હોમપેજગુજરાતQR કોડ સ્કેનર, ગ્રેન ATMથી રાશન અને બાયોમેટ્રિકથી મુક્તિ: ગુજરાતમાં અમિત શાહના...

QR કોડ સ્કેનર, ગ્રેન ATMથી રાશન અને બાયોમેટ્રિકથી મુક્તિ: ગુજરાતમાં અમિત શાહના હસ્તે શરૂ થનારો દેશનો પ્રથમ CBDC આધારિત PDS પ્રોજેક્ટ શું છે?

ગુજરાતની ધરતી પરથી શરૂ થયેલું આ આધુનિક પરિવર્તન આવનારા દિવસોમાં સમગ્ર ભારતની રેશનિંગ સિસ્ટમને પારદર્શક, ભ્રષ્ટાચારમુક્ત અને અત્યંત સરળ બનાવશે. ટૂંકમાં સરકારનો લક્ષ્યાંક છે કે 'હકદારને તેનો હક પૂરેપૂરો, પારદર્શક રીતે અને કોઈપણ માનસિક હેરાનગતિ વગર મળે.'

- Advertisement -

ભારત જેવા વિકાસશીલ દેશમાં ખાદ્ય સુરક્ષા એ એક મુખ્ય પડકાર રહ્યો છે. લાખો લોકોને સસ્તા દરે અનાજ પહોંચાડવા માટે 1960ના દાયકાથી પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) ચાલી આવે છે. આ સિસ્ટમ હેઠળ રાજ્ય સરકારો ફેર પ્રાઈસ શોપ્સ (રાશનની દુકાનો) દ્વારા ઘઉં, ચોખા, દાળ, ખાંડ વગેરે વસ્તુઓ લાભાર્થીઓને સબસિડીના દરે આપે છે. પરંતુ આ વ્યવસ્થામાં ઘણીબધી ખામીઓ રહી છે – જેમ કે અનાજનું લીકેજ (બ્લેક માર્કેટમાં વેચાણ), ભ્રષ્ટાચાર, ખોટા લાભાર્થીઓનું નામ યાદીમાં રહેવું, ગુણવત્તાહીન અનાજનું વિતરણ, લાંબી કતારો અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં તકલીફો. હવે સમસ્યાઓને હલ કરવા માટે ભારત સરકારે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે – ડિજિટલ કરન્સી એટલે કે CDBC-PDS. અમિત શાહ દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં તેનો પ્રારંભ કરાવવાના છે.

ગુજરાત આ પાયલટ પ્રોજેક્ટનું પ્રથમ કેન્દ્ર બની રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ પાયલટને ઔપચારિક લૉન્ચ કરશે. આ દેશમાં પહેલી વખત રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલી સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનેને ખાદ્ય સબસિડી વિતરણ સાથે જોડવાનો પ્રયોગ છે. આ સાથે જ ‘ગ્રેન એટીએમ’ (Grain ATM) જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા ગરીબ પરિવારોને સચોટ માપ સાથે અનાજ પૂરું પાડવાનું લક્ષ્ય છે.

પાયલટ પ્રોજેક્ટની મુખ્ય વિગતો

આ પ્રોજેક્ટ ગુજરાતના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા અમલમાં મુકાયો છે. તેના માટે RBIના CBDC પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે, જેને પંજાબ નેશનલ બેન્કે (PNB) ટેકનિકલી વિકસાવ્યું છે. આ સિસ્ટમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત 5 કિલો અનાજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય સબસિડીવાળી વસ્તુઓ જેમ કે દાળ, તેલ, ખાંડ વગેરેને આવરી લેશે.

- Advertisement -

પાયલટ તબક્કામાં ચાર વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે જેમાં અમદાવાદનો સાબરમતી ઝોન, આણંદ જિલ્લો, વલસાડ જિલ્લો અને સુરતના કેટલાક ભાગો સામેલ છે. આ વિસ્તારોમાં કુલ 26,333 પરિવારોને (રેશન કાર્ડ ધારકો) આ નવી સિસ્ટમમાં સામેલ કરવામાં આવ્યા છે. પાયલટ સફળ થયા બાદ ગુજરાતના લગભગ 75 લાખ રેશન કાર્ડ્સને આ સિસ્ટમમાં લાવવાની યોજના છે.

સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે?

આ ટેકનોલોજીને સમજવા માટે સૌ પ્રથમ CBDCને (Central Bank Digital Currency) સમજવી જરૂરી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત ડિજિટલ ચલણ બહાર પાડવામાં આવ્યું છે. રાશન લેવાની પ્રક્રિયા આ નવી ડિજિટલ કરન્સી (CBDC) આધારિત PDS પાયલટમાં ખૂબ જ સરળ અને આધુનિક બની ગઈ છે. જૂની સિસ્ટમમાં રેશનકાર્ડ લઈને દુકાન પર જવું, બાયોમેટ્રિક (અંગૂઠાનું નિશાન) આપવું, લાંબી લાઈનોમાં રાહ જોવી અને ક્યારેક તોલમાં કાપ અથવા ગુણવત્તાની તકલીફ પડતી હતી. હવે આ બધું બદલાઈ ગયું છે.

રજિસ્ટ્રેશન અને eKYC: લાભાર્થીઓએ પોતાના મોબાઈલમાં RBI-અધિકૃત ડિજિટલ વોલેટ ડાઉનલોડ કરવું પડશે (જેમ કે પંજાબ નેશનલ બેન્ક અથવા અન્ય બેન્કોનું CBDC વોલેટ એપ). ત્યારબાદ આધાર કાર્ડની મદદથી eKYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) પૂર્ણ કરવું પડશે. આમાં આધાર લિંક કરીને ઓટીપી અથવા બાયોમેટ્રિક વેરિફિકેશન થાય છે. આ પ્રક્રિયા એક જ વખત કરવાની છે. તે પછી મોબાઈલ જ ડિજિટલ રેશન કાર્ડ બની જાય છે – ફિઝિકલ રેશનકાર્ડની જરૂર નથી રહેતી.

ડિજિટલ ફૂડ ટોકન્સ/કુપન્સનું ક્રેડિટ: દર મહિને પહેલી તારીખે (અથવા નિયત તારીખે) લાભાર્થીના ડિજિટલ વોલેટમાં ડિજિટલ ફૂડ કુપન્સ અથવા ટોકન્સ આપોઆપ ક્રેડિટ થઈ જાય છે. દરેક કુપનમાં સ્પષ્ટ લખેલું હોય છે કઈ વસ્તુ (જેમ કે ઘઉં, ચોખા, તુર દાળ, ચણા), કેટલી માત્રા (જેમ કે 5 કિ.ગ્રા. ઘઉં) અને તેનું મૂલ્ય (સબસિડીવાળું) શું હશે. આ કુપન્સ ફક્ત ખાદ્ય વસ્તુઓ માટે જ વાપરી શકાય છે, તેને રોકડમાં બદલી શકાતા નથી.

રાશન લેવાની પ્રક્રિયા: આ પહેલ હેઠળ 2 રીતે રાશન મળે છે.

1. સ્માર્ટફોન ધરાવતા લોકો માટે: જ્યારે લાભાર્થી દુકાને જશે ત્યારે દુકાનદાર (FPS ઓનર) તેમના મર્ચન્ટ વોલેટમાંથી UPI QR કોડ જેવો એક QR કોડ જનરેટ કરશે. ત્યારબાદ લાભાર્થીએ પોતાના મોબાઈલમાં ડિજિટલ વોલેટ એપ ખોલીને, કુપન સિલેક્ટ કરીને QR કોડ સ્કેન કરવાનો રહેશે. સ્કેન થતાં જ આધાર-લિંક્ડ OTP (વન ટાઈમ પાસવર્ડ) મોબાઈલ પર આવશે. તે OTP દાખલ કે વેરીફાઈ કર્યા બાદ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થતાં જ  વોલેટમાંથી કુપન ડેબિટ થઈ જશે અને લાભાર્થીને મળવાપાત્ર અનાજ મળી જશે. આ પ્રક્રિયા માત્ર 30-60 સેકન્ડમાં પૂરી થઈ જાય છે, તેના માટે કોઈ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટની જરૂર નથી.

2. ફીચર ફોન (સાદા મોબાઈલ) ધરાવતા લોકો માટે: દુકાન પર જઈને દુકાનદારને કહેતા લાભાર્થીના આધાર નંબરના આધારે મોબાઈલ પર OTP આવશે. OTP દુકાનદારને જણાવતા તે વેરીફાઈ કરીને અનાજ આપી દેશે. આમાં પણ બાયોમેટ્રિકની જરૂર નથી.

ગ્રેન ATMની નવીનતા

અમદાવાદના સાબરમતી ઝોનમાં ‘અન્નપૂર્ણા ગ્રેન ATM’ શરૂ થશે. આ ATM 24 કલાક ચાલશે. લાભાર્થીએ માત્ર QR સ્કેન કરવાનું – 30-35 સેકન્ડમાં 25 કિ.ગ્રા. સુધીનું અનાજ મળી જશે. આનાથી સવાર-સાંજના સમયની મર્યાદા ખતમ થશે અને લાંબી કતારો નહીં રહે. NFSA હેઠળના લાભાર્થીઓને તુર, ચણા, મગ જેવી દાળો 1 કિ.ગ્રા.ના સીલ્ડ પેકમાં મળશે. આનાથી ભેળસેળ અને ગુણવત્તાની સમસ્યા દૂર થશે.

નોંધનીય છે કે સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે જો ગામડામાં નેટવર્ક ન હોય તો શું? આ સિસ્ટમની ખાસિયત એ છે કે e-RUPI વાઉચર ઓફલાઇન પણ કામ કરી શકે છે. તે સાદા ફીચર ફોન પર SMS દ્વારા પણ મેળવી શકાય છે અને વાપરી શકાય છે. એટલે કે, તમારી પાસે સ્માર્ટફોન હોવો ફરજિયાત નથી.

ટૂંકમાં સરકાર હવે અનાજ લેવા માટે ‘રોકડ’ નહીં, પણ ‘અનાજ માટેના ખાસ ડિજિટલ કૂપન’ (CBDC) આપશે. આ કૂપન તમે ગ્રેન એટીએમમાં બતાવશો, એટલે મશીન આપોઆપ સમજી જશે કે તમને કેટલા કિલો અનાજ આપવાનું છે અને તેના પૈસા સરકાર તરફથી ચૂકવાઈ ગયા છે.

શું છે ગ્રેન એટીએમ?

ગ્રેન એટીએમ (Grain ATM), જેને ટેકનિકલ ભાષામાં ‘અન્નપૂર્ણા એટીએમ’ અથવા ‘ઓટોમેટેડમલ્ટી-કોમોડિટી ગ્રેન ડિસ્પેન્સિંગ મશીન’ કહેવામાં આવે છે, તે રેશનિંગની દુકાનો પર વર્ષોથી ચાલી આવતી ‘ઓછું અનાજ મળવાની’ અને ‘લાંબી લાઈનો’ની સમસ્યાનો કાયમી ઉકેલ છે.

મશીનની બનાવટ અને ક્ષમતા

આ મશીન દેખાવમાં બેન્કનાં એટીએમ જેવું જ હોય છે, પરંતુ તે કદમાં થોડું મોટું હોય છે કારણ કે તેમાં અનાજનો સંગ્રહ કરવા માટે મોટા સ્ટોરેજ ટેન્ક (Silos) હોય છે. સામાન્ય રીતે એક મશીનમાં 3000 કિલોથી લઈને 5000 કિલો સુધીના અનાજનો (ઘઉં, ચોખા, બાજરી વગેરે) સંગ્રહ થઈ શકે છે. અનાજને ભેજ, જીવજંતુ કે ધૂળથી બચાવવા માટે મશીન અંદરથી સંપૂર્ણપણે સીલ હોય છે. આનાથી અનાજની ગુણવત્તા જળવાઈ રહે છે.

કેવી રીતે કાર્ય કરે છે? (ટેકનિકલ પ્રોસેસ)

ગ્રેન એટીએમ એ સંપૂર્ણપણે ઓટોમેટેડ સિસ્ટમ છે જે ત્રણ સ્તરે કામ કરે છે:

  • લાભાર્થીએ મશીન પરની ટચ સ્ક્રીન પર પોતાનો 12 આંકડાનો રેશન કાર્ડ નંબર અથવા આધાર નંબર નાખવાનો હોય છે.
  • મશીન બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે જોડાયેલું હોય છે. લાભાર્થીનો અંગૂઠો સ્કેન થતા જ તે સીધું જ સરકારી ડેટાબેઝ (E-PDS પોર્ટલ) સાથે કનેક્ટ થઈ જાય છે અને જાણી લે છે કે આ પરિવારને કેટલા કિલો અનાજ મળવાપાત્ર છે.
  • ઓળખ સફળ થયા પછી મશીન પૂછશે કે તમારે કયું અનાજ જોઈએ છે. પસંદગી કર્યા પછી મશીન તેની અંદર રહેલા ડિજિટલ સેન્સર દ્વારા ચોક્કસ વજન કરીને અનાજ બહાર કાઢશે.

ગ્રેન એટીએમની સૌથી મોટી વિશેષતાઓ

આ મશીન માત્ર 5 થી 7 મિનિટમાં 50 કિલો સુધીનું અનાજ કાઢી શકે છે. રેશનિંગની દુકાને જ્યાં કલાકો બગડતા હતા, ત્યાં હવે મિનિટોમાં કામ પતી જશે. બેન્ક એટીએમની જેમ જ સરકાર આ મશીનોને એવી રીતે સેટ કરી રહી છે કે શ્રમિક કે નોકરિયાત વર્ગ પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અનાજ લઈ શકે. મશીનમાં બે પ્રકારના વજન કાંટા હોય છે. અનાજ બહાર આવે તે પહેલાં તે ઓટોમેટિકલી રિ-ચેક થાય છે. જો વજનમાં 1 ગ્રામનો પણ ફેરફાર હોય તો મશીન અટકી જાય છે.

આ પહેલની વિશેષતાઓ અને લાભ

આ સિસ્ટમ લૉન્ચ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ‘ટેકનોલોજી લાવવાનો’ નથી, પરંતુ દાયકાઓ જૂની રેશનિંગ વ્યવસ્થામાં રહેલી ખામીઓને જડમૂળથી દૂર કરવાનો છે. ભારતની રેશનિંગ વ્યવસ્થામાં સૌથી મોટો પડકાર એ રહ્યો છે કે સરકારી ગોદામમાંથી અનાજ નીકળે તો છે પણ ગરીબોના ઘર સુધી પહોંચતા પહેલાં તે ઘણીવાર બજારમાં વેચાઈ જાય છે.

પરંતુ હવે આ પહેલથી CBDC (ડિજિટલ કરન્સી) હોવાથી જે પૈસા અનાજ માટે ફાળવાયા છે તે અનાજ સિવાય ક્યાંય વપરાશે નહીં. દરેક કિલો અનાજ કયા મશીનમાંથી કયા લાભાર્થીએ લીધું તેનો રીઅલ-ટાઇમ ડેટા સરકાર પાસે હશે. આનાથી વચેટિયાઓ દ્વારા થતી ચોરી અશક્ય બની જશે.

છેવાડાના માનવી સુધી પહોંચશે સરકારી લાભ

વડા પ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનને ગરીબ પરિવારો સુધી પહોંચાડવાનો આ ઉદ્દેશ્ય છે. રેશનિંગ કાર્ડ ધારકો જ્યારે ડિજિટલ વાઉચર અને બાયોમેટ્રિક પેમેન્ટનો ઉપયોગ કરશે, ત્યારે તેઓ બેંકિંગ અને ડિજિટલ વ્યવહારોમાં આત્મવિશ્વાસ અનુભવશે. દરેક વ્યવહારનો રેકોર્ડ હોવાથી ભવિષ્યમાં આ પરિવારોને તેમની આર્થિક સ્થિતિના આધારે બેન્ક લોન કે અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવામાં સરળતા રહેશે.

‘વન નેશન, વન રેશન કાર્ડ’ને (ONORC) વધુ મજબૂત બનાવવું

આ નવી સિસ્ટમ સ્થળાંતર કરનારા શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જો કોઈ શ્રમિક દાહોદનો હોય અને અમદાવાદમાં કામ કરતો હોય તો તે પોતાના મોબાઈલમાં આવેલા ડિજિટલ વાઉચરનો ઉપયોગ કરીને અમદાવાદના ‘ગ્રેન એટીએમ’ માંથી અનાજ મેળવી શકશે. તેની ઓળખ તેના કાર્ડમાં નહીં, પણ તેના ‘ડિજિટલ વાઉચર’ અને ‘બાયોમેટ્રિક’માં હશે, જે સમગ્ર ભારતમાં માન્ય ગણાશે.

જાહેર વિતરણ પ્રણાલીમાં ‘માનવીય દખલગીરી’ ઘટાડવી

ઘણીવાર રેશનિંગની દુકાન ચલાવનારાઓ મનસ્વી રીતે દુકાન બંધ રાખતા હોય છે અથવા લાભાર્થીઓ સાથે ખરાબ વર્તન કરતા હોય છે. ગ્રેન એટીએમ સ્થાપવાનો ઉદ્દેશ્ય દુકાનદારની નિર્ભરતા ઘટાડવાનો છે. લાભાર્થી પોતાની મરજી મુજબ અનાજ લઈ શકશે. મશીન કોઈની ઓળખ કે લાગવગ જોઈને નહીં, પણ સિસ્ટમના ડેટા મુજબ જ અનાજ આપશે, જેનાથી ‘ભેદભાવ’ દૂર થશે.

વહીવટી ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમતામાં વધારો

સરકાર દર વર્ષે રેશનિંગ વ્યવસ્થા ચલાવવા માટે કરોડો રૂપિયાનો વહીવટી ખર્ચ કરે છે. રજિસ્ટરો નિભાવવા અને ભૌતિક રસીદો બનાવવાની જરૂર રહેશે નહીં. બધું જ ડિજિટલ ક્લાઉડ પર સ્ટોર થશે. જે અનાજ ખરેખર વિતરણ થયું છે, તેના જ નાણાં દુકાનદારને ચૂકવવામાં આવશે. આનાથી ખોટા બિલિંગ અને ખોટી સબસિડીના દાવાઓ અટકશે.

નોંધનીય છે કે ગુજરાત હંમેશા નવી ટેકનોલોજી અપનાવવામાં અગ્રેસર રહ્યું છે. અગાઉ સોલર એનર્જી હોય કે ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ, ગુજરાતે દેશને રાહ ચીંધ્યો છે. હવે CBDC-PDS મોડેલ દ્વારા ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ઉદાહરણ પૂરું પાડશે. અમદાવાદમાં આ પ્રોજેક્ટની સફળતા બાદ તેને સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં અને ત્યારબાદ ગ્રામીણ વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2027 સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં આ સિસ્ટમ અમલી બને.

અમિત શાહ દ્વારા લૉન્ચ કરવામાં આવનાર આ ડિજિટલ કરન્સી આધારિત PDS સિસ્ટમ અને ગ્રેન એટીએમ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ ટેકનોલોજી દ્વારા ગરીબોના સશક્તિકરણનું એક મજબૂત અભિયાન છે. ‘અંત્યોદય’ એટલે કે સમાજના છેલ્લા માણસ સુધી સુવિધા પહોંચાડવાના સંકલ્પને આ વ્યવસ્થા ચરિતાર્થ કરે છે.

જ્યારે ટેકનોલોજી સામાન્ય માણસના રસોડા સુધી પહોંચે છે, ત્યારે સાચા અર્થમાં દેશ ‘ડિજિટલ’ બને છે. ગુજરાતની ધરતી પરથી શરૂ થયેલું આ આધુનિક પરિવર્તન આવનારા દિવસોમાં સમગ્ર ભારતની રેશનિંગ સિસ્ટમને પારદર્શક, ભ્રષ્ટાચારમુક્ત અને અત્યંત સરળ બનાવશે. ટૂંકમાં સરકારનો લક્ષ્યાંક છે કે ‘હકદારને તેનો હક પૂરેપૂરો, પારદર્શક રીતે અને કોઈપણ માનસિક હેરાનગતિ વગર મળે.’ અમિત શાહ દ્વારા આ પ્રોજેક્ટ લૉન્ચ કરવાનો હેતુ ગુજરાતને આધુનિક રેશનિંગ વ્યવસ્થાનું ‘ગ્લોબલ રોલ મોડલ’ બનાવવાનો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં