હમણાં ‘ગુજરાત સમાચાર’ સહિતનાં અમુક સમાચાર માધ્યમોમાં એક સમાચાર પ્રકાશિત થયા. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 11 હજાર નાના ઉદ્યોગો બંધ પડી ગયા છે. ગુજરાત સમાચારના લેખનું મથાળું છે– ‘વાઇબ્રન્ટ ગુજરાત’નો ફુગ્ગો ફૂટ્યો, 11 હજાર નાના ઉદ્યોગો બંધ પડ્યા.’ સાથે મોટા ઉદ્યોગોને કરોડોની લ્હાણી કરવામાં આવતી હોવાનું અને લઘુ ઉદ્યોગોને અવગણવામાં આવી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું.
આ જ સમાચાર ટાંકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ‘X’ પર એક પોસ્ટ કરી છે. જેમાં વસાવા લખે છે કે, ‘કરોડો રૂપિયા ખર્ચીને વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસનો દાવો કરવામાં આવી રહ્યો છે. શિક્ષિત યુવાનો માટે રોજગારના અવસર વધારવાની વાત કરવામાં આવી રહી હતી, પણ અમુક પૂંજીપતિઓ સિવાય વાઇબ્રન્ટ ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 11 હજાર નાના ઉદ્યોગો બંધ પડી ગયા છે.’
करोड़ों रूपया खर्च करके वाइब्रेंट गुजरात का आयोजन किया जा रहा है, औद्योगिक क्षेत्र में विकास का दावा किया जा रहा है। शिक्षित युवाओं के लिए रोज़गार के अवसर बढ़ाने की बात हो रही थी, परंतु चंद पूँजीपतियों के अलावा वाइब्रेंट गुजरात में पिछले पाँच वर्षों में 11 हज़ार छोटे उद्योग बंद… pic.twitter.com/JkGDjENFw1
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) December 9, 2025
ચૈતર વસાવાએ જે કટિંગ શૅર કર્યું એ 9 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલા સમાચારનું છે. સમાચારમાં લખવામાં આવ્યું છે કે, ‘કરોડો ખર્ચીને વાઇબ્રન્ટ ગુજરાત યોજીને દાવો કરવામાં આવે છે કે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. શિક્ષિત યુવાનો માટે રોજગારીની તકો વધી રહી છે, પણ સ્થિતિ કંઈક ઉલટી છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટને પગલે વાઇબ્રન્ટ ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો તેનું કારણ એ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 11 હજાર નાના-લઘુ ઉદ્યોગોને ખંભાતી તાળાં લાગ્યાં છે.”
કારણ આપતાં ગુજરાત સમાચાર લખે છે કે, “પ્રોત્સાહનના અભાવે બંધ થતા લઘુ ઉદ્યોગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેથી લોકોને રોજી વિહોણાં થવું પડ્યું છે.” રિપોર્ટમાં સરકાર માત્ર મોટા ઉદ્યોગો પર જ ધ્યાન આપી રહી હોવાનું અને તેના કારણે નાના ઉદ્યોગો બંધ પડી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગુજરાત સમાચારનો આ ડેટા તાજેતરમાં ચાલી રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે આપેલા એક જવાબ પર આધારિત છે, જેમાં દેશમાં નાના અને મધ્યમ, લઘુ ઉદ્યોગો વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સહિત તમામ રાજ્યો–કેન્દ્રશાસિત પ્રદેશોની માહિતી આપવામાં આવી છે.
સરકારે વર્ષ 2020માં ઉદ્યમ પોર્ટલના લોન્ચિંગ બાદથી નવેમ્બર 2025 સુધીમાં પોર્ટલ પર રજિસ્ટર થયેલ MSMEsના આંકડા આપ્યા છે. ત્યારબાદ જેટલા લઘુ-નાના ઉદ્યોગો ડી-રજિસ્ટર્ડ થયા છે તેની પણ માહિતી આપવામાં આવી છે.
આ ડેટા અનુસાર, ગુજરાતમાં 2020-21માં 67, 2021-22માં 492, 2022-23માં 1074, 2023-24માં 2,307, 2024-25માં 3,534 અને 2025-26માં (નવેમ્બર સુધીમાં) 3,474 MSMEs ઉદ્યમ પોર્ટલ પર ડીરજિસ્ટર્ડ થયા. જેની કુલ સંખ્યા 10,948 જેટલી થાય છે.
યાદી જોઈએ તો જણાય છે કે અન્ય રાજ્યોમાં આ આંકડો અનેકગણો વધારે છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 29,061 લઘુ ઉદ્યોગો બંધ થયા. જ્યારે તમિલનાડુમાં પાંચ વર્ષમાં 14,605 MSMEs બંધ થયા છે. કર્ણાટકમાં 6,248 લઘુ ઉદ્યોગો બંધ પડી ગયા છે.
આ રાજ્યો આગળ છે, તેનું કારણ એ છે કે ત્યાં MSMEના રજિસ્ટ્રેશનની સંખ્યા પણ વધારે છે. ગુજરાતમાં 2025-26માં કુલ 5,30,160 લઘુ ઉદ્યોગો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આ આંકડો 13,29,369 જેટલો છે. તમિલનાડુમાં 7,78,500 અને કર્ણાટકમાં 5,45,481 જેટલો છે. બાકીનાં રાજ્યોમાં રજિસ્ટ્રેશન અને ડી-રજિસ્ટ્રેશન બંનેની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.
ડી-રજિસ્ટર થવા પાછળનાં એક નહીં અનેક કારણ
સરકારે પોતાના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે ઉદ્યમ પોર્ટલ પર ઉદ્યોગો ડી-રજિસ્ટર થાય તેનાં એક નહીં પણ અનેક કારણો હોય શકે છે. જેમકે અમુક કિસ્સાઓમાં કંપનીના માલિકો બદલાય છે, ક્યારેક સર્ટિફિકેટની જરૂર રહેતી નથી. અમુક વખત ડુપ્લીકેટ રજિસ્ટ્રેશનનો મામલો પણ સામે આવે છે. જેથી જરૂરી નથી કે આમાં જેટલા લઘુ ઉદ્યોગો ડી-રજિસ્ટર થયા છે તેઓ બંધ જ પડી ગયા હોય.
બીજું, MSMEs માટે સરકારે ક્રાઈટેરિયા નક્કી કરી રાખ્યા છે. જેમકે માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે વધુમાં વધુ 2.5 કરોડનું રોકાણ અને વાર્ષિક ટર્નઓવર 10 કરોડથી વધુ ન હોવું જોઈએ. સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે રોકાણ 25 કરોડ સુધી અને ટર્નઓવર સો કરોડ સુધી ગણાય છે. જ્યારે મધ્યમ ઉદ્યોગો માટે રોકાણ 125 કરોડ અને ટર્નઓવર લિમિટ 500 કરોડ છે.
આ નવા ક્રાઇટેરિયા એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવ્યા છે. જેથી એ પણ બની શકે કે અમુક ઉદ્યોગો સમય જતાં વધુ નફા અને ટર્નઓવરના કારણે આ વ્યાખ્યામાંથી બહાર નીકળી ગયા હોય. તે સિવાય ઉપર જણાવ્યા પ્રમાણે અન્ય પણ ઘણાં કારણો હોય શકે. ઉદાહરણ તરીકે કોરોનાકાળમાં ઘણા કોચિંગ સેન્ટરો ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટ થયા હતા. કારણ કે એ સ્થિતિ શિક્ષણ ક્ષેત્ર માટે કપરી હતી. પરંતુ પછીથી સમય સાથે સ્થિતિ સામાન્ય થઈ અને આવા ઉદ્યોગો ફરી ડિરજિસ્ટર પણ થતા ગયા.
સરકારે એ પણ જણાવ્યું કે 1 જુલાઈ 2023થી લઈને 30 નવેમ્બર 2025 સુધીમાં દેશમાં કુલ 7 કરોડ 22 લાખ કરતાં વધુ નાના-મધ્યમ અને લઘુ ઉદ્યોગો નોંધાયા અને આ જ સમયગાળા દરમિયાન 1,20,933 MSME ડી-રજિસ્ટર થયા. એટલે આ રેશિયો જોઈએ તો 0.17 ટકા જેટલો થાય છે. ગુજરાતના કિસ્સામાં આ પાંચ વર્ષમાં કુલ 40 લાખ 59 હજાર કરતાં વધુ MSME રજિસ્ટર થયા. જેની સામે ડી-રજિસ્ટ્રેશનની સંખ્યા 10,948 જેટલી છે.
ટૂંકમાં, કોઈ પણ મુદ્દા પર બૃહદ દૃષ્ટિકોણથી ચર્ચા જરૂરી છે. માત્ર ડેટામાંથી અમુક આંકડા લઈને હોબાળો મચાવી શકાય નહીં. માહિતીનું પૃથક્કરણ કરીને તમામ એન્ગલથી જોવી પડે છે. સાથે આમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત’ને પણ ઘસડવું અતિશયોક્તિ છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની સફળતા એટલી છે કે નરેન્દ્ર મોદીએ આ સમિટ ગુજરાતમાં શરૂ કર્યા પછી હવે બીજાં રાજ્યો પણ અપનાવવા લાગ્યાં છે. લઘુ અને નાના ઉદ્યોગોનું પોતાનું મહત્ત્વ છે, પણ આવી સમિટથી રાજ્યમાં જે રોકાણ આવે છે, વિદેશી મૂડીરોકાણ થાય છે તેને પણ અવગણી શકાય નહીં.


