કેન્દ્રશાસિત પ્રદેશ લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં ઉમેરવાની માંગ સાથે શરૂ થયેલું કથિત આંદોલન અચાનક હિંસક બની ગયું અને ભાજપની ઑફિસ ફૂંકી મારવામાં આવી, વાહનોમાં તોડફોડ અને આગચંપી કરાઈ, CRPF અને પોલીસના જવાનો પર હુમલા થયા અને અરાજકતાનો એવો માહોલ સર્જાયો કે સ્થાનિક વહીવટીતંત્રે કર્ફ્યુ લાદવો પડ્યો… અચાનક લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો, સ્વયંસ્ફુરિત રીતે આ બધું થયું એવું માનવું ભૂલભરેલું હશે, કારણ કે અમુક પેટર્ન એવી છે, અમુક બાબતોની હાજરી છે જે ભૂતકાળમાં અન્ય ઠેકાણે જ્યાં અરાજકતા સર્જવામાં આવી ત્યાં પણ હાજર હતી.
આ હિંસાના કેન્દ્રમાં સોનમ વાંગચુક છે. ‘થ્રી ઇડિયટ્સ’થી તેમનું મહિમામંડન થયું પછી ‘એક્ટિવિસ્ટ’ તરીકે, ‘પર્યાવરણવાદી’ તરીકે ખૂબ નામ કમાયા. પણ છેલ્લા થોડા વખતથી તેમનાં નિવેદનો, અમુક કામો શંકા ઉપજાવતાં હતાં. પાકિસ્તાનની યાત્રાના કારણે પણ વિવાદમાં રહ્યા. તેમની એક તસવીર બાંગ્લાદેશના નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસ સાથેની પણ ફરે છે, જે યુનુસે એકલે હાથે બાંગ્લાદેશની પથારી ફેરવવાની પ્રતિજ્ઞા લઈ રાખી છે. યુનુસનો સત્તામાં પહોંચવાનો માર્ગ પણ અરાજકતામાંથી જ પસાર થયો છે.
લદાખમાં સોનમ વાંગચુક ઘણા સમયથી પૂર્ણ રાજ્યના દરજ્જા, છઠ્ઠી અનુસૂચિમાં ઉમેરણ અને અન્ય અમુક બાબતે સરકાર સામે બાંયો ચડાવતા હતા. ઘણાં આંદોલનો પણ કરી ચૂક્યા હતા. હમણાં થોડા દિવસ પહેલાં તેમણે ફરીથી ભૂખ હડતાળ શરૂ કરી. માંગ આ જ હતી. પછીથી તેમાં લેહ એપેક્સ બોડીનું યુવા સંગઠન પણ જોડાયું. ભૂખ હડતાળને થોડા દિવસ વીત્યા ત્યાં અમુક લોકો બીમાર પડી ગયા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ આ તરફ પ્રદર્શનો તેજ કરવાનું એલાન કરી દેવામાં આવ્યું.
વાંગચુકનો એક વિડીયો આવ્યો છે જેમાં તેઓ લોકોને માસ્ક પહેરીને, હૂડી પહેરીને આવવા માટે કહે છે. સામાન્ય રીતે આ બધી ઓળખ છુપાવવાની જૂની અને જાણીતી તકનીકો છે. પ્રદર્શન કરવા આવનારે ઓળખ છુપાવવાની જરૂર ન પડે. ધમાલ કરવા, અરાજકતા મચાવવા આવનારે આ બધું કરવું પડે. અન્ય પણ અમુક નેતાઓના ભડકાઉ ભાષણોના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે, જે સ્થાનિક સ્તરે આ બધું થયું તે પહેલાંથી ફરતા હતા. તેમાં પણ ભાજપની ઑફિસ પર હુમલો કરવાની, CRPFને દેખાડી દેવાની વાતો કરવામાં આવી હતી. ઘટનાના દિવસે આ જ બધું થયું.
વાંગચુકે પોતાનાં ભાષણોમાં નેપાળનાં પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો અને જેન-ઝી જેવો શબ્દ પણ તરતો મૂકી દેવામાં આવ્યો. જેનો હવે નેપાળના સત્તાપલટા સાથે સંબંધ સ્થાપિત થઈ ગયો છે. આરબ સ્પ્રિંગનો પણ ઉલ્લેખ ભાષણોમાં થતો હતો. ટૂંકમાં યુવાનોને આ જ બધી પેટર્ન પર તૈયાર કરવામાં આવી રહ્યા હતા, જેથી અરાજકતાના જોરે સત્તા સામે બાંયો ચડાવી શકાય. બાંયો પણ કયા કારણોસર ચડાવવાની? જે મુદ્દે સરકાર પહેલેથી વાતો કરી રહી છે.
અહીં મૂળ વાત જ એ છે કે જે માંગણીઓને લઈને આ પ્રદર્શનો થયાં, ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે તેની ઉપર સરકાર પહેલેથી જ સ્થાનિકો સાથે ચર્ચા કરી રહી છે. જાન્યુઆરીમાં સરકારે લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ વગેરેના સભ્યોનો સમાવેશ કરીને એક હાઇપવર્ડ કમિટી બનાવી હતી, જેની અધ્યક્ષતા સ્વયં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય કરે છે. આ સમિતિ સમયે-સમયે બેઠકો કરતી રહે છે. તેના જ પરિણામે અનેક સમસ્યાઓ અને મુદ્દાઓનાં સમાધાનો પણ આવ્યાં છે. વાટાઘાટો જેમ આગળ ચાલશે તેમ જે મુખ્ય માગણીઓ છે તેનું પણ કોઈ ઉચિત સોલ્યુશન નીકળશે.
પરંતુ આ બધા વચ્ચે પ્રદર્શનોને હિંસક સ્વરૂપ આપી દેવું અને અરાજકતા મચાવવી એ દર્શાવે છે કે આમાં એ જ સ્ક્રિપ્ટ કામ કરી રહી છે જે દેશના અન્ય ભાગોમાં પહેલાં અમલમાં મૂકવામાં આવી ચૂકી છે. ત્યારે પણ સરકારે બહુ સંયમથી કામ લીધું હતું, હમણાં પણ સરકાર એટલા જ સંયમથી કામ લઈ રહી છે.


