હોમપેજદેશ1 બિલિયનનો પ્રોજેક્ટ, બે વર્ષમાં તૈયાર: ભારતે શરૂ કર્યું સમુદ્રી ગેસ ઉત્પાદન–...

1 બિલિયનનો પ્રોજેક્ટ, બે વર્ષમાં તૈયાર: ભારતે શરૂ કર્યું સમુદ્રી ગેસ ઉત્પાદન– જાણો શું છે દમણ અપસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ઉર્જા સુરક્ષા માટે કેમ મહત્વપૂર્ણ

ભારતનો એક મોટો ઑફશોર ગેસ પ્રોજેક્ટ ઑપરેશનલ થવો માત્ર એક તકનીકી સિદ્ધિ નથી. તે એ દિશાનો સંકેત છે જેમાં ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને લઈને વધુ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.

- Advertisement -

મિડલ-ઈસ્ટમાં ચાલતા તણાવ, ખાસ કરીને ઈરાન સાથે જોડાયેલી ઘટનાઓએ વૈશ્વિક ઊર્જા બજારને ફરી એક વાર અસ્થિર કરી દીધું છે. તેલ અને ગેસના પુરવઠા અંગે અનિશ્ચિતતા વધી રહી છે. આવા સમયમાં ભારત જેવા આયાત પર આધારિત દેશ માટે દરેક નવો ઘરેલુ સ્ત્રોત વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો બને છે. આ જ પૃષ્ઠભૂમિમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે ભારત સરકારની કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને (ONGC) પોતાના ‘દમણ અપસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’માં (DUDP) ગેસનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

ઓએનજીસીના જણાવ્યા અનુસાર 29 માર્ચના રોજ આ પ્રોજેક્ટ હેઠળ પહેલી વખત ગેસનો પ્રવાહ શરૂ થયો અને તેને પ્રોસેસિંગ નેટવર્ક સાથે જોડવામાં આવ્યો. તેનો સીધો અર્થ એ છે કે આ પ્રોજેક્ટ હવે બાંધકામના તબક્કામાંથી બહાર નીકળીને કાર્યરત અને આવક ઉત્પન્ન કરતા તબક્કામાં પ્રવેશી ગયો છે. એટલે કે જે પ્રોજેક્ટ પર છેલ્લાં બે વર્ષથી કામ ચાલી રહ્યું હતું તે હવે દેશના ગેસ પુરવઠામાં વાસ્તવિક યોગદાન આપવા લાગ્યો છે.

₹1 બિલિયનનું રોકાણ અને 2 વર્ષમાં તૈયાર

DUDP પ્રોજેક્ટ લગભગ $1 બિલિયનના (લગભગ ₹8,000–8,500 કરોડ) ખર્ચથી વિકસિત કરવામાં આવ્યો છે. ઑફશોર સેક્ટરમાં આ સ્તરના પ્રોજેક્ટ્સ સામાન્ય રીતે લાંબો સમય લે છે, પરંતુ ONGCએ તેને લગભગ 2 વર્ષથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરીને ઑપરેશનલ સ્ટેજ સુધી પહોંચાડી દીધો છે, જે પોતે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.

- Advertisement -

આ ઝડપી કામ પાછળ મલ્ટી-પેકેજ કોન્ટ્રાક્ટિંગ, પેરેલલ એન્જિનિયરિંગ વર્ક અને ઑફશોર કન્સ્ટ્રક્શન ક્ષમતાઓનું સારું યોગદાન રહ્યું છે. Larsen & Toubro જેવી કંપનીઓને આપવામાં આવેલા ઑફશોર EPC કોન્ટ્રાક્ટ્સ દ્વારા વેલહેડ પ્લેટફોર્મ્સ અને સબસી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમયસર સ્થાપિત કરવામાં આવ્યા છે. એટલે કે આ માત્ર એક પ્રોજેક્ટ પૂરો થવાની વાત નથી પરંતુ આ દર્શાવે છે કે ભારતે હવે જટિલ ઑફશોર ઊર્જા પ્રોજેક્ટ્સને પણ ઝડપથી પૂરા કરવાની ક્ષમતા વિકસાવી લીધી છે.

DUDP પ્રોજેક્ટ શું છે?

દમણ અપસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DUDP) અરબી સમુદ્રમાં આવેલા તાપી-દમણ બ્લોકનો એક ભાગ છે. આ વિસ્તાર પહેલેથી જ હાઈડ્રોકાર્બન ઉત્પાદન માટે જાણીતો છે, પરંતુ DUDPનો મુખ્ય હેતુ અસ્તિત્વમાં રહેલા ક્ષેત્રોમાં ઉપરની તરફ (upside potential) રહેલા ગેસના ભંડારને બહાર કાઢવાનો છે, જેને અત્યાર સુધી પૂરેપૂરો ઉપયોગમાં નહોતો લેવાયો.

આ પ્રોજેક્ટ હેઠળ સમુદ્રમાં નવા વેલહેડ પ્લેટફોર્મ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, સબસી પાઈપલાઈન્સ ફેલાવવામાં આવી છે અને અસ્તિત્વમાં રહેલા પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવ્યું છે. આશરે 140 કિલોમીટર લાંબા પાઈપલાઈન નેટવર્ક દ્વારા ગેસને કાંઠા સુધી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તે સીધો પ્રોસેસિંગ હબ સુધી પહોંચી શકે.

સમુદ્રથી હજીરા સુધી: કેવી રીતે કામ કરે છે સિસ્ટમ?

ઑફશોર ગેસ ઉત્પાદન એ ટેક્નિકલ રીતે અત્યંત જટિલ પ્રક્રિયા છે. DUDP પ્રોજેક્ટમાં સમુદ્રના તળિયે આવેલા રિઝર્વાયર સુધી ડ્રિલિંગ દ્વારા પહોંચ બનાવવામાં આવે છે. ત્યાંથી નીકળેલા ગેસને પ્લેટફોર્મ્સ મારફતે સપાટી પર લાવવામાં આવે છે અને પછી હાઈ-પ્રેશર પાઈપલાઈન્સ દ્વારા કિનારે મોકલવામાં આવે છે.

આ પ્રોજેક્ટમાંથી નીકળતા ગેસને હજીરા સ્થિત પ્રોસેસિંગ ફેસિલિટીઝ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે, જ્યાંથી તેને આગળ ઔદ્યોગિક અને શહેરી ગેસ નેટવર્કમાં વિતરિત કરવામાં આવશે. ઑફશોર ટેક્નોલોજીના રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટથી આશરે 5 MMSCMD સુધીની ગેસ ઉત્પાદન ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે. આ આખી વ્યવસ્થા રિયલ-ટાઈમ મોનિટરિંગ, પ્રેશર કંટ્રોલ અને કોરોઝન મેનેજમેન્ટ જેવી અદ્યતન ટેક્નોલોજીઓ પર આધારિત છે, જે સમુદ્રી વાતાવરણમાં સતત કામગીરીને શક્ય બનાવે છે.

આ પ્રોજેક્ટનું એક મહત્વનું પાસું તેનું ગુજરાત સાથેનું જોડાણ છે. હજીરા પહેલેથી જ ભારતનું એક મોટું ગેસ અને પેટ્રોકેમિકલ હબ છે. DUDPમાંથી આવતો વધારાનો ગેસ સ્થાનિક ઉદ્યોગો, વીજ ઉત્પાદન એકમો અને શહેરી ગેસ વિતરણ નેટવર્કને મજબૂત કરશે. ગુજરાત, જે પહેલેથી જ ઊર્જા અને મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર છે, તેના માટે આ પ્રોજેક્ટ સપ્લાયની સ્થિરતા અને કિંમત નિયંત્રણ બંનેમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. 

ઊર્જા સુરક્ષા પર અસર: કેમ મહત્વનો છે આ પ્રોજેક્ટ?

ભારત હજુ પણ પોતાની ગેસની જરૂરિયાતોનો મોટો ભાગ આયાતથી પૂરો કરે છે, ખાસ કરીને LNGના રૂપમાં. પરંતુ જ્યારે વૈશ્વિક બજારમાં અસ્થિરતા આવે છે, જેમ કે મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, ત્યારે કિંમતો અને સપ્લાય બંને પર અસર પડે છે. આવી સ્થિતિમાં DUDP જેવા પ્રોજેક્ટ ત્રણ સ્તરે અસર કરે છે.

પહેલું, સ્થાનિક ઉત્પાદન વધારીને આયાત પરની નિર્ભરતા ઘટાડે છે. બીજું, ગેસની ઉપલબ્ધતા વધારીને ઉદ્યોગ અને વીજ ઉત્પાદન ક્ષેત્રને સ્થિર સપ્લાય આપે છે. ત્રીજું, ભારતને લાંબાગાળાના ઊર્જા આયોજનમાં વધુ સ્વતંત્રતા આપે છે. સરકારનો ટાર્ગેટ 2030 સુધીમાં ઊર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો વધારવાનો છે અને ONGCના આવા પ્રોજેક્ટ તે જ દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 

આજે જ્યારે આખી દુનિયા મિડલ-ઈસ્ટની અસ્થિરતા અને સંભવિત ઊર્જા સંકટ પર નજર રાખી રહી છે, ત્યારે ભારતનો એક મોટો ઑફશોર ગેસ પ્રોજેક્ટ ઑપરેશનલ થવો માત્ર એક તકનીકી સિદ્ધિ નથી. તે એ દિશાનો સંકેત છે જેમાં ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને લઈને વધુ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. ONGCનો આ પ્રોજેક્ટ એ વાત સ્પષ્ટ કરે છે કે દેશ હવે માત્ર આયાત વ્યવસ્થાપન સુધી મર્યાદિત રહેવા માંગતો નથી, પરંતુ પોતાના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને એક સ્થિર અને સુરક્ષિત ઊર્જા ભવિષ્ય તરફ આગળ પણ વધી રહ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં