જુમ્માની નમાજ બાદ બરેલીમાં ‘આઈ લવ મુહમ્મદ’ને લઈને ઇસ્લામી કટ્ટરપંથીઓનો હોબાળો, પથ્થરમારો થયા બાદ પોલીસે કર્યો લાઠીચાર્જ, તૌકીર રઝાની અટકાયત

ઉત્તર પ્રદેશના બરેલીમાં જુમ્માની નમાજ (26  સપ્ટેમ્બર, 2025) બાદ ‘આઈ લવ મુહમ્મદ’ના નારાને લઈને રમખાણો ફાટી નીકળ્યા છે. કેટલાક લોકોએ બરેલીના ઇસ્લામિયા મેદાનમાં જવાનો આગ્રહ રાખ્યો અને જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉગ્રવાદીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો.

મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને તોફાનીઓને દોડાવી-દોડાવીને મેથીપાક ચખાડ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં સેંકડો લોકો ‘આઈ લવ મોહમ્મદ’ લખેલા પોસ્ટરો અને બેનરો લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

વાસ્તવમાં, ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના (IMC) પ્રમુખ મૌલાના તૌકીર રઝાએ મુસ્લિમોને ઇસ્લામિયા ગ્રાઉન્ડ પર વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ ભીડ રસ્તા પર ઉતરી આવી અને ઇસ્લામિયા ગ્રાઉન્ડ જવાનો આગ્રહ રાખ્યો. જ્યારે પોલીસે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મજહબી નારા લગાવવામાં આવ્યા અને ભીડ પોલીસ સાથે અથડામણમાં ઉતરી આવી.

પોલીસના વારંવાર પ્રયાસો છતાં ભીડે બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસના શેલ છોડવાના અહેવાલો છે.

માહિતી અનુસાર, પોલીસે મૌલાના તૌકીર રઝાની અટકાયત કરી છે અને હવે તેઓ બરેલીમાં બળપૂર્વક કૂચ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. અન્ય જિલ્લાઓમાંથી પણ વધુ દળોને બરેલીમાં બોલાવવામાં આવ્યા છે.