હમણાં અમેરિકાની એક સંસ્થા ‘યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમે’ (USCIRF) પોતાના 2026ના એક રિપોર્ટમાં ભારત સામેનું ‘આરોપપત્ર’ જાહેર કર્યું છે. જેમાં ભારતમાં ‘લઘુમતીઓ પર ટાર્ગેટેડ હુમલા’, મોદી સરકાર પર પ્રહારો, હિંદુઓ અને હિંદુ સંગઠનોની ટીકા જેવી ઘણી વસ્તુઓ કોઈપણ આધાર કે પુરાવા વગર રજૂ કરવામાં આવી છે. એ રિપોર્ટના મોટાભાગના દાવા ખોટા અને અધૂરા છે, જેનું પોસ્ટમોર્ટમ અગાઉ જ ઑપઇન્ડિયાએ કરી નાખ્યું છે, જેને અહીં ક્લિક કરીને વાંચી શકાશે. પરંતુ અહીં કામ અટકી નથી જતું. કારણ કે આવી સંસ્થાઓ ક્યારેય એકલી નથી હોતી, તેની સાથે એક આખી ઇકોસિસ્ટમ કામ કરતી હોય છે.
આ કિસ્સામાં પણ એવું જ થયું છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમે (USCIRF) તેના રિપોર્ટમાં ભારતને ‘કન્ટ્રી ઑફ પાર્ટિક્યુલર કન્સર્ન’ જાહેર કરવાની અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જેવી સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી, ત્યારે આ માત્ર એક ઔપચારિક દસ્તાવેજ નહોતો, પરંતુ વર્ષોથી ધીમે-ધીમે તૈયાર કરાયેલા એક આંતરરાષ્ટ્રીય નેરેટિવનું પરિણામ હતું. આ રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિને એ રીતે ચિત્રિત કરવામાં આવી છે કે જાણે આખું રાજ્યતંત્ર જ કથિત લઘુમતીઓ વિરુદ્ધ વ્યવસ્થિત રીતે કાર્ય કરી રહ્યું છે અને તેના માટે જવાબદાર માત્ર કેટલીક ઘટનાઓ કે વ્યક્તિઓ નહીં, પરંતુ ‘સંરચનાત્મક અને વૈચારિક સંસ્થાઓ’ છે.
આ જ બધા આરોપોને વાચા આપીને તેને દુનિયામાં આગળ કરવાનું કામ ‘Hindus for Human Rights’ (HfHR) નામના એક સંગઠને કર્યું છે. નામ જોઈને લાગતું હશે કે આ હિંદુઓનું કોઈ મોટું સંગઠન હશે, પણ એવું નથી. આ સંગઠનમાં માત્ર નામ જ ‘હિંદુ’ છે. કારણ કે તેની તમામ કરતૂતો ‘હિંદુવિરોધી’ છે. અમેરિકી સંસ્થાના રિપોર્ટ પર આ સંગઠને પણ ડહાપણ કરવાનો પ્રયાસ કર્યો છે અને અમેરિકાના રિપોર્ટને ન્યાયી ગણાવતો એક લેખ ઘસી માર્યો છે. જોકે, આ સંગઠન અને અમેરિકાની આ સંસ્થા વચ્ચે કેવા મધુર સંબંધો છે તે આગળ જોઈએ.
HFHR, અમેરિકી રિપોર્ટ અને RSS
આ સંગઠને USCIRFની ભલામણોને માત્ર સ્વીકારી નથી, પરંતુ તેને ‘મુખ્ય નૈતિક અને રાજકીય પરિવર્તન’ તરીકે રજૂ કરીને તેને વૈચારિક માન્યતા આપી છે. તેના લેખમાં વારંવાર એ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર થઈ રહેલા હુમલા કોઈ આકસ્મિક ઘટનાઓનું પરિણામ નથી, પરંતુ આ એક સુનિયોજિત, દીર્ઘકાલીન અને સંસ્થાગત પ્રક્રિયા છે. આ ફ્રેમિંગ પોતે જ અત્યંત વિવાદિત છે, કારણ કે તેનાથી દરેક ઘટનાને એક વ્યાપક ષડ્યંત્ર કે પેટર્નનો ભાગ બનાવી દેવામાં આવે છે અને આ રીતે કોઈપણ વૈકલ્પિક વ્યાખ્યાની સંભાવના આપમેળે જ નાશ પામે છે.
HfHRના લેખનમાં એક ખાસ રણનીતિ સ્પષ્ટ દેખાય છે– પહેલાં ભાવનાત્મક અને નૈતિક આધાર તૈયાર કરવો, પછી પસંદગીપૂર્વકની ઘટનાઓને જોડીને એક વ્યાપક નિષ્કર્ષ રજૂ કરવો અને અંતે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપને ન્યાયસંગત ઠેરવવો. ઉદાહરણ તરીકે તેના લેખમાં એ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ‘મુસ્લિમ, ખ્રિસ્તી, દલિત, આદિવાસી, શીખ અને અસહમતિ ધરાવનારા લોકો’ સતત ભય અને અસુરક્ષાના વાતાવરણમાં જીવી રહ્યા છે. આ યાદી માત્ર માહિતી આપવા માટે નથી, પરંતુ એક નૈતિક દબાણ ઊભું કરવાનું સાધન છે, જેથી વાચકના મનમાં એ વિચાર આવે કે આ સમસ્યા વ્યાપક અને સર્વવ્યાપી છે.

અમેરિકી સંસ્થાના રિપોર્ટમાં જે જુઠ્ઠાણું પીરસવામાં આવ્યું હતું, હિંદુઓ વિરુદ્ધ જેટલા પણ દાવા કરવામાં આવ્યા હતા તે તમામ વાહિયાત દલીલોને HfHRનું પૂર્ણ સમર્થન મળ્યું છે અને તેણે પોતે એ સ્વીકાર્યું છે કે ભારતમાં આવું થાય છે. જોકે, એ સંસ્થાને ભારત સાથે કોઈપણ પ્રકારનો સંબંધ પણ નથી. તે અમેરિકી સંસ્થા છે અને હિંદુઓ વિરુદ્ધ કાયમ આવાં કાવતરાં રચતી રહી છે. તેણે આંખ બંધ કરીને અમેરિકી સંસ્થાના રિપોર્ટના સમર્થનમાં RSS પર આડેધડ પ્રહાર કર્યા છે.
HFHRના લેખને ધ્યાનથી વાંચતાં સ્પષ્ટ થાય છે કે તે માત્ર પ્રતિક્રિયા નથી પરંતુ એક સાવધાનીપૂર્વક રચાયેલો નેરેટિવ છે, જેમાં શબ્દોની પસંદગી દ્વારા એક વ્યાપક નિષ્કર્ષ સુધી પહોંચવામાં આવે છે. લેખમાં એ દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર થઈ રહેલા હુમલા ‘રેન્ડમ’ કે ‘આઇસોલેટેડ’ નથી, પરંતુ ‘સ્ટ્રક્ચરલ, આઇડિયોલોજિકલ અને સસ્ટેઇન્ડ’ છે. આ શબ્દાવલી અત્યંત મહત્વની છે, કારણ કે તેના દ્વારા દરેક અલગ-અલગ ઘટનાને એક મોટા, સુનિયોજિત માળખાનો ભાગ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ જ ક્રમમાં લેખમાં વિવિધ સમુદાયો—’મુસ્લિમ, ખ્રિસ્તી, દલિત, આદિવાસી, શીખ અને અસહમતિ રાખનારા લોકો’નો ઉલ્લેખ કરીને એ સ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો છે કે ભારતમાં એક વ્યાપક સ્તરે ભય અને અસુરક્ષાનું વાતાવરણ છે. આ યાદી માત્ર વર્ણનાત્મક નથી, પરંતુ એક ખાસ અસર પેદા કરવા માટે વપરાઈ છે, જેથી એવું લાગે કે સમસ્યા વ્યાપક અને સર્વવ્યાપી છે.
ત્યારબાદ લેખમાં એક મહત્વનો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાનું હનન માત્ર કેટલીક વ્યક્તિઓ દ્વારા નથી થતું, પરંતુ ‘પાવરફુલ ઇન્સ્ટિટ્યૂશન્સ’ દ્વારા ‘એનેબલ્ડ અને નોર્મલાઇઝ્ડ’ કરવામાં આવી રહ્યું છે. આ એક ફ્રેમિંગ છે, કારણ કે તેના દ્વારા આરોપ વ્યક્તિગત ઘટનાઓમાંથી હટીને સંસ્થાગત સ્તર સુધી પહોંચી જાય છે.
આ જ સંદર્ભમાં HfHR સીધું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને (RSS) ‘હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારાનું એક મુખ્ય એન્જિન’ ગણાવીને એ સંકેત આપે છે કે ભારતમાં ઉદ્ભવતી પરિસ્થિતિઓનું મૂળ કારણ આ જ સંગઠન છે. આ એક સીધો વૈચારિક નિષ્કર્ષ છે, જે કોઈ એક ઘટના પર આધારિત નથી, પરંતુ આખા રાજકીય અને સામાજિક પરિદ્રશ્યને એક જ સંસ્થા સાથે જોડવાનો પ્રયાસ કરે છે.
લેખમાં આગળ એ પણ કહેવામાં આવ્યું છે કે USCIRF દ્વારા RSSનું નામ લઈને પ્રતિબંધની ભલામણ કરવી એ એ વાતનો પુરાવો છે કે જે વાતોને અત્યાર સુધી ‘ઓવરરિએક્શન’ કે ‘ડિવાઇસિવ’ કહેવામાં આવતી હતી, તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત છે. આ રીતે HfHR પોતાના નેરેટિવને USCIRFના અહેવાલ દ્વારા માન્યતા આપે છે.
તેમ છતાં આ જ લેખમાં એક મહત્વનો વિરોધાભાસ પણ જોવા મળે છે. આ સંગઠન એ સ્પષ્ટ કરે છે કે તેણે પીરસેલું આ (અ)જ્ઞાન ‘હિંદુઓ પર હુમલો નથી’, પરંતુ માત્ર ‘હિંદુત્વ’ની ટીકા છે. પરંતુ તે સાથે તે હિંદુ ઓળખ, હિંદુ સંગઠનો અને રાજ્ય સંરચનાને એક જ વિશ્લેષણાત્મક માળખામાં મૂકે છે, જેથી વ્યવહારમાં આ વિભાજન ધૂંધળું થઈ જાય છે.
લેખના અંતિમ ભાગમાં HfHR એ સંકેત આપે છે કે હવે ‘પોલિસીમેકર્સ, મીડિયા અને આંતરરાષ્ટ્રીય નાગરિક સમાજ’એ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. આ માત્ર એક નિષ્કર્ષ નથી, પરંતુ એક સ્પષ્ટ આહ્વાન છે, જે આ આખા વિમર્શને ઘરેલુ ચર્ચામાંથી કાઢીને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની દિશામાં લઈ જાય છે.
HFHR, તેનાં કારસ્તાનો અને સુનિતા વિશ્વનાથ
હવે આ સંગઠન અને તેની પાછળના ભેજાને ઓળખીએ. ‘Hindus for Human Rights’ને (HfHR) સમજવા માટે માત્ર તેના લેખો કે નિવેદનો જોવા પૂરતા નથી, તેની પાછળ કાર્યરત સંરચના, નેટવર્ક, ફન્ડિંગ અને વૈચારિક સાંઠગાંઠને સમજવી વધુ જરૂરી છે. નામથી આ સંગઠન એવું લાગે છે કે જાણે તે વૈશ્વિક સ્તરે હિંદુઓના અધિકારોની રક્ષા માટે કામ કરી રહ્યું છે, પરંતુ જ્યારે તેની પ્રવૃત્તિઓ, સહયોગીઓ અને અભિયાનોને એકસાથે જોઈએ ત્યારે એક અલગ તસવીર ઉભરી આવે છે– એક એવું નેટવર્ક જે ભારતના આંતરિક મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય મંચો પર એક ખાસ દૃષ્ટિકોણથી રજૂ કરે છે અને તેને વૈશ્વિક નીતિનિર્માણના એજન્ડામાં સામેલ કરવાનો પ્રયાસ કરે છે.
આ સંગઠનનો ચહેરો છે સુનિતા વિશ્વનાથ, જેનું નામ એક અમેરિકી લિબરલ ગેંગમાં આવે છે. સુનીતા વિશ્વનાથને એક અમેરિકા આધારિત એક્ટિવિસ્ટ તરીકે રજૂ કરવામાં આવે છે, જે લાંબા સમયથી ભારત અને હિંદુ સંગઠનો વિરુદ્ધ ભારોભાર ઝેર ઓકતી રહી છે. તેના જાહેર નિવેદનો અને પ્રવૃત્તિઓમાં એક સ્પષ્ટ વૈચારિક દિશા દેખાય છે, જેમાં ભારતમાં થતી ઘટનાઓને એક મોટા ‘સિસ્ટમિક દમન’ તરીકે ચિત્રિત કરવામાં આવે છે.
વધુમાં 2023માં રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત દરમિયાન હડસન ઇન્સ્ટિટ્યૂટમાં સુનિતા પણ હાજર હતી અને રાહુલ ગાંધી તથા સુનિતા વચ્ચે મુલાકાત પણ થઈ હતી. સુનિતાનું સ્પષ્ટ વલણ ભારતવિરોધી છે અને રાહુલ ગાંધી સાથેની તેની ચર્ચા પણ ઘણી શંકાસ્પદ રહી હતી. આ પ્રકારની ઘટનાઓ માત્ર ઔપચારિક મુલાકાતો નથી, પરંતુ તે એક વ્યાપક વૈચારિક અને રાજકીય સંવાદનો ભાગ છે, જેમાં ભારત સાથે જોડાયેલા મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
સુનિતા હાલ HfHRનો મુખ્ય ચહેરો અને તેનું સંચાલન કરે છે. પણ જાણીને નવાઈ લાગશે કે HfHRને શરૂ કરવામાં અમેરિકી મુસ્લિમ સંગઠનોનો પણ હાથ હતો. શરૂઆતથી સમજીએ. સોશિયલ મીડિયા હેન્ડલ ડીસઇન્ફૉ લેબે (DisInfo Lab) ઘણા રિસર્ચ બાદ એપ્રિલ, 2022માં X પર એક થ્રેડ શેર કકર્યો હતો અને તેમાં ઘણા દાવા કરવામાં આવ્યા હતા. જેમાં HfHRનો પણ ઉલ્લેખ હતો.
ડીસઇન્ફૉ લેબ અનુસાર પાકિસ્તાનની ISIએ (ઇન્ટર-સર્વિસીઝ ઇન્ટેલિજન્સ) ભારતને ઘેરી લેવા અને અંદરથી નબળું પાડવા માટે દાયકાઓથી વિવિધ ફ્રન્ટ, ઓર્ગેનાઇઝેશન્સ બનાવ્યાં અને ચલાવ્યાં પણ છે. આ સંગઠનો મુખ્યત્વે જમાત-એ-ઇસ્લામી અને ISIના નેટવર્ક સાથે જોડાયેલા છે, જેનો હેતુ ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવવો, ફોલ્ટલાઇન્સનો (જેમ કે ધર્મ, જાતિ, પ્રદેશવાદ) ઉપયોગ કરવો, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરાબ કરવી અને USCIRF જેવી સંસ્થાઓ દ્વારા બ્લેકલિસ્ટિંગ જેવી ભલામણો કરાવવી છે.
#Hindutva
— DisInfo Lab (@DisinfoLab) April 25, 2022
Several events are held in the US on ‘rising Hindutva’ such as #DismantlingGlobalHindutva
A key front to promote d Hindu v/s Hindutva narrative – Hindus for Human Rights (HfHR) was formed in 2019 by IAMC & OFMI.
(29/n) pic.twitter.com/mr9Df02RHC
આમાંથી મુખ્ય ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન્સના નામ આ પ્રમાણે છે: Justice For All (JFA), Indian American Muslim Council (IAMC), Organization for Minorities of India (OFMI),Hindus for Human Rights (HfHR), Equality Labs, Save India, Alliance for Justice & Accountability (AJA), Society for International Help (SIH), Human Development Foundation (HDF), Noor Foundation, APPNA (કેટલાક ભાગોમાં) અને અન્ય અનેક નાનાં-મોટાં ગ્રુપ જે એકબીજા સાથે જોડાયેલાં છે.
આમાંથી એક મુખ્ય નામ Hindus for Human Rights (HfHR) છે, જેને 2019માં IAMC (ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ) અને OFMIએ (ઓર્ગેનાઇઝેશન ફોર માઈનોરીટીસ ઑફ ઇન્ડિયા) મળીને બનાવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ‘હિંદુ વિરુદ્ધ હિંદુત્વ’નો નેરેટિવ ચલાવવાનો હતો, જેથી હિંદુત્વને એક જોખમી વિચારધારા તરીકે રજૂ કરી શકાય અને હિંદુઓમાં વિભાજન પેદા કરી શકાય. HfHRના સ્થાપકો અને મુખ્ય સભ્યોમાં સુનિતા વિશ્વનાથ, રાજુ રાજગોપાલ, ઓડ્રી ટ્રુશ્કે, ભજન સિંઘ ભિંડર (OFMIમાંથી) જેવા લોકો સામેલ છે.
HfHRએ Dismantling Global Hindutva જેવી કૉન્ફરન્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે, જ્યાં હિંદુત્વને વૈશ્વિક જોખમ ગણાવવામાં આવ્યું હતું. આ સંગઠન IAMC સાથે મળીને કામ કરે છે અને ફેસબુક એડ કેમ્પેઇન ચલાવે છે, જેમાં USCIRFના રિપોર્ટને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી ભારતને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે બ્લેકલિસ્ટ કરી શકાય.
HfHRનો ફાઉન્ડર રાજુ રાજગોપાલ પહેલાં EKTA નામના બીજા ફ્રન્ટને ચલાવતો હતો, જે IAMC સાથે મળીને ભારતમાં માનવ અધિકારો પર કામ કરતું હોવાનો દાવો કરતું હતું. HfHR બનાવવાનો હેતુ એક ‘હિંદુ’ નામવાળું ફ્રન્ટ તૈયાર કરવાનો હતો, જેથી નેરેટિવ અને પ્રોપગેન્ડા વધુ વિશ્વસનીય લાગે. ત્યારબાદ IAMC, OFMI અને HfHRએ મળીને Alliance for Justice & Accountability (AJA) નામનું બીજું સંગઠન બનાવ્યું હતું, જેના દ્વારા અમેરિકામાં ભારત વિરુદ્ધ પ્રોટેસ્ટ અને કેમ્પેઇન ચલાવવામાં આવ્યાં હતાં અને ચલાવવામાં આવી રહ્યાં છે.
HfHRની કો-ફાઉન્ડર સુનિતા વિશ્વનાથ Foundation London Storyની (FLS) સભ્ય છે, જ્યાં IAMCનો રશીદ અહમદ પણ જોડાયેલો છે. OFMIને (જેમાંથી HfHR નીકળ્યું) ખાલિસ્તાની સમર્થન સાથેનું સંગઠન ગણવામાં આવે છે, જેને ભજન ભિંડર અને પીટર ફ્રીડરિકે 2007માં બનાવ્યું હતું. DisinfoLabના એક્સપોઝર પછી OFMIનું નામ અનેક જગ્યાએથી હટાવી દેવામાં આવ્યું હતું.
કુલ મળીને HfHR એ બધા ફ્રન્ટ્સનો ભાગ છે જે ISI-જમાત નેટવર્ક સાથે જોડાયેલા છે. આ સંગઠનો ઇસ્લામોફોબિયા, ફાસીવાદ, જેનોસાઇડ (ભારતમાં મુસ્લિમ જેનોસાઇડ), કાશ્મીર, જાતિ જેવા મુદ્દાઓ પર નેરેટિવ બનાવે છે. 2018-19થી ‘Muslim Genocide in India’નો નેરેટિવ આ જ સંગઠનોએ પુશ કર્યો છે, જેમાં Gregory Stantonને (Genocide Watch) પણ સામેલ કરવામાં આવ્યા હતા. 2022માં India Genocide Summit જેવા ઇવેન્ટ્સમાં JFA, IAMC અને HfHRએ સાથે મળીને કામ કર્યું હતું, જેમાં તિસ્તા સેતલવાડ, કાંચા ઇલૈયા, સફૂરા ઝરગર જેવા લોકો સામેલ હતા.
આ બધા ફ્રન્ટ્સ એક જ લોકો દ્વારા વારંવાર નવા નામથી બનાવવામાં આવે છે, જેથી એક્સપોઝ થયા પછી પણ કામ ચાલુ રહે. આ ‘Conflict Industry’ ચલાવવાનું કામ છે— પૈસા એકઠા કરવા, ઇવેન્ટ્સમાં ફરવા, ભારતની ઇકોનોમીને નુકસાન પહોંચાડવા (BDS જેવા મૂવમેન્ટથી), પ્રો-ઇન્ડિયા ભારતીય-અમેરિકન પોલિટિશિયન્સને ટાર્ગેટ કરવા અને પાકિસ્તાનના હિતોને આગળ વધારવા. અસલી મુદ્દાઓને હાઇજેક કરીને સમસ્યાને ઉકેલવાને બદલે લાંબી ખેંચવી એ તેમનો હેતુ છે.
ઇસ્લામી સંગઠનો સાથે જોડાણ અને પ્રોપગેન્ડા
DisinfoLabએ HfHRને Open Society Foundations (OSF) અને Tides Foundationમાંથી ફન્ડિંગ મળતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે, તેને Jewish Voice for Peaceના (જે ઇઝરાયેલ વિરુદ્ધ કામ કરે છે) કૉપી મોડલ તરીકે ગણાવીને કહેવામાં આવ્યું છે કે HfHR ભારત-ઇઝરાયેલની સમાનતાઓ બનાવીને માનવધિકાર ઉલ્લઘંનના બહાને ભારતને ટાર્ગેટ કરે છે.
સુનિતા વિશ્વનાથ અને HfHRનું જોડાણ માત્ર રાજકીય વ્યક્તિત્વો સુધી મર્યાદિત નથી રહેતું, પરંતુ તે અનેક આંતરરાષ્ટ્રીય અને ઇસ્લામી સંગઠનો સુધી પણ વિસ્તરે છે. આ સંગઠન Indian American Muslim Council (IAMC) અને Council on American-Islamic Relations (CAIR) જેવા સંગઠનો સાથે વિવિધ અભિયાનોમાં જોડાયેલું રહ્યું છે. આ સંગઠનો ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે અભિયાનો ચલાવતા રહ્યાં છે, જેમાં ભારતને ‘Country of Particular Concern’ જાહેર કરાવવાની માંગ પણ સામેલ છે.
આ નેટવર્ક માત્ર સંગઠનો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં કથિત એકેડમિક અને સામાજિક અભિયાનોની પણ મહત્વની ભૂમિકા છે. ઉદાહરણ તરીકે, ‘Dismantling Global Hindutva’ જેવા કાર્યક્રમોમાં HfHRની ભાગીદારી હોય છે, જ્યાં વિવિધ યુનિવર્સિટીઓ અને કથિત એક્ટિવિસ્ટ જૂથોએ મળીને એક વૈચારિક પ્રોપગેન્ડા અભિયાન ચલાવ્યું હતું. આ જ રીતે University of California, Berkeleyમાં આયોજિત કાર્યક્રમોમાં આ સંગઠનની ભાગીદારી અને જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલા નેટવર્ક સાથેના સંબંધો પણ જગજાહેર છે. આ ઘટનાઓને અલગ-અલગ જોતાં તે સામાન્ય પ્રવૃત્તિઓ લાગી શકે છે, પરંતુ જ્યારે તેમને એકસાથે જોડીને જોવામાં આવે ત્યારે સ્પષ્ટ થાય છે કે આ એક સુનિયોજિત નેરેટિવ બિલ્ડિંગ કાવતરાંનો ભાગ છે.
ફન્ડિંગ અને ઑપઇન્ડિયા ડોઝિયર
આ નેરેટિવને સમજવા માટે ઑપઇન્ડિયાનાWikipedia ડોઝિયરમાં આપેલ વિગતો મહત્વની બની જાય છે. આ ડોઝિયરમાં HfHRને એ સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જેને Wikimedia Foundation અને Tides Foundation જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા ફંડિંગ નેટવર્કનો ભાગ ગણાવવામાં આવ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો આરોપ એવા પણ લાગ્યા છે કે HfHRને કટ્ટર ભારતવિરોધી જ્યોર્જ સોરોસના NGO તરફથી પણ અપ્રત્યક્ષ ફન્ડિંગ આવે છે. ડોઝિયર અનુસાર આ નેટવર્ક માત્ર નાણાકીય સહયોગ સુધી મર્યાદિત નથી, પરંતુ તે એક વૈચારિક ઇકોસિસ્ટમ તૈયાર કરે છે, જેમાં મીડિયા, શોધ સંસ્થાઓ અને એક્ટિવિસ્ટ જૂથો મળીને એક ખાસ નેરેટિવને આગળ વધારે છે. આ નેરેટિવમાં ભારતને એવા દેશ તરીકે રજૂ કરવામાં આવે છે જ્યાં ધાર્મિક સ્વતંત્રતા જોખમમાં છે અને સંસ્થાગત સ્તરે લઘુમતીઓ વિરુદ્ધ ભેદભાવ થાય છે.
ડોઝિયર એ પણ સંકેત આપે છે કે Wikimedia અને Tides જેવી સંસ્થાઓ ભારત સાથે જોડાયેલા મુદ્દાઓ પર સક્રિય અનેક સંગઠનોને ફંડ કરે છે. Hindus for Human Rightsનું આ યાદીમાં હોવું એ સંકેત આપે છે કે આ સંગઠન એકલું કામ નથી કરતું, પરંતુ એક મોટા નેટવર્કનો ભાગ છે, જ્યાં વિવિધ સંસ્થાઓ મળીને એક સામાન્ય વૈચારિક દિશામાં કામ કરે છે. આ રીતે જ્યારે HfHR USCIRFના રિપોર્ટને સમર્થન આપે છે, ત્યારે તે માત્ર એક સંગઠનની પ્રતિક્રિયા નથી હોતી, પરંતુ તે એ વ્યાપક નેટવર્કની પ્રતિધ્વનિ હોય છે જેણે આ નેરેટિવને અગાઉથી તૈયાર કરી રાખ્યો હોય છે.
સુનિતા વિશ્વનાથનાં નિવેદનો અને લેખનમાં પણ આ વૈચારિક દિશાની ઝલક મળે છે. 2024માં તેણે ‘ધ વાયર’માં લખેલા એક લેખમાં મહાભારત, ભગવદ ગીતા અને જન્માષ્ટમીનો સંદર્ભ આપીને ગાઝા અને હમાસ જેવા મુદ્દાઓ પર એક ખાસ દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો અને હમાસ માટે સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ કર્યા હતા, જેના કારણે વિવાદ ઉભો થયો હતો. આ ઘટના માત્ર એક નિવેદન સુધી મર્યાદિત નથી, પરંતુ તે એ વ્યાપક પેટર્નને દર્શાવે છે જેમાં ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ સમકાલીન રાજકીય મુદ્દાઓ પર ટિપ્પણી કરવા માટે થાય છે. આ રીતે ધાર્મિક ઓળખ અને રાજકીય વિચારધારાનું મિશ્રણ એવો નેરેટિવ તૈયાર કરે છે જે ભાવનાત્મક અને વૈચારિક બંને સ્તરે અસર કરે છે.
આ આખા માળખામાં સૌથી મહત્વનું પાસું એ છે કે HfHR જેવાં સંગઠનો ભારતના આંતરિક મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવે છે અને તેમને વૈશ્વિક નીતિ-નિર્માણના એજન્ડામાં સામેલ કરવાનો પ્રયાસ કરે છે. જેમ કે CAAના મુદ્દે સુનિતા વિશ્વનાથ અને તેની જેવા અન્ય લોકોએ HfHRના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મોદી સરકારનો વિરોધ પણ કર્યો હતો, ઉપરાંત પીએમ મોદીની અમેરિકા યાત્રાના કાર્યક્રમ ‘હાઉડી મોદી’નો પણ વિરોધ કર્યો હતો. USCIRFનો રિપોર્ટ પણ આનું એક સ્પષ્ટ ઉદાહરણ છે, જેમાં માત્ર ભારતને CPC જાહેર કરવાની ભલામણ જ નહીં, પરંતુ RSS અને Research and Analysis Wing જેવી સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની વાત પણ કરવામાં આવી છે. આ પ્રકારની ભલામણો માત્ર અહેવાલ સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર નીતિઓ અને કૂટનીતિક દબાણનો આધાર બની શકે છે.
અહીં એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉઠે છે કે શું આ પ્રકારના સંગઠનોની પ્રવૃત્તિઓ ખરેખર માનવ અધિકારોની રક્ષા માટે છે, કે તે એક વ્યાપક વૈચારિક અને રાજકીય એજન્ડાનો ભાગ છે. જ્યારે એક સંગઠન ‘હિંદુઓ’ના નામનો ઉપયોગ કરે છે, પરંતુ તેની પ્રવૃત્તિઓ અને સહયોગ એવા નેટવર્ક સાથે જોડાયેલા હોય જે ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અભિયાનોમાં સક્રિય છે, ત્યારે એક જટિલ વિરોધાભાસ ઉભો થાય છે. આ વિરોધાભાસ માત્ર નામ અને કાર્ય વચ્ચે જ નહીં, પરંતુ ઓળખ અને ઉદ્દેશ્ય વચ્ચે પણ હોય છે.
અંતે, HfHRને સમજવા માટે તેને માત્ર એક NGO તરીકે નહીં, પરંતુ એક વ્યાપક નેરેટિવ ઇકોસિસ્ટમના ભાગ તરીકે જોવું જરૂરી છે. આ ઇકોસિસ્ટમ અહેવાલો, લેખો, અભિયાનો અને આંતરરાષ્ટ્રીય મંચો દ્વારા એક ખાસ છબી તૈયાર કરે છે, જેમાં ભારતને એક સમસ્યા તરીકે રજૂ કરવામાં આવે છે અને ઉકેલ તરીકે બાહ્ય હસ્તક્ષેપને ન્યાયસંગત ઠેરવવામાં આવે છે. આ પ્રક્રિયામાં વિવિધ સંગઠનો, વ્યક્તિત્વો અને સંસ્થાઓ મળીને કામ કરે છે, અને HfHR આ આખી રચનામાં એક મહત્વની કડી તરીકે ઉભરી આવે છે.


