હોમપેજગુજરાતશું ગુજરાત સરકારે શિક્ષકોને શ્વાનોની ગણતરી કરવા કહ્યું? કોંગ્રેસના ખભે બંદૂક ફોડી...

શું ગુજરાત સરકારે શિક્ષકોને શ્વાનોની ગણતરી કરવા કહ્યું? કોંગ્રેસના ખભે બંદૂક ફોડી રહ્યું છે મીડિયા – અહીં વાંચો હકીકત

એટલે અહીં સ્પષ્ટ સમજવાની જરૂર છે કે સરકારે સીધો આદેશ નથી કર્યો, સુપ્રીમ કોર્ટના આદેશ અનુરૂપ સરવે હાથ ધરવા માટે શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે શિક્ષકોને શ્વાન ગણવા મોકલવા. ઉપરાંત પરિપત્રમાં સ્પષ્ટ લખાયું છે કે પોતાના સંકુલમાં રહેતા શ્વાનો વિશેની જ માહિતી આપવાની છે, એટલે બહાર જવાનો સવાલ જ પેદા નથી થતો.

- Advertisement -

હમણાં ગુજરાતમાં શ્વાનોની ગણતરીનો મુદ્દો ચાલી રહ્યો છે. વાતો એવી થઈ રહી છે કે સરકારી શિક્ષકોએ હવે શ્વાનોની ગણતરી કરવા માટે ગામમાં ફરવાનું થશે અને માહિતી સરકારમાં જમા કરાવવાની થશે. સૌથી પહેલા આ મુદ્દો કોંગ્રેસે ઉપાડ્યો. જોકે, વિપક્ષી પાર્ટી હોવાના કારણે તે તો આવા રાજકારણનાં ગતકડા કરતી જ રહેવાની છે, પરંતુ તેના પદચિહ્ન પર ચાલીને, કોંગ્રેસના ખભે બંદૂક ફોડીને રાજ્યના ‘બેધડક’ મીડિયા હાઉસોએ ભારે રાડારાડ મચાવી દીધી છે. આ રાડારાડનાં પરિણામે શિક્ષકો પણ જાણ્યા વિના વિરોધ કરવા લાગ્યા છે અને લોકોમાં પણ ચર્ચા તીવ્ર બની છે. 

ગણતરીની કલાકોમાં રાજ્યભરમાં મીડિયાના ‘અથાક પ્રયાસો’થી ‘સરકારે શિક્ષકોને શ્વાનોની ગણતરી કરવાનો આદેશ આપ્યો છે?’ની વાત ફેલાઈ ગઈ. સોશિયલ મીડિયા પર બૂમાબૂમ, વિપક્ષનો કકળાટ અને ‘બેધડક-ઉત્તેજક’ હેડલાઇનોએ એવો માહોલ બનાવી દીધો કે જાણે શિક્ષણ વ્યવસ્થાને હાસ્યાસ્પદ પ્રશાસનિક પ્રયોગમાં ફેંકી દીધી હોય. આ સમગ્ર મુદ્દો શરૂ થયો હતો માત્ર એક સરકારી પરિપત્ર પરથી. એ પરિપત્રના આધારે સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા.

શું હતો પરિપત્ર? 

તારીખ 11 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજ્યના નાયબ શિક્ષણ નિયામક (માધ્યમિક) ગાંધીનગર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર રાજ્યના તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. પત્રનો વિષય એ હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુરૂપ સંસ્થાઓમાં સ્થિત પ્રાણીઓનો તાત્કાલિક સરવે કરવાનો છે, પ્રાણીઓમાં પણ સરવે માત્ર શ્વાનોનો કરવાનો હતો. સુપ્રીમ કોર્ટના સુઓમોટો સુનાવણીના આદેશના સંદર્ભે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. 

- Advertisement -

ટૂંકમાં સમજીએ તો સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને જાહેરસ્થળો પરના શ્વાનોની સ્થિતિ વિશેની માહિતી માટેનો આદેશ આપ્યો હતો. એ જ સંદર્ભે રાજ્યના જાહેરસ્થળો (જેમાં સ્કૂલ, કોલેજ પણ આવે) પર આ કામ કરવાનું હતું, એટલા માટે શિક્ષણ મંત્રાલયે પણ આ પરિપત્ર જાહેર કર્યો હતો. પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુરૂપ રાજ્યની વિવિધ સંસ્થાઓમાં (શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વગેરે) મોજૂદ પ્રાણીઓની સંખ્યા વિશેની જાણકારી એકત્રિત કરવી અનિવાર્ય છે. 

પરિપત્રની નકલ

આગળ શિક્ષણાધિકારીઓને સંબોધીને એવું કહેવામાં આવ્યું છે કે, “સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે આપના અધિકારક્ષેત્ર હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ/કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં રહેલા શ્વાનોનો સરવે તાત્કાલિક હાથ ધરવામાં આવે એવું ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.”

અંતે એવું કહેવામાં આવ્યું છે કે અધિકારક્ષેત્ર હેઠળની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં સરવેની કામગીરી કરવાની છે અને જિલ્લાનો સંક્ષિપ્ત અહેવાલ ત્રણ દિવસમાં જમા કરવાનો છે. 

હવે એ સમજીએ કે આ સરળ પરિપત્ર એકાદ-બે દિવસમાં આટલો ‘વિવાદિત’ અને ‘અઘરો’ કઈ રીતે થઈ ગયો. 

કોંગ્રેસના ખભે બંદૂક ફોડી મીડિયાએ ચલાવ્યા સમાચાર

પરિપત્ર જાહેર થયાના થોડા સમય બાદ રાજકીય પ્રતિક્રિયા સામે આવવા લાગી છે. ગુજરાતમાં તો એમ પણ કોંગ્રેસ સુષુપ્ત અવસ્થામાં હોય છે, પણ આ વખતે કોંગ્રેસે પરિપત્રને મુદ્દો બનાવવાના સમ ખાઈ લીધા હતા. આ સરળ પરિપત્રને તેણે સીધો શિક્ષકો સાથે જોડી દીધો અને અહીંથી શરૂ થયો સમગ્ર વિવાદ. કોંગ્રેસના ખભે બંદૂક ફોડીને દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર જેવા અખબારોએ પણ ‘શિક્ષકોને કૂતરાની ગણતરી કરવાનો આદેશ અપાયો’ હોવાની વાતો કરવાની શરૂ કરી દીધી હતી અને મથાળામાં પણ લોકોને ભ્રમિત કરતી ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. 

દિવ્ય ભાસ્કરે 12 ફેબ્રુઆરીના રોજ એક અહેવાલ આપ્યો હતો, જેનું મથાળું હતું- ‘હવે શિક્ષકોને કૂતરાની ગણતરી કરવા આદેશ: SIRની કામગીરી પૂરી નથી થઈ ત્યાં નવો પરિપત્ર, શાળા સંકુલ અને આસપાસના વિસ્તારમાં શ્વાન ગણી સચોટ માહિતી આપો’ લેખની અંદર પણ હળવેથી ભાવનાત્મક વાતો જોડવામાં આવી છે. 

શરૂઆતમાં શિક્ષકોને એ યાદ અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે હમણાં જ SIRની કામગીરી પૂરી થઈ છે અને હજુ તો શિક્ષકો ફ્રી પણ નથી, ત્યાં જ પોતાની શાળા અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ થયો છે. આગળ કહેવાયું છે કે, ‘શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે.’ અહીંથી પછી કોંગ્રેસના ખભે બંદૂક ફોડીને ભડાકા કરવામાં આવ્યા છે. ભાસ્કરે ઘણી ચાલાકીથી સમગ્ર લેખના અંતે ‘શિક્ષણ વિભાગની સ્પષ્ટતા’ લખી છે.

આવું જ ગુજરાત સમાચારે પણ કર્યું છે. ગુજરાત સમાચારે પણ પોતાના અહેવાલમાં કોંગ્રેસના ખભે બંદૂક ફોડી છે અને SIRની કામગીરીમાંથી હમણાં તો શૈક્ષણિક સ્ટાફ છૂટો થયો હોવાની વાત કરી છે. અહીંથી જ વિવાદની શરૂઆત થઈ છે. પરિપત્રમાં કહેવાયું છે કે સંસ્થાઓમાં સ્થિત પ્રાણીઓની સામાન્ય જાણકારી આપવામાં આવે અને હેડલાઈનોમાં લખાયું છે ‘શિક્ષકોને કૂતરા ગણવાનો આદેશ આપ્યો’. આ તફાવત માત્ર શબ્દોનો નહીં, આ તફાવત ફ્રેમિંગનો છે. 

શું છે હકીકત?

આ વિવાદ વધતાં રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લેવાયો છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. વધુમાં તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને શૈક્ષણિક સંકુલની બહાર જઈને સરવે કરવાનો નથી, માત્ર સંકુલની અંદર રહેલા શ્વાનોની ગણતરી કરવાની છે. શિક્ષણ મંત્રીના સ્પષ્ટીકરણ બાદ પણ મામલો મેદાને ચડતો રહ્યો. 

બાદમાં જોકે શિક્ષણ વિભાગની સત્તાવાર યાદી પણ સામે આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 7 નવેમ્બરના રોજ આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાતની તમામ સાર્વજનિક સંસ્થાઓ અને કેમ્પસમાં રખડતા શ્વાનોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચોક્કસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો અને અન્ય જાહેર કચેરીઓના કેમ્પસમાં રખડતા શ્વાનોનો સર્વે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત થાય.

શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 11 ફેબ્રુઆરી, 2026ના પરિપત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓમાં આ કામગીરી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અથવા અન્ય કર્મચારીઓએ કરવાની રહેશે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ સૂચનાઓ માત્ર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી જારી કરવામાં આવી છે અને તેમાં કોઈ શિક્ષકોને આ કાર્યમાં સીધી રીતે જોડવાની વાત નથી.

કમિશનર શાળાઓની કચેરીએ જણાવ્યું છે કે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ તરફથી મળેલી સૂચનાઓ મુજબ જાહેરહિતમાં આ આદેશો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. મીડિયામાં આ બાબતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને શિક્ષકોને આ કામગીરીમાં જોડવાની વાતમાં કોઈ તથ્ય નથી. આ સૂચનાઓનો હેતુ માત્ર જાહેર સ્થળોમાં પ્રાણીઓની સુરક્ષા અને માનવ સલામતી સુનિશ્ચિત કરવાનો છે. 

સુપ્રીમ કોર્ટનો મૂળ આદેશ

આ આદેશ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો જાહેરહિત અરજી 5/2025ના સંદર્ભમાં આપવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ શૈક્ષણિક પરિસરો ઉપરાંત જાહેર સ્થળોને રખડતાં શ્વાનથી સુરક્ષિત રાખવાનો છે. માત્ર શાળાઓ જ નહીં, પરંતુ હૉસ્પિટલો, બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર પણ શ્વાનોની સ્થિતિ અંગે સચોટ ડેટા તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.  

7 નવેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશમાં તમામ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે હાઈવે, શાળા, કોલેજ, હૉસ્પિટલ, રમતગમત પરિસર, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા સ્થળોએથી રખડતા શ્વાનોને દૂર કરવા. સ્થાનિક નગરપાલિકાઓ અને સંસ્થાઓને આદેશ આપવામાં આવ્યા છે કે આવા પરિસરોમાં રખડતા શ્વાનોનો પ્રવેશ રોકવામાં આવે.

ઉઠાવવામાં આવેલા શ્વાનોનું રસીકરણ અને નસબંધી કરાવવી તેમજ તેમને તે જ સ્થળે પાછા છોડવા નહીં. આ આદેશ જાહેર સુરક્ષા, ખાસ કરીને બાળકો અને દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. 

પરિપત્ર વાંચવાની તસ્દી લીધા વિના વિરોધ કરવાની આદત

હવે અહીં સમજવા જેવી બાબત છે પરિપત્રની ભાષા. પરિપત્ર સામે આવ્યો એ સાચું, સરકારે સરવે કરવાનું કહ્યું એ પણ સાચું, શિક્ષણાધિકારીઓ પાસે પરિપત્ર ગયો એ પણ સાચું પરંતુ પરિપત્રમાં ક્યાંય ‘શિક્ષક’ શબ્દનો ઉલ્લેખ સુદ્ધાં નથી. એટલે કે માહિતી માંગવામાં આવી છે પણ શિક્ષકોને કામ લગાડો એવું સ્પષ્ટ ક્યાંય કોઈ આદેશમાં કહેવામાં આવ્યું નથી. 

બીજી મહત્વની બાબત એ છે કે મીડિયા સહિતની ટોળકી કૂદાકૂદ કરી રહી હતી કે શિક્ષકોને ‘રખડતા શ્વાનો’ ગણવા લગાવાશે, પણ આખા ગામના શ્વાનોની વાત નથી થતી. પરિપત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે શાળા સંકુલમાં જે શ્વાનો અવરજવર કરતા હોય કે રહેતા હોય તો તે વિશેની જાણકારી આપવાની છે. એટલે શિક્ષક શ્વાનોની ગણતરી કરવા માટે ક્યાંય બહાર જવાના નથી. 

અને સ્વાભાવિક વાત છે કે શાળાના કેમ્પસમાં કે શાળા સંકુલની આસપાસ કેટલા પ્રાણીઓ રહે છે એ ત્યાં ભણતા બાળકોને ખબર હોય અથવા તો પછી શિક્ષકોને. સરકાર હવે બાળકોને તો પૂછી શકવાની નથી. સમજી લો કે શિક્ષણાધિકારીઓએ શાળાને પરિપત્ર મોકલીને સંકુલમાં રહેલા શ્વાનો વિશેની માહિતી માંગી તો શું શિક્ષકો પોતે જ સંકુલમાં ગણતરી કરશે? ના. મોટાભાગે શાળાના પ્યૂન દ્વારા આ કામ કરવામાં આવશે, શિક્ષકોના આદેશ પર. 

તેનું કારણ એ પણ છે કે પરિપત્રમાં ક્યાંય શિક્ષકો જ શ્વાનોનો સરવે કરશે એવું નથી લખ્યું. જેનો સીધો અર્થ એ નીકળે કે શિક્ષકો તથા અન્ય શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફના માણસો કોઈપણ આ સરવે કરી શકે છે અને માહિતી સરકાર સુધી પહોંચાડી શકે છે. તેમની પાસેથી જ જવાબ માંગવામાં આવશે કારણ કે તેઓ પોતે જ શાળામાં સૌથી વધારે સમય સુધી રહે છે અને તેમને જ ખ્યાલ હોય છે કે સંકુલમાં પ્રાણીઓ કેટલા આવે છે અને કેટલા જાય છે.

એટલે અહીં સ્પષ્ટ સમજવાની જરૂર છે કે સરકારે સીધો આદેશ નથી કર્યો, સુપ્રીમ કોર્ટના આદેશ અનુરૂપ સરવે હાથ ધરવા માટે શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે શિક્ષકોને શ્વાન ગણવા મોકલવા. ઉપરાંત પરિપત્રમાં સ્પષ્ટ લખાયું છે કે પોતાના સંકુલમાં રહેતા શ્વાનો વિશેની જ માહિતી આપવાની છે, એટલે બહાર જવાનો સવાલ જ પેદા નથી થતો. વધુમાં આ કામ શિક્ષકો સિવાય અન્ય કોઈપણ સ્ટાફના માણસ કરી શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં