
એક્સાઈઝ પોલિસી મામલે CBIના કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે CBIએ કરેલી ફરિયાદ પર સુનાવણી જેમાં ચાલી રહી છે તે કેસ અન્ય ન્યાયાધીશને સોંપવાની દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની અરજી દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ફગાવી દીધી છે.
કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી કેસ લઈને અન્ય જજને ટ્રાન્સફર કરવા માટેની માંગ સાથે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને અરજી કરી હતી. હાલ જસ્ટિસ શર્મા CBIની અરજી પર સુનાવણી કરી રહ્યાં છે.
#Breaking
— Bar and Bench (@barandbench) March 15, 2026
Delhi High Court Chief Justice denies Arvind Kejriwal's request to transfer the excise policy case away from Justice Swarana Kanta Sharma. @AamAadmiParty @ArvindKejriwal #JusticeSwaranaKantaSharma pic.twitter.com/vz3gYEdhxR
દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘જજને વર્તમાન રોસ્ટર પ્રમાણે જ અરજી મોકલવામાં આવી છે. આ કેસમાંથી હટવું હોય તો એ નિર્ણય ન્યાયાધીશે પોતે જ કરવાનો હોય. જોકે મને (ચીફ જસ્ટિસને) આમાં પ્રશાસકીય સ્તરેથી કોઈ આદેશ પસાર કરીને અરજી ટ્રાન્સફર કરવા માટેનું કોઈ યોગ્ય કારણ જણાતું નથી.’
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે CBIના કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિતના આરોપીને ડિસ્ચાર્જ કર્યા હતા. ત્યારબાદ એજન્સી હાઇકોર્ટમાં ગઈ હતી, જે મામલે જસ્ટિસ શર્મા સુનાવણી કરી રહ્યાં છે. હાઇકોર્ટે હાલ આ મામલે નોટિસ પાઠવી છે અને કેસ પ્રાથમિક તબક્કામાં છે.
બીજી તરફ કેજરીવાલે થોડા દિવસ પહેલાં ચીફ જસ્ટિસને અરજી કરીને કેસ અન્ય ન્યાયાધીશને સોંપવાની માગ કરી અને કહ્યું કે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસે કેસ રહેશે તો નિષ્પક્ષ સુનાવણી નહીં થઈ શકે. જોકે આ અરજી ફગાવી દેવામાં આવી છે.

