‘સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય, કોઈ અડચણ નહીં’: પેટ્રોલ-ડીઝલની અફવાઓ બાદ પંપ ઑનર્સ એસોશિએશનના પ્રમુખની સ્પષ્ટતા

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલની કથિત કમીની અફવાઓ વચ્ચે શહેરભરના પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. ઘણા વિસ્તારોમાં લોકો ગભરાટમાં પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા રસ્તા પર આવી ચડ્યા હતા, જેનાથી કેટલાક કલાકો સુધી અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

જોકે, પેટ્રોલ પંપ ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ અરવિંદ ઠક્કરે આ અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢીને સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ઈંધણની સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. તેમણે કહ્યું કે સરકાર કે ઓઇલ કંપનીઓ તરફથી સપ્લાય ચેઈનમાં કોઈ પ્રકારની અડચણ નથી.

ઠક્કરના જણાવ્યા અનુસાર અમદાવાદમાં કુલ 210 પેટ્રોલ પંપ છે, જેમાંથી માત્ર 3-4 પંપ પર કેટલાક સમય માટે ઈંધણ ખતમ થયું હતું. આ જ કારણે લોકોમાં ભ્રમ ફેલાયો અને પેનિક બાયિંગ શરૂ થઈ ગઈ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર કે ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલની વેચાણ મર્યાદિત કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી અને જરૂર મુજબ પર્યાપ્ત ઈંધણ ઉપલબ્ધ છે.

અરવિંદ ઠક્કરનું નિવેદન:

“ભાઈઓ છેલ્લા આજે ચાર પાંચ કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે, ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશ નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે પરંતુ આજે ત્રણ કે ચાર પેટ્રોલ પંપે પેટ્રોલ નહી હોવાથી આ પેનિક થયું છે માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાહો માનશો નહી અને આપણે જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવા ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. આભાર.” 

ઠક્કરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શાંત રહે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી અને પેટ્રોલ પંપ ડીલરોનો સહયોગ કરવો જોઈએ, જેથી પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ શકે.