હોમપેજગુજરાતઑપઇન્ડિયા એક્સક્લુઝિવ: અમદાવાદની કોર્ટમાં હિંદુ યુવતીઓ-મુસ્લિમ યુવકોના નિકાહનું નેટવર્ક? અન્ય રાજ્યોમાંથી...

ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ: અમદાવાદની કોર્ટમાં હિંદુ યુવતીઓ-મુસ્લિમ યુવકોના નિકાહનું નેટવર્ક? અન્ય રાજ્યોમાંથી પણ આવતા હતા કેસ, રજિસ્ટ્રાર સૈયદ પર ગંભીર આરોપો

તેમણે દાવો કર્યો છે કે, "મને એવું જાણવા મળ્યું છે કે ખૂણે-ખૂણેથી મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી હોય એવા કેસમાં આ જ રજિસ્ટ્રેશન ઑફિસમાં તેમના નિકાહ નોંધવામાં આવ્યાં છે."

- Advertisement -

અમદાવાદની ઘી કાંટા કોર્ટમાંથી તાજેતરમાં એક મામલો સામે આવ્યો હતો, જેમાં મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી વકીલના વેશમાં લગ્ન નોંધણી કરવા પહોંચ્યાં હતાં જેથી કોઈ તેમને ઓળખી ન શકે. આ ઘટનામાં એવું પણ સામે આવ્યું હતું કે રજિસ્ટ્રાર પણ આ કાવતરામાં સામેલ હતો. રજિસ્ટ્રાર એમ.એમ સૈયદે લગ્ન નોંધણીની ઑફિસ શરૂ થાય તેના 2 કલાક પહેલાં જ બંનેને પાછલા દરવાજેથી પ્રવેશ આપી દીધો હતો. હવે આ મામલે ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. સામે આવ્યું છે રજિસ્ટ્રાર સૈયદ માત્ર અમદાવાદના જ નહીં પણ અન્ય જિલ્લાઓ અને રાજ્યોના મુસ્લિમ યુવકોને પણ હિંદુ યુવતી સાથે નિકાહ કરવા મદદ કરતો હતો.

આ મામલો 4 માર્ચ રોજ સામે આવ્યો હતો. ત્યારપછીથી આ મામલે ઘણા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ મામલે હિંદુ યુવતીની માતાએ એવો આરોપ લગાવ્યો છે કે આરોપી સલમાન પેથાપુરનો રહેવાસી છે અને તે તેમની દીકરીને કેટલાક મહિનાઓ પહેલાં ભગાડી ગયો હતો. જ્યારે 2026માં તે લગ્નની નોંધણી માટે આવ્યો ત્યારે ખબર પડી કે હિંદુ યુવતી ગર્ભવતી છે અને સલમાન તેને નિકાહ માટે દબાણ કરી રહ્યો છે.

મુંબઈ…યુપીના મુસ્લિમ યુવકોના નિકાહ હિંદુ યુવતી સાથે આ જ રજિસ્ટ્રેશન ઑફિસમાં નોંધાયા

આ મામલે વધુ જાણકારી મેળવવા ઑપઇન્ડિયા ઘી કાંટા કોર્ટ પહોંચ્યું હતું. જ્યાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. છેલ્લા 4 મહિનાનો ડેટા તપાસતા ઑપઇન્ડિયાને જાણવા મળ્યું હતું કે રજિસ્ટ્રાર સૈયદ હિંદુ યુવતીઓના મુસ્લિમ યુવકો સાથે નિકાહ કરાવવાના ષડ્યંત્રમાં વ્યાપકપણે અને સક્રિય રીતે સામેલ હતો. ડિસેમ્બર 2025થી જાન્યુઆરી 2026નો ડેટા જોતા સામે આવ્યું કે માત્ર આ 2 મહિનાના સમયગાળામાં સૈયદે આવા 11 નિકાહ કરાવ્યા હતા જેમાં યુવક મુસ્લિમ હતો અને યુવતી હિંદુ હતી.

- Advertisement -

બાબત આટલેથી અટકતી નથી, ચોંકાવનારી વિગત એ હતી કે આ નિકાહમાં કોઈક ઉત્તર પ્રદેશનું હતું તો કોઈક મુંબઈથી સૈયદ પાસે આવ્યું હતું. નોંધનીય છે કે તાજેતરનો મામલો સામે આવ્યા બાદ વકીલોએ ફરિયાદ કરી હતી જેમાં સૈયદને આ મામલે સહઆરોપી બનાવવાની અને તેને ફરજમાંથી બરતરફ કરવાની માંગો સામેલ હતી. જે વકીલોએ ફરિયાદ આપી હતી તેમાંના એક મહિલા વકીલ સાથે ઑપઇન્ડિયાએ વાત કરી હતી.

મહિલા વકીલનું નામ સુધા ક્રિશ્ચિયન છે જે આ કોર્ટમાં નોટરી અને એડવોકેટ તરીકેની ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે ઘટના બની એ દિવસે યુવતીના પરિવારજનો સવારે 10 વાગે કોર્ટની બહાર આવીને ઉભા હતા અને રજિસ્ટ્રાર ઑફિસમાં જવાનું કહી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે ઓફિસ 11 વાગે ખૂલે છે પણ પરિવારે દાવો કર્યો કે તેમની દીકરી ઑફિસમાં જ છે. એવામાં જ મહિલા વકીલને ઑફિસમાં કોઈક કામ પડ્યું તેથી તેઓ અંદર ગયાં.

મહિલા વકીલ નિકાહ રોકવા ગયા તો ઑફિસને કરી દીધી લોક

અંદર જઈને તેમણે જોયું કે વકીલનાં કપડાં પહેરેલી હિંદુ યુવતી અને મુસ્લિમ યુવક બંને રજિસ્ટ્રાર ઑફિસમાં ઊભાં હતાં. તેમની સાથે અન્ય એક મનીષા નામક મહિલા વકીલ અને એક પોલીસકર્મી પણ સામેલ હતાં. જ્યારે સુધાએ પૂછ્યું કે હિંદુ યુવતીને વકીલના કોર્ટમાં કેમ એન્ટ્રી આપી છે અને રજિસ્ટ્રાર આ અંગે વાંધો કેમ નથી ઉઠાવી રહ્યા? ત્યારે ત્યાં ઉભેલા પોલીસકર્મીએ ઑફિસનો દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે હવે જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ત્યાં સુધી દરવાજો નહીં ખૂલે કારણ કે જો દરવાજો ખોલ્યો તો બહાર હોબાળો થઈ જશે.

ત્યારપછી સુધાએ તેમના મિત્ર વકીલ મીનાને જાણ કરી જેથી મીના બારોટ ત્યાં આવ્યાં અને તેમણે લોકોને જાણ કરી કે રજિસ્ટ્રાર ઑફિસમાં આ રીતે વકીલના વેશમાં યુવતી આવી છે અને આ કાવતરું એમ.એમ સૈયદ રજિસ્ટ્રાર અને વકીલ મિત્તલ જાડેજાએ રચ્યું હતું. તેમણે એવું પ્લાનિંગ કરેલું હતું કે જો બંનેને વકીલના વેશમાં લાવવામાં આવશે તો કોઈ પ્રશ્નો નહીં કરે અને નિકાહ શાંતિથી પતી જશે. સુધા ક્રિશ્ચિયને આક્ષેપ કર્યો કે મિત્તલ વકીલે જ નિકાહનું વકાલતનામું વિડ્રો કર્યું છે. સુધા ક્રિશ્ચિયનના જણાવ્યા આનુસાર આ છેતરપિંડી હતી કારણ કે કોર્ટ પરિસરમાં માત્ર સનદ મેળવેલા વકીલોને જ વકીલનો કોટ પહેરવાની પરવાનગી હોય છે.

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે બહાર માતા-પિતા હાજર હોવા છતાં એમ.એમ સૈયદે યુવતીને તેના માતા-પિતા સાથે મળવા નહોતી દીધી. તેમણે કહ્યું કે તેમણે ફોટોસ પાડ્યા અને બધાને મોકલ્યા પછી લોકો ત્યાં ભેગા થયા અને આ કાર્યવાહી થઈ અને મામલો સામે આવ્યો.

‘વકીલનો કોટ પહેરીને કરવામાં આવી છેતરપિંડી’

અન્ય એક મહિલા વકીલ અને નોટરી તરીકે ફરજ બજાવતા રાગિણી દવેએ વકીલોએ જે ફરિયાદ અને અરજી આપી છે તે અંગે જણાવ્યું હતું કે એ દિવસે યુવતીનાં માતા-પિતા, પરિવાર, ઘણા બધા વકીલો અને હિંદુ સંગઠનો પણ હાજર હતાં. તેમણે કહ્યું કે આ માત્ર લગ્નનો મુદ્દો નહોતો પરંતુ વકીલનો કાળો કોટ પહેરીને જે છેતરપિંડી કરવામાં આવી તેનો મામલો છે. તેમણે જણાવ્યું કે ઘટના બની એ દિવસે કારંજ પોલીસ, માધુપુરા પોલીસ અને શાહપુર પોલીસ ત્યાં હાજર હતી અને મોટી સંખ્યામાં એડવોકેટોએ વિરોધ નોંધાવ્યો હતો.

તેમણે આગળ જણાવ્યું કે આ બધા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ત્યાં હાજર હતા, તેમની સમક્ષ માંગ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે યુવક—યુવતી એવો દાવો કરવા લાગ્યાં કે આ કોટ એ વકીલનો નહીં પણ વેઇટરનો છે. જોકે વેઇટર અને વકીલના કોટમાં મોટું અંતર હોય છે. દવેએ આગળ જણાવ્યું કે તે જ દિવસે વકીલ સમુદાયના લોકોએ અરજી આપી જેમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

તેમણે આગળ જણાવ્યું કે ફરિયાદમાં આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી કારંજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. તેમણે આગળ કહ્યું કે આ લોકો અપરાધી છે, સામાન્ય રીતે લગ્નના દિવસે છોકરી ચોળી-સાડી પહેરતી હોય છે આમ કાળા કપડામાં અને યુનિફોર્મમાં કોઈ લગ્ન ન કરે. તેમણે જણાવ્યું કે જે વકીલ મિત્તલ આ બંનેને લગ્ન કરવા લઈને આવ્યાં હતાં આ તેમનું જ ષડ્યંત્ર છે અને લોકોને ભ્રમિત કરવાના ઈરાદેથી આ કાવતરું રચવામાં આવ્યું છે.

‘ગ્રીન કોરિડોરની અંદર રચાયું ષડ્યંત્ર’

તેમણે આગળ કહ્યું કે જ્યારે સામાન્ય રીતે કોઈ યુગલ લગ્ન નોંધણી માટે આવે ત્યારે રજિસ્ટ્રાર સૈયદની કાચની કેબીનની બહાર તેમને ઉભા રાખવામાં આવતાં હોય છે જ્યારે આ બંનેને કેબીનની અંદર બેસાડવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે ગ્રીન કોરિડોરની અંદર તેમને બોલાવવામાં આવ્યાં હતાં અને ના કોઈ વકીલને અંદર જવા દીધા ન યુવતીને તેના પરિવાર સાથે મળવા દીધી.

સુધા ક્રિશ્ચિયને જણાવ્યું કે વકીલોએ જે અરજી આપી છે તેમાં BNSની કલમ 319(2)નો ઉલ્લેખ છે જે અંતર્ગત બાર કાઉન્સિલમાં ડીસીપ્લનરી એક્શન લેવામાં આવે છે અને છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. તેમણે આગળ કહ્યું કે કોર્ટ પરિસરમાં બોગસ વકીલ બનીને આવવાનું કૃત્ય કરવા બદલ સજા થાય. તેમણે જણાવ્યું કે રજિસ્ટ્રારએ એ ઑફિસમાં, જ્યાં વકીલને પણ જવાની મંજૂરી નથી અને જ્યાં અગત્યના દસ્તાવેજો હોય છે ત્યાં આવા અજાણ્યા લોકોને પ્રવેશવાની મંજૂરી કેવી રીતે આપી?

સમય પૂરો થયાના 2 કલાક બાદ ભરાયું ચલણ

તેમણે કહ્યું કે આ સિવાય જે ચલણ ભરવામાં આવે છે જે સાંજે 4 વાગ્યા પછી ભરવામાં નથી આવતું એ સાંજે 6 વાગે કેવી રીતે ભરાયું એ પણ એક પ્રશ્ન છે. તેમણે આગળ જણાવ્યું કે કેસમાં બીજા એક વ્યક્તિ વસીમનું નામ પણ છે જે પહેલાં અહીંયા નોકરી કરતો હતો પણ હાલ એની બદલી થઈ ગઈ હતી પણ એ સૈયદનો વહીવટદાર છે. તેમણે કહ્યું કે સૈયદ અને મિત્તલ જાડેજાએ મળીને આ કાવતરું રચ્યું છે તેમને બંનેને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. તેમણે દાવો કર્યો કે આવા ઘણા રજિસ્ટ્રાર અને વકીલો મિસગાઈડ કરીને આવાં કાવતરાં રચતા હશે.

તેમણે આગળ જણાવ્યું કે યુવતીનાં માતા-પિતા લગભગ 1 મહિનાથી અહીંયા આવતાં હતાં અને રજિસ્ટ્રારને કહેતાં હતાં કે તેમની દીકરી અહીંયા આવશે તો તેમને જાણ કરવામાં આવે. ત્યારે સૈયદે કહ્યું હતું કે તે જાણ કરશે પણ જ્યારે વાસ્તવમાં યુવતી આવી ત્યારે તેને ગ્રીન કોરિડોરમાં લોક કરી દેવામાં આવી અને માતા-પિતાને મળવા પણ ન દેવામાં આવ્યાં.

‘મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક હોય તો કેસ બગાડી દેતો હતો રજિસ્ટ્રાર સૈયદ’

વધુમાં ઑપઇન્ડિયાને એવી માહિતી મળી હતી કે રજિસ્ટ્રાર સૈયદ પાસે જો એવો કેસ આવે જેમાં યુવતી મુસ્લિમ હોય અને યુવક હિંદુ હોય તો તે લગ્ન થવા દેતો નહોતો. એ કોઈકને કોઈક રીતે મુસ્લિમ યુવતીના અબ્બા-અમ્મી કે પરિવાર સુધી બાતમી પહોંચાડી દેતો અને મોટાભાગના કેસમાં નિકાહ અટકાવી દેતો હતો. આવા જ એક કેસના સાક્ષી એડવોકેટ અભી રાજપૂત સાથે ઑપઇન્ડિયાએ વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે 2 મહિના પહેલાં તેમની પાસે હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી આવ્યાં હતાં અને બંને જણા પોતાની મરજીથી એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતાં. પરંતુ એવું બન્યું કે 30 દિવસનો નોટિસનો સમયગાળો પતવા આવ્યો હતો અને લગ્નની તારીખ નજીક આવતી હતી ત્યારે મુસ્લિમ યુવતીના અમ્મી-અબ્બાને ઉશ્કેરવામાં આવે છે કે આ યુવક સાથે તેના લગ્ન ન કરાવડાવો.

તેમણે આગળ જણાવ્યું કે જ્યારે લગ્નના દિવસે યુવક-યુવતી રજિસ્ટ્રાર ઑફિસ પહોંચે છે ત્યારે યુવતીનાં અમ્મી-અબ્બા અચાનક આવી જાય છે અને યુવતીને લઈને જતાં રહે છે. છોકરો આર્થિક રીતે સધ્ધર નથી હોતો તેથી તે આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરતો નથી એટલે ત્યાં આ વાત પતી જાય છે. તેમણે આગળ કહ્યું કે જ્યારે રજિસ્ટ્રાર લેવલની એટલે ક્લાસ -2ની પોસ્ટ ધરાવતા હોય જ્યાં લોકો ન્યાયની અપેક્ષા રાખતા હોય ત્યારે માત્ર ધર્મના આધારે એક તરફી નિર્ણય લઈને કેસ ન બગાડવો જોઈએ.

‘મુસ્લિમ યુવતી-હિંદુ યુવક હોય તો હેરાન કરે છે સૈયદ’

તેમણે કહ્યું કે આવા કિસ્સા બને છે ત્યારે આપણા મૂળભૂત અધિકારોનો પણ ભંગ થતો હોય છે. વધુમાં એડવોકેટ અભીએ કહ્યું કે આવી માનસિકતા ધરાવતા જે રજિસ્ટ્રાર છે તેમને નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે તેમના આ અનુભવ બાદ જ્યારે તેમણે તેમના અનુભવનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ત્યારે ઘણા અન્ય એડવોકેટની કમેન્ટ્સ આવી કે જ્યારે છોકરી મુસ્લિમ હોય અને છોકરો હિંદુ હોય ત્યારે રજિસ્ટ્રાર કેસ બગાડે છે.

તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે આવા કેસ હોય છે ત્યારે સૈયદ ડોક્યુમેન્ટટેન્શન અટકાવે છે, ડોક્યુમેન્ટને લઈને હેરાન કરે છે, આવા ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે, “મને એવું જાણવા મળ્યું છે કે ખૂણે-ખૂણેથી મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી હોય એવા કેસમાં આ જ રજિસ્ટ્રેશન ઑફિસમાં તેમના નિકાહ નોંધવામાં આવ્યાં છે.”

આ કિસ્સો સ્પષ્ટ કરે છે કે વર્તમાન લગ્ન નોંધણી પ્રક્રિયામાં રહેલી છટકબારીઓનો લાભ ઉઠાવીને કેટલાક સરકારી અધિકારીઓ અને વચેટિયાઓ સામાજિક અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જ્યારે સરકારી પદ પર બેઠેલી વ્યક્તિ જ ધર્મના આધારે પક્ષપાત કરવા લાગે અને કાયદાના રક્ષક ગણાતા વકીલોના યુનિફોર્મનો દુરુપયોગ છેતરપિંડી માટે કરવામાં આવે, ત્યારે કાયદાકીય માળખું જોખમમાં મુકાય છે.

આવી ગંભીર ગેરરીતિઓને રોકવા માટે જ ગુજરાત સરકાર જે નવા લગ્ન નોંધણીના કાયદા અને સુધારાઓ લાવી રહી છે તે અત્યંત જરૂરી જણાય છે. લગ્ન નોંધણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, ફરજિયાત વાલીઓની ઉપસ્થિતિ અથવા સૂચના અને રજિસ્ટ્રારની સત્તાઓ પર અંકુશ મૂકતા કાયદાઓ આવા ‘ષડયંત્રકારી નેટવર્ક’ને તોડવા માટે અનિવાર્ય છે. જો કાયદો કડક નહીં હોય તો પવિત્ર ગણાતી કોર્ટ પરિસરનો ઉપયોગ આવા ગેરકાયદેસર કૃત્યો માટે થતો રહેશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં