પત્રકાર-વેપારીની નિર્મમ હત્યા, હિંદુ મહિલા પર સામૂહિક બળાત્કાર: ત્રણ દિવસમાં બાંગ્લાદેશમાં સામે આવ્યા 3 હિંદુ ઉત્પીડનના મામલા

બાંગ્લાદેશમાં 2024ના અંતથી ચાલી આવતી રાજકીય અસ્થિરતા અને વચગાળાની સરકારના શાસન હેઠળ લઘુમતી હિંદુ સમુદાય પર હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2026ના પ્રથમ અઠવાડિયામાં જ ત્રણથી વધુ મોટી ઘટનાઓ સામે આવી છે, જેમાં હિંદુ વ્યક્તિઓની હત્યા, હિંદુ મહિલા પર ગેંગરેપ અને ગંભીર અત્યાચારના કિસ્સા નોંધાયા છે. આ ઘટનાઓએ દેશની કાયદો-વ્યવસ્થા અને લઘુમતીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

હિંદુ પત્રકાર-વેપારીની ગોળી મારીને હત્યા

જેસોર જિલ્લાના મોનિરામપુર ઉપજિલ્લાના કોપાલિયા બજારમાં 5 જાન્યુઆરીએ 45 વર્ષીય રાણા પ્રતાપ બૈરાગીની અજાણ્યા હુમલાખોરોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. તેઓ દૈનિક BD ખોબરના કાર્યકારી સંપાદક હતા અને બરફ ફેક્ટરીના માલિક પણ હતા. સાંજે લગભગ 5:45 વાગ્યે ભીડભાડવાળા બજારમાં આજાણ્યા લોકો આવ્યા અને ગોળી મારીને ફરાર થઈ ગયા.

કેટલાક અહેવાલોમાં કહેવાયું છે કે ગળું પણ કાપવામાં આવ્યું હતું. હત્યા શા માટે કરવામાં આવી તેના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધને તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી વિગતવાર સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી કે કોઈ ધરપકડની જાહેરાત કરી નથી.

હિંદુ વિધવા સાથે સામૂહિક બળાત્કાર

3 જાન્યુઆરી 2026ની સાંજે કાલીગંજના નોદીપારા વિસ્તારમાં 40 વર્ષની હિંદુ વિધવા મહિલા સાથે શાહીન અને હસને ગેંગરેપ કર્યો હતો. પીડિતા હિંદુ વિધવા મહિલાએ પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું કે, તેણે અઢી વર્ષ પહેલાં આરોપી શાહીન અને તેના ભાઈ હસન પાસેથી લગભગ 20 લાખ ટાકામાં 1306 સ્ક્વેર ફૂટ જમીન અને બે માળનું મકાન ખરીદ્યું હતું.

મહિલાના જણાવ્યા અનુસાર આરોપી શાહીન મહિલા પર લાંબા સમયથી ગંદી નજર રાખતો હતો. 3 જાન્યુઆરીની સાંજે શાહીન અને હસન મહિલાના ઘરમાં ઘૂસી ગયા અને તેમની સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ તેમણે મહિલા પાસેથી 50 હજાર ટાકાની ખંડણી માંગી. મહિલાએ ના પાડતાં તેમણે તેમને ઝાડ સાથે બાંધી, વાળ કાપી નાખ્યા હતા.

આરોપીઓએ આ પૂરી ઘટનાનો મોબાઈલમાં વિડીયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જોકે સ્થાનિક લોકોએ મહિલાને બચાવી અને ઝેનૈદાહ સદર હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

કરિયાણાની દુકાન ચલાવતા હિંદુની હત્યા

અહેવાલ મુજબ 5 જાન્યુઆરીની રાત્રે ઢાકાના નરસિંઘડી જિલ્લાના ચારસિંદુર બજારમાં કરિયાણાની દુકાનના માલિક મણિ ચક્રવર્તી પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મણિ ચક્રવર્તી મણિ નરસિંઘડી જિલ્લાના પલાશ ઉપજિલ્લાના ચારસિંદુર બજારમાં રાબેતા મુજબ પોતાની કરિયાણાની દુકાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર અચાનક અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો.

તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. તેમના એક સંબંધીએ જણાવ્યું હતું કે મણિ બાંગ્લાદેશની પરિસ્થિતિથી ખૂબ જ પરેશાન હતો અને તેણે તાજેતરમાં 19 ડિસેમ્બરે ફેસબુક પર વધતી હિંસા વિશે પોસ્ટ કરી હતી.

આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “દરેક જગ્યાએ આટલી બધી આગ, આટલી બધી હિંસા. મારું વતન મૃત્યુની ખીણ બની ગયું છે…” મણિના એક પાડોશીએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ શાંત સ્વભાવના હતા અને તેમના કોઈ દુશ્મન નહોતા. પાડોશીએ શંકા વ્યક્ત કરી હતી કે શરત મણિ હિંદુ હતા એટલે જ તેમની હત્યા કરવામાં આવી છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા ફરીથી મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે. 18 ડિસેમ્બરના રોજ ઉસ્માન શરીફ હાદીનું મોત થયાં બાદ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ પહેલાં પણ દીપુ ચંદ્ર દાસ નામક હિંદુ યુવકની મારી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ તેના મૃતદેહએ ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દેવામાં આવી હતી. આ સિવાય એક હિંદુ વેપારી ખોકન દાસની પણ આ જ રીતેહત્યા કરવામાં આવી હતી.