વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’નું આહ્વાન કર્યું હતું, ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના પાયાના સ્તરના ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો હતો. આ વિઝનને સાકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. રાજ્યનાં ચાર મુખ્ય મહાનગરોમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ સ્થાપવામાં આવશે. આ મોલ માત્ર શોપિંગ સેન્ટર નહીં, પરંતુ ગુજરાતની અસ્મિતા, કળા અને ગ્રામીણ અર્થતંત્રને શહેરી બજાર સાથે જોડતો એક મજબૂત સેતુ બનશે.
ગુજરાત સરકારે 12 માર્ચ, 2026ના રોજ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ – રાજ્યનાં ચાર મુખ્ય શહેરોમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવાની યોજના જાહેર કરી હતી. આ મોલ્સનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો (SHGs), રસ્તા વિક્રેતાઓ અને નાના ઉદ્યોગસાહસિકોને કાયમી અને આધુનિક વેચાણ પ્લેટફોર્મ આપવાનો છે, જેથી તેઓ પોતાના સ્વદેશી ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે.
શું છે ‘નમો સ્વદેશી અર્બન મોલ’ પહેલ?
સામાન્ય રીતે ‘મોલ’ શબ્દ સાંભળતા જ આપણા મનમાં વિદેશી બ્રાન્ડ્સ, મોંઘા કપડાં અને મલ્ટીનેશનલ કંપનીઓના આઉટલેટ્સના ચિત્રો ઉપસે છે. પરંતુ ‘નમો સ્વદેશી અર્બન મોલ’ આ ધારણાને બદલી નાખશે. ‘નમો સ્વદેશી અર્બન મોલ’ એ એક પ્રકારનાં શહેરી બજારો છે જે આધુનિક શોપિંગ મોલની જેમ બનાવવામાં આવશે, પરંતુ તેમાં માત્ર અને માત્ર સ્વદેશી ઉત્પાદનો જ વેચવામાં આવશે. આ મોલ્સ ગુજરાત શહેરી આજીવિકા મિશન (Gujarat Urban Livelihood Mission – GULM) હેઠળ અમલમાં મૂકવામાં આવશે, જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અંતર્ગત કાર્યરત છે.
આ યોજના ગત વર્ષોમાં રાજ્યમાં યોજાયેલા પ્લાસ્ટિક-ફ્રી સ્વદેશી મેળાઓની સફળતા પર આધારિત છે. આ મેળાઓમાં હજારો સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો (SHGs) અને નાના ઉદ્યોગસાહસિકોને વેચાણની તક મળી હતી. અત્યાર સુધી આવા કારીગરો માટે વર્ષમાં એક કે બે વાર મેળાઓ યોજાતા હતા. આ મોલ તેમને વર્ષના 365 દિવસ વેચાણ માટે કાયમી જગ્યા આપશે.
આ મોલ તમામ આધુનિક સુવિધાઓ જેવા કે સેન્ટ્રલ એસી, ફૂડ કોર્ટ, એસ્કેલેટર્સ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી સજ્જ હશે, જેથી ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનો શોપિંગ અનુભવ મળે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે 2026-27ના બજેટમાં આ યોજના અને સ્વદેશી મેળાઓ માટે ₹45 કરોડની જોગવાઈ કરી છે. આ રકમ મોલ્સના નિર્માણ, આધુનિક સુવિધાઓ, પ્રમોશન અને સંચાલન માટે વપરાશે.
Namo Swadeshi Urban Malls to be set up in 4 cities of Gujarat to promote local artisans globally.
— Harsh Sanghavi (@sanghaviharsh) March 12, 2026
Under the guidance of CM Shri @Bhupendrapbjp ji, and inspired by the ‘Har Ghar Swadeshi’ vision of PM Shri @narendramodi ji, ‘Namo Swadeshi Urban Malls’ will be established in… pic.twitter.com/l19XpRpD9M
મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
સ્થાનિક ઉત્પાદકોને કાયમી અને આધુનિક બજાર પૂરું પાડવું: અત્યાર સુધી ઘણા કારીગરો, SHGs અને શેરી વિક્રેતાઓ પાસે માત્ર અસ્થાયી મેળાઓ અથવા રસ્તા પર વેચાણની સુવિધા હતી. આ મોલ દ્વારા તેમને કાયમી સ્ટોલ/દુકાનો મળશે, જેથી તેઓ દરરોજ વેચાણ કરી શકે અને આવકમાં સ્થિરતા આવે.
‘વોકલ ફોર લોકલ’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય અભિયાનો સાથે સીધી જોડાયેલી આ યોજના લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પ્રેરિત કરશે. આનાથી વિદેશી ઉત્પાદનો પર નિર્ભરતા ઘટશે અને પૈસા ગુજરાત અને ભારતમાં જ રહેશે.
નાના ઉદ્યોગો, કારીગરો અને મહિલાઓનું આર્થિક સશક્તિકરણ: મુખ્ય લાભાર્થીઓમાં સ્થાનિક હસ્તકલા કારીગરો જેમ કે બંધેજ, એમ્બ્રોઇડરી, પોટરી, જૂતી વગેરે, મહિલા સ્વસહાય જૂથો જેમ કે પાપડ, અથાણાં, હેન્ડીક્રાફ્ટ, ખાદ્ય ઉત્પાદનો, શેરી વિક્રેતાઓ અને MSMEs સામેલ છે. આ મોલમાં મધ્યસ્થીઓ ઘટશે, જેથી ઉત્પાદકને વધુ નફો મળશે.
શહેરી ગ્રાહકોને એક જ જગ્યાએ વિવિધ સ્વદેશી વસ્તુઓ મળે: ગ્રાહકોને એક જ આધુનિક મોલમાં ગુણવત્તાયુક્ત, સ્થાનિક અને પરંપરાગત ઉત્પાદનો જેવા કે હસ્તકલા, વસ્ત્રો, ઘરગથ્થુ વસ્તુઓ, હર્બલ પ્રોડક્ટ્સ વગેરે સરળતાથી મળશે. આનાથી શહેરી જીવનમાં સ્વદેશીને પ્રાધાન્ય મળશે.
રોજગાર સર્જન અને સ્થાનિક અર્થતંત્રને બુસ્ટ: મોલના નિર્માણ, સંચાલન અને વેચાણથી હજારો રોજગારીની તકો ઊભી થશે. સ્થાનિક ઉત્પાદન વધશે, આવક વધશે અને અર્થતંત્રનું ચક્ર વધુ ઝડપથી ફરશે. આ ઉપરાંત પરંપરાગત કળાઓનું જતન થશે અને તેને નવું જીવન મળશે.
2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નમાં યોગદાન: આ પહેલ રાષ્ટ્રીય લક્ષ્ય સાથે જોડાયેલી છે. સ્વદેશી અપનાવીને દરેક નાગરિક આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બની શકે.
આ પહેલ કેવી રીતે કાર્ય કરશે?
મોલનું માળખું: આ મોલ્સ આધુનિક રિટેલ સ્પેસ તરીકે ડિઝાઇન કરવામાં આવશે, જેમાં કાયમી દુકાનો, સ્ટોલ્સ અને ઓપન એરિયા સામેલ હશે. તેમાં એર-કન્ડિશન્ડ વિસ્તારો, પાર્કિંગની વ્યવસ્થા, સુરક્ષા સિસ્ટમ (CCTV અને સુરક્ષા કર્મચારીઓ), ડિજિટલ પેમેન્ટ સુવિધા (UPI, કાર્ડ વગેરે), સફાઈ વ્યવસ્થા અને પ્લાસ્ટિક-ફ્રી વાતાવરણ જેવી સુવિધાઓ હશે. મોલનું સ્થાન એવું પસંદ કરવામાં આવશે કે શહેરી નાગરિકો અને પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે. આ મોલ્સમાં ફક્ત સ્વદેશી (ભારતમાં બનેલા) ઉત્પાદનો જ વેચાશે, જેમ કે હસ્તકલા, પરંપરાગત વસ્ત્રો, ઘરગથ્થુ વસ્તુઓ, હર્બલ પ્રોડક્ટ્સ, ખાદ્ય સામગ્રી અને અન્ય સ્થાનિક બનાવટની ચીજવસ્તુઓ.
સંચાલન અને વ્યવસ્થાપન: મોલનું દૈનિક સંચાલન GULM અને સંબંધિત મહાનગરપાલિકાઓ (અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા કરવામાં આવશે. સંચાલન માટે વિશેષ સ્ટાફ નિમણૂક કરવામાં આવશે, જેમાં સુરક્ષા, સફાઈ, ગ્રાહક સેવા અને માર્કેટિંગના કર્મચારીઓ સામેલ હશે. દુકાનો અને સ્ટોલ્સનું ભાડું ન્યાયી અને સબસિડાઇઝ્ડ (સરકારી સહાયવાળું) રાખવામાં આવશે, જેથી નાના ઉત્પાદકો અને કારીગરો ભાગ લઈ શકે અને આર્થિક બોજ ઓછો રહે.
દુકાનો/સ્ટોલ્સની ફાળવણી અને પાત્રતા: દુકાનો અને સ્ટોલ્સની ફાળવણી પારદર્શી અરજી પ્રક્રિયા દ્વારા થશે. અરજદારોએ પોતાના ઉત્પાદનોની વિગતો, ગુણવત્તા પુરાવા, MSME રજિસ્ટ્રેશન (જો લાગુ હોય) અથવા SHG સભ્યપદના દસ્તાવેજો સબમિટ કરવા પડશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓમાં સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો, શેરી ફેરીયાઓ અને નાના ઉદ્યોગસાહસિકો સામેલ છે. ફાળવણી પછી ઉત્પાદકો પોતાના ઉત્પાદનોને સ્ટોલ/દુકાનમાં રાખીને બારેમાસ વેચાણ કરી શકશે. આનાથી વચેટિયા દૂર થશે અને ઉત્પાદકને વધુ નફો મળશે.
દૈનિક કાર્યપ્રણાલી અને વેચાણ પદ્ધતિ: મોલ નિયમિત વ્યાપારી સમયે ખુલશે. ઉત્પાદકો સીધા ગ્રાહકો સાથે વેચાણ કરશે, જેથી ખરીદદાર અને વિક્રેતા વચ્ચે સીધો સંપર્ક રહેશે. સમયાંતરે મોલમાં વિશેષ કાર્યક્રમો યોજાશે, જેમ કે સ્વદેશી મેળા, પ્રદર્શનો, હાટ, વર્કશોપ અને લાઇવ ડેમોન્સ્ટ્રેશન જેમ કે હસ્તકલા બનાવવાની પ્રક્રિયા બતાવવી. આ ઇવેન્ટ્સથી વધુ ગ્રાહકો આકર્ષાશે અને ઉત્પાદનોનું વેચાણ વધશે.
ગ્રાહકો માટે અનુભવ અને પ્રમોશન: ગ્રાહકોને એક જ જગ્યાએ વિવિધ સ્વદેશી ઉત્પાદનોની વિશાળ શ્રેણી મળશે – હસ્તકલા, પરંપરાગત વસ્ત્રો, ઘરગથ્થુ વસ્તુઓ, હર્બલ ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો વગેરે. આ સિવાય મોલમાં ગુણવત્તા નિયંત્રણ અને સ્પર્ધાત્મક ભાવો રાખવામાં આવશે. મોલને પ્રમોટ કરવા માટે સરકારી અભિયાનો, સોશિયલ મીડિયા, ‘વોકલ ફોર લોકલ’ કેમ્પેઇન અને ટુરિઝમ વિભાગ સાથે જોડાણ કરવામાં આવશે. પ્રવાસીઓ માટે પણ આ મોલ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેથી ગુજરાતી હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોને વધુ ઓળખ મળે.
કોણ વેચી શકશે પોતાના ઉત્પાદનો?
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને મંચ પૂરું પાડવાનો છે જેઓ પ્રતિભાશાળી છે પરંતુ તેમની પાસે મોટા શોરૂમ ભાડે રાખવાની કે માર્કેટિંગ કરવાની આર્થિક ક્ષમતા નથી. સરકાર આ મોલ દ્વારા જે મહિલાઓ ઘરે બેઠા શુદ્ધ મસાલા, અથાણાં, પાપડ, ખાખરા કે સુખડી જેવી ખાદ્યસામગ્રી બનાવે છે, તેમને અહીં પ્રોફેશનલ કાઉન્ટર્સ આપવામાં આવશે. આ મોલના કારણે ભરતકામ, તોરણ, મોતીકામ અને ટેરાકોટાની વસ્તુઓ બનાવતાં મહિલા મંડળો સીધા ગ્રાહકો સાથે સંપર્ક કરી શકશે. આનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે અને ગામડાની મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર બનશે.
જે કારીગરો પાસે ‘આર્ટિઝન આઈડી કાર્ડ’ (Artisan ID Card) છે અને જેઓ પેઢી દર પેઢી ગુજરાતની કળાને જીવંત રાખી રહ્યા છે, તેમને અહીં કાયમી સ્ટોલ ફાળવવામાં આવશે. પાટણના પટોળા, જામનગરની બાંધણી, કચ્છનું અજરખ અને કચ્છી ભરતકામ કરતા વણકરો અહીં પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરશે. ગ્રાહકોને ખાતરી રહેશે કે તેઓ અસલી ‘હેન્ડલૂમ’ વસ્તુઓ ખરીદી રહ્યા છે. આ સિવાય સંખેડાનું ફર્નિચર, પેઠામપુરના બ્લોક્સ અને પીતળની કલાકૃતિઓ બનાવતા કારીગરોને આધુનિક બજારની સુવિધા મળશે.
આ મોલમાં માત્ર કળા જ નહીં, પણ ખેતીવાડીના ઉત્પાદનોને પણ સ્થાન મળશે. એવા ખેડૂતો કે જેઓ રસાયણિક ખાતરો વિના ખેતી કરે છે, તેઓ પોતાના ઓર્ગેનિક મધ, સીંગતેલ, દેશી ગોળ અને વિવિધ ધાન્યોને સીધા જ વેચી શકશે. ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા જામ, જ્યુસ કે ડ્રાય ફ્રૂટ્સ જેવા ‘વેલ્યુ એડેડ’ ઉત્પાદનો માટે પણ અલગ સેક્શન રાખવામાં આવશે, જેથી ખેડૂતોને તેમના પાકનો અને મહેનતનો પૂરતો ભાવ મળી રહે.
આ ઉપરાંત નવા યુગના ઉદ્યોગસાહસિકો કે જેઓ ‘ઇકો-ફ્રેન્ડલી’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ કોન્સેપ્ટ પર કામ કરે છે, તેમને પણ અહીં પ્રોત્સાહન મળશે. વાંસમાંથી બનેલી વસ્તુઓ, માટીના આધુનિક વાસણો (જેમ કે ક્લે-રેફ્રિજરેટર) અને રિસાયકલ કરેલી વસ્તુઓ બનાવતા નાના ઉદ્યોગો અહીં પોતાના આઉટલેટ્સ ખોલી શકશે. ગુજરાતના જંગલ વિસ્તારોમાં વસતા આદિવાસી ભાઈ-બહેનો દ્વારા એકત્રિત કરવામાં આવેલી વનસ્પતિઓ અને તેમાંથી બનાવેલા હર્બલ સાબુ, તેલ કે દવાઓ પણ અહીં ઉપલબ્ધ થશે.
આર્થિક મોડલ: નફો કોને અને કેવી રીતે થશે?
આ યોજનાનું મુખ્ય સૂત્ર ‘ન્યૂનતમ ખર્ચ અને મહત્તમ નફો’ છે. સામાન્ય રીતે પરંપરાગત બજાર વ્યવસ્થામાં જ્યારે કોઈ કારીગર વસ્તુ બનાવે છે, ત્યારે તે હોલસેલર, ડિસ્ટ્રિબ્યુટર અને રીટેલર જેવા અનેક સ્તરોમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયામાં મૂળ કિંમત પર 50%થી 70% જેટલો વધારો થઈ જતો હોય છે, જેનો મોટો હિસ્સો વચેટિયાઓ લઈ જાય છે. જેમ કે કોઈ કારીગર ₹500માં વસ્તુ બનાવે છે, તો ગ્રાહક સુધી પહોંચતા તેની કિંમત ₹1500 થઈ જાય છે. બાકીના ₹1000 વચેટિયાઓ અને મોટા શોરૂમ માલિકો લઈ જાય છે. નમો સ્વદેશી મોલમાં કારીગર પોતે માલ વેચશે, જેથી તેને પૂરેપૂરો નફો મળશે.
ઘણીવાર સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા ઉત્તમ હોય છે, પરંતુ પેકેજિંગ અને બ્રાન્ડિંગના અભાવે તેને ઊંચી કિંમત મળતી નથી. આ મોલમાં જ્યારે કોઈ વસ્તુ ‘નમો સ્વદેશી’ના લોગો હેઠળ વેચાશે, ત્યારે તેની વિશ્વસનીયતા વધશે. આ વિશ્વાસ ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવા માટે પ્રોત્સાહિત કરશે, જેનો સીધો આર્થિક લાભ ઉત્પાદકોને થશે.
આ ઉપરાંત આર્થિક મોડલમાં ગ્રાહક પણ એક મહત્વનો હિસ્સો છે. ગ્રાહકોને કોઈ બ્રાન્ડેડ સ્ટોર કરતાં ઓછી કિંમતે શુદ્ધ અને હસ્તકલાની અસલી વસ્તુઓ મળશે. વચેટિયાઓનો નફો નીકળી જવાથી ગ્રાહકને વ્યાજબી ભાવ મળશે, પરિણામે વેચાણ વધશે. વેચાણનો આ ઊંચો દર (High Turnover) અંતે નાના ઉદ્યોગકારોને વધુ નફો રળી આપશે.
રાજ્ય સરકાર માટે આ પ્રોજેક્ટ લાંબાગાળાનું રોકાણ છે. જ્યારે સ્થાનિક ઉત્પાદનો વધુ વેચાશે, ત્યારે રાજ્યની અંદર જ નાણાંનું પરિભ્રમણ વધશે (Local Circulation of Money). આનાથી રાજ્યના જીડીપીમાં (GSDP) વધારો થશે. વધુમાં, આ સંગઠિત બજાર વ્યવસ્થાને કારણે ટેક્સ કલેક્શનમાં પણ પારદર્શિતા આવશે, જે સરકારની આવકમાં વધારો કરશે.
ટૂંકમાં કહીએ તો ‘નમો સ્વદેશી અર્બન મોલ’ એ માત્ર પથ્થર અને સિમેન્ટની ઈમારતો નથી, પરંતુ તે ગુજરાતના લાખો કારીગરોની આશાનું કિરણ છે. તે ભારતીય સંસ્કૃતિને આધુનિકતા સાથે જોડવાનો અભિગમ છે. આ પહેલથી ગુજરાત ‘મેક ઇન ઇન્ડિયા’ના અભિયાનમાં મોખરે રહેશે અને ‘લોકલ’ ખરેખર ‘ગ્લોબલ’ બનશે. જ્યારે ગ્રાહક આ મોલમાંથી એક વસ્તુ ખરીદશે, ત્યારે તેના નાણાં કોઈ મલ્ટીનેશનલ કંપનીના ખાતામાં નહીં, પરંતુ કોઈ મહેનતુ કારીગરના ઘરમાં દીવો પ્રગટાવશે. આ જ આ યોજનાની સૌથી મોટી સફળતા હશે.


