
તાલિબાનના વિદેશ મંત્રી એક અઠવાડિયાની ભારત યાત્રા પર આવ્યા છે. શુક્રવારે (10 ઑક્ટોબર 2025) તેમની મુલાકાત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે થઈ હતી. જયશંકરે આ બેઠકમાં મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે કાબુલમાં હાલના ટેકનિકલ મિશનને હવે ભારતીય દૂતાવાસનો દરજ્જો આપવામાં આવશે.
નોંધનીય છે કે, 2021માં તાલિબાનના સત્તામાં આવ્યા બાદ ભારતે કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધો હતો. ત્યારબાદ માનવીય સહાય માટે એક નાનું મિશન ફરીથી ખોલવામાં આવ્યું હતું. હવે તેને સંપૂર્ણ દૂતાવાસ બનાવવામાં આવશે તેવી જાહેરાત વિદેશ મંત્રીએ કરી છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે આ યાત્રા બંને દેશોના સંબંધોને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતને સરહદ પારના આતંકવાદનું જોખમ છે. તેમણે તાલિબાનને આતંકવાદના તમામ સ્વરૂપો સામે સાથે મળીને લડવા પણ જણાવ્યું છે.
જયશંકરે ક્રિકેટમાં સમર્થન વધારવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને અખંડતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જોકે, ભારત હજુ સત્તાવાર રીતે તાલિબાન સરકારને માન્યતા આપતું નથી.
તાલિબાની વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ જણાવ્યું છે કે કાબુલ કોઈપણ સંજોગોમાં કોઈ સમૂહને ભારત વિરુદ્ધ પોતાના વિસ્તારોનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે. તેમણે એવું પણ કહ્યું છે કે અફઘાનિસ્તાન ભારતને એક ઘનિષ્ઠ મિત્ર ગણે છે, ભારતે હંમેશા પાડોશી દેશની મદદ પણ કરી છે.

