આખા બિહારના નેતાઓને સવાલો કર્યા કરતા પ્રશાંત કિશોરને પોતાના એજ્યુકેશન બેકગ્રાઉન્ડ પર પ્રશ્નો કરવામાં આવ્યા તો ઇન્ટરવ્યુ છોડીને ભાગ્યા

બિહારમાં ધરમૂળથી બદલાવ લાવવાના દાવા સાથે નવી પાર્ટી જન સુરાજ સાથે વિધાનસભા ચૂંટણીમાં કૂદી પડેલા પ્રશાંત કિશોર NDAથી લઈને RJD-કોંગ્રેસ સુધી તમામ પાર્ટીઓ વિરુદ્ધ આરોપો લગાવતા રહ્યા છે અને કોઈએ બિહાર માટે કશું ન કર્યું હોવાનું કહીને પોતાની પાર્ટીને સત્તા મળે તો રાતોરાત પરિવર્તન લાવવાના દાવા પણ તેઓ ઘણા સમયથી કરતા રહે છે. તાજેતરમાં તેઓ મીડિયાને ઇન્ટરવ્યુ પણ ઘણા આપી રહ્યા છે. પણ આવો જ એક ઇન્ટરવ્યુ હવે તેમણે અત્યાર સુધી બનાવી કાઢેલી છબી પર પાણી ફેરવી રહ્યો છે.

પ્રશાંત કિશોરે તાજેતરમાં ABP ન્યૂઝનાં મેધા પ્રસાદને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમના તેજસ્વી યાદવ અને સમ્રાટ ચૌધરી પરના આરોપો વિશે અને પ્રશાંતના પોતાના શિક્ષણ બેકગ્રાઉન્ડ વિશે પ્રશ્ન કરવામાં આવ્યા તો ભડકી ઉઠ્યા અને ઇન્ટરવ્યુ અધૂરો છોડીને ભાગી ગયા હતા. જેની ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સમ્રાટ ચૌધરીની ડિગ્રી પરના પ્રશાંત કિશોરના આરોપો વિશે જ્યારે મેધા પ્રસાદે પૂછ્યું તો પ્રશાંતે અહંકારી અવાજમાં ‘મૈને બોલા?’ કહીને દલીલો શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેઓ સમ્રાટ ચૌધરીએ દસ પાસ પણ ન કર્યું હોવાનું કહે છે. મેધા પ્રસાદ આગળ તેમને તેજસ્વી પર લગાવવામાં આવતા 9 ફેલના આરોપો વિશે પણ જણાવે છે, પરંતુ પ્રશાંત કિશોર તેમને અડધેથી અટકાવીને સામા સવાલો કરવા માંડે છે અને પૂછે છે કે શું ઇન્ટરવ્યુ લેનાર પત્રકારે સમ્રાટ ચૌધરીને પ્રશ્ન કર્યા કે કેમ. પણ તેમના આશ્ચર્ય વચ્ચે પત્રકાર કહી દે છે કે તેમણે ચૌધરીને પ્રશ્નો કર્યા પણ હતા અને તેના જવાબો પણ મળ્યા છે.

મેધા પ્રસાદે આગળ સમ્રાટ ચૌધરીના તેમની ઉપરના આરોપો વિશે જણાવ્યું તો પ્રશાંત કિશોર તેમને વચ્ચેથી જ અટકાવીને કહેવા માંડ્યા કે ‘તમે પોતાની રીતે ન ચલાવી શકો’ અને ત્યારબાદ જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ આટલા અસહિષ્ણુ કેમ બની રહ્યા છે ત્યારે ‘હું તમારી સાથે દલીલ કરવા નથી માગતો’ કહીને વાત પર પૂર્ણવિરામ મૂકવાના પ્રયાસ કરે છે.

આગળ પ્રશાંત કિશોર મેધા પ્રસાદને કહે છે કે ‘તમે કહ્યું કે મેં ખોટા આરોપ લગાવ્યા’. પરંતુ પ્રસાદ અહીં સ્પષ્ટતા કરે છે કે તેમણે ક્યારેય એવું નથી કહ્યું અને માત્ર અન્ય નેતાના આરોપો વિશે તેમને જણાવ્યું હતું. પણ પ્રશાંત કિશોર એકની એક વાત ફરી-ફરીને કહેતા રહે છે. ત્યારબાદ તેઓ કહે છે કે તેઓ ઇન્ટરવ્યુ ચાલુ રાખવા માગતા નથી અને કહે કે ન તો તેઓ પ્રશ્ન કરવા માગે છે કે કોઈ જવાબ આપવા નથી માગતા.

આગળ જ્યારે તેમના શૈક્ષણિક બેકગ્રાઉન્ડ પર પ્રશ્નોના જવાબ આપશે કે કેમ તેમ પૂછવામાં આવતાં પ્રશાંત કિશોર કટાક્ષમાં કહે છે કે, “મેં ભણતર કર્યું નથી. હું ફેલ છું.”

અંતે જ્યારે મેધા પ્રસાદ કહે છે કે જે પ્રશાંત કિશોર બિહારના કરોડો લોકો માટે કામ કરવાનો વાયદો કરે છે, તેઓ એક સામાન્ય પ્રશ્નોના જવાબ પણ આપી નથી શકતા? જેના જવાબમાં નવા નેતાજી તેમની ઉપર ‘એજન્ડા લઈને આવવાનો’ આરોપ લગાવી દે છે. અને ઉઠીને ચાલ્યા જાય છે.

પ્રશાંત કિશોરના આ અધૂરા ઇન્ટરવ્યુની ક્લિપ સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહી છે.