તાજેતરમાં નડિયાદ ખાતેથી ધર્માંતરણનું એક મોટું રેકેટ ઝડપાયું હતું, જેના મુખ્ય સૂત્રધાર તરીકે સ્ટીવન મેકવાન નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ છે અને ખેડા પોલીસ આ સમગ્ર ધર્માંતરણ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
તપાસમાં સામે આવ્યું કે મેકવાન એક ‘રિસ્ટોરેશન રિવાઇવલ’ નામનું ટ્રસ્ટ ચલાવતો અને તેના દ્વારા અન્ય રાજ્યોમાંથી લોકોને લાવીને બ્રેનવૉશિંગ કરીને તેમનું ધર્માંતરણ કરાવતો હતો, જે ગેરકાયદેસર હતું, કારણ કે કાગળ પર કોઈ પ્રક્રિયા થતી ન હતી. કેન્દ્ર નડિયાદને બનાવવામાં આવ્યું હતું, પરંતુ તાર અન્ય રાજ્યોમાં પણ જોડાયેલા હોવાની આશંકા છે.
પોલીસે આગળ તપાસ કરી તેમ જાણવા મળ્યું કે ધર્માંતરણની પ્રવૃત્તિઓ માટે સ્ટીવનને વિદેશથી પણ ભંડોળ પ્રાપ્ત થતું હતું. જેમાં 1.33 કરોડના ટ્રાન્ઝેક્શન વિશે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ મેકવાને આ પૈસા આ રેકેટ ચલાવવા માટે જ વાપર્યા હતા. પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી હતી, જે પૂર્ણ થયા બાદ ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
ખેડા જિલ્લાના નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ. @CMOGuj @GujaratPolice @sanghaviharsh @dgpgujarat @collectorkheda @infokhedagog pic.twitter.com/VvbUYeiySE
— SP Kheda Nadiad (@SPKheda) September 30, 2025
આ સ્ટીવન મેકવાન સોશિયલ મીડિયા પર પણ ખાસ્સો સક્રિય હતો. તેના ટ્રસ્ટના નામે તેણે એક ફેસબુક પેજ બનાવી રાખ્યું હતું, ઉપરાંત પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવતો હતો. બંને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ 2020 આસપાસ શરૂ થયાં હતાં અને ત્રણેક મહિના પહેલાં સુધી સક્રિય હતાં.
લોકોને ચમત્કાર થકી બીમારીમાંથી સાજા કરવાના વિડીયોની ભરમાર
સ્ટીવન મેકવાનની યુટ્યુબ ચેનલ ઉપર એવા અનેક વિડીયો છે, જેમાં માત્ર ઈશ્વરીય ચમત્કાર થકી કોઈને બીમારીમાંથી સાજા કરવાનો તો કોઈને અન્ય સમસ્યાઓમાંથી બહાર લાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સ્ટીવને ઈશ્વરના કથિત ચમત્કારથી મૃત્યુ પામેલા લોકોને ફરી જીવિત કરવાના પણ દાવા કર્યા છે અને તેના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા છે.
આ વિડીયોનો ઉપયોગ પછીથી લોકોનું બ્રેનવૉશિંગ કરીને ધર્માંતરણ કરાવવા માટે થતો હતો.

યુટ્યુબ પર કોઈને કોરોનામાંથી સાજા કરવાના તો કોઈની કેન્સરની સારવાર કરવાના તો કોઈને ‘મરણ જેવી પરિસ્થિતિમાંથી’ સાજા કરવાનો દાવો કરતા વિડીયો ઉપલબ્ધ છે. તમામમાં આવા કથિત અનુભવ કરનાર વ્યક્તિને બતાવવામાં આવ્યા છે અને તેમની સાથે સ્ટીવન અથવા તો તેના કોઈ સાથી જોવા મળે છે. તમામ વિડીયોની સ્ક્રિપ્ટ પણ એકસરખી જોવા મળે છે, જેમાં બીમારીમાંથી, સમસ્યામાંથી બહાર કાઢવા બદલ ઈસુનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
મેકવાનના ટ્રસ્ટના ફેસબુક પેજ પર 24 ઑગસ્ટ, 2018માં એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં એક હિંદુ પરિવારની બાળકીની બીમારી ઈસુની પ્રાર્થનાથી દૂર થઈ તેવો દાવો કરવામાં આવ્યો છે.

પોસ્ટમાં બાળકીનું નામ અને ઉંમર લખીને કહેવામાં આવ્યું કે તે હિંદુ કુટુંબમાંથી આવે છે અને જન્મથી તે બોલી કે સાંભળી શકતી ન હતી. તેના પિતાએ અનેક દાવાઓ કરાવી, પણ હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું કે ઑપરેશન કરવું પડશે, જેનો ખર્ચ લાખોમાં થશે. પોસ્ટમાં આગળ દાવો છે કે પિતાએ તેને રિસ્ટોરેશન મૂવમેન્ટમાં સામેલ કરવાની શારૂ કરી અને ઈસુના નામે પ્રાર્થના કરવામાં આવી તો કોઈ પણ જાતના ઑપરેશન વગર બાળકી બોલતી અને સાંભળતી થઈ ગઈ.
સેમિનારો થકી કરતો હતો બ્રેનવૉશિંગ
આ સિવાય પણ મેકવાનની યુટ્યુબ ચેનલ પર તેના સેમિનારોના અનેક વિડીયો ઉપલબ્ધ છે. મોટેભાગે તે ખ્રિસ્તી સાહિત્યનો ઉપયોગ કરીને લોકો સામે ભાષણો આપતો હતો. તે એક પુસ્તકમાંથી સામે બેઠેલા લોકોને સમજાવતો, આ જ પુસ્તક શ્રોતાઓને પણ આપતો અને ત્યારબાદ વાંચન કરીને સમજાવતો હતો.
આ ભાષણોમાં મેકવાને ઈસુમાં વિશ્વાસ રાખવાની, આત્માના કથિત શુદ્ધિકરણની અને આવી અનેક વાતો કરી છે. તે કહે છે કે સઘળી સમસ્યાઓનું સમાધાન એ જ છે કે લોકો ઈસુમાં માને, ગોડ પર વિશ્વાસ રાખે. જો ગોડ, કે ઈસુ તેમની સાથે હશે તો જીવનમાં ક્યાંય, ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે. શેતાન તેમની પાછળ નહીં પડે.

અમુક વિડીયોમાં તે બાળકોનો પણ ઉપયોગ કરતો જોવા મળે છે. ઉપરાંત તેના ઘણા સેમિનારોમાં પણ બાળકો અને યુવાનો ભાગ લેતા જોવા મળે છે.
આ સિવાય અમુક વિડીયો એવા છે, જેમાં મેકવાને બહારથી અમુક પાસ્ટરોને બોલાવીને ભાષણો અપાવ્યાં હતાં. આ પાસ્ટરોનાં ભાષણોમાં પણ એ જ બધી વાતો કહેવામાં આવી છે, જે મેકવાન તેના સેમિનારોમાં કહેતો હતો. તેઓ અમુક પ્રસંગો કહીને, ખ્રિસ્તી ગ્રંથોમાં લખેલી વાતો કહીને લોકોને સમજાવતા હતા કે તેઓ ઈસુમાં માનવાનું શરૂ કરશે એટલે તેમના જીવનમાંથી સમસ્યાઓ આપોઆપ ઓછી થઈ જશે.
ટ્રસ્ટના પેજ પર આવી બીજી પણ ઘણી પોસ્ટ્સ જોવા મળી છે. જેમાં સમાન પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા છે.
મૂર્તિપૂજા વિશે પ્રોપગેન્ડા
એક ભાષણમાં સ્ટીવન મેકવાન મૂર્તિપૂજા પર પણ બોલતો સંભળાય છે. ભાષણમાં તે મૂર્તિપૂજાને સદંતર નકારી દઈને, તેને બિનજરૂરી ગણાવે છે. ઉપરાંત ‘પથરા’ જેવા શબ્દો પણ વાપરે છે અને કહે છે કે મૂર્તિપૂજામાં માત્ર પથરાની પૂજા નહીં પણ જો વ્યક્તિને એમ થાય કે તેની પત્ની ગોડથી વધુ મહત્ત્વ ધરાવે છે કે, તેનાં સંતાનો કે મા-બાપ વધુ મહત્ત્વ ધરાવતાં થઈ ગયાં તો તે પણ અયોગ્ય છે. સૌથી પહેલા ગોડ કે ઈસુ આવવા જોઈએ, પછી બાકી બધું– આવી બધી વાતો પણ તે સેમિનારમાં કરતો હતો.
સ્પષ્ટ રીતે મૂર્તિપૂજાને સીધો સંબંધ હિંદુ દેવી-દેવતાઓ સાથે છે. સેમિનારમાં આવેલા હિંદુઓનું બ્રેનવૉશિંગ કરવા માટે મેકવાને મૂર્તિપૂજા પર પણ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. વિડીયોમાં 27:00 મિનિટ પછી આ સાંભળી શકાશે.
અન્ય શહેરોમાં પણ પ્રવૃત્તિઓનો વિસ્તાર
સ્ટીવન મેકવાને નડિયાદ ઉપરાંત અમદાવાદ અને અન્ય શહેરો સુધી પણ પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો હતો. અનેક કાર્યક્રમોમાં તે બીમાર અને જરૂરિયાતમંદોને બોલાવતો અને ત્યાં પવિત્ર આત્માની હાજરીનો અનુભવ કરાવવાના નામે ભાષણો આપતો. ત્યારબાદ લોકોના માથે હાથ મૂકીને પ્રાર્થના કરવાની વાતો પણ કરતો.
વડોદરામાં પણ તેણે આવા અનેક કાર્યક્રમો કર્યા હતા, જેના વિશે તેના સોશિયલ મીડિયાથી જાણકારી મળે છે.
ટ્રસ્ટના પેજ પર લોકોને અનાજ-રાશનની મદદ કરવામાં આવી હોવાની, ભૂખ્યાને ભોજન આપવા માટે અભિયાન ચલાવવામાં આવ્યાં હોવાની પણ ઘણી તસવીરો જોવા મળે છે. આમ તો સામાજિક ટ્રસ્ટો આવાં કામો કરતાં હોય એમાં કશું આશ્ચર્યજનક ન કહેવાય, પણ મેકવાનની પ્રવૃત્તિ ધર્માંતરણ કરાવવાની હતી. અગાઉ પણ અનેક ઠેકાણે, અનેક કિસ્સાઓમાં આ રીતે ગરીબોને મદદની લાલચ આપીને, ભોળવીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવી ચૂક્યું છે. આ પરિસ્થિતિમાં આવી પોસ્ટને પણ શંકાની નજરે જોવામાં આવે એ સ્વાભાવિક છે.
હાલ સ્ટીવન મેકવાન જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. પોલીસને તેના મોબાઇલ અને અન્ય ઉપકરણોમાંથી અઢળક વિડીયો અને ફોટા અને અન્ય સામગ્રી મળી આવ્યાં છે, જેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. તપાસમાં વધુ ઘટસ્ફોટ થવાની સંભાવના છે.


