‘ફ્યુલ સપ્લાય ચાલુ રહેશે’: જોઇન્ટ પીસીમાં પુતિન, રશિયન નાગરિકો માટે ફ્રી ઇ-વિઝાની પીએમ મોદીની જાહેરાત, અનેક મહત્વપૂર્ણ કરારો

રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને વડા પ્રધાન મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે અનેક કરારો થયા છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વાતચીતમાં જે કરારો પર સહમતી બની, તેમાં પ્રવાસન, હેલ્થકેર, મેડિકલ એજ્યુકેશન ખાદ્ય સુરક્ષા, શીપ બિલ્ડિંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ જેવા મુદ્દા સામેલ છે. 

તે સિવાય આર્થિક સહયોગ અને લશ્કરી સહયોગના કરારો થયા હોવાનું પણ કહેવાય રહ્યું છે. વધુમાં ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરવા જઈ રહ્યા છે. ભારત મોટા પ્રમાણમાં રશિયાથી યુરિયા આયાત કરે છે, પરંતુ હવે આ કરાર સાથે ભારત પોતે પણ રશિયા સાથે મળીને યુરિયાનું ઉત્પાદન કરી શકશે. 

ભારત-રશિયા વચ્ચે શ્રમિકોની અવરજવરને લઈને પણ કરાર કરવામાં આવ્યો છે. જેથી વિદેશમાં જઈને કામ કરવા માંગતા વર્કસ માટે તે વધુ મદદ પૂરી પાડી શકશે. આ કરાર હેઠળ ભારતના કુશળ શ્રમિકો રશિયા જઈને ત્યાં પણ કામ કરી શકે છે. જોઇન્ટ પીસીમાં પીએમ મોદી અને પુતિને બંને દેશોના ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતા. 

વડા પ્રધાન મોદીએ પીસીમાં રશિયન નાગરિકો માટે ફ્રી ઇ-વિઝાની જાહેરાત કરી હતી. બીજી તરફ પુતિને પણ સ્પષ્ટ કર્યું હતું કે રશિયા ભારતને ફ્યુલ સપ્લાય સતત ચાલુ રાખશે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે રશિયા સાથેની મિત્રતા વૈશ્વિક પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. આતંકવાદ સામે પણ બંને દેશો સાથે મળીને કાર્યવાહી કરશે. વધુમાં પીએમ મોદીએ રશિયન નાગરિકો માટે એક મહિનાની ઇ-વિઝા ફ્રી કરવાની જાહેરાત પણ કરી છે.