હોમપેજક્રાઈમઉજ્જૈનમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનો હિંદુઓ પર હુમલો, દુકાન-મકાન-સરકારી બસોમાં આગચંપી:...

ઉજ્જૈનમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનો હિંદુઓ પર હુમલો, દુકાન-મકાન-સરકારી બસોમાં આગચંપી: 15ની ધરપકડ- વાંચો હમણાં સુધી શું થયું

VHP અને હિંદુ સંગઠનોએ હુમલાના મુખ્ય આરોપીની તાત્કાલિક ધરપકડ અને તેના ઘર પર બુલડોઝર એક્શનની માંગ કરી છે. તરાના પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન પણ થયું છે.

- Advertisement -

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાનામાં સાંપ્રદાયિક તણાવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુરુવારની (22 જાન્યુઆરી 2026) સાંજે વિશ્વ હિંદુ પરિષદના (VHP) સ્થાનિક નેતા સોહિલ ઠાકુર બુંદેલા પર જીવલેણ હુમલો થયો હતો, જે બાદ શુક્રવારના (23 જાન્યુઆરી 2026) રોજ જુમ્માની નમાજ પછી ઉપદ્રવીઓની ભીડે હિંદુ બહુમતીવાળા મહોલ્લાઓમાં ઘુસી જઈને ઉપદ્રવ મચાવ્યો છે.

માહિતી અનુસાર પથ્થરમારો, આગચંપી અને તોડફોડની ઘટનાઓમાં ઓછામાં ઓછી 13 બસો, 10 કાર અને અનેક મોટરસાયકલોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે અનેક ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યાં છે. પોલીસે અત્યાર સુધીમાં 15થી 20 આરોપીઓની ધરપકડ કરી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે તેમ જણાવ્યું છે, પરંતુ વિસ્તારમાં તણાવ યથાવત છે.

VHP નેતા પર મુસ્લિમોના હુમલાથી ઘટનાની શરૂઆત

આખો વિવાદ ગુરુવારની (22 જાન્યુઆરી 2026) સાંજે આશરે 7:00-7:30 વાગ્યે શરૂ થયો. તરાનાના શુક્લા મોહલ્લામાં VHPના ગૌસેવા પ્રકોષ્ઠના પ્રમુખ સોહિલ ઠાકુર બુંદેલા તેમના ઘરની બહાર મંદિર પાસે ઊભા હતા. આ દરમિયાન મુસ્લિમ યુવાનોએ તેમને ટોક્યા અને પછી પાછળથી લાઠી-ડંડા વડે હુમલો કરી દીધો. સોહિલના માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેમને સ્થાનિક હોસ્પિટલ અને પછી ઉજ્જૈન રેફર કરવામાં આવ્યા છે. હુમલામાં આશરે છ લોકો ઘાયલ થયા.

- Advertisement -

હુમલાના સમાચાર ફેલાતાં જ બંને પક્ષના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ, પરંતુ પોલીસે રાત્રે મોડે સુધીમાં સ્થિતિ સંભાળી લીધી. આ કેસમાં પોલીસે FIR નોંધી અને હુમલાના પાંચ નામજોગ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક મુખ્ય આરોપી હજુ ફરાર છે. ઉજ્જૈન SP પ્રદીપ શર્માએ જાતે મોરચો સંભાળ્યો અને કલમ 163 BNSS હેઠળ પ્રતિબંધાજ્ઞા લાગુ કરી દેવામાં આવી.

જુમ્માની નમાજ બાદ મુસ્લિમોએ આચરી હિંસા

શુક્રવારના (23 જાન્યુઆરી 2026) રોજ ખેડી મોહલ્લા તકિયા મસ્જિદમાં જુમ્માની નમાજ બાદ તણાવ ફરી ભડકી ઉઠ્યો હતો. નમાજ પૂરી થતાં જ મોટી સંખ્યામાં મોં પર કપડું બાંધેલા ઉપદ્રવીઓ રસ્તા પર ઉતરી આવ્યા. મુસ્લિમોની ભીડે ગલીઓમાં પથ્થરમારો કરીને ગાડીઓમાં તોડફોડ કરી અને બસ સ્ટેન્ડ પાસે ઊભી રાખેલી એક બસમાં આગ લગાવી દીધી.

ત્યારબાદ ભીડે રસ્તો જામ કરી દીધો અને હિંદુ બહુમતીવાળા વિસ્તારો તરફ  વધવા લાગ્યા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તલવાર, લાઠી-ડંડા અને રોડથી લોકો હિંદુ મોહલ્લાઓમાં ઘૂસી ગયા હતા. મહિલાઓએ આરોપ લગાવ્યો કે ઉપદ્રવીઓ ઘરોમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પૂજાસ્થળને નિશાન બનાવવાની ધમકી આપી રહ્યા હતા અને ગાળાગાળ કરી રહ્યા હતા.

હિંદુ મોહલ્લાઓમાં પથ્થરમારો થયો. ઘરોના કાચ તૂટી ગયા, દરવાજા તોડવામાં આવ્યા. બસ સ્ટેન્ડ પાસે ઊભી રાખેલી બસોને આગના હવાલે કરી દેવામાં આવી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસની હાજરીમાં જ ઉપદ્રવીઓ ઘરોમાં તોડફોડ કરી રહ્યા હતા અને એક બસને બાળી રહ્યા હતા. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે ઉપદ્રવીઓ મોહલ્લાને ઘેરીને બૂમો પાડી રહ્યા હતા અને પોલીસ પર પણ દબાણ બનાવી રહ્યા હતા.

હિંસામાં ભારે સંપત્તિનું નુકસાન

  • ઓછામાં ઓછી 13 બસોને નુકસાન, જેમાંથી એક-બેને સંપૂર્ણ આગ લગાવી દેવામાં આવી.
  • 10 કાર અને અનેક મોટરસાયકલો તોડી-સળગાવી નાખવામાં આવી.
  • 4-6 ઘરોમાં તોડફોડ, કાચ તૂટ્યા.
  • અનેક દુકાનોને નિશાન બનાવવામાં આવી.
  • એક મંદિરની બહાર પથ્થરમારો થયો, જોકે પૂજાસ્થળને મોટું નુકસાન નથી થયું.

પોલીસ અને પ્રશાસન તરફથી કાર્યવાહી ચાલુ

પોલીસે તાત્કાલિક વધારાની ફોર્સ તહેનાત કરી દીધી હતી. જિલ્લાના 5-10 પોલીસ સ્ટેશનોમાંથી ફોર્સ બોલાવવામાં આવી હતી. ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ફ્લેગ માર્ચ કાઢવામાં આવી છે. CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા વિડીયોની તપાસ કરીને અન્ય ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

નામજોગ ઉપદ્રવીઓ ઉપરાંત પોલીસે સપ્પન મિર્ઝા, ઈશાન મિર્ઝા, શાદાબ ઉર્ફે ઇડલી, સલમાન મિર્ઝા, રિઝવાન મિર્ઝા અને નાવેદ વિરુદ્ધ જીવલેણ હુમલાનો કેસ નોંધ્યો છે. આમાંથી પાંચની ધરપકડ કરી લેવામાં આવી છે, એકની શોધખોળ ચાલુ છે.

ઉજ્જૈન SP પ્રદીપ શર્માએ કહ્યું કે, “અમે 15થી 20 લોકોને કસ્ટડીમાં લીધા છે. CCTV અને વિડીયો જોઈને અન્ય આરોપીઓની ઓળખ થઈ રહી છે. સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે લોકોને અફવાઓ ન ફેલાવવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દાવોસથી પરત ફરતાં જ સખ્ત નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે, “હિંસા કરનારાઓને બક્ષવામાં નહીં આવે. તમામ દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

VHP અને હિંદુ સંગઠનોએ હુમલાના મુખ્ય આરોપીની તાત્કાલિક ધરપકડ અને તેના ઘર પર બુલડોઝર એક્શનની માંગ કરી છે. તરાના પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન પણ થયું છે.

અત્યારે શનિવારની (24 જાન્યુઆરી 2026) સવાર સુધી સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તણાવ યથાવત છે. પ્રતિબંધાજ્ઞા લાગુ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસદળ તહેનાત છે. પ્રશાસનનો દાવો છે કે અફવાઓ ફેલાવનારાઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ ધરપકડ થઈ શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં