અમદાવાદના વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં હિંદુ લગ્ન પ્રસંગે મુસ્લિમોનો હોબાળો: ડીજે બંધ કરવાની માંગ સાથે તોડફોડ, ટોળું તલવારો સાથે આવ્યું હોવાના આરોપ

અમદાવાદના સરસપુરમાં આવેલ વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ડીજે વગાડવાના મામલે મુસ્લિમોએ વાંધો ઉઠાવ્યો હતો જેના કારણે બબાલ થઈ હતી જે પછીથી તોડફોડ અને હિંસામાં ફેરવાઈ હતી. આ મામલે પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. અહેવાલ મુજબ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.

અહેવાલ મુજબ 20 ફેબ્રુઆરીએ રાત્રે સાડા અગિયાર આસપાસ વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ડીજે વાગી રહ્યું હતું અને ગીતો ચાલી રહ્યા હતા. આ દરમિયાન પાસેની નિર્મળ પુરા પાસે આવેલી ચાલીમાં રહેતા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને ડીજે બંધ કરવા માંગ કરી હતી.

જોત-જોતામાં બંને પક્ષો વચ્ચે દલીલો શરૂ થઈ ગઈ હતી, જે મારપીટમાં ફેરવાઈ ગઈ હતી. વિવાદ વધુ તીવ્ર થતાં કટ્ટરપંથીઓ પથ્થરમારો શરૂ કર્યો અને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. કેટલાક આક્ષેપો અનુસાર કેટલાક લોકો તલવારો લઈને પણ આવ્યા હતા, જેનાથી લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટના દરમિયાન બે વાહનોની બારીઓ તોડવામાં આવી હતી અને અન્ય તોડફોડના બનાવો પણ બન્યા હતા. આસપાસના વિસ્તારમાં આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. ઘટનાની જાણ થતા જ શહેરકોટડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા.

પોલીસે આવીને મામલો થાળે પાડ્યો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. આ મામલે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષો તરફથી ફરિયાદો નોંધાઈ છે અને પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી છે. આ કેસમાં રાઇટિંગ અને તોડફોડ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 7 આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે, જેમાં સગીર પણ સામેલ છે. પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે જેથી આવી ઘટના ફરી ન બને. આ ઘટના પછી વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ અને પીડિત પક્ષના સભ્યોએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા અને પોલીસની કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તોડફોડ અને ઝપાઝપીના દ્રશ્યો જોવા મળે છે.