લેફ્ટ-લિબરલોનો એક મોટો વર્ગ કાયમ પોતાની ચળ સંતોષવા માટે નવાં-નવાં ગતકડાં લઈને આવતો રહે છે. તેમનો મુખ્ય ટાર્ગેટ હિંદુ હોય છે. હિંદુઓ સાથે જોડાયેલી તમામ પરંપરા, પ્રક્રિયા કે કામોમાંથી તેઓ એક વાહિયાત મુદ્દો ઉઠાવે છે અને ગામમાં રાડારાડ કરીને પ્રોપગેન્ડા ફેલાવવાનું શરૂ કરી દે છે. આ વખતે હોળીમાં પણ આ તત્વોએ આવી જ રાડારાડ મચાવી છે. તેઓ પોતે હોળીનો બહિષ્કાર કરે છે, જે તેમની અંગત માન્યતા, ગમો-અણગમો કે પૂર્વગ્રહને સમર્પિત છે, પરંતુ તેઓ એવું ઈચ્છે છે કે તેમની સાથે આખું ગામ આ તહેવારો ઉજવવાનું બંધ કરી દે, કારણ કે આ તહેવાર ‘એક સ્ત્રીના અપમૃત્યુની ઉજવણી’ છે!
સોશિયલ મીડિયા પર આ ‘બુદ્ધિજીવીઓ’ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હોળી ખરેખર ‘એક સ્ત્રીની હત્યાનો ઉત્સવ’ છે. કેટલાક લોકો આ પ્રશ્ન ઉઠાવતા જોવા મળે છે કે ‘શું આપણે એક મહિલાના દહનનો જશ્ન મનાવી રહ્યા છીએ?’ આ ભાવનાત્મક અપીલ એટલી ચતુરાઈથી રચાયેલી હોય છે કે પહેલી નજરે તે સંવેદનશીલતા જેવી લાગે છે, પરંતુ જેવું આપણે શાસ્ત્ર, ઇતિહાસ અને પરંપરાના સંદર્ભમાં તેને પારખીએ, તેવી આ દલીલ પોતાનો આધાર ગુમાવી દે છે. આ વિમર્શ તથ્ય કરતાં વધુ ફ્રેમિંગ પર આધારિત છે, કથામાંથી કર્મને હટાવીને માત્ર લિંગ પર કેન્દ્રિત કરી દેવું અને પછી તેના આધારે આખી સભ્યતાને કઠેડામાં ઊભી કરી દેવી. હવે આ લિબ્રાન્ડુઓની ચળ સંતોષવા માટે આપણે તથ્યોનો જ સહારો લઈએ અને આગળ વધીએ.

શું હોળીની શરૂઆત હોલિકાદહનથી થઈ છે?
સૌપ્રથમ મૂળ તથ્ય પર વાત થવી જોઈએ. હોલિકા દહન અને પ્રહલાદની કથા પૌરાણિક કાળની છે, તે સ્વીકાર્ય અને નિર્વિવાદ બાબત છે, પરંતુ હોળીનું અસ્તિત્વ પૌરાણિક કાળ પહેલાંનું છે. વૈદિક સાહિત્યમાં ફાલ્ગુની પૂર્ણિમા, અગ્નિ અનુષ્ઠાન, નવધાન્ય-ઇષ્ટિ અને ઋતુ-પરિવર્તન આધારિત યજ્ઞ પરંપરાઓનો ઉલ્લેખ મળે છે. હોળી મૂળતઃ અગ્નિ અને કૃષિ સાથે જોડાયેલો એક યજ્ઞ-ઉત્સવ હતો. નવા અન્નને અગ્નિને અર્પણ કરીને સામૂહિક પ્રસાદ તરીકે ગ્રહણ કરવું– આ નવસસ્યેષ્ટિની પરંપરા હતી. ગુજરાતમાં આજે પણ હોળીને ‘હુતાશની’ કહેવામાં આવે છે, ‘હુતાશન’ અગ્નિ સાથે જોડાયેલો શબ્દ છે.
એટલે કે હોળીનું મૂળ વૈદિક છે. હોલિકા દહને આ પરંપરાને એક પૌરાણિક નૈતિક કથા સાથે જોડી દીધી, પરંતુ મૂળ પરંપરા તેનાથી ક્યાંય પહેલાંની છે. જે લોકો હોળીને માત્ર ‘એક સ્ત્રીના દહન’ સુધી મર્યાદિત કરી રહ્યા છે, તેઓ કાં તો વૈદિક પૃષ્ઠભૂમિથી અજાણ છે કે પછી તેને જાણીજોઈને અવગણી રહ્યા છે.
કેમ હોળીની પરિક્રમા કરવામાં આવે છે?
સોશિયલ મીડિયા પર એ પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકો ‘હોલિકાની ચિતા’ની પરિક્રમા કરે છે. આ બાબત પોતે જ તથ્યહીન છે. પરિક્રમા અગ્નિની થાય છે, જેને વૈદિક પરંપરામાં દેવતા માનવામાં આવ્યા છે. ઋગ્વેદનો પ્રથમ મંત્ર અગ્નિને સમર્પિત છે. યજ્ઞના અંતે અગ્નિની પરિક્રમા કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. હોલિકા દહન તે જ યજ્ઞ-પરંપરાનું લોકસ્વરૂપ છે.
આ ટોળકી અગ્નિ-પરિક્રમાને ‘સ્ત્રીની ચિતાની પરિક્રમા’ કહીને જાણીજોઈને ભાવનાત્મક ભ્રમ ફેલાવી રહી છે. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ જમાત વિવાહના અગ્નિકુંડની પરિક્રમાને પણ કોઈ વિશેષ વ્યક્તિની ચિતા માનશે? સ્પષ્ટ છે કે પ્રતીકને સમજ્યા વિના તેનો પ્રોપેગેન્ડા માટે અનુવાદ કરી દેવો ગંભીર બૌદ્ધિક બદમાશી છે.
હોલિકા દહનને ‘ચિતા’ કહેવું વૈચારિક ભ્રમ ફેલાવવાની એક રણનીતિ છે. ચિતા મૃતદેહના સંસ્કાર સાથે જોડાયેલી હોય છે, જ્યારે હોલિકા દહનમાં જે અગ્નિ પ્રજ્વલિત થાય છે તે વૈદિક યજ્ઞ પરંપરાનો પ્રતીકાત્મક વિસ્તાર છે. ઋગ્વેદમાં અગ્નિને દેવતાઓ અને મનુષ્યો વચ્ચેનો સેતુ કહેવામાં આવ્યો છે. અગ્નિ રૂપાંતરણની શક્તિ છે, તે કાચાને પાકું કરી દે છે, અશુદ્ધને શુદ્ધ કરી દે છે, સ્થૂળને સૂક્ષ્મ બનાવી દે છે. હોળીનો અગ્નિ આ જ રૂપાંતરણનું પ્રતીક છે. જ્યારે લોકો તેની પરિક્રમા કરે છે ત્યારે તેઓ કોઈ વ્યક્તિના મૃત્યુનો ઉત્સવ નથી મનાવતા, પરંતુ અગ્નિના માધ્યમથી પોતાની અંદરની નકારાત્મકતાઓના દહનનો સંકલ્પ દોહરાવે છે. તેને ‘સ્ત્રીની ચિતાની પરિક્રમા’ કહેવું માત્ર શાસ્ત્રીય અજ્ઞાન જ નહીં, પરંતુ સાંસ્કૃતિક પ્રતીકોની દુર્ભાવનાપૂર્ણ વ્યાખ્યા પણ છે.
કેન્દ્રમાં હોલિકાનું કર્મ
પૌરાણિક કથા અનુસાર હોલિકાને અગ્નિથી ન બળવાનું વરદાન પ્રાપ્ત હતું. તેણે તે વરદાનનો દુરુપયોગ કરીને એક બાળકની હત્યાનો પ્રયાસ કર્યો. તે સત્તા-સંરક્ષિત હિંસક ષડ્યંત્રનો ભાગ હતી. દૈવી ન્યાયના પરિણામસ્વરૂપ તે જ અગ્નિ તેને ભસ્મ કરી દે છે અને પ્રહ્લાદ બચી જાય છે.
અહીં મૂળ પ્રશ્ન એ નથી કે તે સ્ત્રી હતી કે પુરુષ. મૂળ પ્રશ્ન એ છે કે તેનું કર્મ શું હતું. જો તે જ કાર્ય કોઈ પુરુષે કર્યું હોત તો શું એ કહેવામાં આવ્યું હોત કે આપણે ‘પુરુષ-દહન’નો ઉત્સવ મનાવી રહ્યા છીએ? રાવણ દહનમાં શું આપણે ‘પુરુષ-વિરોધ’નું પ્રદર્શન કરીએ છીએ? મહિષાસુર વધ શું કોઈ જાતિ કે સમુદાય વિરુદ્ધ હિંસાનું પ્રતીક છે? સનાતન સભ્યતા કર્મના આધારે પ્રતીક ઘડે છે, જૈવિક ઓળખના આધારે નહીં. જો ઓળખના આધારે જ હોત તો બ્રાહ્મણો રામની જગ્યાએ રાવણની પૂજા કરતા હોત. જે લોકો હોલિકાને માત્ર ‘સ્ત્રી’ તરીકે રજૂ કરી રહ્યા છે, તેઓ કથાના નૈતિક આયામને જાણીજોઈને હટાવી રહ્યા છે.
અસત્ય પર સત્યનો વિજય: મૂળ સંદેશનું વિખંડન કેમ?
હોળીનો મૂળ સંદેશ સ્પષ્ટ છે- અસત્ય પર સત્યનો વિજય. આ ઉત્સવ પ્રહ્લાદના બચી જવાની ખુશીનો પર્વ છે. આ ભક્તિના વિજયનું પ્રતીક છે. આ અહંકારના અંતનો સંદેશ છે. કથાનું કેન્દ્ર પ્રહ્લાદ છે, એક બાળક જેની આસ્થા અડગ રહી. કથાનું કેન્દ્ર દૈવી ન્યાય છે, જ્યાં વરદાનનો દુરુપયોગ પોતાને જ ભસ્મ કરી દે છે. જે લોકો માત્ર હોલિકાના મૃત્યુ પર કેન્દ્રિત થઈને ઉત્સવને અપરાધબોધમાં બદલવા માંગે છે, તેઓ કથાના નૈતિક તત્વને જાણીજોઈને હટાવીને માત્ર ભાવનાત્મક ફ્રેમ ઘડી રહ્યા છે.
જ્યારે તેને ‘સ્ત્રી-દહન’ની સંકુચિત વ્યાખ્યામાં બદલી દેવામાં આવે છે, ત્યારે કથાનું કેન્દ્ર પણ અવળા માર્ગે જાય છે. પ્રહ્લાદની ભક્તિ, દૈવી સંરક્ષણ અને અધર્મના પતનને હટાવી દેવામાં આવે છે અને માત્ર એક ભાવનાત્મક છબી ઊભી કરી દેવામાં આવે છે કે ‘એક સ્ત્રી બળી ગઈ.’ આ તે જ તકનીક છે જેમાં કોઈપણ બહુસ્તરીય પરંપરાને એક વાક્યમાં સીમિત કરી દેવામાં આવે છે અને પછી તેના આધારે જ પ્રોપગેન્ડા ઊભો કરી દેવામાં આવે છે.
‘સ્ત્રી’ Vs ‘અપરાધ’: નેરેટિવનું જાણીજોઈને કરાયેલું સરળીકરણ
હોલિકાને માત્ર ‘એક સ્ત્રી’ તરીકે રજૂ કરવી અને તેના આધારે આખા ઉત્સવને કઠેડામાં ઊભો કરી દેવો એ એક કાવતરું છે. કોઈપણ કથા યા ઇતિહાસમાં પાત્રનું મૂલ્યાંકન તેના જૈવિક લિંગથી નહીં, પરંતુ તેના કર્મ અને ભૂમિકાથી થાય છે. હોલિકાની કથામાં તે એવી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જેણે વરદાનનો દુરુપયોગ કરીને એક બાળકની હત્યાનો પ્રયાસ કર્યો. જો આ તથ્યને હટાવીને માત્ર એ કહેવામાં આવે કે ‘એક સ્ત્રીને બાળી નાખવામાં આવી’ તો આ કથાની રચના સાથે છેડા કરવા સમાન છે. પ્રશ્ન એ છે કે શું કોઈપણ અપરાધમાં સહભાગી વ્યક્તિને માત્ર એટલા માટે નૈતિક છૂટ મળી શકે કે તે સ્ત્રી છે? જો તે જ ભૂમિકા કોઈ પુરુષની હોત તો શું આ વિમર્શ જન્મ લેત? સ્પષ્ટ છે કે અહીં લક્ષ્ય ન્યાયનું વિશ્લેષણ નથી, પરંતુ ભાવનાત્મક અપરાધબોધ ઉત્પન્ન કરવાનું છે. સભ્ય સમાજ અપરાધનું મૂલ્યાંકન લિંગના આધારે નહીં, કર્મના આધારે કરે છે.
કોઈપણ સભ્યતાને નબળી પાડવાનો એક રસ્તો એ છે કે તેનાં પ્રતીકોને અપરાધબોધ સાથે જોડી દેવાં. જ્યારે લોકોને એવો વિશ્વાસ કરાવી દેવામાં આવે કે તેમનો ઉત્સવ કોઈ અન્યાયનું પ્રતીક છે, ત્યારે ધીમે-ધીમે તેઓ પોતાની પરંપરાઓથી દૂર થવા લાગે છે. અગાઉ ‘સ્વસ્તિક’ને હિટલર સાથે જોડીને દુનિયાની લિબરલ ટોળકીએ આવો પ્રોપગેન્ડા ફેલાવ્યો હતો. હોળીના સંદર્ભમાં પણ આ જ પ્રયાસ દેખાઈ રહ્યો છે- વૈદિક પૃષ્ઠભૂમિને અવગણવી, અગ્નિને ચિતા કહેવી અને કર્મને લિંગમાં બદલી નાખવું. આ વિમર્શ સંવાદનો નથી, વૈચારિક ધ્રુવીકરણનું પરિણામ છે.
હોળીને સમજવા માટે શાસ્ત્ર, ઇતિહાસ અને પ્રતીક ત્રણેયને એકસાથે વાંચવા પડશે. માત્ર ભાવનાત્મક વાક્યોના આધારે હજારો વર્ષોની પરંપરાને દોષી ઠેરવવી મૂર્ખામી નથી, પણ જાણીજોઈને થતું ગંભીર વૈચારિક કાવતરું છે.
આજે એક પ્રવૃત્તિ છે કે દરેક પરંપરાને આધુનિક રાજકીય શબ્દાવલીમાં ફિટ કરી દેવામાં આવે છે. પિતૃસત્તા, ઉત્પીડન, હિંસા. આ શબ્દો પોતાની જગ્યાએ યોગ્ય અને મહત્વના છે, પરંતુ તેમને દરેક પ્રાચીન પ્રતીક પર ઠોકી બેસાડવા યોગ્ય નથી. જો આપણે દરેક ઇતિહાસને જૈવિક ઓળખના ફ્રેમમાં જોવા લાગીએ તો કાલ ઊઠીને કોઈ શૂર્પણખાના પ્રસંગને પણ ‘સ્ત્રી-અપમાન’નું એકમાત્ર પ્રતીક જાહેર કરી દેવાશે, એ જોયા વિના કે કથાનો વ્યાપક સંદર્ભ શું હતો. આ પ્રવૃત્તિ પરંપરાને સમજવાની નથી, તેને વિખંડિત કરવાની છે.
હોળી કોઈ સ્ત્રીના અપમૃત્યુનો ઉત્સવ નથી. તે સત્યના વિજયનો પર્વ છે. તે વૈદિક અગ્નિ-પરંપરાની નિરંતરતા છે. તે નવધાન્ય-ઇષ્ટિથી લઈને પૌરાણિક કથા સુધીની સાંસ્કૃતિક યાત્રા છે. જે લોકો તેને માત્ર ‘એક સ્ત્રીની હત્યા’ કહીને મર્યાદિત કરી રહ્યા છે, તેઓ કાં તો શાસ્ત્રીય આધારથી અજાણ છે કે પછી જાણીજોઈને પ્રતીકોનું રાજકીય પુનર્ગઠન કરી રહ્યા છે. હોળીનો સંદેશ વિભાજન નથી, શુદ્ધિ છે. તેનું કેન્દ્ર વ્યક્તિ નથી, પ્રતીક છે અને તેનો ઉત્સવ કોઈ લિંગ વિરુદ્ધ નથી, અધર્મ વિરુદ્ધ છે.


