(લેફ્ટ, રાઈટ અને સેન્ટર: શુક્રવાર, 3 ઑક્ટોબર 2025)
“આજે બીજી ઑક્ટોબર છે એટલે સ્વર્ગીય મહાત્મા ગાંધીજીની પણ જયંતિ છે. આપણી સ્વતંત્રતાની લડાઈમાં એમનું યોગદાન અવિસ્મરણીય છે જ, ઉપરાંત સ્વતંત્રતા પછી ભારત દેશ કેવો હોય- ભારતનું જીવન કેવા પ્રકારના તંત્રથી ચાલે- એ વિશે ચિંતન કરનારા આપણા એ વખતના જે દાર્શનિક નેતાઓ હતા એમાં પણ એમનું સ્થાન અગ્રણી છે. ‘હિંદ સ્વરાજ’માં એમણે આ વિશેના પોતાના વિચારો પ્રસ્તુત કર્યા છે.”
આ શબ્દો કોઈ ગાંધીવાદી નેતાના નથી. ગઈકાલે, બીજી ઑક્ટોબરે, વિજયા દશમી પ્રસંગે નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મથકે સંઘના શતાબ્દી મહોત્સવનો આરંભ કરતા પ્રવચનના આરંભે સરસંઘચાલક માનનીય ડૉ. મોહનજી ભાગવતસાહેબે ગાંધીજી વિશે આ શબ્દો કહ્યા.
કમનસીબી એ છે કે આ દેશના ગાંધીપ્રેમીઓ આરએસએસના પ્રદાનને ક્યારેય આ રીતે ઉમદા શબ્દોમાં નવાજી શકતા નથી.
બીજી કમનસીબીએ છે કે સંઘની વિચારધારામાં દૃઢપણે માનતા હિન્દુઓમાંથી કેટલાક લોકો મોહનજી ભાગવતની જેમ ગાંધીજીના પ્રદાનને ગળું ખોંખારીને સ્વીકારતા નથી. એટલું જ નહીં ગાંધીજી વિશે છાશવારે એલફેલ પ્રચાર કરતા રહે છે.
વ્યક્તિના ચારિત્ર્યનું ઘડતર કરીને સુદૃઢ સમાજનું નિર્માણ કરવું અને સમાજ દ્વારા દેશનું- આવા અદભુત અને અભિનવ વિચારને અમલમાં મૂકવા માટે સો વર્ષ પહેલાં આરએસએસની સ્થાપના થઈ. સંઘની પ્રવૃત્તિઓમાંથી આઝાદી પછી શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા રાજકીય પક્ષ જનસંઘનો જન્મ થયો. જનસંઘે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીને જન્મ આપ્યો જેમના થકી ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ. આ જ સંઘ અને આ જ ભાજપે દેશને નરેન્દ્ર મોદી જેવા કુશળ, ચારિત્ર્યવાન, અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા વડા પ્રધાન આપ્યા. ભારતની સ્થિરતામાં અને ભારતના વિકાસમાં સંઘે આપેલો ફાળો જો કોઈ ન સ્વીકારે તો તે વ્યક્તિ દેશપ્રેમી નથી, એ માણસ દેશનો દુશ્મન છે. સેક્યુલર દેખાવાની હોંશમાં હિન્દુવિરોધી, સનાતન સંસ્કૃતિ વિરોધી બની ગયેલા છોકરડાઓને આ વાત નહીં સમજાય.
ગાંધીજીએ બિના ખડગ, બિના ઢાલ આઝાદી નહોતી અપાવી. એ તો કોઈ પોચટ કવિની કલ્પના છે. પણ એને કારણે શું કોઈ એમ કહી શકે કે ભારતને આઝાદી અપાવવામાં ગાંધીજીનો બિલકુલ ફાળો નહોતો? વીર સાવરકર, ભગતસિંહ અને સુભાષબાબુને લીધે જ આઝાદી મળી? ભારતની આઝાદીમાં 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારાઓથી માંડીને 1946માં થયેલા નૌકાદળના ભારતીય શૂરવીરોએ પોકારેલા બળવા સુધીના સૌ કોઈનો ફાળો છે. ગાંધીજીનો પણ ફાળો છે અને ઘણો મોટો ફાળો છે. ડૉ. ભાગવતના શબ્દોમાં ‘એમનું યોગદાન અવિસ્મરણીય’ છે.
કલ્યાણ ડેના પુસ્તકમાં દસ્તાવેજોને ટાંકીને ભલે કહેવાયું હોય કે 1945થી 1951 દરમિયાન બ્રિટનના વડા પ્રધાન રહી ચૂકેલા ક્લેમન્ટ ઍટલીએ ઑન રેકૉર્ડ કહ્યું છે કે 1946ના નૌકાદળના બળવા પછી બ્રિટિશ સરકારને લાગ્યું કે ભારત હવે કાબૂમાં નહીં રહે, ભવિષ્યમાં એને સંભાળવું અશક્ય બની જશે, એટલે એને બ્રિટિશ સંસ્થાનથી છૂટું કરી દેવું જ હિતાવહ છે. પણ વડા પ્રધાન ઍટલીએ શું માત્ર 1946ની એ ઘટનાને જ ધ્યાનમાં રાખી હતી? ભારતમાં અગાઉ સ્વતંત્રતાની ચળવળો થઈ જ ન હોત અને માત્ર નૌકાદળના બળવાવાળી ઘટના બની હોત તો શું ભારતને આઝાદ કરવાનો નિર્ણય બ્રિટિશ સરકારે લીધો ન હોત?
એક તોતિંગ પથ્થર પર છેલ્લો હથોડો મારવાથી પથ્થરના બે ટુકડા થઈ જાય એનો અર્થ એ નથી થતો કે આ છેલ્લા ઘાને કારણે પથ્થર તૂટ્યો. ગાંધીજીની ચળવળ દ્વારા અનેક ઘા લાગી ચૂક્યા હતા. ગાંધીજીના અહિંસક જનઆંદોલનોને કેટલાક લોકો વ્યર્થ ગણે છે. આઝાદી અહિંસાને લીધે નથી મળતી એવું માનનારાઓ માત્ર શૂરવીર ક્રાંતિકારીઓને જ આ યશના ભાગીદાર માને છે. તે સૌ તો આ યશના હકદાર છે જ છે. ગાંધીજી અને સરદાર પટેલ સહિતના એમના તે વખતના કેટલાક સાથીઓ પણ આ યશના હકદાર છે. ગાંધીજીની અહિંસા વિના આ દેશનું આઝાદી આંદોલન ઝાઝું ટકી શક્યું હોત? ના.
ગાંધીજીવાળી વાત આગળ લંબાવીએ તે પહેલાં ડૉ. ભાગવતના લગભગ પોણો કલાકના મનનીય પ્રવચનનો આ એક મુદ્દો પણ જોઈ લઈએ. લેહ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં ચાલેલાં હિંસક આંદોલનોનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું: “…અસંતોષને આ રીતે વ્યક્ત કરવાથી કોઈને લાભ નથી થવાનો… જે આંદોલનોમાં આટલી બધી હિંસા અને વિનાશ થાય એને ડૉ. આંબેડકરસાહેબ ‘ગ્રામર ઑફ એનાર્કિ’ તરીકે ઓળખાવે છે… પ્રજાતાંત્રિક માર્ગોથી પણ પરિવર્તન આવતું હોય છે. આવા હિંસક માર્ગોથી પરિવર્તન નથી આવતું. (હિંસાથી) ઉથલપુથલ થઈ જાય છે પણ અંતે તો પરિસ્થિતિ એની એ જ રહેતી હોય છે. આખી દુનિયાનો આજ સુધીનો ઇતિહાસ જોઈ લો. જ્યારથી આ ઉથલપુથલવાળી તથાકથિત ‘રેવલ્યુશન્સ’-ક્રાંતિઓ આવી, એમાંની એક પણ ક્રાંતિએ પોતાનો ઉદ્દેશ સિદ્ધ નથી કર્યો. ફ્રાન્સના રાજાની વિરુદ્ધ ક્રાંતિ થઈ. એનું પરિણામ શું આવ્યું? નેપોલિયન બાદશાહ બની ગયો- રાજ્યતંત્ર એનું એ જ રહ્યું. આટલી બધી તથાકથિત સામ્યવાદી ક્રાંતિઓ થઈ- બધા જ સામ્યવાદી દેશ આજે મૂડીવાદી તંત્ર ચલાવી રહ્યા છે, એવું મૂડીવાદી તંત્ર જેની વિરુદ્ધ આ ક્રાંતિઓ થઈ હતી. આવા હિંસક પરિવર્તનોથી ઉદ્દેશ સિદ્ધ નથી થતો, ઉલટાનું આવી અરાજકતા ફેલાય છે ત્યારે દેશની બહાર રહેલી સ્વાર્થી તાકાતોને પોતાનો ખેલ ખેલવાનો મોકો મળી જતો હોય છે.”
ડૉ. મોહન ભાગવતે આ વાતમાં ક્યાંય ગાંધીજીની અહિંસક લડતનો ઉલ્લેખ નથી કર્યો. એમણે હિંસા દ્વારા ક્રાંતિ સર્જવાનાં જોખમો વિશે જે આંગળી ચીંધી છે તેમાં ક્યાંય ગાંધીજીની સ્વતંત્રતાની ચળવળની વાત નથી આવતી. પણ એમના શબ્દો ફરી વાંચો: “…આવા હિંસક માર્ગોથી પરિવર્તન નથી આવતું. ઉથલપુથલ થઈ જાય છે પણ અંતે તો પરિસ્થિતિ એની એ જ રહેતી હોય છે… આવાં હિંસક પરિવર્તનોથી ઉદ્દેશ સિદ્ધ નથી થતો , ઉલટાનું આવી અરાજકતા ફેલાય છે ત્યારે દેશની બહાર રહેલી સ્વાર્થી તાકાતોને પોતાનો ખેલ ખેલવાનો મોકો મળી જાય છે…”
કલ્પના કરો કે ગાંધીજી ન હોત, એમનું અહિંસક આંદોલન ન હોત તો આ દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ કેટલો લોહિયાળ હોત? અને આવી લોહિયાળ ‘ક્રાંતિ’ વખતે દેશમાં જે અરાજકતા ફેલાઈ હોત એને કારણે વિશ્વની તે વખતની મહાસત્તાઓએ ભારતની પરિસ્થિતિનો લાભ લઈને ભારતને ટુકડાઓમાં વહેંચીને દેશને આફ્રિકાનાં પછાત રાષ્ટ્રો જેવો બનાવી દીધો હોત. લખી રાખજો કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સ્વતંત્રતા આવી હોત તો સરદાર પટેલને 565 નાનાંમોટાં રાજ્યોને ભેગાં કરીને દેશને અખંડ રાખવાની કોઈ તક મળી જ ન હોત.
ગાંધીજીની અહિંસાએ આ દેશની આઝાદી માટે ઘણો મોટો ફાળો આપ્યો એ વાત જેટલી સાચી છે તેટલી જ આ વાત પણ સાચી કે ગાંધીજીએ અહિંસાની આ ચ્યુઈંગ ગમને ખેંચી ખેંચીને ભારતના ભાગલા વખતે, ભારતના લશ્કર માટે, કલકત્તા-નોઆખલીનાં હિન્દુ વિરોધી રમખાણો વખતે અમલમાં મુકવાનો દુરાગ્રહ રાખ્યો તેને લીધે આપણે બહુ વેઠવું પડ્યું.
ગાંધીજીના વિચારોને તમે ત્રણ ભાગમાં વહેંચી શકો. એક, એવા વિચારો જે તે જમાનામાં અપ્રસ્તુત હતા અને આજે પણ અપ્રસ્તુત છે. બે, એવા વિચારો જે તે વખતના જમાના મુજબ- તે વખતની પરિસ્થિતિ મુજબ જરૂરી હતા પણ હવે બિનજરૂરી છે, એની કોઈ ઉપયોગિતા રહી નથી. અને ત્રણ, ગાંધીજીના એવા વિચારો જે તે વખતે પ્રસ્તુત હતા, આજે પણ પ્રસ્તુત છે, ભવિષ્યમાં પણ પ્રસ્તુત રહેવાના છે.
ગાંધીજી વિશે અને આરએસએસ વિશે વિરુદ્ધમાં કે તરફેણમાં ઉતાવળે મત બાંધી લેનારાઓને બે વાત કહેવી છે. કડવી લાગે તો કડવી.
ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને માથે ઊંચકીને ચાલનારાઓએ અટલ બિહારી વાજપેયીએ વિપક્ષના નેતા તરીકે લોકસભામાં જે નિવેદન કર્યું તે જરા સાંભળી લેવું: ‘ગોડસે આરએસએસ કા વિરોધી થા. ગોડસે અખબારો મેં આરએસએસ કી આલોચના કરતા હતા. ગાંધીજી કી હત્યા કી જાંચ હુઈ, દો દો બાર જાંચ હુઈ— ઔર સબ જાંચ મેં નિકલા કિ ઉસ હત્યા સે આરએસએસ કા કોઈ સંબંધ નહીં થા. ક્યા (આપ) દુનિયા કો યે કહના ચાહતે હૈં કી ગાંધીજી કે હત્યારે ભારત મેં સત્તા મેં આ રહે હૈ? અભી હમ ગુજરાત મેં જીતે હૈં, કલ હમ નઈ દિલ્લી મેં ભી જીત સકતે હૈં… ઔર હમ ગાંધી કે પ્રતિ આદર પ્રગટ કરતે હૈં. આપ કહેંગે યે આદર નહીં, દિખાવા હૈ. તબ તો ફિર બહસ કી કોઈ ગુંજાઈશ નહીં હૈ. તબ તો હમારે ઔર આપ કે બીચ મેં કોઈ મિલનભૂમિ નહીં હૈ. અગર યે અવિશ્વાસ ઇતના ગેહરા હૈ તો ફિર કાહે કી આમ સહમતિ? બ્રોડ કન્સેન્સસ કા મતલબ ક્યા હૈ? બ્રોડ કન્સેન્સસ ઈસી આધાર પર હો સકતા હૈ કિ ભલે હી વિચારોં મેં મતભેદ હો મગર ઈમાનદારી પર ઉંગલિયાં ન ઉઠાઈ જાયેં.”
હિન્દુત્વમાં શ્રદ્ધા રાખનારા સૌ કોઈએ ‘નવજીવન’ દ્વારા પ્રગટ થયેલું પુસ્તક ‘હિન્દુ ધર્મનું હાર્દ’ વાંચી લેવું જોઈએ જેમાં ગાંધીજીના આ વિષય પરના વિચારોનું સંકલન કરવામાં આવ્યું છે. ગાંધીજીને હિન્દુ ધર્મમાં એક સંઘી જેટલી આસ્થા હતી.
કેટલાક હિન્દુઓને ગાંધીજી માટે રોષ છે કારણ કે એમણે ગાંધીજી વિશે જે કાંઈ જાણ્યું છે તે ઉડઝૂડિયું જ્ઞાન છે. અધકચરી માહિતીના આધારે તેઓ ગાંધીજી વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા રહે છે.
ગાંધીજીના નામે તરી જવા માટે નહેરુ અને એમના કેટલાક લેભાગુ કૉન્ગ્રેસી નેતાઓએ આઝાદી પછી જે ખેલ કર્યા તેને કારણે ગાંધીજીનું નામ ખરડાયું.
ખાદી પહેરીને માથે ગાંધી ટોપી લગાવીને ગાંધીચીંધ્યા માર્ગે ચાલવાનો દાવો કરનારા ભ્રષ્ટ કૉન્ગ્રેસી નેતાઓ અને એમના ભ્રષ્ટ સેવકો-અનુયાયીઓને કારણે કેટલાક લોકોમાં ગાંધીજી માટેનો અભાવ પેદા થયો. આવું તો દરેક ઠેકાણે થતું રહે છે. વલ્લભાચાર્યથી માંડીને બુદ્ધ, આંબેડકર અને બીજા અનેક મહાનુભાવોના અનુયાયીઓએ પોતાના સ્વાર્થ ખાતર પ્રજાના આરાધ્ય પુરુષોનું નામ વટાવી ખાધું છે. આમાં ગાંધીજીનો ક્યાં વાંક છે, કોઈ કહેશે?
હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ પ્રત્યેના અણગમાને લીધે કેટલાક વાંદરાઓને લાગતું હોય છે કે અમે ગાંધીજીના વખાણ કરીને સંઘીઓને ચીડવી શકીશું,એમને ઉતારી પાડી શકીશું. ગાંધીજીનાં બે-ચાર પુસ્તકોનાં પાનાં ફેરવીને ગાંધીજી વિશે ઑથોરિટી હોય એવો દેખાડો કરીને શબ્દોના કોગળા અને વિશેષણોની વૉમિટ કરનારાઓ આજકાલ વધી ગયા છે.
ગાંધીજીની પ્રશંસા કરતાં પહેલાં કે ગાંધીજીની ટીકા કરતાં પહેલાં સજ્જ થવું પડે. આ કંઈ શાહરૂખ ખાનની ફિલ્મ નથી કે તમે એનાં મોંફાટ વખાણ કરીને (કે એની આડેધડ ટીકાઓ કરીને) તાળીઓ ઉઘરાવવાની કવાયત કરી શકો. ગાંધી વિચારોનો સંપૂર્ણ સ્વીકાર જેમ અશક્ય છે તેમ ગાંધીવિચારોનો સંપૂર્ણ અસ્વીકાર પણ શક્ય નથી. ગાંધીજીને સંપૂર્ણપણે સ્વીકારવામાં અને ગાંધીજીને ટોટલી રિજેક્ટ કરવામાં— બેઉમાં જોખમ છે અને એમાં સૌથી મોટું નુકસાન આવું કરનારને જ થવાનું છે જે તેઓ સમજતા જ નથી.
ગાંધીજી વિશે ટીકા કરવી હોય કે એમની પ્રશંસા કરવી હોય— તમારે પાયાના પાંચ પગથિયાં પર આગળ વધીને જ કોઈક પ્રકારનો અભિપ્રાય બાંધવો પડે. બીજા અનેક ફાલતુ વિષયોમાં તમે અહીંથી-ત્યાંથી ચાટીને ફેરફૂદરડી ફરતાં ફરતાં એ વિષય પર મનફાવે તેવો અભિપ્રાય દર્શાવો તો બહુ નુકસાન નથી. પણ ગાંધીજી અને એમના વિચારો એક ગંભીર વિષય છે. બીએ-બીએસસીની ડિગ્રીવાળો ઑપરેશન થિયેટરમાં જઈને હાર્ટ સર્જરી કરવાની હિંમત કરી શકે? અહીં તો એકડિયા-બગડિયામાં ભણતા, ક્યારેક તો માત્ર બળોતિયામાં કે જાંગિયા કે અડધી ચડ્ડીમાં ફરતા લોકો પોતાને ગાંધીવિચારોના એક્સપર્ટ માનીને ગાંધીજીની પ્રશંસા કરવાની હોડમાં કૉપી-પેસ્ટ કૉપી-પેસ્ટની બાલિશ રમત રમતા જોવા મળે છે.
ગાંધીજી વિશે જાણવું હોય તો પાયાના પાંચ પગથિયાં પર આગળ વધીને જ કોઈક પ્રકારનો અભિપ્રાય બાંધી શકાય. અને એ પણ તમારામાં જો એ જમાનાના ભારતના તથા એ જમાનાના જગતના આર્થિક-રાજકીય-સામાજિક વહેણોનું બૅકગ્રાઉન્ડ હોય તો. એની સાથોસાથ તુલનાત્મક અભ્યાસ માટે, એ પછીના જમાનાનું તેમજ અત્યારના જમાનાનું આવું બૅકગ્રાઉન્ડ પણ જોઈએ.
પાંચ પગથિયાઓમાંનું પહેલું પગથિયું જ તમારી કસોટી કરનારું પુરવાર થશે. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના નામે ગુજરાતીમાં ઉપલબ્ધ અને ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ના નામે અંગ્રેજીમાં પ્રકાશિત કુલ એકસોથી વધુ ગ્રંથ આખેઆખા વાંચી જવા માટે નથી, સઘન રેફરન્સ માટે છે. ભારત સરકારના પબ્લિકેશન્સ ડિવિઝને આ કામ કર્યું છે. ગુજરાતી પ્રકાશન ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા – નવજીવને કર્યું છે. આ સોથી વધુ ગ્રંથોમાં તમને ગાંધીજીએ આપેલાં તમામ પ્રવચનો (કે એનો સાર), ગાંધીજીએ લખેલા પત્રો, ગાંધીજીને સંબોધીને લખવામાં આવેલા પત્રો, ગાંધીજીએ લખેલા લેખો (‘યંગ ઈન્ડિયા’, ‘હરિજન’, ‘નવજીવન’ વગેરે માટે) તેમ જ ગાંધીજીએ લખેલાં (આત્મકથા સહિતનાં) પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે. આ ભગીરથ કાર્ય કરવા બદલ ભારત સરકારને તેમ જ આ કાર્ય સાથે સંકળાયેલી એકેએક વ્યક્તિને અભિનંદન આપીએ એટલાં ઓછાં, એમનો આભાર માનીએ એટલો ઓછો. આ સમંદર જેવડા રેફરન્સ વર્કમાંથી તમારે કોઈ પર્ટિક્યુલર વિષય વિશે વાંચવું છે (દા.ત. ચંપારણ) તો છેવટના ઈન્ડેક્સ વૉલ્યુમ્સમાંથી તમને એ તમામ એન્ટ્રી મળી રહેશે જ્યાં ચંપારણનો ઉલ્લેખ થયો. આ જ રીતે સુભાષચંદ્ર બોઝ કે પછી પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ, કે બાબાસાહેબ આંબેડકર કે પછી અન્ય કોઈપણ વ્યક્તિ સાથેના ગાંધીજીના ઈન્ટરેક્શન વિશે તમારે જાણવું હોય તો તમને મહામહેનતે તૈયાર કરવામાં આવેલા ઈન્ડેક્સના ગ્રંથોમાંથી રેફરન્સ મળી રહે.
ગાંધીજીને સમજવાનું આ પ્રથમ પગથિયું.
ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈએ ડાયરીઓ લખી છે. આ ડાયરીનાં દોઢ ડઝનથી વધુ વૉલ્યુમ્સ પ્રગટ થયાં છે. મહાદેવભાઈની ડાયરીઓનાં આ પાનાંઓમાંથી ગાંધીજીને વધુ નિકટથી સમજવા માટેનો ખજાનો છે.
મહાદેવભાઈના અકાળ અવસાન પછી પ્યારેલાલ નાય્યરે એ જવાબદારી સંભાળી લીધી. ગાંધીજીના અવસાન બાદ ‘પૂર્ણાહુતિ’ નામના ચાર વૉલ્યુમ્સમાં પ્યારેલાલે ગાંધીજીના જીવનના છેલ્લા અડધા દાયકા વિશે મનભરીને વાતો લખી છે.
ગાંધીજીને સમજવા માટે ગાંધીજીનો અક્ષરદેહ, મહાદેવભાઈની ડાયરીઓ તથા ‘પૂર્ણાહુતિ’ ઉપરાંત બીજાં બે પગથિયાં સર કરવાનાં રહે જેમાનું એક છે સરદાર વલ્લભભાઈ પટેલનો પત્રવ્યવહાર (૧૯૪૫–૧૯૫૦) જેનાં બે વૉલ્યુમ્સ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. વી. શંકરે સંપાદન કરેલો આ પત્રવ્યવહાર બારસોથી અધિક પાનાંઓમાં પથરાયેલો છે. અને પાંચમું પગથિયું તે પંડિત નેહરુનાં લખાણો. પંડિતજીની આત્મકથા ઉપરાંત એમના સેક્રેટરી એમ.ઓ.મથાઈએ લખેલી એમની જીવનકથા તેમ જ અન્ય કેટલાંક પુસ્તકો તમને નેહરુને સમજવામાં અને એને કારણે ગાંધીજીને સમજવામાં કામ લાગે.
આ પાંચ પગથિયાં તો માત્ર શરૂઆત છે. ગાંધીજીના વિચારોને તમારે સ્વીકારવા કે નકારવા, ક્યા ગાંધીવિચારો અત્યારે કેટલા પ્રસ્તુત છે અને ગાંધીજીનું મહત્વ આ દેશ માટે શું તથા કેટલું છે એ નક્કી કરવાનું કામ પાનના ગલ્લે ઊભા રહીને ચર્ચા કરવાથી નહીં થાય. એ માટે પલાંઠી મારી અભ્યાસ કરવો પડે.
એ પછી ગાંધીજી વિશે- એમની તરફેણમાં કે એમના વિરોધમાં લખાયેલાં આજકાલનાં પુસ્તકોને તમારે નીરક્ષીર વિવેક કેળવીને એનું મૂલ્યાંકન કરવું પડે. આટલું કર્યા પછી તમને હક્ક છે કે તમે ગાંધીવિચારોની પ્રશંસા કરો કે પછી ગાંધીવિચારોની આકરી ટીકા કરો. એ પહેલાં નહીં. એ પહેલાં આવી ધૃષ્ટતા કરનારા સૌ કોઈ (સૌ કોઈ એટલે સૌ કોઈ- પ્રસંશકો તેમજ ટીકાકારો- સૌ કોઈ) ને તમારે અધકચરા, અણસમજુ તથા છિછરા વ્યક્તિત્વવાળા ગણવા પડે.
ખોટા લોકો ગાંધીજીના વખાણ કરતા હોય એનો અર્થ એ નથી કે એવા લોકોનો વિરોધ કરવા તમારે ગાંધીજીને પડતા મૂકવાના હોય. એનો અર્થ એવો પણ નથી કે તમે જો ગાંધીજીની પ્રશંસા કરતા હશો તો પેલા લેભાગુ અડુકિયા-દડુકિયાઓની પંગતમાં તમે મુકાઈ જશો. એ પંજુ-છગ્ગુ-સત્તુઓ તો એવા છે કે એમને ખબર પડે કે રાવણ-હિટલર-ગબ્બરસિંહ-મોગામ્બોનાં વખાણ કરવાથી અમે સારા લાગીશું તો તેઓ એવી પ્રવૃત્તિ પણ કરવા માંડે. સમજ્યા-કર્યા વગર ગાંધીજીનાં વખાણ કરવા પાછળનો એમનો અદ્રશ્ય હેતુ એ હોય છે કે એમણે માની લીધું છે કે સંઘને-હિન્દુઓને ધિક્કારવાનો આ પણ એક તરીકો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામે, સનાતન સંસ્કૃતિ સામે, હિન્દુ ધર્મ સામે કે હિન્દુ રાષ્ટ્રની અવધારણા સામે જે કોઈ સેક્યુલર બાબા-બેબી (કે પછી એલ.જી.બી.ટી.ક્યુ)ને વાંધો હોય તેઓએ ડૉ. મોહન ભાગવતના ગઈકાલના પ્રવચનને સાંભળી લેવું જોઈએ.
ડૉ. મોહન ભાગવતે પ્રવચનનું સમાપન કરતા કહ્યું : “આપણી એકતાનો આધાર શું છે? આપણી સંસ્કૃતિ. ડૉ. આંબેડકર સાહેબે આ માટે શબ્દો વાપર્યા છે- ઇનહેરન્ટ કલ્ચરલ યુનિટી— અંતર્નિહિત (જન્મજાત) સાંસ્કૃતિક એકતા. આ ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ભારતની વિશેષતા એ છે કે એ સર્વસમાવેશક છે. સૌનું સન્માન અને સૌનો સ્વીકાર કરવાની શીખ આપે છે કારણ કે ભારતના આધ્યાત્મિક સત્ય પર, એ સત્ય પર આધારિત ધર્મ પર અર્થાત સત્ય, કરુણા, શુચિતા અને તપના સદાચાર પર આ ધર્મનો આધાર રહેલો છે અને એના આધારે જ આપણી સંસ્કૃતિ રચાઈ છે. આ સંસ્કૃતિનું જતન સનાતન કાળથી આજ દિન સુધી કોણે કર્યું છે? નિશ્ચિતરૂપથી આ દેશના પુત્રરૂપ હિન્દુ સમાજ કર્યું છે. એટલે જ એને ક્યારેક હિન્દુ સંસ્કૃતિ પણ કહીએ છીએ… કોઈને જો હિન્દુ શબ્દ સામે વાંધો હોય તો એને હિન્દવી કહે, ભારતીય કહે, આર્ય કહે- આ બધા સમાનાર્થી શબ્દો છે… આપણું રાષ્ટ્ર ક્યારેય રાજ્ય પર (સ્ટેટ અથવા શાસનકર્તા કે સરકાર પર) આધારિત રહ્યું નથી… આપણી આ સંસ્કૃતિ રાષ્ટ્રને બનાવે છે. રાજ્ય (શાસનકર્તાઓ કે સરકારો) તો આવતાંજતાં રહે છે. રાષ્ટ્ર નિરંતર વિદ્યમાન રહ્યું છે- સનાતનકાળથી અત્યાર સુધી. આપણું આ રાષ્ટ્ર પ્રાચીન હિન્દુ રાષ્ટ્ર છે. બધા પ્રકારના ઊતારચઢાવ આપણે જોયા છે. ગુલામી પણ જોઈ અને સ્વતંત્રતા પણ જોઈ. આ દરેક સમયગાળા દરમિયાન આપણે વિદ્યમાન છીએ. અને એટલે જ હિન્દુ સમાજનું શક્તિશાળી હોવું , શીલવાન હોવું, સંગઠિત હોવું- આ દેશની એકતા, એકાત્મતા, સુરક્ષા તથા વિકાસની ગેરન્ટી છે. કારણકે હિન્દુ સમાજ- જે સનાતન કાળથી ચાલ્યો આવે છે તે- આ દેશનો ઉત્તરદાયી સમાજ છે, રિસ્પોન્સિબલ સમાજ છે.”
પ્રૉબ્લેમ મોટો એ છે કે તથાકથિત ગાંધીપ્રેમીઓ જ નહીં પણ પોતાને ભાગવતજી કે મોદીજી કરતાં સવાયા માનતા કેટલાક હિન્દુઓ (જેઓ હાઈપરડા તરીકે કે રાયતા વિંગ તરીકે ઓળખાય છે) પણ સંઘને અને ભાજપને હિન્દુત્વના પાઠ ભણાવવા નીકળી પડ્યા છે. તેઓને એમ છે કે અમે હાથમાં ભગવદ્ ગીતા રાખીને ફોટા પડાવીશું તો સવાયા હિન્દુ તરીકે પ્રસ્થાપિત થઈશું. આ દેશમાં એક જોકરે પોતાના ઝભ્ભાની ઉપર જનોઈ પહેરીને બ્રાહ્મણ હોવાનો દેખાડો હતો, યાદ છે?
સંઘ કે ભાજપ વિશે બખાળા કાઢતાં પહેલાં ડૉ. મોહન ભાગવતના પ્રવચનના આ શબ્દો તમારે ગોખી લેવા જોઈએ : “વ્યવસ્થા સામે, સિસ્ટમ સામે, બળાપો વ્યક્ત કરીને કે એ વિશે માત્ર ફરિયાદો કરીને સિસ્ટમ બદલાવાની નથી. સિસ્ટમ બદલાશે સમાજથી અને સમાજ બદલાશે વ્યક્તિથી- વ્યક્તિના આચરણથી. તમને જેવો દેશ જોઈએ છે તેવા તમારે બનવું પડે.”
ગાંધીજી કે સંઘ- બેમાંથી કોઈ એકની પસંદગી કરીને તમે બેસી રહેશો તો નુકસાન તમારું જ છે. આ દેશ માટે બંને જરૂરી છે, બંને અનિવાર્ય છે. મોદીજીને તમે ક્યારેય ગાંધીજી વિશે સહેજ પણ ઘસાતું બોલતાં સાંભળ્યા? મોદીજી પોતે સંઘનું સંતાન છે. સંઘનો આ ઘણો મોટો ઉપકાર છે જેને સંઘવિરોધી માનસિકતા ધરાવનારા અંધારિયા ઉકરડાઓ નહીં સ્વીકારે. મોદી દ્વારા બની રહેલા આધુનિક ભારતના પાયા સનાતન પરંપરામાં છે અને સંઘનું 100 વર્ષનું કાર્ય આ પરંપરાને સાચવવામાં, આગળ વધારવામાં અગ્રણી છે.
ગાંધીજી વિશે આપણે સાંભળ્યું છે બહુ, જાણ્યું છે ઓછું. ગાંધીજીના નામને વટાવી ખાનારા લેભાગુઓ આજે પણ છે જેઓ પોતાના વિરોધીઓને ગમે તેવા અપશબ્દો દ્વારા અપમાનિત કરતા રહે છે. ગાંધીજી પોતાનાથી વિરુદ્ધ જેમનો મત હોય, જેમની સાથે પોતે સહમત ન થતા હોય એવા વિચારને હૃદયપૂર્વક આદર આપતા. બે વ્યક્તિઓ વચ્ચે ભિન્ન મત હોય એમાં કશું ખોટું નથી એવું સ્વીકારીને એમણે એક વખત પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું: “ભિન્ન મતને કારણે એકબીજાનો દ્વેષ કરવાની કોઈ જરૂર નથી. મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!”
લાસ્ટ બૉલ
તમે જે વિચારો છો , જે બોલો છો અને જે કરો છો એ ત્રણેયમાં જ્યારે સંવાદિતા સદાય છે ત્યારે ચિત્તની પ્રસન્નતા જન્મે છે.
-ગાંધીજી


