહામારીના દિવસો ચાલતા હતા. બંગાળના ચૂંટણીપ્રચાર વખતે મોદીજી લાંબી દાઢી અને લાંબા વાળને કારણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો અણસાર આપતા હતા. ‘દો મઈ, દીદી ગઈ’ સૂત્ર એમણે કોઇન કર્યું હતું. રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપ અને ટીએમસીમાંથી કોને સરસાઈ મળશે એની અનિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી હતી. ‘ચાણક્ય’વાળાએ એક્ઝિટ પોલમાં સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપ હારે છે. એકમાત્ર પ્રદીપ ભંડારીએ છાતી ઠોકીને કહ્યું હતું કે ભાજપને ઓછામાં ઓછી 147 બેઠકો મળે છે. ન મળી. દીદીએ ફરી સત્તા પર આવીને ફરી પાંચ વર્ષ સુધી આતંકનું રાજ ચલાવ્યું જેનો અંત હવે આવી રહ્યો છે એવું લાગે છે.
પશ્ચિમ બંગાળમાં રાજકીય મર્ડર કે હિંસા વિનાની ચૂંટણી ક્યારે થઈ નથી. આ વખતે મામલો ઘણો શાંત છે જેનો જશ ગૃહમંત્રીએ ગોઠવેલાં અઢી લાખ જેટલાં અર્ધલશ્કરી દળોના જવાનો-અધિકારીઓને જાય છે. આ ઉપરાંત મતદાન યાદીમાંથી બાકાત થઈ ગયેલા લાખો ગેરકાનૂની મતદાતાઓ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી ગયા હોવાથી પણ બંગાળમાં શાંતિ રહી. જે કંઈ થોડીઘણી અપ્રિય ઘટનાઓ બની તેને કડક હાથે ડામી દેવામાં આવી.
2014 અને 2019ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવારો માટે પ્રચારસભાઓ કરવા માટે વડા પ્રધાન મોદી આવતા ત્યારે એમની જનસભાઓના હવનમાં હાડકાં નાખવા માટે મમતા બેનર્જીના રાક્ષસો તૈયાર રહેતા. આ વાત ખુદ વડા પ્રધાને 2021ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન એક કરતાં વધારે વાર કરી હતી. મોદીજી કહેતા કે, ‘મુખ્યમંત્રી મમતા બેનર્જીની નેતાગીરીને કારણે ભાજપની જનસભાઓમાં જતાં લોકોને ડર લાગતો હતો.‘
મોદીજીની આ સૌમ્ય ભાષા હતી. વાસ્તવમાં નેતાગીરીને બદલે મવાલીગીરી કે ગુંડાગીરી જેવી અભિવ્યક્તિ હોય. પણ મોદીજી ક્યારેય એવી તોછડી ભાષા નથી વાપરતા— વિરોધીઓ માટે પણ નહીં. રાહુલ, મમતા, અરવિંદ, અખિલેશની વાત જુદી છે.
મુસ્લિમવાદી મમતા બેનર્જી તો ભૂતકાળની દરેક ચૂંટણી વખતે કહેતાં રહ્યાં છે કે ભાજપના નેતાઓને બંગાળમાં પગ મુકવા નહીં દઉં.
બંગાળને કેન્દ્ર દ્વારા મળતી આર્થિક મદદ મમતાએ લોકો સુધી પહોંચવા દીધી નથી. બંગાળમાં વાવાઝોડા જેવી કુદરતી હોનારત વખતે કેન્દ્ર તરફથી મળેલા કરોડો રૂપિયાથી મમતાના ભત્રીજા તથા એમના ગેંગસ્ટરોએ અંગત તિજોરીઓ છલકાવી. જનતાના આરોગ્ય બાબતની તેમ જ કૃષિ સહાયની રકમ પણ લોકો સુધી પહોંચવા દીધી નથી. આ યોજનાઓનું અમલીકરણ ટલ્લે ચડાવ્યું. આટલું ઓછું હોય એમ લાખો બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને કાયદેસરના નાગરિક બનાવી દીધા. સીએએ અને એનઆરસીનો સૌથી મોટો વિરોધ મમતાએ કર્યો. આ બધું જ બદલાઈ જશે જો ચોથી મેએ ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું તો. અને જો ટીએમસી જીતી તો પરિસ્થિતિ ઔર વકરવાની, કાબૂ બહાર જતી રહેવાની.
મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું રક્ષણ મેળવીને તૃણમૂલના ગુંડાઓએ સંખ્યાબંધ હિન્દુવાદી કાર્યકર્તાઓની, આરએસએસના સ્વયંસેવકોની અને ભાજપના સમર્થકોની ખુલ્લેઆમ હત્યા કરી છે. આ વિશે ગરુડ પ્રકાશને શુભમ તિવારી અને શિવમ રઘુવંશીએ તૈયાર કરેલા દસ્તાવેજનું પાંચ વર્ષ પહેલા પુસ્તક રૂપે પ્રકાશન કર્યુ. ‘પોલિટિકલ કિલિંગ્સ ઈન મમતાઝ બંગાલ : અ વ્હાઈટ પેપર ઑન વાયરલેન્સ અગેન્સ્ટ ધ ઓપોઝીશન’ પુસ્તકમાં સ્ફોટક નક્કર વિગતો છે. આ વખતે ભાજપ હારશે તો આવી રાજકીય હત્યાઓમાં ઉમેરો થશે. બંગાળમાં રાષ્ટ્રવાદી હિન્દુઓ માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બની જશે. ભાજપ જીતશે તો આ પુસ્તકમાં દસ્તાવેજીકરણ પામેલી દરેક હત્યાની સામે નિષ્પક્ષ કાર્યવાહી શરૂ થશે અને તે વખતે હારેલા મમતાવાદીઓ પોતાને વિક્ટિમાઈઝ કરવામાં આવે છે એવી હાયતૌબા મચાવશે, નોંધી રાખજો તમે.
પાંચ વર્ષ પહેલાંની બીજી મેએ સવારે નાસ્તા માટે છેક ઘાટકોપરથી પુરુષોત્તમ હરિભાઈ કંદોઈનાં ફેમસ ફાફડા-જલેબીનો ઑર્ડર અમે આપી દીધો હતો. પણ પરિણામો આવતાં ગયાં એમ એનો સ્વાદ ફિક્કો થઈ ગયો. આ વખતે ચોથી મેએ સવારે અમે જાતે જ લાંબું અંતર કાપીને ઘાટકોપર જઈને ઘર માટે અને મિત્રોનાં ઘર માટે ફાફડા-જલેબી લઈ આવવાનો પ્લાન કર્યો છે. આસામની ઉજવણી તો છે જ, બંગાળ પણ આવી જાય તો નાસ્તાનો સ્વાદ ડબલ થઈ જાય.
લાસ્ટ બૉલ
‘દીદી કે ગુંડોં કો ઉલ્ટા લટકાકર સીધા કર દેંગે.’
— ગૃહ મંત્રી અમિત શાહ
(બંગાળની પ્રચાર સભાઓમાં પ્રવચન આપતાં)


