2013માં આમ આદમી પાર્ટી બનાવીને ‘રાજનીતિ બદલવાની’ વાતો કરીને ભારતના રાજકારણમાં ઉતરેલા અરવિંદ કેજરીવાલે રાજકારણ બદલવા માટે આજ સુધી કોઈ સકારાત્મક પ્રયાસો કર્યા હોય એવું તો આ એક દાયકામાં કશું આંખે ચડ્યું નથી, પણ રાજકારણમાં અમુક દૂષણો પેદા કરવામાં આ શખસનો ઘણોખરો ફાળો છે. તાજેતરમાં તેમણે આવી જ એક ટ્રિક અપનાવી, જે ભારતીય રાજકારણમાં ભૂતકાળમાં સંભવતઃ કોઈ પાર્ટી કે નેતાએ હિંમત કરી ન હતી– ન્યાયતંત્ર પર દબાણ લાવવાની. તેના માટે કોર્ટરૂમને ડ્રામાનો મંચ બનાવી દેવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર રીતસરનું કેમ્પેઈન ચલાવવામાં આવ્યું. પરંતુ ફરી એક વખત કેજરીવાલ નિષ્ફળ ગયા.
બન્યું એવું કે ફેબ્રુઆરી 2026માં ટ્રાયલ કોર્ટે એક્સાઈઝ પોલિસીના CBIના કેસમાં કેજરીવાલ અને અન્ય અમુક આરોપીઓને ડિસ્ચાર્જ કર્યા હતા. પછીથી એજન્સી CBI દિલ્હી હાઇકોર્ટ ગઈ. હાઇકોર્ટમાં કેસની સુનાવણી જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા કરી રહ્યાં હતાં.
કેસ જસ્ટિસ શર્મા પાસે ગયો તેના થોડા જ દિવસોમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક અરજી કરીને માંગ કરી કે તેમની સામે ચાલતા એક્સાઈઝ પોલિસી કેસોની સુનાવણી ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્મા પાસેથી લઈ લેવામાં આવે અને કોઈ બીજા ન્યાયાધીશને કેસ ટ્રાન્સફર કરવામાં આવે. તેના માટે તેમણે કારણો એવાં આપ્યાં કે તેમને આશંકા છે કે જસ્ટિસ શર્માની કોર્ટમાં તેમના કેસની નિષ્પક્ષ સુનાવણી થઈ શકશે નહીં અને પારદર્શિતા જળવાય રહે તે માટે કેસ અન્ય જજને ટ્રાન્સફર કરવામાં આવે.
દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ વિનંતી ફગાવી દીધી અને કહ્યું કે અરજી રોસ્ટર પ્રમાણે જ મોકલવામાં આવી છે અને કોઈ કેસમાંથી હટવાનો (ન્યાયતંત્રની ભાષામાં એને રેસ્ક્યુ કરવું કહેવાય છે) નિર્ણય જજનો પોતાનો હોય, એમાં પ્રશાસકીય સ્તરેથી મુખ્ય ન્યાયાધીશ કોઈ હસ્તક્ષેપ કરી શકે નહીં અને આ કેસમાં એવું કારણ પણ જણાતું નથી.
દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કેસ ટ્રાન્સફર કરવાની ના પાડી દીધા બાદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની જ કોર્ટમાં એક અરજી દાખલ કરીને માંગ કરી કે ન્યાયાધીશ પોતે આ કેસમાંથી અલગ થઈ જાય કારણ કે કેજરીવાલ અને અન્ય અમુક આરોપીઓને આશંકા છે કે જસ્ટિસ શર્માની કોર્ટમાં કેસની સુનાવણી નિષ્પક્ષ રીતે થઈ શકશે નહીં.
આ અરજી પર પછીથી સુનાવણી ચાલી. અહીં કેજરીવાલે બીજો એક દાવ ખેલ્યો. તેઓ પોતે ‘પાર્ટી ઇન પર્સન’ બનીને સુનાવણીમાં ભાગ લેવા માટે આવ્યા અને દલીલો પણ પોતે જ રજૂ કરી. ‘પાર્ટી ઇન પર્સન’ એટલે વ્યક્તિ પોતાનો કેસ પોતે લડે, વકીલ મારફતે નહીં. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે વકીલોની ફોજ છે અને આજ સુધીના કેસો તેમના વકીલો જ લડ્યા છે, પણ આ વખતે કેજરીવાલે જાણીજોઈને કોર્ટમાં જવાનું નાટક કર્યું.
કેજરીવાલે શું-શું આરોપો લગાવ્યા હતા?
કેજરીવાલ કોર્ટની સુનાવણીમાં પોતાની દલીલો રજૂ કરવા માટે હાજર રહ્યા. આમ તો દિલ્હી હાઇકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થતું નથી પણ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે કોર્ટની કાર્યવાહીના ફૂટેજ પણ કઢાવી લીધા અને સોશિયલ મીડિયા પર ફરતા કર્યા, જેથી એવું દેખાડી શકાય કે કેજરીવાલ પોતાનો કેસ પોતે લડી રહ્યા છે અને કથિત રીતે ‘તાનાશાહી’ સામે લડત આપી રહ્યા છે.
આવું જ નાટક થોડા સમય પહેલાં મમતા બેનર્જીએ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચાલતી SIR પ્રક્રિયાને રોકવા માટેની અરજી કર્યા બાદ જાતે જ કોર્ટમાં દલીલો કરવા માટે પહોંચ્યાં હતાં. રાજકારણીઓએ હવે ન્યાયાલયોને પણ રાજકારણ માટેના મંચો બનાવવાના શરૂ કરી દીધા છે.
કેજરીવાલે આ અરજી અને દલીલો થકી ન્યાયતંત્ર પર અને આ કિસ્સામાં જસ્ટિસ શર્મા પર દબાણ લાવવાના પ્રયાસ કર્યા. પહેલાં એમ તો કહ્યું કે વ્યક્તિગત રીતે તેમને ન્યાયાધીશ સાથે કોઈ વાંધો નથી પણ પછીથી દલીલોમાં એવું પ્રસ્થાપિત કરવાના પ્રયાસ કર્યા કે જજ કેજરીવાલ અને તેમની પાર્ટી પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે અને આ કિસ્સામાં તેમની પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા રાખી શકાય નહીં અને તેઓ સુનાવણી કરશે તો એક પોલિટિકલી સેન્સેટિવ કેસમાં કેજરીવાલ અને અન્ય આરોપીઓને ન્યાય નહીં મળે તેવો તેમને ડર છે.
કેજરીવાલે દલીલમાં કહ્યું કે 9 માર્ચના રોજ જ્યારે CBIની અરજી (કેજરીવાલ અને અન્યોને ડિસ્ચાર્જ કરવાના નિર્ણય વિરુદ્ધની) પર જ્યારે જજ શર્મા સુનાવણી કરી રહ્યાં હતા ત્યારે તેમણે કોઈ જવાબ લીધા વગર આદેશ પસાર કર્યો કે પ્રથમ દૃષ્ટ્યા ટ્રાયલ કોર્ટનો આદેશ ભૂલભરેલો છે. કેજરીવાલે કહ્યું કે ટ્રાયલ કોર્ટે આખા દિવસની સુનાવણી બાદ હજારો પાનાં વાંચીને જે આદેશ પસાર કર્યો હતો તેને જજ શર્માએ પાંચ મિનિટની સુનાવણીમાં ભૂલભરેલો ગણાવી દીધો અને એટલે તેમના (કેજરીવાલ) મનમાં શંકા પેદા થઈ.
દલીલોમાં કેજરીવાલ અધિવક્તા પરિષદ નામના એક જૂથને પણ વચ્ચે લઈ આવ્યા અને કહ્યું કે આ જૂથ આમ આદમી પાર્ટીની વિરોધી વિચારધારા ધરાવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વિચારધારા પર ચાલે છે. કેજરીવાલે આરોપ એવો લગાવ્યો કે જજ શર્મા આ અધિવક્તા પરિષદનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયાં હતાં, જેનાથી તેમનામાં શંકા પેદા થઈ કે પોતાને ન્યાય મળશે કે કેમ.
કેજરીવાલે ગૃહ પ્રધાન અમિત શાહનું એક નિવેદન પણ ટાંક્યું અને કહ્યું કે શાહે કહ્યું હતું કે હાઇકોર્ટમાંથી જે ચુકાદો આવશે ત્યારબાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ જવું પડશે. એવી દલીલ રજૂ કરી કે ન્યાયતંત્રની પરંપરા છે કે જજના નજીકના માણસો જો કોઈ પાર્ટી સાથે સંબંધિત હોય તો જજો કેસમાંથી પોતાને અલગ કરી લે છે.
પછીથી કેજરીવાલે અન્ય એક એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો કે જસ્ટિસ શર્માનાં સંતાનો કેન્દ્ર સરકારના વકીલોની પેનલમાં કામ કરે છે, જે કન્ફ્લિક્ટ ઑફ ઇન્ટ્રેસ્ટની પરિસ્થિતિ પેદા કરે છે.
ટૂંકમાં કેજરીવાલે બહુ ચતુરાઈપૂર્વક કેસ બનાવ્યો હતો, જેનાથી ચિત્ર એવું સર્જાય કે ન્યાયાધીશે ફરજિયાત અલગ થઈ જ જવું પડે. ઉપરથી સોશિયલ મીડિયા પર કેજરીવાલના સમર્થકો અને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે આ નરેટિવ ફેલાવવામાં બહુ જોર લગાવ્યું. માહોલ એવો બનાવવામાં આવ્યો કે જાણે ન્યાયાધીશ આમ આદમી પાર્ટી પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતાં હોય. જજ કોઈ પણ રીતે આ કેસમાંથી દૂર થઈ જાય તેના માટે આ આખું આયોજન કરવામાં આવ્યું.
ચુકાદામાં કોર્ટે શું કહ્યું?
કેસ પર આખરે સોમવારે (20 એપ્રિલ) જજ સ્વર્ણકાંતા શર્માએ ચુકાદો આપ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પોતે આ કેસમાંથી અલગ થઈ રહ્યાં નથી. વિગતવાર આદેશ તેમણે ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવ્યો અને કેજરીવાલના એક-એક આરોપો તર્ક સાથે ખારિજ કર્યા. જજે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું– આ રીતે ન્યાયતંત્ર પર દબાણ લાવી શકાશે નહીં. કોઈ જજનો આદેશ કોઈ ઉપલી કોર્ટ કદાચ રદ પણ કરી દે તો અરજદારને એ અધિકાર નથી મળી જતો કે આવીને કહે કે જજે કેસની સુનાવણી ન કરવી જોઈએ. એક વખત આની પરવાનગી આપી તો પછી આદત પડી જશે કે કોઈ ન્યાયાધીશને ડરાવીને રેસ્ક્યુ કરાવી શકાય એમ છે.
કેજરીવાલનો એજન્ડા ઉઘાડો પાડતાં જજે ચુકાદામાં કહ્યું કે કેજરીવાલે પોતાના માટે ‘વિન-વિન સિચ્યુએશન’ ઊભી કરી છે. એટલે જો રાહત ન મળે તો કહી શકે કે તેમણે પહેલાં જ કહી દીધું હતું કે પરિણામ શું આવશે. જો રાહત મળે તો કહી શકે કે જજ દબાણ હેઠળ કામ કરતાં હતાં એ સાબિત થઈ ગયું અને તેમના આરોપો પણ સાચા ઠર્યા. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના નરેટિવને મેળ ખાય એવી પરિસ્થિતિ રજૂ કરી દીધી હોત.
Justice Sharma: If he does not get the relief, he will say that he had already predicted the outcome. If he gets the relief, he can say the court acted under pressure. The litigant may portray the situation whichever way it suits his narrative.
— Bar and Bench (@barandbench) April 20, 2026
કોર્ટે કહ્યું કે જો આમાં પોતે અલગ થઈ જશે તો સંદેશ એવો જશે કે જજો પણ કોઈ ચોક્કસ વિચારધારાને વરેલા હોય છે કે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા હોય છે. આનાં દુષ્પરિણામો આવી શકે.
‘પોતાના પક્ષમાં કોઈ આદેશ ન આવે તો જજ પર સવાલો ન ઉઠાવાય’
કેજરીવાલના પૂર્વગ્રહના આરોપો રદ કરતાં કોર્ટ ચુકાદામાં કહે છે કે અનેક કિસ્સાઓમાં એવું બન્યું છે કે પોતે આમ આદમી પાર્ટીના નેતાઓને પહેલી જ સુનાવણીમાં રાહત આપી દીધી હોય, પણ ત્યારે તેઓ કે કેજરીવાલ એવું પૂછતા નથી કે આમ કેમ થયું. કોઈ કિસ્સામાં તેમને રાહત ન મળે અને અન્ય પાર્ટીના પક્ષમાં આદેશ આવે તો તેઓ જજ પર સવાલો ન ઉઠાવી શકે.
‘અધિવક્તા પરિષદનો કાર્યક્રમ રાજકીય ન હતો, કેજરીવાલ એક પણ રાજકીય નિવેદન દર્શાવી ન શક્યા’
અધિવક્તા પરિષદના કાર્યક્રમ બાબતે ન્યાયાધીશે સ્પષ્ટતા કરી કે એ રાજકીય કાર્યક્રમ ન હતો. એ નવા ક્રિમિનલ લૉ અને મહિલા દિવસના કાર્યક્રમો હતા. જજો આવા કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે, તેનો અર્થ એ ન કરાય કે તેઓ ચોક્કસ વિચારધારાને વરેલા હોય.
સંગઠનો અને જૂથોના સ્થાપકો અને આયોજકો જે હોય એ, આમંત્રણ જજ તરીકે જ મળતું હોય છે અને તેને કોર્ટમાં ન લઈ અવાય. અહીં એક મહત્ત્વની બાબત પર જજે ધ્યાન દોરતાં કહ્યું કે કેજરીવાલ એવું એક પણ વિધાન દર્શાવી શક્યા નથી જ્યાં ન્યાયાધીશે પોતે આવા કોઈ કાર્યક્રમમાં રાજકીય ટિપ્પણી કરી હોય.
‘અરજદાર નક્કી ન કરી શકે કે જજ કે તેમનો પરિવાર શું કરશે’
સંતાનો કેન્દ્રની પેનલમાં હોવાની વાતમાં જજ શર્માએ કહ્યું કે જો જજના સંબંધીઓ સરકારની પેનલમાં હોય તો અરજદારની એ ફરજ બને છે કે તેઓ એ સાબિત કરે કે તેનાથી વર્તમાન કેસને કે આ કોર્ટના નિર્ણયને કોઈ અસર થઈ શકે છે. આવું કોઈ નેક્સસ બતાવવામાં નહીં આવ્યું અને માત્ર એટલું કહી દેવામાં આવ્યું કે જજનાં બાળકો કેન્દ્રની પેનલમાં છે.
જજે કડક શબ્દોમાં કહ્યું– અરજદાર એ ન કહી શકે કે જજનાં સંતાનો કે પરિવારના સભ્યોએ કઈ રીતે વર્તવું જોઈએ અને જીવન કઈ રીતે જીવવું જોઈએ. ઉપરાંત એ પણ સ્પષ્ટતા કરી કે જજનાં સંતાનો કોઈ પણ રીતે, ક્યાંય પણ એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલાં નથી એટલે કન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો પ્રશ્ન આવતો નથી.
તેમણે કહ્યું, ‘બે ચીજો હોય છે. એક વાસ્તવિક કન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ હોય છે અને એક એ કે તમે કોઈ બાબતને એવી રીતે રજૂ કરો કે એ કન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ લાગે. ન્યાયાધીશે આદેશમાં કહ્યું કે માત્ર એમ કહી દેવું કે મને આ કોર્ટમાંથી રાહત નહીં મળે એ રેક્યુઝલ માટેનું ગ્રાઉન્ડ ન હોય શકે.
અમિત શાહના નિવેદન બાબતની દલીલ પર પણ કોર્ટે સ્પષ્ટતા કરી કે કોઈ રાજકારણી શું બોલે તેની ઉપર કોર્ટનું નિયંત્રણ હોતું નથી અને માત્ર કલ્પનાના આધારે રેક્યુઝલની માંગ ન કરી શકાય.
‘કોર્ટને પરસેપ્શનનું થીએટર ન બનાવી શકાય’
જસ્ટિસ શર્મા કહે છે કે કોર્ટને પર્સેપ્શનનું થીયેટર ન બનાય શકાય. જો આ કોર્ટ કોઈ દેખીતા કારણ વગર કેસમાંથી દૂર થઈ જશે તો સીધો સંદેશ એ જશે કે આરોપો સાચા હતા. અરજીમાં લગાવવામાં આવેલા તમામ આરોપો અનુમાનો અને ધારણાઓ પર આધારિત છે. જો એ સ્વીકારી લેવામાં આવે તો એક ખતરનાક સિલસિલો શરૂ થઈ જશે.
અંતે તેમણે કહ્યું કે આ અરજીમાં પુરાવાનો સદંતર અભાવ હતો અને જે કંઈ હતું એ આશંકાઓ, આરોપો અને શંકા-કુશંકાઓ હતી અને જજની નિષ્પક્ષતા, પારદર્શિતા પર પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશે કહ્યું કે આમાં કેસમાંથી દૂર થઈ જવું સરળ હતું પણ તેઓ ફરજમાંથી દૂર હટી શકે નહીં અને જો પોતે દૂર થઈ જશે તો એવું ચિત્ર સર્જાશે કે જજ પર પણ દબાણ કરી શકાય છે અને ડરાવીને બદલી શકાય છે. એ થવા ન દેવાય.
Justice Sharma: A courtroom cannot be a theatre of perception… In case this court withdraws from this case in absence of any demonstrable cause, it would attach weight to allegations which carry none.
— Bar and Bench (@barandbench) April 20, 2026
જજે કહ્યું, “હું આ અરજીઓ નકારી રહી છું. મેં બંધારણના શપથ લીધા છે. મારા શપથે શીખવ્યું છે કે ન્યાય દબાણ હેઠળ તોળી શકાતો નથી. ન્યાય એ છે જે દબાણ હેઠળ ઝૂકતો નથી. હું કોઈ પણ પ્રકારના ડર કે ભેદભાવ વગર આ કાર્યવાહી ચાલુ રાખીશ અને કેસની સુનાવણી કરતી રહીશ.” જોકે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે મુખ્ય અરજી પર (CBIની) તેઓ આ બધી અરજીઓમાં લાગેલા આરોપો ધ્યાનમાં લીધા વગર વિચાર કરશે અને તેની કોઈ અસર નહીં થાય.


