ભારે ચર્ચા જગાવ્યા બાદ આખરે પ્રશાંત કિશોરની પીછેહઠ, બિહાર ચૂંટણી ન લડવાની ઘોષણા: ભાજપે કહ્યું– ડિપોઝિટ ગુમાવવાનો ડર

ઘણા સમય સુધી પોતે ચૂંટણી લડશે કે નહીં તે વિષય પર ભારે સસ્પેન્સ રાખ્યા બાદ આખરે બિહારમાં નવી બનેલી જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે વિધાનસભા ચૂંટણી ન લડવાની ઘોષણા કરી છે. બુધવારે (15 ઑક્ટોબર) તેમણે જણાવ્યું કે તેમની પાર્ટીએ નક્કી કર્યું છે કે તેઓ સંગઠનાત્મક કાર્યો પર જ ધ્યાન આપે અને ચૂંટણી રાજકારણમાં ન જાય.

એજન્સી PTI સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર કહ્યું, “ના, હું ચૂંટણી લડીશ નહીં. પાર્ટીએ આ નક્કી કર્યું છે…હું પાર્ટી માટે જે કામ કરતો આવ્યો છું એ ચાલુ રાખીશ. પાર્ટીના હિતમાં હું સંગઠનાત્મક કાર્યો કરતો રહીશ.”

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનેક તબક્કે જાહેરમાં અને મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર કહી ચૂક્યા હતા કે તેઓ તેમની જન્મભૂમિથી અથવા રાઘોપુર બેઠક પરથી ચૂંટણી લડશે. રાઘોપુર બેઠક RJDનો ગઢ રહી છે અને હાલ તેજસ્વી યાદવ ત્યાંથી ધારાસભ્ય છે. અહીં જન સુરાજે ચંચલ સિંઘને ટિકિટ આપી છે.

હવે પ્રશાંત કિશોર ચૂંટણી ન લડવાનું કહી રહ્યા છે. ભાજપે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પ્રશાંત કિશોર જાણી ગયા છે કે તેમની પાર્ટી આ ચૂંટણીમાં કોઈ અસર પાડી શકે તેમ નથી અને પોતે પણ ચૂંટણી લડે તો ડિપોઝિટ ગુમાવવાનો વારો આવી શકે છે. એટલે તેમણે પીછેહઠ કરી છે.