15 નવેમ્બરે ગુજરાત મુલાકાતે પીએમ મોદી: સુરતના નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કરશે, ડેડિયાપાડામાં કરોડોનાં વિકાસકામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (15 નવેમ્બર) ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ એક જ દિવસમાં દેશની અત્યાધુનિક ટેકનોલોજી અને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસના બે મોટા પ્રતીકોને એકસાથે જોડશે. પીએમ સવારે બુલેટ ટ્રેનની પ્રગતિનું અવલોકન તેમજ બપોરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અનેક પરિયોજનાઓનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

સવારે લગભગ 10 વાગ્યે પ્રધાનમંત્રી સુરત પહોંચશે અને નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે. અહીં તેઓ મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરની (MAHSR) કામગીરીની સમીક્ષા કરશે. 508 કિલોમીટર લાંબો આ કોરિડોર ગુજરાતમાં 352 કિમી અને મહારાષ્ટ્રમાં 156 કિમી વિસ્તારને આવરી લે છે. આ પરિયોજનાનો લગભગ 85 ટકા ભાગ એટલે કે 465 કિમી ઊંચા પુલો પર બની રહ્યો છે, જેથી જમીનનો ન્યૂનતમ ઉપયોગ થાય અને સલામતી પણ સર્વોચ્ચ રહે.

અત્યાર સુધીમાં 326 કિલોમીટર પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે અને નદી ઉપર બનાવવામાં આવનારા 25 પુલોમાંથી 17 પુલ તૈયાર થઈ ચૂક્યા છે. સુરત-બિલીમોરા વચ્ચેનો 47 કિલોમીટરનો ભાગ હવે અંતિમ તબક્કામાં છે, જ્યાં સિવિલ કામ અને ટ્રેક લગાવવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે સુરત સ્ટેશનની ડિઝાઇન શહેરના વિશ્વપ્રસિદ્ધ હીરા ઉદ્યોગથી પ્રેરિત છે, જે ભવ્યતા અને કાર્યક્ષમતાનું પ્રતીક બનશે.

આ સ્ટેશન સુરત મેટ્રો, શહેરી બસો અને ભારતીય રેલવે સાથે સીધું જોડાણ ધરાવશે. આ યોજના પૂર્ણ થતાં મુંબઈથી અમદાવાદની મુસાફરી માત્ર બે કલાકમાં થઈ જશે, જે વેપાર, પર્યટન અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

જનજાતિ સમુદાય માટે પરિયોજનાઓનું લોકાર્પણ

સુરત બાદ બપોરે લગભગ 12:45 વાગ્યે પીએમ મોદી નર્મદા જિલ્લાના પવિત્ર દેવમોગરા મંદિરમાં પૂજન અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ ડેડિયાપાડા પહોંચશે અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના રાષ્ટ્રીય સમારોહમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ વિકાસ તથા બુનિયાદી સુવિધા પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને વિશાળ જનસભાને સંબોધિત પણ કરશે.

પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JAGUA) હેઠળ બનેલાં એક લાખ નવાં મકાનોનો ગૃહપ્રવેશ સમારોહ પણ આ દરમ્યાન યોજાશે. આ ઉપરાંત ₹1,900 કરોડના ખર્ચે બનેલી 42 એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ (EMRS), 228 બહુહેતુક કેન્દ્રો, આસામના દિબ્રુગઢ મેડિકલ કોલેજ ખાતે સ્પર્ધાત્મકતા કેન્દ્ર તથા મણિપુરના ઇમ્ફાલમાં આદિવાસી સંશોધન સંસ્થાના (TRI) નવા ભવનનું પણ ઉદ્ઘાટન થશે.

આ સિવાય ગુજરાતના 14 આદિવાસી બહુલ જિલ્લાઓમાં કનેક્ટિવિટી વધારવા માટે 250 નવી બસોને લીલી ઝંડી બતાવવામાં આવશે. ભવિષ્યના વિકાસ માટે પ્રધાનમંત્રી 748 કિલોમીટર નવા રસ્તાઓ, 14 આદિવાસી મલ્ટી-માર્કેટિંગ સેન્ટર્સ (TMMC) તથા ₹2,320 કરોડથી વધુના ખર્ચે 50 નવી એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓનો પાયો નાખશે.