અહેમદ સૈયદ, સુહેલ, આઝાદ સૈફી… આતંકી સંગઠન સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ કરતી ગુજરાત ATS: એક MBBS ડૉક્ટર, ઝેરી રસાયણ બનાવવાની ફિરાકમાં હતો

ગુજરાત ATSએ ફરી એક વખત રાજ્યમાંથી ઇસ્લામી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ત્રણ મુસ્લિમ શખ્સોની ધરપકડ કરી છે. પ્રારંભિક જાણકારી અનુસાર ત્રણેય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલાં જ એજન્સીઓના હાથે ઝડપાઈ ગયા. ત્રણેયની ધરપકડ કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આગળની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે.

ત્રણેય આતંકવાદીઓને ગાંધીનગરના અડાલજથી પકડવામાં આવ્યા હતા. જેમની ઓળખ અહેમદ મોહિયુદ્દીન સૈયદ, મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી તરીકે થઈ છે. જેમાંથી સૈયદ MBBSનો અભ્યાસ કર્યો છે અને હૈદરાબાદનો રહેવાસી છે. બાકીના બંને ઉત્તર પ્રદેશના છે.

સૈયદ હાલ ગુજરાત આવવાનો હોવાની બાતમી ગુજરાત ATSને મળી હતી, જેના આધારે વૉચ ગોઠવવામાં આવી હતી. રવિવારે (9 નવેમ્બર) ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ-મહેસાણા રોડ પર અડાલજ ટોલ પ્લાઝા પાસે એક કારમાં સૈયદ મળી આવ્યો. તેની પાસેથી ત્રણ પિસ્ટલ, જીવતા કારતૂસ અને અમુક રસાયણ મળી આવ્યાં હતાં.

તેને લાવીને પૂછપરછ કરવામાં આવતાં જાણવા મળ્યું કે તે કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી હથિયાર લાવ્યો હતો. ઉપરાંત તે અબુ ખદીજા નામના અફઘાનિસ્તાનના એક હેન્ડલર સાથે સંપર્કમાં હતો, જે ISKP સાથે સંકળાયેલો છે. ઉપરાંત તે પાકિસ્તાનમાં પણ ઘણા લોકો સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. સૈયદની બાતમીના આધારે બાકીના બેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જાણવા મળ્યા અનુસાર, સૈયદ અને તેના સાગરીતો ઝેરી રસાયણ બનાવવા માટેની ફિરાકમાં હતા અને તેના માટે કામ કરી રહ્યા હતા. કોઈ મોટા સ્થળે આતંકવાદી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, તે પહેલાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી.

હાલ આ તમામને કસ્ટડીમાં લઈને તેમની પાસેથી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે, તેમજ તેમની સાથે અન્ય કોઈ સંકળાયેલા છે કે કેમ કે પછી તેમને ભંડોળ મળતું હતું કે કેમ અને મળતું હતું તો ક્યાંથી મળતું હતું વગેરે બાબતની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.