હોમપેજદેશશું હોય છે પેટ્રોલ-ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી અને તેમાં ઘટાડાનો શું...

શું હોય છે પેટ્રોલ-ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી અને તેમાં ઘટાડાનો શું અર્થ છે: સરકારના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા છતાં હાલ ભાવ સ્થિર રહેવાની શક્યતા

પેટ્રોલ-ડીઝલના ભાવનું માળખું શું છે અને આ નિર્ણય શા માટે અને કયા સંજોગોમાં લેવામાં આવ્યો– સમજો.

- Advertisement -

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા વધારા સામે સામાન્ય જનતાને રક્ષણ આપવા ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 26 માર્ચ, 2026ની રાત્રે બહાર પાડવામાં આવેલા એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન દ્વારા સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ₹10 પ્રતિ લિટર સુધી ઘટાડી છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલમાં સતત ઉતારચડાવ આવી રહ્યા છે. જો સરકારે આ પગલું ન લીધું હોત તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટર દીઠ ₹25થી ₹30નો વધારો થવાની ભીતિ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ નિર્ણય જનતાને મોંઘવારીના મારથી બચાવવા માટે લેવામાં આવ્યો છે.

સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાં ફેરફાર કર્યા છે. અગાઉ પેટ્રોલ ₹13 પ્રતિ લિટર ડ્યુટી લાગતી હતી, જે ઘટાડીને હવે માત્ર ₹3 પ્રતિ લિટર કરવામાં આવી છે. ડીઝલ પરની ₹10ની ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરીને તેને ‘નિલ’ (0) કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્તરે ઈંધણની અછત ન સર્જાય તે માટે સરકારે ડીઝલની નિકાસ પર ₹21.5 અને ATF (વિમાનના બળતણ) પર ₹29.5 પ્રતિ લિટર એક્સપોર્ટ ડ્યુટી પણ લગાવી છે.

- Advertisement -

શું છે પેટ્રોલના ભાવનું આખું સ્ટ્રક્ચર

પેટ્રોલ પંપ પર જ્યારે આપણે એક લિટર પેટ્રોલ પુરાવીએ છીએ ત્યારે આપણે જે કિંમત ચૂકવીએ છીએ તે કોઈ એક જ વસ્તુનો ભાવ નથી. આ ભાવો નક્કી કરવા માટેનું એક સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચરમાં ક્રુડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમત, રિફાઈનિંગ ખર્ચ, કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી, પેટ્રોલ પંપ ડીલર્સનું કમિશન અને રાજ્ય સરકારોની VATનો (Value Added Tax) પણ સમાવેશ થાય છે. આ માળખાના કારણે જ વિવિધ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલના ભાવમાં ₹15-20 સુધીનો તફાવત પડે છે.

પેટ્રોલના ભાવના મુખ્ય ઘટકો (Price Build-up Structure) પેટ્રોલનો અંતિમ ભાવ નીચેના ચાર મુખ્ય ભાગોમાં વહેંચાય છે.

બેઝ પ્રાઈસ અથવા પ્રાઈસ ચાર્જેબલ ટુ ડીલર્સ (Base Price / Ex-Depot Price): આમાં આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલની કિંમત (Indian Crude Basket), રિફાઈનિંગ ખર્ચ, લોજિસ્ટિક્સ, વીમો અને રૂપિયા-ડોલર વિનિમય દરનો સમાવેશ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs – IOC, BPCL, HPCL) આ ભાવ નક્કી કરે છે. આ ભાગ દેશભરમાં લગભગ સમાન હોય છે, પરંતુ અંતર અને પરિવહન ખર્ચને કારણે થોડો તફાવત પડી શકે છે.

કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી (Central Excise Duty): આ ડ્યુટી કેન્દ્ર સરકાર વસૂલે છે અને તે સમગ્ર દેશમાં એકસરખી હોય છે. તેમાં બેઝિક એક્સાઈઝ ડ્યુટી, સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED), રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વગેરેનો સમાવેશ થાય છે. આ ડ્યુટી રિફાઈનરીમાંથી માલ ક્લિયર થાય ત્યારે વસૂલાય છે.

ડીલર કમિશન (Dealer Commission / Margin): આનો અર્થ છે પેટ્રોલ પંપના ડીલર્સને મળતું કમિશન. આ સામાન્ય રીતે પેટ્રોલ માટે ₹3.50 થી ₹4 પ્રતિ લિટર હોય છે. આ કમિશન ડીલરના વ્યવસાયિક ખર્ચ (વેતન, વીમો, મેઈન્ટેનન્સ વગેરે) માટે વપરાય છે. આ પણ દેશભરમાં લગભગ સમાન છે.

રાજ્ય સરકારની VAT અથવા સેલ્સ ટેક્સ (State VAT): આ ડ્યુટી રાજ્ય સરકારો વસૂલે છે અને તે ટકાવારીમાં હોય છે. VAT ઉપરના તમામ ઘટકો એટલે કે બેઝ પ્રાઈસ, એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન પર લાગુ પડે છે. વિવિધ રાજ્યોમાં VATના દર અલગ-અલગ છે (ઉદા. દિલ્હીમાં લગભગ 19.4%, મહારાષ્ટ્ર અથવા અન્ય રાજ્યોમાં વધુ). કેટલાક રાજ્યોમાં વધારાના સેસ પણ લાગુ પડે છે. આ જ કારણે ગુજરાત, દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં તફાવત પડે છે.

આવું માળખું કેમ રાખવામાં આવ્યું છે?

ભારતીય અર્થતંત્ર અને ફેડરલ સિસ્ટમને કારણે આ ડ્યુઅલ ટેક્સેશન સ્ટ્રક્ચર અપનાવવામાં આવ્યું છે.

રેવેન્યુનો મોટો અને સ્થિર સ્ત્રોત: પેટ્રોલ-ડીઝલ પરના કરો કેન્દ્ર અને રાજ્યો બંને માટે મોટી આવક છે. આ નાણાં રોડ નિર્માણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને અન્ય વિકાસ કાર્યો માટે વપરાય છે. પેટ્રોલિયમ કરો કેન્દ્રની આવકનો મહત્વનો હિસ્સો છે.

રાજ્યોને નાણાકીય સ્વાયત્તતા: ભારત એક સંઘીય દેશ છે. રાજ્યોને VAT નક્કી કરવાનો અધિકાર આપવાથી તેઓ પોતાની નાણાકીય જરૂરિયાત (ખર્ચ, દેવું, વિકાસ યોજનાઓ) અનુસાર દર નક્કી કરી શકે છે. આ કારણે જ વિવિધ રાજ્યોમાં ભાવમાં તફાવત પડે છે.

વપરાશ નિયંત્રણ અને પર્યાવરણીય લક્ષ્ય: વધુ કરો લગાવીને પેટ્રોલ-ડીઝલના વપરાશને નિયંત્રિત કરી શકાય છે, પ્રદૂષણ ઘટાડી શકાય છે અને ઈલેક્ટ્રિક વાહનો, CNG જેવી વૈકલ્પિક ઊર્જા તરફ પ્રોત્સાહન મળે છે.

ઐતિહાસિક અને વ્યવહારિક કારણ: GST આવ્યા પછી પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને તેની બહાર રાખવામાં આવી છે જેથી રાજ્યોને આ મહત્વનો કરનો સ્ત્રોત જળવાઈ રહે. કેન્દ્ર એક્સાઈઝ ડ્યુટી અને સેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે આવક વસૂલે છે, જ્યારે રાજ્યો વેચાણ પર VATથી સ્થાનિક આવક મેળવે છે. આ માળખું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આવકનું સંતુલિત વિતરણ કરે છે.

એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાનો અર્થ શું છે?

સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. નોંધનીય છે કે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ક્રુડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આ ભાવવધારાના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને (OMC) મોટું નુકસાન થઈ રહ્યું હતું, જેના કારણે ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની આશંકાઓ હતી.

સરકારે આ નિર્ણય લઈને પોતાના પર બોજ લીધો છે જેથી સામાન્ય નાગરિકોને આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાની અસર ઓછી થાય. એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાથી OMCના નુકસાનમાં આશરે 30-40% જેટલી રાહત મળે છે. તેઓ હવે વધુ નુકસાન વેઠીને પણ ભાવ વધારવા માટે મજબૂર નહીં થાય. આ રાહત તેમને વર્તમાન ભાવ સ્થિર રાખવામાં મદદ કરશે.

મોટેભાગે આ ઘટાડાનો લાભ સીધો ગ્રાહકોને નહીં મળે. OMCs આ રાહતને પોતાના નુકસાનને ઓછું કરવા માટે વાપરશે. પરિણામે પંપ પર પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેશે અથવા વધારો નહીં થાય. જો ડ્યુટી ન ઘટાડી હોત તો ભાવમાં મોટો વધારો થયો હોત, જેમ કે અન્ય દેશોમાં 20-50% જેટલો પણ વધારો થયો છે.

આ મામલે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે, “મોદી સરકાર પાસે બે વિકલ્પ હતા – કાં તો નાગરિકો માટે ભાવમાં મોટો વધારો કરવો અથવા પોતાના પર બોજ લઈને નાગરિકોને આંતરરાષ્ટ્રીય અસ્થિરતાથી બચાવવા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજો વિકલ્પ પસંદ કર્યો.” તેમણે ઉમેર્યું કે આ નિર્ણય રશિયા-યુક્રેન યુદ્ધ વખતે અપનાવેલી વ્યૂહરચના સાથે સુસંગત છે. સરકારે પોતાની આવકમાં મોટો ઘટાડો સ્વીકાર્યો છે જેથી સામાન્ય નાગરિક, પરિવહન, કૃષિ અને ઉદ્યોગને અસર ન થાય.

નોંધનીય છે કે આ ઘટાડો ગ્રાહકોને સીધી રાહત આપવા કરતાં વધુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને નુકસાનમાંથી બચાવવા અને ભાવ વધારાને રોકવા માટે છે. સરકારે વૈશ્વિક તણાવનો બોજ પોતાના ઉપર લીધો છે જેથી સામાન્ય માણસને અસર ઓછી થાય. અંતિમ ભાવ હજુ પણ રાજ્ય વેટ, આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ અને OMCsની વ્યૂહરચના પર આધારિત રહેશે. હમણાં તરત ભાવ ઘટવાની સંભાવના ઓછી છે પરંતુ વધારો પણ અટકાવવામાં આવ્યો છે.

એક્સાઈઝ ડ્યુટીનો અર્થ

ભારતીય અર્થતંત્રમાં કરવેરાનું માળખું અત્યંત મહત્વનું છે, જેમાં ‘એક્સાઈઝ ડ્યુટી’ (Excise Duty) એક પાયાનો સ્તંભ ગણાય છે. 1 જુલાઈ 2017થી જીએસટી (GST) અમલમાં આવ્યા બાદ કરવેરાની દુનિયામાં મોટા ફેરફારો આવ્યા છે, તેમ છતાં કેટલીક પાયાની વસ્તુઓ માટે એક્સાઈઝ ડ્યુટી હજુ પણ એટલી જ પ્રસ્તુત છે.

એક્સાઈઝ ડ્યુટી એટલે શું?

એક્સાઈઝ ડ્યુટી એ કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતો એક અપ્રત્યક્ષ કર (Indirect Tax) છે. આ કરની ખાસિયત એ છે કે તે વસ્તુના વેચાણ પર નહીં, પરંતુ તેના ઉત્પાદન (Manufacture) પર લાગુ પડે છે. જ્યારે કોઈ વસ્તુ દેશની સરહદની અંદર બનાવવામાં આવે છે, ત્યારે તેના ઉત્પાદક પર આ કરની જવાબદારી બને છે. જોકે, ઉત્પાદક આ કરનો બોજ ગ્રાહક પર નાખે છે, જેથી વસ્તુની બજાર કિંમતમાં એક્સાઈઝ ડ્યુટીનો સમાવેશ થયેલો હોય છે.

GST આવ્યા પછી મોટાભાગની ચીજવસ્તુઓ એક સમાન ટેક્સ હેઠળ આવી ગઈ છે, પરંતુ અમુક વસ્તુઓ હજુ પણ એક્સાઈઝ ડ્યુટીના દાયરામાં છે. જેમકે પેટ્રોલ, ડીઝલ, ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ, ATF, માનવ વપરાશ માટેનો આલ્કોહોલ પર એક્સાઈઝ ડ્યુટી લાગુ પડે છે. આ ઉપરાંત તમાકુ અને તેની બનાવટો પર GST ઉપરાંત સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી પણ લાગે છે.

ભારતમાં એક્સાઈઝ ડ્યુટીના પ્રકારો

મુખ્યત્વે સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ, 1944 અને સેન્ટ્રલ એક્સાઈઝ ટેરિફ એક્ટ, 1985 હેઠળ આ ડ્યુટીને ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવી છે.

બેઝિક એક્સાઈઝ ડ્યુટી (Basic Excise Duty – BED): બેઝિક એક્સાઈઝ ડ્યુટી એ કરનો સૌથી સામાન્ય અને પાયાનો પ્રકાર છે. તે સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ, 1944ની કલમ 3 હેઠળ ભારતમાં ઉત્પાદિત થતી લગભગ તમામ વસ્તુઓ પર લાગુ પડે છે (મીઠું આમાંથી બાકાત છે). આ ડ્યુટી સેન્ટ્રલ એક્સાઈઝ ટેરિફ એક્ટની પ્રથમ અનુસૂચિમાં નોંધાયેલી વસ્તુઓ પર લાગે છે. આ ડ્યુટી ‘એડ વેલોરમ’ (વસ્તુના મૂલ્ય પર ટકાવારી મુજબ) અથવા ‘સ્પેસિફિક’ (વસ્તુના વજન કે લિટર દીઠ નક્કી રકમ) એમ બંને રીતે વસૂલી શકાય છે. સરકાર માટે આ આવકનું મુખ્ય સાધન છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેઝિક એક્સાઈઝ ડ્યુટી એક મોટો હિસ્સો ધરાવે છે.

એડીશનલ એક્સાઈઝ ડ્યુટી (Additional Excise Duty – AED): બેઝિક ડ્યુટી ઉપરાંત ચોક્કસ વસ્તુઓ પર વધારાનો કર લાદવામાં આવે છે, જેને વધારાની એક્સાઈઝ ડ્યુટી કહેવામાં આવે છે. જે એડિશનલ ડ્યુટીઝ ઓફ એક્સાઈઝ એક્ટ, 1957 હેઠળ વસૂલવામાં આવે છે. આ ડ્યુટીનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે આવકનું સંતુલિત વિતરણ કરવાનો છે. ઘણીવાર આ કર સેલ્સ ટેક્સ અથવા અન્ય સ્થાનિક વેરાના સ્થાને વસૂલવામાં આવે છે જેથી કર માળખામાં એકરૂપતા જળવાય. તે મુખ્યત્વે વિશિષ્ટ કૃષિ ઉત્પાદનો અથવા ઔદ્યોગિક કાચા માલ પર લાગુ કરવામાં આવે છે.

વિશેષ એક્સાઈઝ ડ્યુટી (Special Excise Duty – SED): વિશેષ એક્સાઈઝ ડ્યુટી એ ખાસ પ્રકારની વસ્તુઓ પર લાદવામાં આવતો વધારાનો કર છે. જે સેન્ટ્રલ એક્સાઈઝ ટેરિફ એક્ટની બીજી અનુસૂચિમાં સૂચિબદ્ધ વસ્તુઓ પર જ લાગે છે. આ કર મુખ્યત્વે પાન મસાલા, તમાકુની બનાવટો અને વૈભવી (Luxury) વસ્તુઓ પર લગાડવામાં આવે છે. આ ડ્યુટી પાછળનો હેતુ માત્ર આવક ઊભી કરવાનો નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક કે બિનજરૂરી વૈભવી વસ્તુઓના વપરાશને નિયંત્રિત કરવાનો અને લોકોને આવી વસ્તુઓથી દૂર કરવાનો પણ છે.

નોંધનીય છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED) જેવા વધારાના સેસ પણ લાગુ થાય છે. જેમાં તાજેતરમાં મોટો ફેરફાર થયો છે.

સરકાર એક્સાઈઝ ડ્યુટી કેવી રીતે ઉઘરાવે છે?

એક્સાઈઝ ડ્યુટી એ કેન્દ્ર સરકારની આવકનો એક મજબૂત સ્ત્રોત છે. ભલે જીએસટી (GST) આવ્યા પછી તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત થયું હોય, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને તમાકુ જેવી વસ્તુઓ પર આજે પણ આ કર પાયાના સ્તરે વસૂલવામાં આવે છે. આ કર મુખ્યત્વે વસ્તુના ઉત્પાદન પર લાગે છે અને જ્યારે માલ ફેક્ટરી કે રિફાઈનરીમાંથી બહાર મોકલવામાં આવે ત્યારે તેની વસૂલાત કરવામાં આવે છે. આ સંપૂર્ણ વ્યવસ્થાનું સંચાલન નાણા મંત્રાલય હેઠળનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) કરે છે.

ફરજિયાત રજિસ્ટ્રેશન (Registration): કોઈપણ કંપની જે એક્સાઈઝ લાગુ પડતી હોય તેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે (જેમ કે રિફાઈનરી કંપનીઓ IOC કે BPCL) તેમણે સૌથી પહેલાં CBICના ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન બાદ તેમને એક્સાઈઝ કંટ્રોલ કોડ (ECC) અથવા અસેસી કોડ આપવામાં આવે છે. આ કોડ વિના ઉત્પાદન કે વેચાણ કરવું એ કાયદાકીય ગુનો ગણાય છે.

વસ્તુનું વર્ગીકરણ અને દર નક્કી કરવા (Classification): ઉત્પાદિત વસ્તુઓને ‘સેન્ટ્રલ એક્સાઈઝ ટેરિફ એક્ટ’ મુજબ અલગ-અલગ શ્રેણીમાં વહેંચવામાં આવે છે. આ વર્ગીકરણના આધારે જ નક્કી થાય છે કે વસ્તુ પર બેઝિક એક્સાઈઝ ડ્યુટી (BED) લાગશે કે સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED). પેટ્રોલ અને ડીઝલના કિસ્સામાં આ દર લિટર દીઠ નક્કી હોય છે.

કોર્ડ જાળવણી અને ડ્યુટીની ગણતરી (Assessment): ઉત્પાદક કંપનીએ કેટલો કાચો માલ વાપર્યો, કેટલો સ્ટોક તૈયાર થયો અને કેટલો માલ ફેક્ટરીમાંથી બહાર મોકલ્યો, તેનો પાકો હિસાબ રાખવો પડે છે. માલ રિફાઈનરી કે ફેક્ટરીમાંથી બહાર નીકળે તે પહેલાં તેની ડ્યુટીની ગણતરી (Libility) કરી લેવી પડે છે. પેટ્રોલિયમ ક્ષેત્રમાં જ્યારે તેલ પાઈપલાઈન કે ટેન્કર દ્વારા મોકલવામાં આવે ત્યારે આ ગણતરી અત્યંત ચોકસાઈથી કરવામાં આવે છે.

ઓનલાઈન પેમેન્ટ અને રિટર્ન ફાઈલિંગ (Payment & Returns): સરકારે હવે આખી પ્રક્રિયાને પેપરલેસ અને ડિજિટલ બનાવી દીધી છે. એક્સાઈઝ ડ્યુટી ભરવા માટે EASIEST (Electronic Accounting System in Excise and Service Tax) ગેટવેનો ઉપયોગ થાય છે. સામાન્ય મહિનાની ડ્યુટી આગામી મહિનાની 5 કે 6 તારીખ સુધીમાં ભરી દેવી પડે છે. માર્ચ મહિના માટે આ છેલ્લી તારીખ 31 માર્ચ હોય છે. ઉત્પાદકોએ ACES પોર્ટલ પર માસિક અથવા ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાં પડે છે, જેમાં ઉત્પાદન અને ટેક્સની તમામ વિગતો સરકારને સોંપવામાં આવે છે.

પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે વિશેષ જોગવાઈ: પેટ્રોલ અને ડીઝલ પર માત્ર એક જ ટેક્સ નથી હોતો, પણ તેમાં એક્સાઈઝ ડ્યુટીના અલગ-અલગ ઘટકો જેમ કે રોડ સેસ અને એગ્રીકલ્ચર સેસ પણ ઉમેરવામાં આવે છે. ઓઈલ કંપનીઓ આ તમામ વેરા ભરીને તેને ઈંધણના અંતિમ ભાવમાં જોડી દે છે, જે છેલ્લે ગ્રાહકોએ ચૂકવવો પડે છે.

તપાસ અને પેનલ્ટી: CBICના અધિકારીઓ સમયાંતરે કંપનીઓના રેકોર્ડ્સનું ઓડિટ કરે છે. જો કોઈ કંપની ટેક્સ ચોરી કરે અથવા ઓછી ડ્યુટી ભરે તો તેની પાસેથી 25% થી 50% સુધીનો દંડ (Penalty) વસૂલવામાં આવે છે અને જરૂર પડ્યે જેલની સજા કે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

સરકારની આ ઈ-વ્યવસ્થા અત્યંત પારદર્શક છે. ACES અને EASIEST જેવા પોર્ટલને કારણે વહીવટી ખર્ચ ઘટ્યો છે અને ટેક્સની વસૂલાત ઝડપી બની છે. આ જ કારણ છે કે સરકાર વૈશ્વિક સ્તરે ભાવ વધવા છતાં ટેક્સના માળખામાં ફેરફાર કરીને અર્થતંત્રને સ્થિર રાખી શકે છે.

નોંધનીય છે કે તાજેતરમાં સરકારે લીધેલ નિર્ણય વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સામાન્ય નાગરિકોને રક્ષણ આપવાનો પ્રયાસ છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને સરકારે પોતાની આવકમાં ઘટાડો સ્વીકાર્યો છે જેથી ભાવમાં અચાનક વધારો ન થાય. જોકે, અંતિમ ભાવ રાજ્ય વેટ અને બજાર પરિસ્થિતિઓ પર પણ આધારિત રહેશે. આવા નિર્ણયો અર્થતંત્રને સ્થિર રાખવામાં મદદ કરે છે પરંતુ તેનાથી સરકારી ખજાના પર દબાણ પણ વધે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં