ભારતની આર્થિક નીતિમાં ઘણી વખત એવા નિર્ણયો આવે છે જેની અસર તરત દેખાતી નથી, પરંતુ તે આવનારા દાયકાની દિશા નક્કી કરે છે. આ વખતે કેન્દ્રીય બજેટ 2026માં GIFT સિટીને આપવામાં આવેલો 20 વર્ષનો ટેક્સ હોલિડે એવો જ એક નિર્ણય છે. અગાઉ આ હોલિડે માત્ર 10 વર્ષ માટે હતો, જેને હવે બમણો કરી દેવામાં આવ્યો છે.
પહેલી નજરે એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે શું સરકાર કંપનીઓ પાસેથી ટેક્સ લેવાનું જ બંધ કરી રહી છે? શું માત્ર મોટી કોર્પોરેટ કંપનીઓને ફાયદો આપતી નીતિ છે? કે તેની પાછળ કોઈ મોટું આર્થિક વિઝન છે? આ સવાલોના જવાબ સમજ્યા વિના આ નિર્ણયનું મહત્વ સમજવું મુશ્કેલ છે.
શું છે ગિફ્ટ સિટી?
ગાંધીનગરમાં વિકસિત GIFT સિટી ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) છે. તેનું મોડલ એ રીતે રાખવામાં આવ્યું છે જેવું દુનિયાના મોટા નાણાકીય હબ્સ દુબઈ અને સિંગાપુરમાં જોવા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ભારતની અંદર ‘ઑફશોર સ્ટાઇલ’ નાણાકીય ઝોન છે, જ્યાંથી વિદેશી બેન્કો, ફંડ મેનેજર્સ, ઇન્શ્યોરન્સ કંપનીઓ, ફિનટેક અને ટ્રેઝરી સેન્ટર્સ વૈશ્વિક લેવડદેવડ કરી શકે. હવે સમજીએ કે ટેક્સ હોલિડે શું છે.
શું છે ‘ટેક્સ હોલિડે’?
‘ટેક્સ હોલિડે’નો અર્થ એ છે કે સરકાર કોઈ કંપની, ઉદ્યોગ અથવા વિશેષ વિસ્તારને નિશ્ચિત સમયગાળા સુધી આવકવેરામાંથી સંપૂર્ણ અથવા આંશિક છૂટ આપે છે. આ દરમિયાન તે એકમને પોતાના નફા પર સામાન્ય દરે ટેક્સ ભરવો પડતો નથી. સરળ શબ્દોમાં કહીએ તો સરકાર કહે છે કે, ‘તમે અહીં રોકાણ કરો, વ્યવસાય શરૂ કરો, બદલામાં કેટલાક વર્ષો સુધી અમે તમારી પાસેથી ટેક્સ નહીં લઈએ.’
‘ટેક્સ હોલિડે’નો અર્થ એ નથી કે બધા ટેક્સ ખતમ કરી દેવામાં આવે છે. આ એક સામાન્ય ભ્રમ છે. ખરેખર ટેક્સ હોલિડેનો અર્થ એ છે કે કંપનીની કમાણી (બિઝનેસ આવક/નફો) પર આવકવેરામાંથી છૂટ. એટલે કે જો GIFT સિટીમાં બેઠેલી કોઈ કંપની 100 કરોડ રૂપિયાનો નફો કમાય છે તો સામાન્ય સ્થિતિમાં તેને 30–35% સુધી કોર્પોરેટ ટેક્સ ભરવો પડે. પરંતુ ટેક્સ હોલિડે દરમિયાન તેને આ નફા પર શૂન્ય આવકવેરો ભરવો પડશે.
જોકે GST, સ્ટેમ્પ ડ્યુટી, પગાર પર વ્યક્તિગત ટેક્સ, રેગ્યુલેટરી ફી જેવા અન્ય શુલ્ક તો ચાલુ રહેશે. તેથી આ ‘ટોટલ ટેક્સ ફ્રી ઝોન’ નથી, પરંતુ ‘પ્રોફિટ ટેક્સ ફ્રી ઝોન’ છે. કેન્દ્રીય બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે IFSC એકમો માટે કર કપાતની મુદત 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરી દેવામાં આવશે, જેમાં 20 વર્ષ સુધી નફા પર ટેક્સ નહીં લાગે અને ત્યારબાદ માત્ર 15%ના દરે કર લાગુ થશે, જ્યારે ભારતના અન્ય ભાગોમાં કંપનીઓ પર અસરકારક ટેક્સ દર લગભગ 30–35% સુધી જાય છે, એટલે કે GIFT સિટી લાંબા સમય સુધી ટેક્સથી ફ્રી રહેશે.
સરકાર આવું કેમ કરી રહી છે?
સૌથી મહત્વનો સવાલ એ છે કે ‘સરકાર આવું કેમ કરી રહી છે?’. આજ સુધી ભારતની ઘણી મોટી નાણાકીય પ્રવૃત્તિઓ (વિદેશી રોકાણ, ફંડ મેનેજમેન્ટ, ડોલર ટ્રેડિંગ, આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ) દુબઈ, સિંગાપુર કે મોરેશિયસ જેવા દેશોમાંથી થતી હતી, કારણ કે ત્યાં ઓછા ટેક્સ, સરળ નિયમો અને વૈશ્વિક વાતાવરણ હતું, જેનાથી ભારતીય મૂડી અને નોકરીઓ બંને બહાર ગઈ. સરકારનો વિચાર એ છે કે જો આ જ સુવિધાઓ ભારતમાં જ આપી દેવાય તો વિદેશી મૂડી ભારત આવશે, કંપનીઓ અહીં ઑફિસ ખોલશે, હાઈ-સ્કિલ નોકરીઓ ઊભી થશે, ડોલર ઇનફ્લો વધશે અને લાંબાગાળે ટેક્સ સંગ્રહ પણ વધશે. એટલે શરૂઆતમાં ‘ઓછા ટેક્સ’, પરંતુ પછી ‘મોટો આર્થિક લાભ’.
GIFT સિટીમાં ટેક્સ હોલિડેનો સૌથી વધુ લાભ તે સંસ્થાઓને મળશે જે આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવૃત્તિઓમાં સામેલ છે- વિદેશી બેન્કો, ગ્લોબલ ફંડ મેનેજર્સ, ઇન્શ્યોરન્સ કંપનીઓ, ફિનટેક સ્ટાર્ટઅપ્સ, ટ્રેઝરી અને બેક-ઑફિસ સેન્ટર્સ. જો આ કંપનીઓ ભારતમાં બેઝ બનાવશે તો સાથે વકીલો, એકાઉન્ટન્ટ્સ, ટેક પ્રોફેશનલ્સ, ડેટા એનાલિસ્ટ્સ અને હજારો સપોર્ટ જોબ્સ પણ આવશે, એટલે કે અસર માત્ર કોર્પોરેટ સુધી મર્યાદિત નહીં રહે.
કેટલાક લોકો કહી શકે કે સરકાર મોટી કંપનીઓને ‘ફ્રી પાસ’ આપી રહી છે, પરંતુ હકીકત થોડી અલગ છે. જો ટેક્સ વધુ હશે તો કંપનીઓ આવશે જ નહીં. જો કંપનીઓ આવશે જ નહીં તો ટેક્સ પણ મળશે નહીં. સરકારની દલીલ છે કે પહેલાં રોકાણ લાવો, ઇકોસિસ્ટમ બનાવો, પછી લાંબાગાળે ટેક્સ વસૂલી આપોઆપ વધી જશે. આ જ મોડલ દુબઈ અને સિંગાપુરે અપનાવ્યું હતું.
GIFT સિટીને આપવામાં આવેલો 20 વર્ષનો ટેક્સ હોલિડે કોઈ મફતની રેવડી નથી, પરંતુ એક વ્યૂહાત્મક દાવ છે. તેનો હેતુ ભારતને ‘માર્કેટ’માંથી ‘ફાઇનાન્શિયલ હબ’ બનાવવાનો છે. જો આ મોડલ સફળ થાય તો ભારત પહેલી વખત વૈશ્વિક મૂડીનો ઉપભોક્તા નહીં, પણ તેનું કેન્દ્ર બનશે અને આ જ વાસ્તવિક બદલાવ છે.


