જસ્ટિસ સૂર્યકાંત હશે આગામી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા, CJI ગવઈએ કેન્દ્રને મોકલ્યું નામ

જસ્ટિસ સૂર્યકાંત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે ચાર્જ સંભાળવા માટે તૈયાર છે, મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ ઔપચારિક મંજૂરી માટે તેમનું નામ કેન્દ્રને મોકલ્યું છે. હાલમાં સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે કામ કરી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ગવઈની નિવૃત્તિ બાદ જસ્ટિસ સૂર્યકાંત CJI તરીકેના શપથ લેશે. 

મીડિયામાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સરકારે 23 ઑક્ટોબરના રોજ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, કારણ કે વર્તમાન CJI બીઆર ગવઈ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. સૂત્રોને ટાંકીને એવું પણ કહેવાયું છે કે, સરકાર મુખ્ય ન્યાયાધીશ ગવઈ પાસેથી પોતાના ઉત્તરાધિકારીનાં નામની અપીલ કરતા પત્રની રાહ જોઈ રહી હતી. 

નોંધનીય છે કે, CJIએ ઔપચારિક મંજૂરી માટે જસ્ટિસ સૂર્યકાંતનું નામ કેન્દ્રને મોકલ્યું છે. આ પ્રક્રિયા બાદ કેન્દ્ર સરકાર આ નામ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલશે અને રાષ્ટ્રપતિ જસ્ટિસ સૂર્યકાંતના નામની ઔપચારિક ઘોષણા કરશે. આ રીતે દેશને નવા ચીફ જસ્ટિસ મળશે.