હોમપેજદેશનક્સલવાદ સિરીઝ, ભાગ-3: ગુરિલ્લા વૉરફેર અને લાલ આતંકનો ફેલાવો: નક્સલીઓની ચળવળના કેન્દ્રમાં...

નક્સલવાદ સિરીઝ, ભાગ-3: ગુરિલ્લા વૉરફેર અને લાલ આતંકનો ફેલાવો: નક્સલીઓની ચળવળના કેન્દ્રમાં હતી હિંસા

આ હિંસક ચળવળને આગળ ધપાવવાનો સમગ્ર ભાર ગરીબ, ભૂમિહીન ખેડૂતો પર નાખવામાં આવ્યો. તેમના મગજમાં તથાકથિત સશસ્ત્ર ક્રાંતિનું ભૂસું ભરીને ઉપલા શ્રીમંત વર્ગ પ્રત્યે ઘૃણા પેદા કરવામાં આવી અને કથિત સામંતવાદ ખતમ કરવાના ઈરાદે હથિયારો આપીને છૂટા મૂકી દેવામાં આવ્યા.

- Advertisement -

મે 1969માં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) સ્થપાઈ પછીનાં બે વર્ષ દરમ્યાન વામપંથી ઉગ્રવાદ (જે પછીથી નક્સલવાદ નામે ઓળખાયો) દેશભરમાં ફેલાવા માંડ્યો. હિંસા અને ઉગ્રવાદનો ફેલાવો દેશનાં અન્ય રાજ્યોમાં કરવામાં પાર્ટીની સ્થાપના પાછળ જેનું ભેજું હતું એ ચારુ મજુમદારે જ મોટી ભૂમિકા ભજવી. આના માટે CPI-MLના માણસોએ અમલમાં મૂકી હતી ગુરિલ્લા વૉરફેર સ્ટ્રેટેજી. નાનાં જૂથો, ટુકડીઓ મોટી સેનાઓ વિરુદ્ધ છૂપી રીતે, ઘાત લગાવીને પાછળથી હુમલો કરે એને ગુરિલ્લા યુદ્ધ કહેવાય. આ બધું હવામાં કહેલી વાતો પણ નથી, જે-તે સમયના દસ્તાવેજો, CPI-MLના માણસોનાં લખાણો જુબાની આપે છે.

આ હિંસક ચળવળનો મુખ્ય એજન્ડા હતો– ‘ક્લાસ એનિમીઝ’નો નાશ કરવાનો. આમાં કોણ-કોણ આવે? મોટા જમીનદારો, તેમના એજન્ટો, અમુક ખેડૂતો જેઓ પૈસેટકે સમૃદ્ધ હતા, શ્રીમંત હતા; નાણાં ધીરનારાઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને તેમના ખબરીઓ, બાતમીદારો. ખેડૂત વર્ગમાં, સમાજના નીચલા વર્ગમાં કમ્યુનિસ્ટોએ એવું ઠસાવી દીધું હતું કે આ ઉપર કહ્યો એ વર્ગ તેમનો શત્રુ છે અને આ બધાના નાશ વગર તેમનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી.

ચારુ મજુમદાર અને તેની ગેંગે નીચલા વર્ગને એવું સમજાવ્યું કે એક વખત આ ઉપલા વર્ગને ખતમ કરી દેવાની શરૂઆત કરવામાં આવે પછી તેમના જેવા અન્યો અને તેમના સાથીદારો પણ વિસ્તારો છોડીને ભાગી જશે અને એ વિસ્તાર પોતાના કબજામાં આવી જશે. ગુરિલ્લા વૉરનો આ પ્રથમ તબક્કો હતો. તેમાં શરૂઆતમાં થોડીઘણી ‘સફળતા’ પણ મળી અને અમુક ઠેકાણે જમીનદારો પર હુમલા થવાના શરૂ થયા એમાં અમુક વિસ્તાર છોડીને ભાગવા પણ માંડ્યા. આ ઘટનાક્રમોથી હિંસક વામપંથીઓને ઈંધણ મળ્યું.

- Advertisement -

આ હિંસક ચળવળને આગળ ધપાવવાનો સમગ્ર ભાર ગરીબ, ભૂમિહીન ખેડૂતો પર નાખવામાં આવ્યો. તેમના મગજમાં તથાકથિત સશસ્ત્ર ક્રાંતિનું ભૂસું ભરીને ઉપલા શ્રીમંત વર્ગ પ્રત્યે ઘૃણા પેદા કરવામાં આવી અને કથિત સામંતવાદ ખતમ કરવાના ઈરાદે હથિયારો આપીને છૂટા મૂકી દેવામાં આવ્યા.

હથિયારોના ઉપયોગ પાછળ પણ માઓવાદી વિચારો

પ્રશ્ન એ હતો કે આ હિંસા માટે, હત્યાઓ માટે કેવાં હથિયારોનો ઉપયોગ કરવો. અહીં પણ નક્સલીઓએ માઓ પાસેથી જ ‘પ્રેરણા’ મેળવી. માઓ કહેતો કે, ‘યુદ્ધમાં હથિયાર મહત્ત્વનું સાધન ખરું, પણ નિર્ણાયક પરિબળ નથી. નિર્ણાયક જો કશું હોય તો એ લોકો હોય છે, કોઈ ચીજ નહીં.’ ભારતમાં નક્સલીઓએ તેમના માણસોને પારંપરિક હથિયારો ભાલા, બરછી, તીર-કામઠાંનો જ ઉપયોગ કરવા માટે કહ્યું. બંદૂકો અને અન્ય ફાયરઆર્મ્સની પસંદગી એટલા માટે નહતી થઈ કારણ કે નક્સલીઓનું માનવું હતું કે અમુક બંદૂકો તેઓ ક્યાંકથઈ મેળવી પણ લે તો લાંબો સમય પોતાની પાસે રાખી શકે એમ નથી અને અંતે પોલીસના હાથે લાગી જ જશે.

નક્સલીઓ વિકાસથી વંચિત રહેવાના કારણે હથિયારો ઉપાડવા મજબૂર બન્યા હોવાની વાતો ટાઢાં પહોરનાં ગપ્પાં માત્ર છે એની સાબિતી અહીંથી મળે છે. વાસ્તવમાં આ ચળવળના મૂળમાં પહેલેથી હિંસા જ રહી હતી. હિંસા જ તેના કેન્દ્રમાં હતી. તેના માટે જે ગુરિલ્લા વૉરફેરની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી એ પણ બહુ આયોજનપૂર્વક, જાણીજોઈને, કાળજીપૂર્વક ડિઝાઇન કરીને અમલમાં મુકાઈ હતી. તેમાં માણસોની ભરતી કઈ રીતે કરવી, યુનિટ કઈ રીતે બનાવવાં, હુમલાઓ કઈ રીતે કરવા અને હુમલા બાદ પ્રોપગેન્ડા નેટવર્કને કઈ રીતે કામે લગાડવું– આ બધું જ અગાઉથી નક્કી હતું.

આ આખી સિસ્ટમ કઈ રીતે કામ કરતી એ ચારુ મજુમદારનાં લખાણો પરથી જ જાણવા મળે છે.

કઈ રીતે કામ કરતી હતી સિસ્ટમ?

નક્સલીઓ ગુરિલ્લા યુનિટ બનાવતા એમાં સંપૂર્ણ ગુપ્તતા રાખતા. બધા પાર્ટીના સભ્યોને પણ પૂરતી જાણકારી ન હતી અને આ વાતો અમુક માણસો સુધી જ સીમિત રહેતી. અન્ડરગ્રાઉન્ડ કોન્સ્પિરસી સ્ટાઈલ ઓર્ગેનાઈઝેશન કામ કરે એ જ રીતે અહીં પણ કામ થતું.

ભરતી પણ એકસાથે કરવામાં આવતી ન હતી. પરંતુ વન-ટુ-વન કોન્ટેક્ટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. આ આખી પ્રક્રિયા પણ ચૂપચાપ થતી હતી. આના માટે ગરીબ ખેડૂતોને પસંદ કરવામાં આવતા. ચારુ કહે છે કે આના માટે પાર્ટીના કોમરેડે જે-તે ખેડૂત પાસે જવાનું અને તેને કાનમાં જઈને કહેવાનું– ‘તને નથી લાગતું કે આવા જમીનદારને ખતમ કરી દેવો જોઈએ.’ ટૂંકમાં ઉશ્કેરણી કરીને ભરતી કરવામાં આવતી. ધીમેધીમે માણસોના બ્રેનવૉશ કરવામાં આવતાં અને તેમના મગજમાં એવું નાખવામાં આવતું કે જમીનદારોની હત્યા એ વાજબી કામ છે, ક્રાંતિનું કામ છે.

ગુરિલ્લા યુનિટોમાં પાંચથી સાત માણસો રહેતા. તેમનો એક કમાન્ડર રહેતો. તેમના કથિત અનુશાસન માટેના પણ નિયમો હતા. નાનાં યુનિટો એટલા માટે કારણ કે છુપાવામાં, સ્થળાંતર કરવામાં સરળતા રહે અને પોલીસને પણ ટ્રેક કરવામાં મુશ્કેલી પડે.

હુમલા કઈ રીતે કરવા તેનો પણ ‘રોડમેપ’ રહેતો. પહેલાં પૂરતું સર્વેલન્સ કરવામાં આવતું. નક્સલીઓ નજર રાખીને બેસતા. ટાર્ગેટ હોય તેની હલચલ જોવામાં આવતી, સતત પીછો કરવામાં આવતો. ત્યારબાદ સમય અને સ્થળ નક્કી થતાં. દરમ્યાન છુપાવા માટે ગામડાંમાં ઠેકાણાં તૈયાર કરવામાં આવતાં અને તમામ વહેંચાઈ જતા, જેથી એક પકડાય તો બીજા સુરક્ષિત રહી શકે.

હુમલા માટે તમામ જુદા-જુદા સ્થળોએથી આવતા અને પહેલાં ગામના સામાન્ય માણસો તરીકે જ વર્તન કરતા. આખરે એકસાથે ભેગા મળીને હુમલો કરી દેતા અને ત્યારબાદ ભાગી છૂટતા.

ભાગ 1: નક્સલબાડીથી નક્સલવાદ: દાયકાઓ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સામે પડકાર બનેલા લાલ આતંકની શરૂઆત કઈ રીતે થઈ?

અર્બન નક્સલો કઈ રીતે ફેલાવતા પ્રોપગેન્ડા

હિંસા પછી પ્રોપગેન્ડા મશીનરીની મદદ કઈ રીતે લેવી તે પણ નક્સલીઓ ત્યારથી અમલમાં મૂકતા આવ્યા છે, જે આજની તારીખે પણ ચાલુ છે. આજે પણ નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય ત્યારે છાપાં, મેગેઝીનો, પોર્ટલોમાં લેખો લખાવા માંડે છે, નક્સલીઓના ગુનાને, હિંસાને વ્હાઇટવૉશ કરવાનું ચાલુ કરી દેવામાં આવે છે, ટીવી ચેનલોમાં આ એજન્ડા સાથે ડિબેટો થાય છે. આ અર્બન નક્સલો જે-તે સમયે પણ ઓનગ્રાઉન્ડ નક્સલીઓને કવર ફાયર પૂરું પાડતા હતા. કઈ રીતે? જોઈએ.

હિંસાની ઘટના બને એટલે એક વર્ગ એવો નરેટિવ પ્રસાર કરવામાં લાગી પડતો જેનાથી હિંસા, હત્યા જસ્ટિફાય થઈ શકે. જેમકે, કોઈ જમીનદારની હત્યા થાય તો તેણે કથિત રીતે કેવા અત્યાચાર ગુજાર્યા હતા, લોકોનું કઈ રીતે શોષણ કર્યું હતું એવી વાતો ફેલાવવામાં આવતી. ‘આ જ ન્યાય છે’ એવો વિચાર વહેતો મૂકવામાં આવતો. આ કામ નક્સલીઓની વચ્ચે રહેલા સમાજના તથાકથિત બુદ્ધિજીવીઓને સોંપવામાં આવ્યું હતું. જેના કારણે એક સમયે આ બધી હિંસા અને હત્યાઓને લોકોમાં સ્વીકાર્યતા મળતી થાય અને લોકો માનતા થઈ જાય કે દેશના ઉદ્ધાર માટે, નીચલા વર્ગની પ્રગતિ માટે આ જ એકમાત્ર માર્ગ છે.

ચારુ મજુમદાર આ બધું સમજાવ્યા બાદ કહે છે કે ‘રેડ ટેરર’ એટલે કે લાલ આતંક સંપૂર્ણપણે દેશભરમાં સ્થાપિત ન થઈ જાય ત્યાં સુધી આ રીતે કામ કરવાનું રહેશે. જેથી એક સમયે નક્સલીઓના હાથમાં વિસ્તારોનું સંપૂર્ણ નિયંત્રણ આવી જાય, સરકાર નબળી પડી જાય અને તેઓ આગળ વધી શકે. આ જ સમયગાળામાં મજુમદારે એક વાક્ય આપ્યું હતું, જે તેના નામે આજે પણ ફરતું રહે છે– ‘જેમના હાથ ક્લાસ એનીમીઝના લોહીથી રંગાયા નથી તેમને કમ્યુનિસ્ટ કહી ન શકાય.’

સાચો કમ્યુનિસ્ટ હોય તો તેણે હિંસામાં ભાગ લેવો જ જોઈએ એવો વિચાર પ્રસરાવવામાં આવ્યો. અર્થાત્, અહીં હિંસા આ તથાકથિત ચળવળનું સાધન માત્ર ન હતી પણ વિચારધારાનું એક માપદંડ બનાવી દેવામાં આવતી હતી. હિંસાનો ઉપયોગ સ્થાનિક સ્તરે નેતૃત્વ ક્ષમતા ખતમ કરી નાખીને લોકોને ચળવળમાં ધરાર ધકેલવા માટે શરૂ કરી દેવામાં આવ્યો.

ચળવળ હિંસા પૂરતી સીમિત થઈ ગઈ

આનું પરિણામ એ આવ્યું કે ચળવળ મોટેભાગે હિંસા પૂરતી રહી ગઈ અને માસ મૂવમેન્ટ અને જે આર્થિક કારણોસર આ તૂત ઊભું કરવામાં આવ્યું હતું એ બધાં બાજુ પર રહી ગયાં. બીજી તરફ સુરક્ષાબળો તરફથી પણ પ્રતિકાર આવવાનો શરૂ થયો. એટલે મજુમદાર વગેરેની ‘રણનીતિ’એ એક ડર તો ઉભો કર્યો, પણ ચળવળને સમર્થન મળતું ઘટતું ગયું.

તેમ છતાં માઓવાદી વિચારધારાથી પ્રેરિત નક્સલીઓએ તેમની હિંસા ચાલુ રાખી. ચારુ મજુમદારે 1970ના દાયકાને ‘ડિકેડ ઑફ લિબરેશન’ ગણાવ્યો હતો. આ દરમ્યાન તેણે સતત ચીન સાથે વૈચારિક જોડાણ હોવાનું સ્વીકાર્યું હતું અને માઓવાદી વિચારધારાથી જ કથિત ક્રાંતિ આવી શકે એવી વાતો ફેલાવવાની સતત ચાલુ રાખી હતી. ચીની કમ્યુનિસ્ટ પાર્ટી, જેણે CPI-MLની સ્થાપનામાં પણ ભૂમિકા ભજવી હતી, સતત ‘ગાઈડિંગ ફોર્સ’ તરીકે કામ કરતી રહી.

આ જ પ્રોત્સાહનના જોરે ચારુ મજુમદારે આ ચળવળ પછીથી દેશનાં અન્ય રાજ્યોમાં ફેલાવવા માટે કામ શરૂ કર્યું અને આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, બંગાળ વગેરેને ટાર્ગેટ કરવામાં આવ્યાં. જોકે આ સમય દરમ્યાન CPI-MLમાં મતભેદોનું પ્રમાણ પણ વધ્યું. વધારે પડતી હિંસા, હથિયારોનો ઉપયોગ વગેરે બાબતે ફાડ પડતી ગઈ પણ માઓવાદી મજુમદારે આ બધું અવગણીને જેઓ સામે થતા તેમને જ ટાર્ગેટ કરવાના શરૂ કર્યા.

બીજી તરફ, આ નક્સલવાદ આંધ્રથી લઈને UP-બિહાર અને અન્ય રાજ્યોમાં પ્રસરતો ગયો.

(ક્રમશઃ)

ભાગ 2: નક્સલબાડી પછી: લાલ આતંકનો વિસ્તાર અને CPI-MLની સ્થાપના પાછળ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ભૂમિકા


- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં