હોમપેજએક્સપ્લેઇનર1 એપ્રિલથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો આરંભ: કયા 33 પ્રશ્નો પૂછાશે, નાગરિકો...

1 એપ્રિલથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો આરંભ: કયા 33 પ્રશ્નો પૂછાશે, નાગરિકો સ્વયં કઈ રીતે ભરી શકશે વિગતો– સમજો

વસ્તી ગણતરી કઈ રીતે થશે, પહેલા તબક્કામાં કયા પ્રશ્નો પૂછાશે, જાતે કઈ રીતે નાગરિકો વિગતો ભરી શકશે– તમામ પ્રશ્નોના જવાબો વાંચો.

- Advertisement -

ભારતમાં વસ્તી ગણતરી એ માત્ર આંકડાકીય માહિતી એકઠી કરવાની પ્રક્રિયા નથી પરંતુ દેશના સામાજિક-આર્થિક આયોજનનો મજબૂત આધારસ્તંભ છે. ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત બ્રિટિશ કાળ દરમિયાન 1872માં થઈ હતી. 1881થી દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવાની પરંપરા અવિરતપણે ચાલી આવે છે. આ શ્રેણીમાં છેલ્લે 2011માં 15મી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી, જે તે સમયના ડેટા મુજબ ભારતની વસ્તી અને ભૌગોલિક સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરતી હતી.

ભારતની વસ્તી ગણતરી ‘વસ્તી ગણતરી અધિનિયમ, 1948’ અને ‘વસ્તી ગણતરી નિયમો, 1990’ની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવે છે, જેમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા છે. નિયમ મુજબ 16મી વસ્તી ગણતરી વર્ષ 2021માં યોજાવાની હતી. પરંતુ વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારી અને તેના કારણે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને પરિણામે આ પ્રક્રિયા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવી પડી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના હતી જ્યારે દાયકાના અંતે થનારી ગણતરીમાં વિલંબ થયો હોય.

હવે આ પંદર વર્ષના અંતરાલ બાદ કેન્દ્ર સરકાર 16મી વસ્તી ગણતરી શરૂ કરવા જઈ રહી છે. વસ્તી ગણતરી 2027 શ્રેણીમાં 16મી અને સ્વતંત્રતા પછીની 8મી હશે. 1 એપ્રિલ, 2026થી શરૂ થઈ રહેલી આ ગણતરી ભારત માટે ઐતિહાસિક સાબિત થશે, કારણ કે તે દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે. આ વખતે પેપર ફોર્મ્સને બદલે મોબાઈલ એપ અને ‘સેલ્ફ એન્યુમરેશન’ પોર્ટલ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવશે, જે આધુનિક ભારતના ડિજિટલ પરિવર્તનની પ્રતીતિ કરાવશે. કેન્દ્ર સરકારે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (HLO) માટે 33 પ્રશ્નોની સૂચિ જાહેર કરી દીધી છે અને તેના અંગે 33 FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો) પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવ્યા છે.

- Advertisement -

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આગામી 16મી વસ્તી ગણતરીના આયોજન માટે કુલ ₹11,718.24 કરોડના બજેટને મંજૂરી આપી છે. આ રકમનો ઉપયોગ મુખ્યત્વે વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓના માનદ વેતન અને તેમની સઘન તાલીમ પાછળ કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે વસ્તી ગણતરી પ્રથમવાર ડિજિટલ હોવાથી મજબૂત આઈટી (IT) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા, ડેટા સેન્ટર્સ બનાવવા અને જરૂરી લોજિસ્ટિક્સ સુવિધાઓ પૂરી પાડવા માટે પણ બજેટમાં પર્યાપ્ત જોગવાઈઓ રાખવામાં આવી છે.

વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીઓ

વસ્તી ગણતરી 2027ને ક્ષતિરહિત બનાવવા માટે નવેમ્બર 2025માં દેશભરના 5000 બ્લોક્સમાં એક સંપૂર્ણ ‘પ્રી-ટેસ્ટ’ (રિહર્સલ) કરવામાં આવ્યું હતું, જેમાં નિમણૂકથી લઈને ડેટા પ્રોસેસિંગ સુધીની તમામ ડિજિટલ પદ્ધતિઓ ચકાસવામાં આવી હતી. આ ગણતરીમાં ચોકસાઈ જળવાઈ રહે તે માટે 1 જાન્યુઆરી, 2026થી માર્ચ 2027 સુધી દેશનાં તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 7,092  જિલ્લા, તાલુકા અને આશરે 6.39 લાખ ગામડાંની વહીવટી સીમાઓને સ્થિર (Frozen) કરી દેવામાં આવી છે, જેથી ગણતરી દરમિયાન કોઈ ભૌગોલિક ફેરફાર અવરોધ ન બને.

આ વિશાળ રાષ્ટ્રીય અભિયાન માટે તાલીમનું એક મજબૂત ત્રિસ્તરીય માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ અને 2000 માસ્ટર ટ્રેનર્સ દ્વારા 45,000 ફિલ્ડ ટ્રેનર્સને તૈયાર કરવામાં આવ્યા છે. આ ફિલ્ડ ટ્રેનર્સ હવે દેશભરના અંદાજે 31 લાખ ગણતરીકારો અને સુપરવાઈઝરોને 80 હજાર જેટલા બેચમાં સઘન તાલીમ આપી રહ્યા છે. ગણતરી કરનારા આ કર્મચારીઓને તમામ તાલીમ સામગ્રી તેમની પ્રાદેશિક ભાષાઓમાં પૂરી પાડવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ મુશ્કેલી વિના લોકો પાસેથી ગુણવત્તાયુક્ત અને સચોટ માહિતી સમયસર એકત્રિત કરી શકે. નોંધનીય છે કે આ વખતની વસ્તીગણરી 2 તબક્કામાં કરવામાં આવશે.

પ્રથમ તબક્કો

ભારતની 16મી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલ, 2026થી વિધિવત રીતે શરૂ થશે અને 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) મૃત્યુંજય કુમાર નારાયણના જણાવ્યા અનુસાર, આ ફિલ્ડ ઓપરેશન વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નક્કી કરવામાં આવેલા અલગ-અલગ શેડ્યુલ મુજબ હાથ ધરવામાં આવશે. આથી દેશના કેટલાક વિસ્તારોમાં કામગીરી એપ્રિલમાં શરૂ થશે, જ્યારે અન્ય ભાગોમાં ભૌગોલિક અને વહીવટી અનુકૂળતા મુજબ જૂન, જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં પ્રક્રિયા હાથ ધરાશે.

‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ’ (HLO) તરીકે ઓળખાતો વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોતાની અનુકૂળતા મુજબ આ છ મહિનાના ગાળામાં કોઈ પણ 30 દિવસનો સમય નક્કી કરીને આ કામગીરી પૂર્ણ કરશે. આ તબક્કાની ખાસિયત એ છે કે ગણતરી કરનાર કર્મચારી તમારા ઘરે આવે તેના બરાબર 15 દિવસ પહેલાં ‘સ્વ-ગણતરી’નો (સેલ્ફ એન્યુમરેશન) વિકલ્પ આપવામાં આવશે, જેના દ્વારા ઓનલાઈન માધ્યમથી વિગતો જાતે ભરી શકાશે.

આ પ્રથમ તબક્કાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં મકાનોની સ્થિતિ અને પરિવારોની જીવનશૈલીની વિગતો જાણવાનો છે. તેમાં મુખ્યત્વે મકાન કેવું છે, પરિવાર પાસે પીવાનું પાણી, વીજળી અને શૌચાલય જેવી કઈ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે તથા ઘરમાં ટીવી, વાહન કે ઈન્ટરનેટ જેવી કઈ અસ્કયામતો છે તેની માહિતી એકત્ર કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે કયા પ્રશ્નો પૂછવામાં આવશે તેની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે.

દેશના વિવિધ રાજ્યોમાં વસ્તી ગણતરીની કામગીરી અલગ-અલગ તબક્કે શરૂ થશે. પ્રથમ જૂથમાં આંદામાન અને નિકોબાર, દિલ્હી (NDMC અને કેન્ટોનમેન્ટ), ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં નાગરિકો 1થી 15 એપ્રિલ, 2026 દરમિયાન ઓનલાઈન ‘સ્વ-ગણતરી’ કરી શકશે, જ્યારે 16 એપ્રિલથી 15 મે દરમિયાન ગણતરીકર્તાઓ ઘરે-ઘરે જઈને મકાનોની વિગતો નોંધવાનું કામ કરશે.

બીજા જૂથમાં મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ અને હરિયાણા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં સ્વ-ગણતરી માટેનો સમયગાળો 16થી 30 એપ્રિલ, 2026 નક્કી કરવામાં આવ્યો છે, જે પૂર્ણ થયા બાદ 1 મેથી 30 મે દરમિયાન હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બાકીનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિગતવાર સમયપત્રકની માહિતી સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિશિષ્ટમાં આપવામાં આવી છે.

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશસ્વ-ગણતરીનો (Self-Enumeration) સમયગાળોહાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસનો (HLO) સમયગાળો
આંદામાન-નિકોબાર, દિલ્હી (NDMC/કેન્ટોનમેન્ટ), ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમ1 એપ્રિલથી 15 એપ્રિલ16 એપ્રિલથી 15 મે
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ5 એપ્રિલથી 19 એપ્રિલ20 એપ્રિલથી 19 મે
ઉત્તરાખંડ10 એપ્રિલથી 24 એપ્રિલ25 એપ્રિલથી 24 મે
મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ અને હરિયાણા16 એપ્રિલથી 30 એપ્રિલ1 મેથી 30 મે
બિહાર17 એપ્રિલથી 1 મે2 મેથી 31 મે
તેલંગાણા26 એપ્રિલથી 10 મે11 મેથી 9 જૂન
પંજાબ30 એપ્રિલથી 14 મે15 મેથી 13 જૂન
દિલ્હી (MCD), મહારાષ્ટ્ર, મેઘાલય, રાજસ્થાન અને ઝારખંડ1 મેથી 15 મે16 મેથી 14 જૂન
ઉત્તર પ્રદેશ7 મેથી 21 મે22 મેથી 20 જૂન
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરી17 મેથી 31 મે1 જૂનથી 30 જૂન
હિમાચલ પ્રદેશ1 જૂનથી 15 જૂન16 જૂનથી 15 જુલાઈ
કેરળ અને નાગાલેન્ડ16 જૂનથી 30 જૂન1 જુલાઈથી 30 જુલાઈ
તમિલનાડુ અને ત્રિપુરા17 જુલાઈથી 31 જુલાઈ1 ઓગસ્ટથી 30 ઓગસ્ટ
આસામ2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર
મણિપુર17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર
પશ્ચિમ બંગાળહવે પછી જાહેર કરવામાં આવશેહવે પછી જાહેર કરવામાં આવશે

કેવી રીતે થશે પ્રક્રિયા

વસ્તી ગણતરી 2027 એ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ગણતરી હશે. આ પ્રક્રિયામાં ગણતરી કરનારા કર્મચારીઓ કાગળ-પેનને બદલે પોતાના સ્માર્ટફોન અને વિશેષ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે. તેઓ ઘરે-ઘરે જઈને જે માહિતી મેળવશે તે સીધી જ એપ દ્વારા ઓનલાઈન સબમિટ કરી શકાશે. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મોબાઈલ એપ અને ‘સેલ્ફ એન્યુમરેશન’ પોર્ટલ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 16 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ભાષાના અવરોધ વિના સચોટ માહિતી એકત્ર કરી શકાય.

નાગરિકો માટે આ વખતે ‘સેલ્ફ એન્યુમરેશન’ની સુવિધા એક મહત્વનું પાસું છે. લોકો પોતે જ ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના પરિવારની વિગતો ભરી શકશે. આ ઉપરાંત, સમગ્ર અભિયાનના સંચાલન માટે એક અત્યાધુનિક સેન્ટ્રલ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ગણતરી કરનારાઓની નિમણૂક, તેમનાં આઈડી કાર્ડ જનરેટ કરવાં, તેમને કામની ફાળવણી કરવી અને તેમની તાલીમનું સંચાલન કરવામાં આવશે. આ ડિજિટલ સિસ્ટમથી ગણતરીનું કામ કેટલું પૂર્ણ થયું છે તેનું રિયલ-ટાઇમ મોનિટરિંગ પણ થઈ શકશે.

વહીવટી સ્તરે ચોકસાઈ લાવવા માટે આ વખતે ‘વેબ મેપિંગ એપ્લિકેશન’નો ઉપયોગ કરીને ‘હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ’ (HLBs) તૈયાર કરવામાં આવશે, જેનાથી કોઈ પણ ઘર કે વિસ્તાર ગણતરીમાંથી રહી ન જાય. ડિજિટલ માધ્યમ હોવાથી લોકોની અંગત માહિતીની સુરક્ષા અંગે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ડેટા સુરક્ષા માટે અત્યંત મજબૂત ફાયર વૉલ અને પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે, જેથી નાગરિકોનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત અને ગોપનીય રહે.

કેવી રીતે કરી શકાશે સેલ્ફ-એન્યુમરેશન?

વસ્તી ગણતરી 2027માં નાગરિકોને એક વિશેષ સુવિધા આપવામાં આવી છે, જેના દ્વારા તેઓ ગણતરી કરનાર કર્મચારી (એન્યુમરેટર) ઘરે આવે તે પહેલાં જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે. આ માટે મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને સત્તાવાર SE પોર્ટલ (se.census.gov.in) પર લોગ-ઈન કરવાનું રહેશે. આ પ્રક્રિયા વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અને ગમે ત્યાંથી પૂર્ણ કરી શકશે.

પોર્ટલ પર લોગ-ઈન કર્યા પછી વ્યક્તિએ નકશા પર પોતાના ઘરનું ચોક્કસ સ્થાન માર્ક કરવાનું રહેશે અને પરિવારની જરૂરી વિગતો ભરવાની રહેશે. બધી માહિતી ભરાઈ ગયા પછી જ્યારે ફોર્મ સબમિટ થશે ત્યારે સિસ્ટમ દ્વારા એક 16 અંકનું યુનિક ‘સેલ્ફ-એન્યુમરેશન આઈડી’ (SE ID) જનરેટ કરવામાં આવશે. આ આઈડી ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે જ્યારે વસ્તી ગણતરીના કર્મચારી જ્યારે ઘરે રૂબરૂ મુલાકાતે આવશે ત્યારે તેમને માત્ર આ SE ID જ આપવાનું રહેશે.

નોંધનીય છે કે સ્વ-ગણતરી એ નાગરિકોને આપેલી એક વધારાની વૈકલ્પિક સુવિધા છે. જો વ્યક્તિ ઓનલાઈન વિગતો ન ભરી શકે તો પણ ગણતરીકર્તાઓ અગાઉની વસ્તી ગણતરીની જેમ જ ઘરે રૂબરૂ જઈને માહિતી એકત્ર કરશે. જે લોકોએ ઓનલાઈન વિગતો ભરી દીધી હશે તેમના ઘરે પણ કર્મચારી વેરિફિકેશન માટે જશે, પરંતુ ત્યાં તેમને ફરીથી બધી વિગતો પૂછવાને બદલે માત્ર SE ID દ્વારા ડેટા કન્ફર્મ કરીને વસ્તી ગણતરીમાં જે-તે વ્યક્તિનો સમાવેશ કરી લેવામાં આવશે.

બીજો તબક્કો

વસ્તી ગણતરીનો બીજો અને સૌથી મહત્વનો તબક્કો, જેને ‘વસ્તી ગણતરી’ કહેવામાં આવે છે, તે મુખ્યત્વે ફેબ્રુઆરી 2027 દરમિયાન હાથ ધરવામાં આવશે. જોકે, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા બરફથી ઘેરાયેલા અને દુર્ગમ વિસ્તારોમાં આ પ્રક્રિયા વહેલી એટલે કે સપ્ટેમ્બર 2026માં જ પૂર્ણ કરી લેવામાં આવશે. આ તબક્કાની સૌથી મોટી વિશેષતા એ છે કે સરકારના નિર્ણય મુજબ આ વખતે વસ્તી ગણતરીની સાથે જાતિ (Caste) આધારિત ગણતરી પણ કરવામાં આવશે, જે સામાજિક આંકડાઓ મેળવવામાં મદદરૂપ થશે.

આ બીજા તબક્કા દરમિયાન ગણતરી કરનારાઓ દેશના દરેક નાગરિકની વ્યક્તિગત અને વિગતવાર માહિતી એકત્ર કરશે. જેમાં વ્યક્તિનું શિક્ષણ, સામાજિક અને આર્થિક સ્થિતિ, રહેઠાણમાં થયેલું સ્થળાંતર અને ફર્ટિલિટી જેવા મહત્ત્વનાં પાસાંનો સમાવેશ થાય છે. આ તબક્કા માટે ચોક્કસ કયા પ્રશ્નો પૂછવામાં આવશે અને તેની ચોક્કસ તારીખો કઈ હશે, તેની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં કયા-કયા FAQનો (પ્રશ્નો) સમાવેશ

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા દરમિયાન નાગરિકોને 33 પ્રશ્નો પૂછવામાં આવશે, જેની યાદી 30 માર્ચના રોજ જાહેર કરવામાં આવી છે. આ 33 પ્રશ્નોનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના જીવનધોરણ, આવાસની સુવિધાઓ, પરિવારનું માળખું અને ટેકનિકલ ઉપકરણોના વપરાશ વિશેની સચોટ માહિતી મેળવવાનો છે. હવે જાણીએ કે એ 33 પ્રશ્નો કયા છે, જેના જવાબ દરેક ઘરે આપવા પડશે.

મકાન અને રહેઠાણની વિગતો:

  • 1. બિલ્ડિંગ નંબર: નગરપાલિકા, સ્થાનિક સંસ્થા અથવા વસ્તી ગણતરી દ્વારા અપાયેલો નંબર.
  • 2. ગણતરી ઘર નંબર: ઘરની વિશિષ્ટ ઓળખ માટેનો નંબર.
  • 3. ભોંયતળિયાની સામગ્રી: ઘરના ફ્લોરિંગમાં વપરાયેલી મુખ્ય સામગ્રી (ટાઈલ્સ, સિમેન્ટ, લાકડું વગેરે).
  • 4. દીવાલની સામગ્રી: ઘરની દીવાલો બનાવવામાં વપરાયેલી મુખ્ય સામગ્રી (ઈંટ, પથ્થર, કોંક્રિટ વગેરે).
  • 5. છાપરાની સામગ્રી: ઘરની છત કઈ સામગ્રીથી બનેલી છે (ધાબું, નળિયાં, પતરાં વગેરે).
  • 6. ઘરનો ઉપયોગ: ઘરનો ઉપયોગ રહેઠાણ, દુકાન કે અન્ય હેતુ માટે થાય છે તેની વિગત.
  • 7. ઘરની સ્થિતિ: ઘરની હાલની હાલત (નવું, જૂનું કે જર્જરિત).

પરિવાર અને મુખિયાની વિગતો:

  • 8. પરિવારની સંખ્યા: એક મકાનમાં કેટલા પરિવાર રહે છે તેની સંખ્યા.
  • 9. વ્યક્તિઓની કુલ સંખ્યા: પરિવારમાં સામાન્ય રીતે રહેતા સભ્યોની કુલ સંખ્યા.
  • 10. પરિવારના મુખિયાનું નામ: ઘરના મુખ્ય વ્યક્તિનું નામ.
  • 11. મુખીનું લિંગ: મુખી પુરુષ છે, સ્ત્રી છે કે ટ્રાન્સજેન્ડર.
  • 12. સામાજિક વર્ગ: મુખી અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) કે અન્ય વર્ગના છે.
  • 13. માલિકીની સ્થિતિ: રહેઠાણનું ઘર પોતાનું છે કે ભાડાનું.

રહેઠાણની સુવિધાઓ:

  • 14. રૂમની સંખ્યા: પરિવાર પાસે રહેવા માટે કેટલા રૂમ છે.
  • 15. પરિણીત યુગલો: પરિવારમાં રહેતા પરિણીત જોડાંઓની સંખ્યા.
  • 16. પીવાના પાણીનો સ્ત્રોત: પાણી ક્યાંથી મેળવવામાં આવે છે (નળ, હેન્ડપંપ, કૂવો વગેરે).
  • 17. પાણીની ઉપલબ્ધતા: પીવાનું પાણી પરિસરમાં જ ઉપલબ્ધ છે કે બહારથી લાવવું પડે છે.
  • 18. પ્રકાશનો સ્ત્રોત: ઘરમાં ઉજાસ માટે મુખ્ય સાધન (વીજળી, સોલર, કેરોસીન વગેરે).

સ્વચ્છતા અને રસોઈ:

  • 19. શૌચાલયની સુવિધા: ઘરમાં શૌચાલય છે કે નહીં.
  • 20. શૌચાલયનો પ્રકાર: શૌચાલય કેવા પ્રકારનું છે (ફ્લશ, ખાડાવાળું વગેરે).
  • 21. ગંદા પાણીનો નિકાલ: ડ્રેનેજ કે ગટર વ્યવસ્થાની વિગત.
  • 22. સ્નાન સુવિધા: ઘરમાં નહાવા માટે અલગ જગ્યા કે બાથરૂમ છે કે નહીં.
  • 23. રસોડું અને ગેસ કનેક્શન: અલગ રસોડું અને LPG/PNG કનેક્શનની સુવિધા છે કે નહીં.
  • 24. રસોઈનું ઈંધણ: રાંધવા માટે મુખ્યત્વે કયા બળતણનો ઉપયોગ થાય છે (ગેસ, લાકડાં, વીજળી વગેરે).

સંપત્તિ અને સાધનો:

  • 25. રેડિયો/ટ્રાન્ઝિસ્ટર: ઘરમાં આ સાધન ઉપલબ્ધ છે કે નહીં.
  • 26. ટેલિવિઝન (TV): ટીવીની સુવિધા છે કે નહીં.
  • 27. ઈન્ટરનેટ સુવિધા: ઘરમાં ઈન્ટરનેટ વપરાશની સુવિધા છે કે નહીં.
  • 28. લેપટોપ/કોમ્પ્યુટર: ઘરમાં કોમ્પ્યુટર કે લેપટોપ છે કે નહીં.
  • 29. ફોન સુવિધા: લેન્ડલાઈન, મોબાઈલ કે સ્માર્ટફોનની ઉપલબ્ધતા.
  • 30. દ્વિચક્રી વાહન: સાયકલ, સ્કૂટર કે મોટરસાયકલ છે કે નહીં. 31. ચાર પૈડાંવાળું વાહન: કાર, જીપ કે વેન જેવી ગાડીની ઉપલબ્ધતા.

અન્ય વિગતો:

  • 32. મુખ્ય અનાજ: પરિવાર ખોરાકમાં મુખ્યત્વે કયા અનાજનો (ઘઉં, ચોખા, બાજરી વગેરે) ઉપયોગ કરે છે.
  • 33. મોબાઈલ નંબર: ભવિષ્યના સંપર્ક અને વેરિફિકેશન માટે પરિવારનો મોબાઈલ નંબર.

વર્તમાન ગણતરીમાં આવેલ ફેરફાર

આ પહેલાંની વસ્તી ગણતરી અને આગામી 2027ની વસ્તી ગણતરી વચ્ચેનો સૌથી મોટો તફાવત તેની કાર્યપદ્ધતિમાં છે. અંગ્રેજોના જમાનાથી લઈને 2011 સુધીની આ પ્રક્રિયા સંપૂર્ણપણે કાગળ આધારિત હતી, જ્યારે 2027ની ગણતરી ભારતની પ્રથમ ‘સંપૂર્ણ ડિજિટલ’ ગણતરી હશે. આ વખતે ગણતરી કરનારાઓ મોબાઈલ એપનો ઉપયોગ કરશે અને નાગરિકોને 16 ભાષાઓમાં ‘સેલ્ફ-એન્યુમરેશન’ની નવી સુવિધા મળશે, જેનાથી ડેટા પ્રોસેસિંગનો સમય વર્ષોથી ઘટીને માત્ર 6-9 મહિના થઈ જશે. ટેક્નોલોજીના સ્તરે GPS ટેગિંગ અને જીઓફેન્સિંગ દ્વારા દરેક ઘરનું ચોક્કસ લોકેશન માર્ક કરી રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે, જે 2011ની ભૌતિક નકશાવાળી પદ્ધતિ કરતા વધુ સચોટ હશે.

સમયગાળા અને તબક્કાઓની દૃષ્ટિએ આ પહેલાંની ગણતરી એક સાથે જ કરવામાં આવતી હતી, જ્યારે 2027માં બે સ્પષ્ટ તબક્કા નક્કી કરાયા છે. પ્રથમ તબક્કો (એપ્રિલ-સપ્ટેમ્બર 2026) મકાનોની યાદી અને સુવિધાઓ માટે અને બીજો તબક્કો (ફેબ્રુઆરી-માર્ચ 2027) વ્યક્તિગત વિગતો માટે રહેશે. પ્રશ્નાવલીમાં પણ મહત્વના ફેરફાર છે. જેમાં બેંકિંગના પ્રશ્નો હટાવીને ડિજિટલ યુગ મુજબ ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને મોબાઈલ નંબર જેવી નવી વિગતો ઉમેરવામાં આવી છે. સ્થળાંતર અંગેના પ્રશ્નો પણ આ વખતે વધુ વિગતવાર રાખવામાં આવ્યા છે.

સામાજિક અને વહીવટી દૃષ્ટિએ એક ઐતિહાસિક ફેરફાર ‘જાતિ ગણતરી’ (Caste Census) છે; 2011માં માત્ર SC/STની ગણતરી થતી હતી, પરંતુ 2027માં સ્વતંત્રતા પછી પ્રથમ વખત તમામ સમુદાયો માટે સંપૂર્ણ જાતિ ગણતરી કરવામાં આવશે. આ વિશાળ ડિજિટલ માળખા માટે કેન્દ્ર સરકારે ₹11,718 કરોડનું બજેટ ફાળવ્યું છે, જે 2011ના ખર્ચ કરતા ઘણું વધારે છે. આ રકમનો મોટો હિસ્સો 31 લાખ કર્મચારીઓની તાલીમ અને મજબૂત આઈટી (IT) ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પાછળ વાપરવામાં આવશે.

ટૂંકમાં પહેલાંની ગણતરી પરંપરાગત અને પ્રમાણમાં ધીમી હતી, જ્યારે 2027ની ગણતરી વધુ પારદર્શક, ઝડપી અને સમાવેશી હશે. ડિજિટલ માધ્યમથી ડેટા સુરક્ષા અને ગોપનીયતાના નવા પ્રોટોકોલ સાથે આ ગણતરી દેશની બદલાયેલી ભૌગોલિક અને સામાજિક સ્થિતિનું સચોટ ચિત્ર રજૂ કરશે. આ વસ્તી ગણતરી દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા, ખાસ કરીને બીજા તબક્કાની જાતિ આધારિત ગણતરી અને વ્યક્તિગત વિગતો, આગામી દાયકા માટે શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી કલ્યાણકારી યોજનાઓના સચોટ નીતિ નિર્માણમાં મજબૂત આધારસ્તંભ સાબિત થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં