મેક્સિકોમાં હાલમાં યુદ્ધ જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. વિશ્વના સૌથી ખતરનાક અને મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયા નેમેસિયો ઓસેગુએરા સર્વાન્ટેસ, જે સમગ્ર દુનિયામાં ‘અલ મેન્ચો’ (El Mencho) તરીકે કુખ્યાત હતો, તે સૈન્ય ઑપરેશનમાં માર્યો ગયો હોવાના અહેવાલોએ મેક્સિકોમાં અરાજકતા ફેલાવી દીધી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ તેના કાર્ટેલના સભ્યોએ દેશના અનેક રાજ્યોમાં આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ભારત સરકારે ત્યાં વસતા અને પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે તાકીદની ‘સુરક્ષા એડવાઇઝરી’ જારી કરવી પડી છે.
કોણ હતો ‘અલ મેન્ચો’?
નેમેસિયો ઓસેગુએરા સર્વાન્ટેસ ઉર્ફે ‘અલ મેન્ચો’ એ માત્ર એક સામાન્ય ડ્રગ લોર્ડ નહોતો, પણ તે આધુનિક સમયના સૌથી ક્રૂર અને સુનિયોજિત અપરાધી સામ્રાજ્યનો સ્થાપક હતો. તેનો જન્મ મેક્સિકોના મિચોઆકન રાજ્યના ગરીબ પરિવારમાં થયો હતો. તે અવોકાડોની ખેતી કરતો હતો, પરંતુ નસીબ તેને ગુનાખોરીની દુનિયામાં ખેંચી ગયું. તે વર્ષો પહેલાં કેલિફોર્નિયામાં માદક પદાર્થોની હેરાફેરી માટે જેલ પણ જઈ આવ્યો હતો. નવાઈની વાત એ છે કે જેલમાંથી છૂટ્યા પછી તેણે મેક્સિકોમાં પોલીસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી, પરંતુ ભ્રષ્ટાચાર અને સત્તાની લાલચના કારને તેણે ડ્રગ સામ્રાજ્ય ઉભું કર્યું હતું..
તેણે ‘જલિસ્કો ન્યુ જનરેશન કાર્ટેલ’ની (CJNG) સ્થાપના કરી હતી. આ સંગઠને ટૂંકા ગાળામાં જ મેક્સિકોના સૌથી જૂના ‘સિનાલોઆ કાર્ટેલ’ને (જેનો વડો અલ ચાપો હતો) ટક્કર આપી. અલ મેન્ચોની કાર્યપદ્ધતિ અત્યંત ક્રૂર હતી. તેના સંગઠને અદ્યતન હથિયારોનો ઉપયોગ કરીને લશ્કરી હેલિકોપ્ટરોને રોકેટ લૉન્ચરથી તોડી પાડ્યા હતા અને જાહેર રસ્તાઓ પર વિરોધી ગેંગના સભ્યોના મૃતદેહો લટકાવવા જેવી અમાનવીય ઘટનાઓને અંજામ આપ્યો હતો. અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશને (DEA) તેને પકડવા માટે $10 મિલિયનનું ઈનામ રાખ્યું હતું.
શા માટે મેક્સિકો યુદ્ધનું મેદાન બન્યું?
ફેબ્રુઆરી 2026માં મેક્સિકન સૈન્ય અને અમેરિકી એજન્સીઓના એક ગુપ્ત સંયુક્ત ઑપરેશન દરમિયાન અલ મેન્ચો માર્યો ગયો હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ સમાચાર તેના કાર્ટેલ માટે મરણતોલ ફટકો સમાન હતા. પોતાના નેતાના મોતના બદલામાં ‘જલિસ્કો ન્યુ જનરેશન કાર્ટેલ’ના (CJNG) હજારો હથિયારધારી તત્વોએ દેશભરમાં આતંક મચાવ્યો છે.
મેક્સિકોના જલિસ્કો, મિચોઆકન અને ગુઆનાજુઆટો જેવા રાજ્યો અત્યારે સળગી રહ્યા છે. કાર્ટેલના સભ્યોએ ડઝનબંધ સુપર માર્કેટ્સ, બેન્કો અને પેટ્રોલ પંપોને નિશાન બનાવીને પેટ્રોલ બૉમ્બ ફેંક્યા છે. અનેક પ્રતિષ્ઠિત કંપનીઓના શોરૂમ્સ સળગાવી દેવામાં આવ્યા છે. આ હિંસાનો ઉદ્દેશ્ય સરકાર પર દબાણ લાવવાનો અને જનતામાં ભય પેદા કરવાનો છે.
કાર્ટેલે મેક્સિકોના મુખ્ય નેશનલ હાઈવે પર સેંકડો ટ્રકો, બસો અને સામાન્ય નાગરિકોનાં વાહનોને બંદૂકની અણીએ આંતરીને તેને રસ્તાની વચ્ચે જ સળગાવી દીધાં છે. આ રણનીતિને મેક્સિકોમાં ‘નાર્કો-બ્લોકેડ’ કહેવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સેના અને પોલીસના કાફલાને હિંસાના મુખ્ય કેન્દ્રો સુધી પહોંચતા રોકવાનો છે.
શહેરોની ગલીઓમાં અત્યારે બખ્તરબંધ ગાડીઓ અને સૈન્યના હેલિકોપ્ટરો ગુંજી રહ્યા છે. સૈન્ય અને કાર્ટેલ વચ્ચે અનેક સ્થળોએ ભયાનક ગોળીબાર થઈ રહ્યો છે. અનેક પોલીસ ચોકીઓ પર ગ્રેનેડથી હુમલા કરવામાં આવ્યા છે. સરકારે અનેક જિલ્લાઓમાં ‘સ્ટે-એટ-હોમ’ના (ઘરમાં રહેવા) આદેશો અને કર્ફ્યુ જાહેર કર્યો છે.
ભારતીય દૂતાવાસની મહત્વની એડવાઇઝરી
મેક્સિકોમાં ભારતીયોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં અનેક ભારતીય આઈટી એન્જિનિયર્સ, ઓટોમોબાઈલ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ વસવાટ કરે છે. હિંસાની આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેક્સિકો સિટીમાં આવેલા ભારતીય દૂતાવાસે તાત્કાલિક અસરથી માર્ગદર્શિકા જારી કરી છે.
ભારતીય નાગરિકોને સખત સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી અત્યંત કટોકટી ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું. જો તમે રસ્તામાં હોવ, તો નજીકના સુરક્ષિત મકાન કે હોટલમાં આશ્રય લઈ લો. આસપાસની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી. અજાણ્યા લોકો સાથે મુલાકાત ટાળવી અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અથવા દૂતાવાસનો સંપર્ક કરવો.
અફવાઓ પર વિશ્વાસ ન કરવો. માત્ર સત્તાવાર સરકારી જાહેરાતો અને દૂતાવાસના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ (X, Facebook) પર આવતી માહિતીને જ અનુસરવી. ભારતથી મેક્સિકો જવાનું વિચારી રહેલા પ્રવાસીઓને હાલ પૂરતો તેમનો પ્લાન મુલતવી રાખવા અથવા વધુ સુરક્ષિત વિસ્તારોમાં જ મર્યાદિત રહેવા સલાહ આપવામાં આવી છે.
નોંધનીય છે કે અમેરિકાએ પણ તેની સરહદો (US-Mexico Border) પર ‘હાઈએલર્ટ’ જાહેર કર્યું છે, કારણ કે હિંસા અને અરાજકતાને કારણે નિર્દોષ લોકોનું પાડોશી દેશોમાં પલાયન વધી શકે છે. મેક્સિકન રાષ્ટ્રપતિએ શાંતિ જાળવવાની અપીલ કરી છે, પરંતુ જમીની હકીકત એ છે કે ડ્રગ કાર્ટેલ પાસે સેના જેવા જ આધુનિક હથિયારો છે, જે આ લડાઈને લાંબી ખેંચી શકે છે.
મેક્સિકો અત્યારે એક ગંભીર સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે. અલ મેન્ચોનું સામ્રાજ્ય ભલે ખતમ થયું હોય, પરંતુ તેનાથી ફેલાયેલો આતંક હજુ પણ હવામાં છે. ભારતીય નાગરિકોએ અત્યારે સંયમ રાખવો અને સુરક્ષા એજન્સીઓના નિર્દેશોનું પાલન કરવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.


