હોમપેજદેશમિડલ-ઈસ્ટ યુદ્ધ વચ્ચે કેમ પીએમ મોદીને માનવામાં આવી રહ્યા છે વિશ્વાસપાત્ર મધ્યસ્થી:...

મિડલ-ઈસ્ટ યુદ્ધ વચ્ચે કેમ પીએમ મોદીને માનવામાં આવી રહ્યા છે વિશ્વાસપાત્ર મધ્યસ્થી: જે વિદેશ યાત્રાઓ પર થતી હતી ટીકા, આજે એ જ બની ભારતની કૂટનીતિક તાકાત

વડા પ્રધાન મોદીની વિદેશ યાત્રાઓને લઈને વર્ષોથી ઉઠાવવામાં આવેલા રાજકીય સવાલો વચ્ચે આજની સ્થિતિ એક અલગ દ્રશ્ય રજૂ કરે છે. જ્યારે વિશ્વનો એક સંવેદનશીલ વિસ્તાર યુદ્ધની સ્થિતિમાં છે અને વૈશ્વિક શક્તિઓ સંવાદના માર્ગો શોધી રહી છે, ત્યારે ભારતનું નામ મધ્યસ્થી તરીકે સામે આવવું એ પુરાવો છે કે છેલ્લા દાયકામાં ભારતીય કૂટનીતિએ કેટલી મજબૂત આધારશિલા તૈયાર કરી છે.

- Advertisement -

જ્યારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાઓ પર જતા હતા, ત્યારે ભારતીય રાજનીતિમાં એક નિશ્ચિત પ્રતિક્રિયા જોવા મળતી હતી. વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધી અને તેમની સાથે જોડાયેલી રાજકીય ઇકોસિસ્ટમ, અવારનવાર આરોપ લગાવતાં હતા કે વડા પ્રધાન ‘દુનિયા ફરવામાં’ વ્યસ્ત છે અને આ યાત્રાઓથી દેશને કોઈ વાસ્તવિક લાભ નથી મળતો. અનેક વખત આ પ્રવાસોને ‘ટેક્સપેયરના પૈસાની બરબાદી’ સુધી કહેવામાં આવ્યા હતા.

પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણનો સ્વભાવ એવો છે કે તેનું વાસ્તવિક મહત્વ તરત નહીં, પરંતુ સંકટની ઘડીમાં સામે આવે છે. આજે જ્યારે મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને વૈશ્વિક શક્તિઓ તણાવ ઘટાડવાના માર્ગો શોધી રહી છે, ત્યારે તે જ ભારત અને તે જ વડા પ્રધાન મોદીને મધ્યસ્થી તરીકે ચર્ચામાં લાવવામાં આવી રહ્યા છે. આ જ તે ક્ષણ છે જેણે છેલ્લા એક દાયકામાં બનેલી ભારતીય કૂટનીતિની વાસ્તવિક તાકાતને ઉજાગર કરી છે. 

મધ્ય-પૂર્વ સંકટ અને મધ્યસ્થીની શોધ

મધ્ય-પૂર્વમાં તાજેતરના સંઘર્ષે વૈશ્વિક ઊર્જા બજાર, સમુદ્રી વેપાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને અસર કરી છે. વિસ્તારમાં તણાવ વધતાં ઘણા દેશો અને વિશ્લેષકોએ એ સવાલ ઉઠાવ્યો છે કે કોણ એવો નેતા કે દેશ છે જે તમામ પક્ષો સાથે વાત કરી શકે. અહીં ભારતનું નામ સામે આવે છે. અનેક આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો અને રણનીતિક ટિપ્પણીકારોએ કહ્યું છે કે ભારત એ ગણતરીના દેશોમાં છે જેના સંબંધો ઇઝરાયેલ, ઈરાન, અમેરિકા અને ખાડી દેશો સાથે એકસાથે સંતુલિત અને વિશ્વાસપાત્ર છે.

- Advertisement -

અમેરિકી સૈન્ય વિશ્લેષક અને ભૂતપૂર્વ કર્નલ ડગલસ મેકગ્રેગરે તાજેતરમાં એક ચર્ચા દરમિયાન કહ્યું કે જો કોઈ નેતામાં આ દેશો સાથે સમાન વિશ્વાસ સાથે સંવાદ સ્થાપિત કરવાની ક્ષમતા હોય તો તે વડા પ્રધાન મોદી છે. આ જ રીતે ઘણા પશ્ચિમ એશિયાઈ રણનીતિક વિશેષજ્ઞોએ પણ ભારતની ભૂમિકાને ‘બ્રિજ ડિપ્લોમસી’ તરીકે ગણાવી છે. 

એક દાયકાની સક્રિય કૂટનીતિનું પરિણામ

વડા પ્રધાન મોદીની વિદેશ નીતિને સમજવા માટે છેલ્લા દસ વર્ષોને જોવાં જરૂરી છે. 2014 પછી ભારતે માત્ર પરંપરાગત કૂટનીતિક સંતુલન જાળવી રાખવા સુધી પોતાને મર્યાદિત ન રાખ્યું, પરંતુ સક્રિય રીતે નવા રણનીતિક સંબંધો બનાવ્યા. પીએમ મોદીએ પોતાના કાર્યકાળમાં અમેરિકા, રશિયા, ઇઝરાયેલ, સાઉદી અરબ, યુએઈ, કતાર અને ઈરાન સહિત અનેક મહત્વના દેશો સાથે વ્યક્તિગત અને સંસ્થાકીય બંને સ્તરે સંવાદને મજબૂત કર્યો છે.

ઉદાહરણ તરીકે 2017માં મોદી ઇઝરાયેલની મુલાકાત કરનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા. બીજી તરફ ભારતે ઈરાન સાથે ચાબહાર બંદર પરિયોજના જેવા રણનીતિક સહયોગને પણ આગળ વધાર્યો. આ જ સંતુલન આજે ભારતની સૌથી મોટી કૂટનીતિક તાકાત બની ગયો છે.

ભારત અને ઇઝરાયેલના સંબંધો છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ રીતે મજબૂત થયા છે. રક્ષા, ટેક્નોલોજી, કૃષિ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સારો સહયોગ છે. પીએમ મોદી અને ઇઝરાયેલી પીએમ વચ્ચેના વ્યક્તિગત સમીકરણો પણ ખૂબ મજબૂત માનવામાં આવે છે. આ જ કારણે ભારતને ઇઝરાયેલ સાથે એક વિશ્વાસપાત્ર ભાગીદાર ગણવામાં આવે છે.

પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભારતનો આ સંબંધ કોઈ બીજા દેશ સાથેના તેના સંબંધોને નબળા પાડતો નથી. ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધો હોવા છતાં ભારતે ઈરાન સાથે પણ પોતાના સંબંધો જાળવી રાખ્યા છે. ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક કનેક્ટિવિટીની દૃષ્ટિએ ઈરાન ભારત માટે મહત્વનો ભાગીદાર રહ્યો છે.

ચાબહાર બંદર પરિયોજનાને ભારત-ઈરાન સહયોગનું પ્રતીક માનવામાં આવે છે, જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી ભારતની પહોંચને મજબૂત કરે છે. આ જ કારણે ઈરાન પણ ભારતને એક વિશ્વાસપાત્ર અને સંતુલિત ભાગીદાર તરીકે જુએ છે.

પીએમ મોદીના કાર્યકાળમાં ભારત અને ખાડી દેશોના સંબંધો પણ નવા સ્તરે પહોંચ્યા છે. સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતે મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી સન્માનિત કર્યા છે. યુએઈ સાથે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) અને ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોર જેવી પરિયોજનાઓ આ બદલાતા સમીકરણના સંકેત છે.

આ સંબંધોએ ભારતને વિસ્તારમાં એક વિશ્વાસપાત્ર ભાગીદાર બનાવી દીધું છે. ભારતની વિદેશ નીતિનો મૂળ સિદ્ધાંત લાંબા સમયથી સંતુલિત રહ્યો છે, પરંતુ મોદી સરકાર દરમિયાન તેને સક્રિય સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભારતે એક તરફ અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે રણનીતિક ભાગીદારી વધારી છે તો બીજી તરફ રશિયા અને ઈરાન જેવા દેશો સાથે સંવાદ પણ જાળવી રાખ્યો છે. આ જ કારણે આજે જ્યારે વૈશ્વિક ધ્રુવીકરણ વધી રહ્યું છે, ત્યારે ભારત એ થોડા દેશોમાં છે જે તમામ પક્ષો સાથે સંવાદ કરી શકે છે.

વિદેશ યાત્રાઓ પર ઉઠેલા સવાલો અને આજનો જવાબ

વડા પ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ અવારનવાર વિપક્ષના નિશાને રહી છે. અનેક વખત આ યાત્રાઓની ‘ઇવેન્ટ ડિપ્લોમસી’ કહીને ટીકા કરવામાં આવી છે. પરંતુ કૂટનીતિનો વાસ્તવિક હેતુ સંકટની ઘડીમાં વિશ્વાસની પૂંજી તૈયાર કરવાનો હોય છે. છેલ્લા દસ વર્ષમાં મોદીએ જે દેશો સાથે વ્યક્તિગત અને સંસ્થાકીય સંબંધો બનાવ્યા છે, તે જ આજે ભારતને મધ્યસ્થી તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

આજે જ્યારે વૈશ્વિક મંચો પર એ ચર્ચા થઈ રહી છે કે ભારત શાંતિ પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે વિદેશ યાત્રાઓ માત્ર પ્રતીકાત્મક કાર્યક્રમો નહોતા, પરંતુ દીર્ઘકાલીન રણનીતિક રોકાણ હતા. આજની દુનિયા શીત યુદ્ધ પછીની એકધ્રુવીય વ્યવસ્થાથી આગળ વધીને બહુધ્રુવીય વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે.
આ નવી વ્યવસ્થામાં ભારત માત્ર એક ઉભરતી અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ એક મહત્વની કૂટનીતિક શક્તિ તરીકે પણ ઉભરી રહ્યું છે. મધ્ય-પૂર્વ સંકટ વચ્ચે વડા પ્રધાન મોદીને મધ્યસ્થી તરીકે જોવાની ચર્ચા આ બદલાતી વૈશ્વિક ભૂમિકાનો સંકેત છે.

વડા પ્રધાન મોદીની વિદેશ યાત્રાઓને લઈને વર્ષોથી ઉઠાવવામાં આવેલા રાજકીય સવાલો વચ્ચે આજની સ્થિતિ એક અલગ દ્રશ્ય રજૂ કરે છે. જ્યારે વિશ્વનો એક સંવેદનશીલ વિસ્તાર યુદ્ધની સ્થિતિમાં છે અને વૈશ્વિક શક્તિઓ સંવાદના માર્ગો શોધી રહી છે, ત્યારે ભારતનું નામ મધ્યસ્થી તરીકે સામે આવવું એ પુરાવો છે કે છેલ્લા દાયકામાં ભારતીય કૂટનીતિએ કેટલી મજબૂત આધારશિલા તૈયાર કરી છે. કૂટનીતિની અસલી કસોટી સંકટના સમયે થાય છે અને મધ્ય-પૂર્વના વર્તમાન સંકટે એ બતાવી દીધું છે કે ભારત હવે માત્ર વૈશ્વિક ઘટનાઓનો દર્શક નથી રહ્યું, પરંતુ સમાધાનનો ભાગ પણ બની ગયું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં