
બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં NDAએ તેનો ચૂંટણી ઢંઢેરો ‘સંકલ્પ પત્ર 2025’ જાહેર કરી દીધો છે. આ મેનિફેસ્ટો પેટરા હોટલ મૌર્યામાં જાહેર કરવામાં હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી, લોકજનશક્તિ પાર્ટીના (રામ વિલાસ) ચિરાગ પાસવાન અને વિધાન પરિષદના સભ્ય ઉપેન્દ્ર કુશવાહા જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મેનિફેસ્ટો પ્રસ્તુત કરતાં કહ્યું કે, “આ બિહારના રહેવાસીઓની સમસ્યાઓનો વ્યાપક ઉકેલ અને મહાગઠબંધનના ખોટા વચનોનો જવાબ છે.” NDAએ 4 શહેરોમાં મેટ્રો, 125 યુનિટ ફ્રી વીજળી, પટના નજીક ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ દરભંગા, પૂર્ણિયા અને ભાગલપુરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, 10 નવા શહેરોમાં ડોમેસ્ટિક ઉડાન શરૂ કરવાના વચનો આપ્યા છે.
મુખ્ય વચનો
NDAએ બિહારને વૈશ્વિક સ્કિલિંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખીને 1 કરોડથી વધુ સરકારી નોકરીઓ અને રોજગારની તકોની ખાતરી આપી છે. આ માટે દરેક જિલ્લામાં મેગા સ્કિલ સેન્ટર્સ સ્થાપવામાં આવશે. મુખ્યમંત્રીની મહિલા રોજગાર યોજના હેઠળ મહિલાઓને મહત્તમ ₹2 લાખની સહાય આપીને ‘મિશન કરોડપતિ’ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી અને પછી કરોડપતિ બનાવવાનું લક્ષ્ય છે.
કૃષિ અને ગ્રામીણ વિકાસ
ખેડૂતો માટે ‘કર્પૂરી ઠાકુર કિસાન સન્માન’ યોજના હેઠળ વધારાના ₹3,000ની વાર્ષિક સહાય (કેન્દ્રીય સહાય સાથે કુલ ₹9,000) આપવામાં આવશે. કૃષિ અવસરોમાં ₹1 લાખ કરોડનું રોકાણ કરીને પંચાયત સ્તરે મુખ્ય પાકોની MSP આધારિત ખરીદી કરવામાં આવશે. માછીમારો માટે મત્સ્ય-દુગ્ધ મિશન હેઠળ ₹4,500 સહાય (કુલ ₹9,000) અને ઉત્પાદન-નિકાસ બમણી કરવાનું વચન છે. વધુમાં, બિહાર ડેરી મિશન હેઠળ પ્રોસેસિંગ સેન્ટર્સ સ્થાપવામાં આવશે.
બિહારને ઔદ્યોગિક ક્રાંતિ તરફ લઈ જવા ₹1 લાખ કરોડનું રોકાણ અને ‘વિકસિત બિહાર ઔદ્યોગિક મિશન’ શરૂ કરવામાં આવશે. દરેક જિલ્લામાં 10 નવા ઔદ્યોગિક પાર્ક અને આધુનિક ઉત્પાદન એકમો બનાવાશે. ‘બિહાર ગતિ શક્તિ માસ્ટર પ્લાન’ હેઠળ 7 એક્સપ્રેસવે, 3,600 કિમી રેલ માર્ગનું આધુનિકીકરણ અને અમૃત ભારત એક્સપ્રેસ તથા નમો રેપિડ રેલનું વિસ્તરણ થશે.
શિક્ષણમાં વિશ્વસ્તરીય શિક્ષણ નગર, જિલ્લા શાળાઓનું નવીનીકરણ (હજારો કરોડોનું રોકાણ) અને વિદ્યાર્થીઓને માસિક ₹2,000ની સહાય. બિહારને મેડિસિટી અને સ્પોર્ટ્સ સિટીનું હબ બનાવવું. કામદારો માટે ₹1 લાખનો વીમો અને કુશળતા તાલીમ, રિક્ષા ચાલકો માટે નાણાકીય સહાય અપાશે. અત્યંત પછાત વર્ગો માટે ₹10 લાખની સહાય આપવામાં આવશે. સાંસ્કૃતિક વારસાને જાળવવા માતા જાનકી મંદિર અને વિષ્ણુપદ-મહાબોધ કોરિડોરનું નિર્માણ, રામાયણ, જૈન, બૌદ્ધ અને ગંગા સર્કિટનનો વિકાસ, ફિલ્મ સિટી અને શારદા સિંહા કલા-સાંસ્કૃતિક વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવાના પણ વચનો આપવામાં આવ્યા છે.

