દેશના ઘણા વિસ્તારોમાંથી હિંદુઓને લવાતા, ભોળવીને થતું ધર્મ પરિવર્તન: નડિયાદ ધર્માંતરણ કેસમાં ઘટસ્ફોટ, મળતું હતું વિદેશી ફંડિંગ પણ

નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓને વિદેશથી ફંડિંગ મળતું હતું અને તેઓ ભોળા આદિવાસીઓને પ્રલોભનો આપીને તેમને ખ્રિસ્તી બનાવતા હતા. સ્ટીવનના ફોનમાંથી 1.57 લાખથી વધુ વિડીયો અને ફોટા મળી આવ્યા છે, જેમાં ધર્માંતરણ દરમિયાન થતી પ્રક્રિયા તેમજ અન્ય બાબતો જોવા મળતી હતી. હાલમાં આ તમામ પુરાવાઓની FSL દ્વારા તપાસ કરવામાં આવી છે. 

સ્ટીવન મેકવાનના બેન્ક ટ્રાન્ઝેક્શનથી લઈને હમણાં સુધીમાં તેણે કેટલા લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે અને આ માટે તેણે જે-તે લોકોને શું લોભ-લાલચ આપી હતી, તે તમામ પાસાંઓની તપાસ હાલ પોલીસ કરી રહી છે. હમણાં સુધીની તપાસમાં સામે આવ્યું છે કે સ્ટીવન લોક સંપર્ક કેળવી, લોકોમાં આત્મીયતા વધારી, ધર્માંતરણ બાદ આવતા સુખના દાખલા આપીને લોકોનું ધર્માંતરણ કરાવતો હતો. 

પોલીસ રિમાન્ડ દરમિયાન સ્ટીવન મેકવાનની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેના ખાતામાં 1 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી જે-તે વિસ્તારમાં જઈને તેનો પૂરતો અભ્યાસ કરતો હતો અને લોકોને બ્રેનવોશ કરીને ભોળવતો હતો. મોટાભાગે આર્થિક પછાત લોકોને તે આર્થિક સહકાર આપવાની લાલચ આપતો હતો અને હિંદુ ધર્મનો ત્યાગ કરાવીને ઈસાઈ બનાવી દેતો હતો. 

માત્ર નડિયાદ જ નહીં, પણ તેણે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા સેમિનાર કર્યા હતા અને આ કામ માટે તેની આખી એક ટીમ પણ કાર્યરત હોવાનું કહેવાય રહ્યું છે. સ્ટીવનના એકાઉન્ટમાં વિદેશથી આવેલા ફંડિંગની તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.

ભાસ્કર અનુસાર, સ્ટીવનના સંપર્કમાં રહેલા પાસ્ટરો અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પ્રાર્થનાના નામે ભેગા કરતાં હતા. આ એવા સ્થાન હતા કે જે ચર્ચ તરીકે રજિસ્ટર્ડ પણ નહોતા. અહીં આવતા લોકોને ધર્માંતરણના ફાયદાઓ વિશેની પ્રાર્થમિક માહિતી આપવામાં આવતી હતી, તેમને વધુ જ્ઞાન મેળવવા માટે સ્ટીવન પાસે મોકલવામાં આવતા હતા. બાદમાં સ્ટીવન તેનું બ્રેનવોશ કરીને તેને ઈસાઈ બનાવી દેતો હતો. સ્ટીવનના બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનમાં પાસ્ટરો સાથે પૈસાની લેવડ-દેવડના પુરાવા પણ મળી આવ્યા છે. 

દેશના ઘણા ભાગોમાંથી લોકોને લવાતા હતા- પોલીસ

ખેડા પોલીસે માહિતી આપતા કહ્યું છે કે 9 સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં કુલ બે મુખ્ય આરોપીઓ હતા, જેઓ ‘રિસ્ટોલેશન-રિવાઈવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખનું નામ સ્ટીવન મેકવાન હતું. 

પોલીસે આગળ જણાવ્યું છે કે, આ આરોપીઓ ગુજરાતના તાપી, નર્મદા, ભરૂચ, આણંદ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, હરિયાણા, પંજાબ અને દિલ્હી જેવા વિસ્તારોમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને બોલાવીને કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર તેમનું ખ્રિસ્તી પંથમાં ધર્માંતરણ કરાવતા હતા. 

પોલીસે આગળ જણાવ્યું છે કે, આરોપીઓ લોકોને ચમત્કાર, લોભ-લાલચ આપતા હતા અને લોકોની નિરક્ષરતાનો લાભ ઉઠાવીને તેમનું ધર્માંતરણ કરતા હતા. પોલીસે ફોન-લેપટોપની ફોરેન્સિક તપાસ કરાવ્યા બાદ તેમાંથી ઘણા ડોક્યુમેન્ટ્સ અને ફોટો-વિડીયો મળી આવ્યા છે, જેમાં ધર્માંતરણ થતું હોવાનું જાણવા મળ્યું છે. 

પોલીસ અનુસાર, આ સંસ્થાનું ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે પ્રોપર ઓડિટ પણ નથી થતું, જે અંગેની જાણ ચેરિટી કમિશનરને પણ કરવામાં આવી છે. પોલીસે વિદેશી ફંડિંગ મળતું હોવાની પણ પુષ્ટિ કરી છે. અધિકારીએ જણાવ્યું છે કે આરોપીઓના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં ₹1,33,99,000નું ટ્રાન્ઝેક્શન જોવા મળે છે.