હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિહોલિકા દહનથી પણ પ્રાચીન છે હોળી: વૈદિક યુગની 'નવધાન્ય ઇષ્ટી'થી લઈને 'હુતાશની...

હોલિકા દહનથી પણ પ્રાચીન છે હોળી: વૈદિક યુગની ‘નવધાન્ય ઇષ્ટી’થી લઈને ‘હુતાશની અનુષ્ઠાન’ સુધીનો છે સનાતન ઇતિહાસ

આજે આપણે હોળી મનાવીએ છીએ ત્યારે માત્ર રંગ નથી રમતા, આપણે અજાણતાં જ હજારો વર્ષોની તે પરંપરાને આગળ વધારીએ છીએ જેણે અગ્નિમાં અન્ન અર્પણ કરીને સમાજને જોડ્યો, પ્રાકૃતિક રંગોથી આરોગ્યની રક્ષા કરી અને ઋતુ પરિવર્તનને ઉત્સવમાં બદલી દીધું.

- Advertisement -

સનાતન ધર્મ આદિકાળથી માત્ર એક આસ્થા-પદ્ધતિ તરીકે નહીં, પરંતુ એક સભ્યતાગત દૃષ્ટિ તરીકે વિકસિત થતો આવ્યો છે. અહીં ઉત્સવો માત્ર મનોરંજન નથી હોતા, તે જીવન-ચક્ર, ઋતુ-ચક્ર અને સમાજ-ચક્રને સંતુલિત રાખવાની વિધિ હોય છે. હોળી પણ આવો જ એક ઉત્સવ છે, જેને આજે સામાન્ય રીતે અસત્ય પર સત્યના વિજય અને હોલિકા દહન સાથે જોડીને જોવામાં આવે છે. આ દૃષ્ટિ ખોટી નથી, પરંતુ અપૂર્ણ અવશ્ય છે.

હોલિકા દહન અને ભક્ત પ્રહ્લાદની કથાએ હોળીને વ્યાપક જનમાનસ સુધી પહોંચાડી, તેને ભાવનાત્મક અને ભક્તિનો આયામ આપ્યો, પરંતુ હોળીનું અસ્તિત્વ તેનાથી ક્યાંય વધુ પ્રાચીન છે. આ માત્ર પૌરાણિક ઘટના પછી શરૂ થયેલો ઉત્સવ નથી, પરંતુ વૈદિક યુગથી પ્રવાહિત થતી એક જીવંત પરંપરા છે, જેનું સ્વરૂપ સમય સાથે વિસ્તૃત અને વિકસિત થતું ગયું. આજે આવશ્યકતા એ વાતની છે કે હોળીને માત્ર એક પૌરાણિક પ્રસંગના મર્યાદિત ફ્રેમમાંથી બહાર કાઢીને તેના વૈદિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક આધારને સમજવામાં આવે. 

પૌરાણિક પ્રસંગ: હોલિકા દહન અને ભક્તિનો વિજય

વિષ્ણુ પુરાણ અને અન્ય પુરાણોમાં વર્ણિત કથા અનુસાર ભક્ત પ્રહ્લાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુના અનન્ય ઉપાસક હતા. તેમનો પિતા હિરણ્યકશિપુ સ્વયંને ઈશ્વરથી પણ મોટો માનતો અસુર હતો. પુત્રની ભક્તિ તેને સ્વીકાર્ય નહોતી. અનેક યાતનાઓ આપ્યા પછી પણ જ્યારે પ્રહ્લાદની શ્રદ્ધા અડગ રહી ત્યારે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાની મદદથી તેને અગ્નિમાં બાળવાની યોજના ઘડી.

- Advertisement -

હોલિકાને અગ્નિથી ન બળવાનું વરદાન પ્રાપ્ત હતું. તે અગ્નિમાં બેઠી, પરંતુ દૈવી વિધાન કંઈક અલગ હતું. અગ્નિમાં હોલિકાનું દહન થઈ ગયું અને પ્રહ્લાદ સુરક્ષિત રહ્યા. આ ઘટનાને સત્યનો અસત્ય પર વિજય તરીકે સ્મરણ કરવામાં આવી અને હોલિકા દહનની પરંપરા વ્યાપક બની. આ પ્રસંગ લગભગ ચારથી પાંચ હજાર વર્ષ પૂર્વના પૌરાણિક કાળ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તે જ કાળમાં વેદવ્યાસ દ્વારા પુરાણોનું સંકલન પણ થયું, જેથી વૈદિક સિદ્ધાંતોને સામાન્ય જનમાનસ સુધી સરળ ભાષામાં પહોંચાડી શકાય.

પરંતુ અહીં એક મહત્વનું તથ્ય છે કે પુરાણોએ ક્યારેય એવો દાવો કર્યો નથી કે હોળીની શરૂઆત આ જ ઘટનાથી થઈ. આ પ્રસંગે ઉત્સવને વ્યાપક જન-સ્વીકાર્યતા તો આપી, પરંતુ તેનું મૂળ તેનાથી પણ પ્રાચીન છે. પૌરાણિક કાળમાં કથા-પરંપરાએ શાસ્ત્રને લોકો સાથે જોડ્યુ. આ રીતે હોળી જન-જન સુધી પહોંચી. પરંતુ એ કહેવું કે હોળીની શરૂઆત અહીંથી જ થઈ તે ઐતિહાસિક દૃષ્ટિએ અસંગત છે. 

વૈદિક યુગમાં હોળી: નામ અલગ, પરંપરા એક

વેદોને સનાતન ધર્મના સૌથી પ્રાચીન અને પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે. અનેક વિદ્વાનો ઋગ્વૈદિક સંસ્કૃતિની પ્રાચીનતાને હજારો વર્ષ પૂર્વે સુધી સ્વીકારે છે. ઋગ્વેદમાં યમુના અને સરસ્વતી જેવી નદીઓનું વર્ણન મળે છે, જેની પ્રાચીન ધારાના વૈજ્ઞાનિક અભ્યાસ પણ થયા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે વૈદિક સંસ્કૃતિનો કાળ અત્યંત પ્રાચીન છે.

વેદો અને બ્રાહ્મણ ગ્રંથોમાં હોળીના ઉત્સવનું સ્વરૂપ અલગ નામોથી વર્ણિત મળે છે. પ્રાચીન ગુરુકુળોમાં ફાલ્ગુની પૂર્ણિમાના અવસર પર ‘સામ-ગાન’ની પરંપરા હતી. સામવેદના ‘તાંડ્ય મહાબ્રાહ્મણ’માં વર્ણિત અનુષ્ઠાન આ ઋતુ-ઉત્સવ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તે દિવસે વેદાધ્યયન સાથે અગ્નિ પ્રજ્વલિત કરીને વિશેષ અનુષ્ઠાન કરવામાં આવતા હતા.

આ જ સંદર્ભમાં ‘હુતાશની અનુષ્ઠાન’નો ઉલ્લેખ મળે છે. આજે પણ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ‘હુતાશની’ અથવા ‘હુતાસણી’ કહેવામાં આવે છે, જે તે જ પ્રાચીન વૈદિક પરંપરાનું અપભ્રંશ સ્વરૂપ છે. આ માત્ર ભાષાઈ પરિવર્તન નથી, પરંતુ ઇતિહાસની નિરંતરતાનું પ્રમાણ પણ છે.

નવધાન્ય-ઇષ્ટિ અને નવસસ્યેષ્ટિ: કૃષિ, અગ્નિ અને સમાજનો ઉત્સવ

વેદકાલીન સમાજ માત્ર ધાર્મિક અનુષ્ઠાનો પર આધારિત નહોતો, તે પ્રકૃતિ સાથે સામંજસ્ય પર આધારિત હતો. ઋગ્વેદમાં અગ્નિને ‘ઋતસ્ય દીપ્તિ’ કહેવામાં આવ્યો છે, એટલે કે તે જે બ્રહ્માંડીય વ્યવસ્થાનો (ઋત) ધારક છે. વસંતઋતુ વૈદિક જીવનમાં વિશેષ મહત્વ ધરાવતી હતી. તે માત્ર ઋતુ પરિવર્તન નહોતી, પરંતુ કૃષિ-ચક્રનો પુનઃઆરંભ હતો. શિયાળાની ઋતુ પછી જ્યારે નવો પાક થતો, ત્યારે સમાજ સામૂહિક રીતે તેનો ઉત્સવ મનાવતો હતો. 

વૈદિક કાળમાં કૃષિ જીવનનો આધાર હતી. જ્યારે નવું અન્ન તૈયાર થતું, ત્યારે તેને સીધું ઉપભોગમાં લેવામાં આવતું નહીં. પહેલાં તેને અગ્નિને અર્પણ કરવામાં આવતું. યજુર્વેદમાં નવા અન્નને ‘વાજ’ કહેવામાં આવ્યું છે. આ માત્ર અન્ન નહોતું, જીવન-ઊર્જાનું પ્રતીક પણ હતું. નવા ધાન્યની અગ્નિમાં આહુતિ આપીને સામૂહિક રીતે તેનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવતો. આ અનુષ્ઠાનને ‘નવધાન્ય-ઇષ્ટિ’ અથવા ‘નવસસ્યેષ્ટિ’ કહેવામાં આવતું, નવ (નવું), સસ્ય (પાક/ફસલ), ઇષ્ટિ (યજ્ઞ).

આ માત્ર ધાર્મિક ક્રિયા નહોતી. આ કૃષિ-આર્થિક અને સામાજિક સંતુલનની વ્યવસ્થા પણ હતી. સામૂહિક અગ્નિ દ્વારા નવું અન્ન સમાજમાં સમાન રીતે વિતરિત થતું. ઉત્સવ ગ્રામ-વ્યવસ્થાના પુનઃસંતુલનનું માધ્યમ બનતો. આજે પણ હોલિકા દહનના સમયે અગ્નિમાં અનાજ, તલ, નારિયેળ અને અન્ય સામગ્રી અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા તે જ વૈદિક નવસસ્યેષ્ટિની નિરંતરતા છે. 

ઉપરાંત ‘કાઠક ગૃહ્યસૂત્ર’માં ફાલ્ગુની પૂર્ણિમાના અનુષ્ઠાનને સ્ત્રીઓના સૌભાગ્ય-વૃદ્ધિ સાથે જોડવામાં આવ્યું છે. આજે પણ નવવિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ સાથે હોલિકાની પરિક્રમા કરે છે. આ કોઈ પછીની લોકપરંપરા નથી, પરંતુ ગૃહ્યસૂત્રોમાં નિહિત વૈદિક સંસ્કારની છાયા છે. આ રીતે હોળી માત્ર અગ્નિનો ઉત્સવ નથી, પરંતુ પારિવારિક અને સામાજિક સમૃદ્ધિની મંગલકામનાનું પર્વ પણ હતું. 

રંગોત્સવનું વૈદિક મૂળ

હોળીનો રંગોત્સવ પણ માત્ર પૌરાણિક કાળની દેન નથી. ઋષિ વાત્સ્યાયન દ્વારા વર્ણિત ઉત્સવોમાં, જેમ કે ‘ઉદકક્ષ્વેડિકા’માં, જળ અને રંગના રમતનો ઉલ્લેખ મળે છે. સામવેદની જૈમિનીય સંહિતામાં પણ રંગ અને ઉત્સવના સંદર્ભ મળે છે. વસંતઋતુ સ્વયં રંગોનો ઉત્સવ છે. પ્રકૃતિમાં પુષ્પોની દેન, પલાશ અને કેસૂડાના લાલ-કેસરિયા રંગ, સરસવના પીળા ખેતર, આ બધું મળીને એક જીવંત રંગ-સંસ્કૃતિ રચે છે. પછીના કાળમાં શ્રીકૃષ્ણની બ્રજલીલાએ આ રંગોત્સવને ભક્તિ અને માધુર્યનો આયામ આપ્યો, પરંતુ તેનું મૂળ ઋતુ-ઉત્સવ વૈદિક પરંપરામાં નિહિત હતું. 

વૈદિક હોળીનો વૈજ્ઞાનિક આધાર

સનાતન પરંપરામાં ઉત્સવ માત્ર ભાવનાત્મક જ નહીં, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સંયોજિત થતા હતા. ઋતુ પરિવર્તનના સમયે શરીર ખાસ કરીને સંક્રમણ પ્રત્યે સંવેદનશીલ બને છે. આવા સમયે અગ્નિ પ્રજ્વલિત કરીને તેમાં તલ, જવ અને ઔષધીય દ્રવ્ય અર્પણ કરવું વાતાવરણને શુદ્ધ કરવાની વિધિ હતી. ‘ભાવપ્રકાશ’માં ‘હોલક’ શબ્દનો ઉલ્લેખ મળે છે, જેમાં અધપકા ધાન્યને ભૂંજીને સેવન કરવાથી કફ અને આળસ દૂર થાય છે એવું કહેવાયું છે. આ ઋતુ-પરિવર્તનમાં આરોગ્ય-રક્ષણની પદ્ધતિ હતી.

બીજા દિવસે પ્રાકૃતિક રંગોથી ધુળેટી રમવામાં આવતી. પલાશના (કેસૂડા) ફૂલોમાં ઔષધીય ગુણ હોય છે. તેનું જળ ત્વચા અને આરોગ્ય માટે હિતકારી માનવામાં આવે છે. હળદર, ચંદન અને અન્ય પ્રાકૃતિક રંગો માત્ર સૌંદર્ય માટે જ નહીં, પરંતુ આરોગ્ય-સંતુલન માટે પણ વપરાતા હતા. સ્પષ્ટ છે કે વૈદિક હોળી ઉચ્છૃંખલતાનો નહીં, સંતુલન અને આરોગ્યનો ઉત્સવ હતો. 

હોળી માત્ર હોલિકા દહનની સ્મૃતિ નથી. તે વૈદિક નવધાન્ય-ઇષ્ટિનો અગ્નિ છે, ગુરુકુળોનું સામગાન છે, ગૃહ્યસૂત્રોનું સૌભાગ્ય-વિધાન છે, કૃષિ-જીવનનો સામૂહિક ઉત્સવ છે અને આયુર્વેદિક સંતુલનનું વિજ્ઞાન છે. આ ઉત્સવ કોઈ એક ઘટનાથી શરૂ નથી થયો, પરંતુ ભારતીય સભ્યતાના ઋતુચક્ર, યજ્ઞચક્ર અને જીવનચક્રનો અવિભાજ્ય અંગ રહ્યો છે.

હોલિકા દહને તેને ભાવનાત્મક વિસ્તાર આપ્યો, પરંતુ તેના મૂળ તેનાથી ક્યાંય વધુ પ્રાચીન છે. આજે આપણે હોળી મનાવીએ છીએ ત્યારે માત્ર રંગોથી નથી રમતા, આપણે અજાણતાં જ હજારો વર્ષોની તે પરંપરાને આગળ વધારીએ છીએ જેણે અગ્નિમાં અન્ન અર્પણ કરીને સમાજને જોડ્યો, પ્રાકૃતિક રંગોથી આરોગ્યની રક્ષા કરી અને ઋતુ પરિવર્તનને ઉત્સવમાં બદલી દીધું. હોળી એટલા માટે સનાતન છે કારણ કે તે કોઈ એક કાળખંડની નથી, પરંતુ સંપૂર્ણ ભારતીય સભ્યતાની સ્મૃતિ છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં