પીએમ મોદી- વીર સાવરકર લિખિત પુસ્તકોને અભ્યાસક્રમમાં જોડશે વડોદરાની MS યુનિવર્સિટી: સ્વામી વિવેકાનંદ અને વેદ-ઉપનિષદોનો પણ સમાવેશ

(Photo: AI)

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (MSU) આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી-2020) હેઠળ નવો બીએ અંગ્રેજી માઇનર કોર્સ શરૂ કર્યો છે. આ કોર્સના અભ્યાસક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત ‘જ્યોતિપુંજ’ તેમજ વીર સાવરકરની આત્મકથા ‘ઇનસાઇડ ધ એનેમી કેમ્પ’નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ નવા કોર્સનું નામ છે ‘ભારત પરના અકાલ્પનિક લખાણોનું વિશ્લેષણ અને સમજૂતી’ (Analysing and Understanding Non-Fictional Writings on Bharat). આ કોર્સ શૈક્ષણિક વર્ષ 2025-26થી અમલમાં મૂકાયો છે અને વર્તમાન સેમેસ્ટરમાં કુલ 63 વિદ્યાર્થીઓએ તેની પસંદગી કરી છે. આ કોર્સ ત્રીજા વર્ષના બીએ વિદ્યાર્થીઓ માટે છે અને તેમાં કુલ 60 કલાકનું અધ્યયન કરાવવામાં આવશે.

ચાર યુનિટમાં વહેંચાયો અભ્યાસક્રમ

આ અભ્યાસક્રમ ચાર યુનિટમાં વહેંચાયેલો છે. પ્રથમ યુનિટમાં PM નરેન્દ્ર મોદીના ‘જ્યોતિપુંજ’ પુસ્તક પર આધારિત જીવનચરિત્રાત્મક લેખનનો અભ્યાસ કરાવવામાં આવશે. બીજા યુનિટમાં વીર સાવરકરની આત્મકથા ‘ઇનસાઇડ ધ એનેમી કેમ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે’. જેમાં વ્યક્તિગત અનુભવો, તેમનો જેલવાસ વગેરે બાબતોનો અભ્યાસ કરાવવામાં આવશે.

ત્રીજા યુનિટમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની ‘ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમ’માંથી પસંદગીત નિબંધો અને વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યુનિટ દ્વારા સાંસ્કૃતિક પુનર્જાગરણ, સર્વાંગી વિકાસ અને સ્વદેશી સામાજિક-રાજકીય વિચારધારાનું અધ્યયન કરાવવામાં આવશે.

આ ઉપરાંત ચોથા યુનિટમાં સ્વામી વિવેકાનંદના ‘ધ ઇસ્ટ એન્ડ ધ વેસ્ટ’ તથા પ્રધાનમંત્રીના ‘મન કી બાત’માંથી અમુક ભાષણ પસંદ કરવામાં આવ્યા છે જેનો અભ્યાસ કરવામાં આવશે. આ યુનિટમાં ભારતનો વૈશ્વિક સંવાદ, આધુનિક રાષ્ટ્રીય સંચાર અને સામાજિક જાગૃતિના મુદ્દાઓનું વિશ્લેષણ કરવાનો સમાવેશ છે. આ સિવાય ભાષા રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના ભાગીદાર તરીકે કેવી રીતે એક સાધન તરીકે કામ કરે છે તે પણ સમજાવવામાં આવશે.

આ અંગે MSUના અંગ્રેજી વિભાગના વડા પ્રો. હિતેશ રાવિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે આ અભ્યાસક્રમ અંગ્રેજી અધ્યયનને ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે જોડવાની શૈક્ષણિક પહેલ છે. તેમાં રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક વિચારધારા અને ભારતીય બૌદ્ધિક પરંપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદો તેમજ વેદ-ઉપનિષદોનો પણ સમાવેશ કરાયો છે.