
ગુજરાતમાં ભારતના રાજવી વારસાને સમર્પિત એક નવું રાષ્ટ્રીય મ્યુઝિયમ બનશે. જેનું નામ મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્ઝ ઑફ ઇન્ડિયા રાખ્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે આ મ્યુઝિયમની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ ₹367 કરોડ છે. તેનો હેતુ દેશના રાજવીઓના ઇતિહાસને ઉજાગર કરવાનો અને સ્વતંત્રતા પછીની એકતાની ગાથા રજૂ કરવાનો છે.
આ મ્યુઝિયમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની બાજુમાં બનશે. મ્યુઝિયમ પાંચ એકરમાં ફેલાયેલું હશે. તેમાં એક ઓરિએન્ટેશન ગેલેરી હશે, જેમાં ભારતની રાજવી પરંપરાઓ વિશે ફિલ્મ અને મલ્ટીમીડિયા દ્વારા માહિતી મળશે. આ ઉપરાંત થ્રોન એન્ડ સ્ટેટ ગેલેરી હશે, જેમાં રાજાઓની સરકાર અને કલ્યાણ કાર્યો વિશે જાણકારી આપવામાં આવશે.
સ્ટોરી ઑફ ઇન્ડિયા ઇન્ટિગ્રેશનમાં 1947 પછી 550થી વધુ રજવાડાઓનો ભારતમાં વિલીનીકરણનો ઇતિહાસ અને દસ્તાવેજો તથા હોલ ઑફ યુનિટીમાં દરેક રાજ્યના પ્રતીકો અને ચિહ્નો પ્રદર્શિત થશે. આ સિવાય મ્યુઝિયમમાં રાજવી વસ્તુઓ જેમ કે તાજ, હસ્તપ્રતો, કાપડ અને કલાકૃતિઓ જોવા મળશે. તે એકતા અને ત્યાગના મૂલ્યોને પ્રોત્સાહન આપશે.
આ મ્યુઝિયમમાં ટેક્નોલોજી સાથે ઇન્ટરએક્ટિવ અનુભવ મળશે, વ્યૂઇંગ ડેકથી સ્ટેચ્યૂ અને નર્મદા નદીનો સુંદર દૃશ્ય દેખાશે અને મ્યુઝિયમ કેફેમાં પરંપરાગત રાજવી વાનગીઓ પણ મળશે. મ્યુઝિયમનું બાંધકામ ભારતના કુદરતી અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરશે.
મ્યુઝિયમના આંગણામાં ફુવારા અને પાણીના તળાવ હશે, જે રાજવી બગીચાઓથી પ્રેરિત છે. વિદ્યાર્થીઓ માટે ખાસ ઇન્ટરએક્ટિવ લર્નિંગ ગેલેરી હશે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સાથે જોડાયેલી છે. અહીં ડિજિટલ અને અનુભવ આધારિત શિક્ષણ મળશે. આ મ્યુઝિયમ પર્યટકો અને વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે.

