ઇઝરાયેલ-અમેરિકાના તાજેતરના હુમલામાં ઈરાનને ઘણું નુકસાન પહોંચ્યું છે. માલહાનિ તો એક તરફ પણ તેનાથી વધુ નુકસાન એ પહોંચ્યું છે કે ત્યાંનો રક્ષા મંત્રી અને સુપ્રીમ લીડર પણ માર્યા ગયા છે. સરકારી મીડિયાએ પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલ-અમેરિકાના હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈનો અંત થઈ ચૂક્યો છે, તેના મોત પર 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને ‘ઇતિહાસના સૌથી ક્રૂર’ પ્રતિશોધની વાતો પણ થઈ રહી છે.
એક હકીકત એ પણ છે કે ઈરાનમાં ઘણા સામાન્ય ઈરાનીઓ ખામેનેઈના મોતની ઉજવણી કરતા દેખાયા છે, વિદેશોમાં રહેતા ઈરાની લોકો પણ ઉજવણી કરી રહ્યા છે. આ વિરોધાભાસનું કારણ ખામેનેઈ અને તેનું ક્રૂર-કટ્ટર ઇસ્લામી શાસન છે. જોકે ઈરાનમાં ઘણા તેના સમર્થકો પણ છે, જેણે આ હત્યાનો વિરોધ કર્યો છે અને દુઃખ વ્યક્ત કર્યું છે. આવા ઘણા સમર્થકો ભારતમાં પણ છે.
સામાન્ય ઈરાનીઓને આ સ્થિતિમાં બે ઈરાન દેખાય છે. એક તે જે મસ્જિદો અને ઇસ્લામી શાસન-નિયંત્રિત ટીવી દ્વારા ‘ઇસ્લામી ક્રાંતિના વારસા’ના ગુણગાન કરે છે. બીજું જે બંધ દરવાજા પાછળ ઇન્ટરનેટ પર વિશ્વ સાથે જોડાઈને એ સવાલ પૂછે છે કે આખરે 1979માં શરૂ થયેલી આ કથિત ઇસ્લામી ક્રાંતિએ તેને શું આપ્યું? અલી ખામેનેઈનું જીવન અને તેનો અંત આ જ બેવડા ઈરાનની વાત છે.
ખામેનેઈના મોતના સમાચાર સામે આવતાં જ સરકારે તો ‘ક્રાંતિનો રક્ષક’ ગણાવીને દુઃખ વ્યક્ત કર્યું પરંતુ સામાન્ય ઈરાનીઓ અને વિદેશમાં રહેતા ઈરાનીઓ અનેક જગ્યાએ ઉજવણી કરતા જોવા મળ્યા. આ વિરોધાભાસ અચાનક ઉભો થયો નથી. તેની પાછળ ચાર દાયકાનો ઇતિહાસ છે- કટ્ટર ઇસ્લામી શાસન, દમન, વૈચારિક હઠ અને ભૂ-રાજકીય અથડામણનો ઇતિહાસ.
ખામેનેઈનો જન્મ અને પ્રારંભિક જીવન
1939માં મશહદમાં જન્મેલા અલી હુસૈની અયાતુલ્લાહ ખામેનેઈનું બાળપણ મજહબી વાતાવરણમાં વીત્યું હતું. તેના પિતા સય્યદ જવાદ ખામેનેઈ એક મુજ્તાહિદ (શિયા વિદ્વાન) હતા, તેઓ અઝરબૈજાની મૂળના હતા અને નજફમાં અભ્યાસ કરીને મશહદમાં સ્થાયી થયા હતા. માતા ખદીજા મિર્દમાદી પર્શિયન વંશની હતી. ખામેનેઈ આઠ ભાઈ-બહેનોમાં બીજા નંબરે હતો. તેણે ચાર વર્ષની ઉંમરથી કુરાન શીખવાની શરૂઆત કરી અને પછી મશહદના હવ્ઝામાં અભ્યાસ કર્યો. 1957માં નજફ ગયો, પરંતુ પિતાના કહેવાથી પરત ફર્યો અને 1958માં કોમમાં સ્થાયી થયો, જ્યાં તેનો પરિચય આયતુલ્લાહ રુહોલ્લાહ ખામેની સાથે થયો અને અહીંથી જ તે તેનો તાલીમાર્થી બની ગયો.
આ સમયે ઈરાનમાં શાહ મોહમ્મદ રઝા પહલવીનું શાસન હતું, જેમણે આધુનિકીકરણના નામે મજહબી તત્વોને દબાવી રાખ્યા હતા. ખામેનેઈ યુવાનીમાં જ શાહ વિરુદ્ધ વિરોધમાં જોડાયો. તે મુસ્લિમ બ્રધરહુડ અને અન્ય ઇસ્લામી આંદોલનોથી પ્રભાવિત થયો. 1963માં તેની પ્રથમ ધરપકડ થઈ અને ત્યાર પછી છ વખત જેલમાં ગયો. આ તમામ અનુભવોએ તેને રુહોલ્લાહ ખામેનીનો વિશ્વાસુ સાથી બનાવ્યો હતો. ખામેનેઈને શોખ પણ ઘણા હતા. તે કવિતાઓ લખતો, તાર વગાડતો અને અરબીમાંથી અનુવાદ પણ કરવું જાણતો હતો, પરંતુ તેનું જીવન હવે કટ્ટર ઇસ્લામી રાજકારણ તરફ વળી ગયું હતું.
આ દરમિયાન જ 1979માં શાહના શાસન વિરુદ્ધ ઇસ્લામી આક્રોશ ભડક્યો અને તેનું નેતૃત્વ સંભાળ્યું શિયા આગેવાન રુહોલ્લાહ ખામેનીએ. તેણે ‘વિલાયત-એ-ફકીહ’નો સિદ્ધાંત સ્થાપિત કર્યો, એટલે કે અંતિમ સત્તા એક ઇસ્લામી ફકીહના (મજહબી વિદ્વાન) હાથમાં રહેશે. આ તે જ ક્ષણ હતી જ્યારે ઈરાને લોકશાહી માળખા પર કટ્ટર ઇસ્લામી શાસનની છત ચડાવી દીધી હતી. ચૂંટણીઓ ચાલુ રહી, સંસદ બની રહી, પરંતુ અંતિમ નિર્ણય મજહબી શાસનના હાથમાં ચાલ્યો ગયો.
અલી ખામેનેઈ આ ક્રાંતિનો સક્રિય સહભાગી હતો. તે જેલ ગયો, શાહ-વિરોધી ભાષણો આપ્યાં અને ધીમે-ધીમે ક્રાંતિકારી માળખાનો સ્થાયી હિસ્સો બની ગયો. આ તે સમય હતો જ્યારે મજહબી વિચારધારા અને સત્તા એકબીજામાં ભળવા લાગી હતી.
1979ની ઇસ્લામી ક્રાંતિમાં ખામેનેઈની ભૂમિકા મહત્વની હતી. રુહોલ્લાહ ખુમૈની સત્તામાં આવ્યા પછી તે રેવોલ્યુશનરી કાઉન્સિલનો સભ્ય બન્યો. પછી ડેપ્યુટી મિનિસ્ટર ઑફ ડિફેન્સ, IRGCના સુપરવાઇઝર અને ખામેનીના વ્યક્તિગત પ્રતિનિધિ તરીકે કામ કર્યું. 1980માં તે તેહરાનના જુમ્મા નમાજનો ઇમામ બન્યો. 1981માં મોહમ્મદ-અલી રજાઈની હત્યા પછી તે ઈરાનનો પ્રમુખ પણ બની ગયો હતો. તેના કાર્યકાળમાં ઈરાન-ઇરાક યુદ્ધ ચાલુ હતું અને અહીંથી તેણે IRGC સાથે નજીકના સંબંધો વિકસાવ્યા હતા. 1985માં પણ ફરી તે જ પ્રમુખ તરીકે રહ્યો હતો.
1989માં ખુમૈનીના મોત પછી તેને ‘સર્વોચ્ચ રહબર’ (સુપ્રીમ ઇસ્લામી લીડર) તરીકે પસંદ કરવામાં આવ્યો. આ માત્ર પદ પરિવર્તન નહોતું, આ તે વ્યવસ્થાની કમાન સંભાળવાનું હતું, જેમાં સેના, ન્યાયતંત્ર, મીડિયા અને ખુફિયા તંત્ર પર અંતિમ નિયંત્રણ તે જ વ્યક્તિનું હોય છે. ખાસ કરીને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) તેના કાર્યકાળમાં માત્ર એક સૈન્ય રહ્યું નહીં, પરંતુ આર્થિક અને રાજકીય શક્તિનું કેન્દ્ર બની ગયું. ઉદ્યોગ, બાંધકામ, તેલ, બેન્કિંગ જેવા દરેક ક્ષેત્રમાં તેનો પ્રભાવ વધ્યો. ટીકાકારોનું કહેવું હતું કે આ વ્યવસ્થા એક સમાંતર રાજ્યની જેમ કાર્ય કરવા લાગી હતી.
ઇઝરાયેલ વિરુદ્ધ અને પશ્ચિમ સાથેની અથડામણ
દરમિયાન ખામેનેઈનાં ભાષણોમાં ઇઝરાયેલ વિરુદ્ધ તીખા અને આક્રમક શબ્દો સામાન્ય બની ગયાં હતાં. ઈરાને લેબનોનમાં હિઝબુલ્લાહને અને ગાઝામાં હમાસને નાણાકીય, શસ્ત્ર અને તાલીમનું વ્યાપક સમર્થન આપ્યું. આ વ્યૂહરચનાએ આખા પશ્ચિમ એશિયાને પ્રોક્સી યુદ્ધોના મેદાનમાં ફેરવી નાખ્યું, એક એવું મેદાન જ્યાં ઈરાન સીધું લડ્યા વિના પોતાના દુશ્મનોને ઘાયલ કરી શકે.
2015માં થયેલી પરમાણુ સમજૂતી જોઇન્ટ કમ્પ્રિહેન્સિવ પ્લાન ઑફ એક્શન (JCPOA) એક ક્ષણિક શાંતિનો પ્રયાસ હતો. તેનાથી કેટલાક સમય માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં રાહત મળી, પરંતુ ખામેનેઈની કટ્ટર ઇસ્લામી વૈચારિક હઠ અને અમેરિકા-ઇઝરાયેલ પ્રત્યેનો ઊંડો અવિશ્વાસ ક્યારેય ઓછો થયો નહીં. પ્રતિબંધો હટ્યા, ફરી લાગ્યા અને ફરી તીવ્ર થયા. આ આખી પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ તકલીફ પડી સામાન્ય ઈરાની નાગરિકોને, જે મોંઘવારી, બેરોજગારી, રિયાલના સતત અવમૂલ્યન અને જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાની અસમર્થતા સામે લડતા રહ્યા.
આ અથડામણ માત્ર ભાષણો અને નીતિઓમાં જ નહોતી, તે ઈરાની લોકોના રોજિંદા જીવનમાં પણ ઊંડે સુધી ઊતરી ગઈ હતી. જ્યારે શાસન ‘ઇસ્લામી પ્રતિકારના અક્ષ’ની વાત કરતું હતું, ત્યારે ઘરમાં રોટલીની કિંમત વધી રહી હતી અને યુવાનોને ભવિષ્યની કોઈ આશા દેખાતી નહોતી. આ વિરોધાભાસ જ ખામેનેઈના શાસનની સૌથી મોટી વાસ્તવિકતા હતી.
આંતરિક અસંતોષ
કટ્ટર ઇસ્લામી શાસનનો સૌથી કઠોર ચહેરો મહિલાઓ માટે ફરજિયાત હિજાબ અને મોરલિટી પોલીસના (ગેશ્ત-એ-ઇર્શાદ) રૂપમાં સામે આવ્યો. જ્યારે મહસા અમીનીનું કસ્ટડીમાં મોત થયું, ત્યારે રસ્તાઓ પર ઉભરી આવેલી ચળવળ માત્ર એક ઘટના વિરુદ્ધ નહોતી, તે દાયકાઓના દમન સામેનો વિસ્ફોટ હતો. નોંધનીય છે કે ઈરાનની મોરલિટી પોલીસે 2022માં મહસા અમીનીની અટકાયત કરી અને ‘અયોગ્ય હિજાબ’ના આરોપમાં તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ વાનમાં અને ડિટેન્શન સેન્ટરમાં તેને ખૂબ માર મારવામાં આવ્યો, ખાસ કરીને માથા પર. ત્રણ દિવસ પછી 16 સપ્ટેમ્બર 2022ના રોજ તે કોમામાં ગઈ અને હોસ્પિટલમાં મૃત્યુ પામી.
દેશની અંદર પણ ખામેનેઈએ વિરોધને કાયમ કચડી નાખ્યો હતો. 2009ની ગ્રીન મૂવમેન્ટમાં હજારોને જેલમાં ધકેલી દીધા. 2019માં પેટ્રોલના ભાવ પરના પ્રદર્શનમાં 1500 માર્યા ગયા. 2022માં મહસા અમીનીનાં મોત પર મહિલાઓએ વિરોધ કર્યો, દરમિયાન 551નાં ઢીમ ઢાળી દેવાયાં અને 19,000ની ધરપકડ થઈ. બહાઈ અને અન્ય લઘુમતીઓ પર અત્યાચાર અને ઇઝરાયેલને ‘કેન્સરસ ટ્યુમર’ કહીને તેના વિનાશની વાતો. સંક્ષિપ્તમાં કહીએ તો તેના શાસનમાં 30,000થી વધુ એક્ઝિક્યુશન્સ થયાં, બાળકો, મહિલાઓ અને વિરોધીઓને ફાંસી અપાઈ. આ બધું એક ફિલ્મ જેવું છે, જ્યાં એક વ્યક્તિની મહત્વાકાંક્ષાએ દેશને અંધારામાં ધકેલી દીધો.
આ તમામ બાબતોના વિરોધમાં અવારનવાર યુવાનોએ નારા લગાવ્યા, મહિલાઓએ જાહેરમાં હિજાબ બાળ્યા અને આખી દુનિયાએ જોયું કે ઈરાનની નવી પેઢી ભયની દિવાલ તોડવા માંગે છે. ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું, હજારોની ધરપકડ થઈ, ગોળીબાર થયો, પરંતુ અસંતોષ દબાયો નહીં. ‘ઔરત, જિંદગી, આઝાદી’ના (ઝન, ઝિન્દેગી, આઝાદી- આ નારા મહસા અમીની હત્યા બાદ વિરોધ તરીકે આવ્યા હતા) નારા માત્ર એક સ્લોગન ન રહ્યા, તે એક સમગ્ર પેઢીની ચીખ બની ગયા.
આજે જ્યારે ખામેનેઈ જીવિત નથી ત્યારે ઘણા ઈરાનીઓ તેને તે વ્યવસ્થાના અંતની શરૂઆત તરીકે જુએ છે. તેમના માટે આ માત્ર એક વ્યક્તિનું મોત નથી, પરંતુ કટ્ટર ઇસ્લામી શાસનના પ્રતીકનું પતન છે. જે દેશમાં મહિલાઓને તેમનાં વસ્ત્રો, તેમના અવાજ અને તેમના જીવન પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યું હતું, ત્યાં હવે લોકો સ્વતંત્રતાની પહેલી કિરણ જોવા માંગે છે.
આ અસંતોષ રાતોરાત નથી ઉભો થયો. તે દાયકાઓથી એકઠો થતો ગયો, દરેક ફરજિયાત હિજાબ, દરેક ધરપકડ, દરેક ફાંસી અને દરેક દબાવેલો અવાજ તેનો એક ભાગ હતો. મહસા અમીનીનું મોત તેની છેલ્લી ચીખ હતી અને ખામેનેઈનો અંત તેની પરાકાષ્ઠા. હવે ઈરાની રસ્તાઓ પર જે નારા ગુંજી રહ્યા છે, તે માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ નથી, તે આખી ઇસ્લામી વ્યવસ્થા વિરુદ્ધ છે, જે લોકોને તેમના જીવનની સૌથી મૂળભૂત આઝાદીથી વંચિત રાખી રહી હતી.
કેમ થઈ રહી છે મોતની ઉજવણી?
ઈરાનની બહાર વસેલા પ્રવાસી સમુદાયોમાં લાંબા સમયથી ઇસ્લામી શાસન વિરુદ્ધ અવાજ ઉઠતા રહ્યા છે. આ લોકો 1979ની કથિત ઇસ્લામી ક્રાંતિ પછી દેશ છોડવા મજબૂર થયા હતા અથવા વધુ સારા ભવિષ્યની આશામાં બહાર નીકળી ગયા હતા. તેમના માટે ખામેનેઈ તે શાસનનો ચહેરો હતો, જેણે અભિવ્યક્તિની સ્વતંત્રતાને બંધનમાં મૂકી, વિરોધીઓને કચડી નાખ્યા અને દેશને આંતરરાષ્ટ્રીય એકલતામાં ધકેલી દીધો.
આર્થિક સંકટ, પ્રતિબંધોનો ભાર અને સામાજિક પ્રતિબંધોએ એક મોટો વર્ગ તૈયાર કર્યો હતો, જે બદલાવ ઇચ્છતો હતો. આ જ કારણે કેટલીક જગ્યાઓએ રાહતનો શ્વાસ લેવાયો તો કેટલીક જગ્યાઓએ ઉત્સવ પણ જોવા મળ્યો. તેમના માટે ખામેનેઈનું મોત એક વ્યક્તિનો અંત નહોતો, પરંતુ એક લાંબા દમનના યુગનો અંત હતો.
પરંતુ એ પણ હકીકત છે કે એક વર્ગ તેને ‘ક્રાંતિનો પ્રહરી’ માનતો રહ્યો. ઈરાન આજે પણ બે ભાવનાઓ વચ્ચે વહેંચાયેલું છે, એક તરફ તે લોકો જે શાસનને ઇસ્લામી વિરાસત અને પશ્ચિમ વિરોધનું પ્રતીક માને છે અને બીજી તરફ તે લોકો જે આ વ્યવસ્થાને તેમના જીવનનાં તમામ સપનાં અને આઝાદીના દુશ્મન તરીકે જુએ છે.
આ જશ્નની પાછળની ભાવના એટલી સરળ નથી. તે દાયકાઓના દુ:ખ, ખોવાયેલા પરિવારો, જેલમાં ગુજારેલા વર્ષો, ફાંસીના થાંભલા પર ચઢાવેલા જીવનો અને બંધ કરાયેલા અવાજોનું પરિણામ છે. જ્યારે ખામેનેઈના મોતના સમાચાર આવ્યા ત્યારે ઘણા ઈરાનીઓએ તેને માત્ર એક મૃત્યુ નહીં, પરંતુ એક તક તરીકે જોયા, એ તક કે કદાચ હવે દેશમાં નવી શરૂઆત થઈ શકે, નવી આશા જાગી શકે અને નવી આઝાદીનો સૂર્ય ઉગી શકે.
આ જશ્ન એક વ્યક્તિના અંતની ઉજવણી નથી, તે એક સમગ્ર વ્યવસ્થા સામેના લાંબા સમયથી દબાયેલા રોષ અને આશાનો વિસ્ફોટ છે. હવે પ્રશ્ન એ છે કે શું વ્યવસ્થા બદલાશે? સર્વોચ્ચ રહબરનું પદ કાયમ રહેશે? તેની પસંદગીની પ્રક્રિયા હજુ પણ મજહબી પ્રતિષ્ઠાનના હાથમાં જ છે. IRGCની શક્તિ તો જેમની તેમ જ છે, તેનો સૈન્ય, આર્થિક અને રાજકીય પ્રભાવ કોઈ પણ રીતે ઘટી રહ્યો નથી. આ તમામ પ્રશ્નો ભવિષ્યના ગર્ભમાં છે.


