બરેલીમાં પોલીસકર્મીઓઓની હત્યા કરવા માંગતો હતો તૌકીર રઝા, પૂર્વનિયોજિત હતું કાવતરું: FIRમાં અનેક ઘટસ્ફોટ

ઉત્તર પ્રદેશના બરેલીમાં જુમ્માની નમાજ બાદ થયેલા મુસ્લિમ કટ્ટરપંથીઓના હોબાળાને લઈને તાબડતોડ કાર્યવાહી થઈ રહી છે. FIRમાં મૌલાના તૌકીર રઝા ખાનને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. હવે FIRની વિગતો પણ સામે આવી રહી છે. ફરિયાદ અનુસાર, તૌકીર રઝાના કારણે હિંસા ભડકી હતી. તૌકીર રઝા અને તેના સહયોગી નદીમ સહિત અન્ય આરોપીઓએ જાણીજોઈને પહેલાંથી આવું કાવતરું ઘડ્યું હતું. 

બરેલી પોલીસની FIRમાં કહેવાયું છે કે મુસ્લિમ કટ્ટરપંથી ભીડ કહી રહી હતી કે મૌલાના તૌકીર રઝાએ કહ્યું છે કે શહેરનો માહોલ બગાડી નાખવાનો છે. ભલે પછી પોલીસકર્મીઓની હત્યા જ કેમ ન કરવી પડે. તૌકીર રઝાએ કહ્યું હતું કે ‘મુસ્લિમોએ પોતાની તાકાત બતાવવાની છે.’ આ ભીડમાં બહારના જિલ્લાના મુસ્લિમ કટ્ટરપંથીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. 

ભીડમાં એકઠા થયેલા કેટલાક લોકોએ ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. FIRમાં એવું પણ કહેવાયું છે કે જુમ્માના દિવસે મુસ્લિમ કટ્ટરપંથીઓની ભીડે પોલીસની હત્યાના ઇરાદે ફાયરિંગ પણ કર્યું હતું અને કાંચની બોટલોથી પેટ્રોલ બૉમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા.