તમિલનાડુના મદુરાઈમાં આવેલા સુપ્રસિદ્ધ થિરુપરનકુંદ્રમ પર્વત પર સ્થિત મુરુગન મંદિરમાં કાર્તિગઇ દીપમ ઉત્સવ દરમિયાન દીપદીવો પ્રગટાવવાની પરંપરાને લઈને સર્જાયેલા વિવાદમાં મદ્રાસ હાઇકોર્ટે અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જી. જયચંદ્રન અને જસ્ટિસ કે.કે. રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે સિંગલ જજના આદેશને સંપૂર્ણપણે યથાવત રાખ્યો અને તમિલનાડુ સરકાર, પોલીસ, દરગાહ અને વક્ફ બોર્ડની અપીલો ફગાવી દીધી છે.
શું હતો સમગ્ર મામલો
નોંધનીય છે કે મદુરાઈ પાસે આવેલા થિરુપરનકુંડ્રમ પહાડ પર વર્ષોથી ‘દીપથૂન’ (દીવો પ્રગટાવવાનો સ્તંભ) પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાની પરંપરા છે. આ જ પહાડ પર થોડા અંતરે એક દરગાહ પણ આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી વહીવટીતંત્ર અને અમુક જૂથો દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની બીક બતાવીને હિંદુઓને આ દીવો પ્રગટાવતા રોકવામાં આવતા હતા. હિંદુ સંગઠનો અને ભક્તો આ પરંપરા ચાલુ રાખવા માટે લાંબા સમયથી લડત આપી રહ્યા હતા.
આ મામલો કોર્ટમાં હતો અને 1 ડિસેમ્બર, 2025ના રોજ મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ જીઆર સ્વામીનાથની બેન્ચે ચુકાદો આપતાં કહ્યું કે દીપથૂનનાં સ્થળ પર મંદિરનો સંપૂર્ણ અધિકાર છે. કહેવાયું હતું કે કાર્તિગઈ દીપમ આ વર્ષે દીપથૂન પર જ ઉજવવામાં આવે અને મંદિર પ્રશાસન આ આદેશનું સંપૂર્ણપણે પાલન કરે. સાથે તમિલનાડુ સરકાર અને પોલીસને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટેના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ અને DMKએ મોટો હોબાળો મચાવ્યો હતો અને આ આદેશ આપનાર જજ વિરુદ્ધ મહાભિયોગની માંગ પણ કરી હતી.
જોકે, હાઇકોર્ટના આદેશ છતાં હિંદુઓને અહીં દીવો પ્રગટાવવા દેવામાં આવ્યો નહોતો અને DMK સરકારે હિંદુઓને શાંતિ અને સૌહાર્દની દુહાઈ આપીને રોક્યા હતા. બીજી તરફ મામલો કોર્ટની બે જજની બેન્ચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો. હવે આ મામલે મદ્રાસ હાઇકોર્ટની જસ્ટિસ જી. જયચંદ્રન અને જસ્ટિસ કે.કે. રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે સિંગલ જજ જસ્ટિસ જી.આર. સ્વામીનાથનના આદેશને બહાલી આપી છે.
‘કાયદો-વ્યવસ્થાનો ભય એ અધિકારીઓએ ઉભું કરેલ કાલ્પનિક ભૂત’
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે એક રાજ્ય સરકાર, જેની પાસે પૂરતી સત્તા અને શક્તિ હોય, તેને એવો ડર હોય કે દેવસ્થાનમના પ્રતિનિધિઓને વર્ષના કોઈ ચોક્કસ દિવસે સ્તંભ પર દીવો પ્રગટાવવાની પરવાનગી આપવામાં આવે તેનાથી જાહેર શાંતિમાં ખલેલ પહોંચશે તો એ હાસ્યાસ્પદ વાત કહેવાય અને માનવામાં આવતી નથી. રાજ્ય પોતે જ આ અવ્યવસ્થા સર્જતું હોય તો અલગ વાત છે, બાકી આવી પાયાવિહોણી વાતો કરવાથી જાહેર શાંતિને નુકસાન થવાની સંભાવના વધુ છે.
કોર્ટે રાજ્યને ફટકાર લગાવતા કહ્યું કે કોઈ પણ વિવાદનું નિરાકરણ લાવવા માટે નિષ્પક્ષતા જરૂરી છે અને જાહેર શાંતિને અસર કરતા મુદ્દાઓ પર સરકારની ભૂમિકા પણ બહુ અગત્યની છે, જેથી સરકારે રાજકારણથી ઉપર ઉઠીને કામ કરવું જોઈએ. બેન્ચે ઉમેર્યું કે, કાયદો અને વ્યવસ્થાનો ડર એ રાજ્ય સરકારના જ અધિકારીઓએ પોતાની સગવડ માટે ઉભો કરેલો કાલ્પનિક ભય છે અને આવા અવાસ્તવિક ડર બતાવવાથી સમુદાયો વચ્ચે અવિશ્વાસ વધી શકે છે.
કાર્તિગઈ દીપમ પર દીવો પ્રગટાવવાની મંજૂરી
કોર્ટે સ્પષ્ટ કર્યું કે મંદિર વહીવટે દર વર્ષે કાર્તિગઈ દીપમ પર પર્વતની નીચલી ટોચ પરના દીપથૂન પર દીવો પ્રગટાવવો જરૂરી છે. આ પરંપરા હિંદુ ધર્મની માન્ય પ્રથા છે, કારણ કે ત્યાં સ્થળે દીવો પ્રગટાવવાથી તળેટીમાં રહેલા ભક્તો દૂરથી તેને જોઈને પૂજા કરી શકે છે.
સિંગલ જજના અગાઉના આદેશને જાળવી રાખીને કોર્ટે વહીવટીતંત્રને તેની જવાબદારીઓ નિભાવવા સૂચના આપી છે. ચુકાદા અનુસાર મંદિર દેવસ્થાનમ દર વર્ષે કાર્તિગઈ દીપમ પર દીપથૂન પર દીવો પ્રગટાવી શકશે. પરંતુ પર્વત ASIનું સંરક્ષિત સ્મારક હોવાથી આ પ્રવૃત્તિ ASIની મંજૂરી અને શરતોને આધીન કરવામાં આવશે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર મંદિરના માર્યાદિત પ્રતિનિધિઓ જ દીવો પ્રગટાવવા ટોચ પર જઈ શકશે જાહેર લોકોને પ્રવેશ આપવામાં આવશે. કોર્ટે જણાવ્યા અનુસાર મદુરાઈ જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ આ કાર્ય થશે, જેથી સ્થળને નુકસાન ન પહોંચે અને બંને સમુદાયોના તહેવારો શાંતિપૂર્ણ રહે.


