અમદાવાદ-વડોદરાની 25થી વધુ શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઇલમાં લખ્યું– ‘ગુજરાત બનેગા ખાલિસ્તાન’; પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદ અને વડોદરાની લગભગ 25થી વધારે શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. 16 ફેબ્રુઆરીની સવારે શાળાઓને ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. જેમાં લખવામાં આવ્યું કે– ‘ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે.’

ધમકી મળ્યા બાદ તમામ શાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગની ટીમોને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ શાળા પરિસર ખાલી કરી દેવામાં આવ્યાં હતાં.

મેઇલમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને તેમને ‘ખાલિસ્તાનના દુશ્મન’ ગણાવવામાં આવ્યા હતા. કારમાં બૉમ્બ મૂકવામાં આવ્યો હશે તેવી ધમકી આપવામાં આવી હતી.

જે-તે શહેરની પોલીસે પછીથી શાળા પરિસરોમાં જઈને તપાસ આદરી હતી અને ડૉગ સ્ક્વૉડ અને બૉમ્બ સ્ક્વૉડની પણ મદદ લેવામાં આવી હતી. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ શાળા પરિસરમાંથી કશું શંકાસ્પદ મળી આવ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તપાસ ચાલી રહી છે.

જે શાળાઓને ધમકી મળી છે તેમાં અમદાવાદની 15 શાળાઓ અને વડોદરાની 17 શાળાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતનાં આ શહેરોની શાળાઓ અને સરકારી કચેરીઓને આ જ રીતે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. ઉપરાંત દિલ્હી-ગુરુગ્રામ વગેરે શહેરોમાં પણ આ પેટર્ન તાજેતરના ભૂતકાળમાં જોવા મળી છે.