કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પ્રક્રિયાઓ પર પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. તેમણે બિહારમાં શરૂ કરેલી ‘વૉટર અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે SIR પર વ્યાપક પ્રમાણમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ પ્રેસ કૉન્ફરન્સ કરીને રાહુલના તથ્યવિહીન દાવાઓને હવા આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હવે સામે આવ્યું છે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા પાસે દિલ્હીમાં 2 સક્રિય મતદાર આઈડી એટલે કે EPIC નંબર છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ મુદ્દે ચૂંટણી પંચને તપાસ કરવાની માંગ કરી છે અને રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા છે.
અમિત માલવિયાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા, ઉપરાંત તેમણે પવન ખેડાના 2 EPIC નંબરવાળા પુરાવા રજૂ કરતી પોસ્ટ કરી હતી. તેમણે X પર લખેલી પોસ્ટમાં સોનિયા ગાંધીને ભારતના નાગરિક બન્યા પહેલાં જ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા હોવાની વાત્ યાદ કરાવી હતી. તેમણે પવન ખેડાને ઘેરતા લખ્યું કે, “કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા – જે ગાંધી પરિવાર સાથે પોતાની નિકટતા બતાવવાની કોઈ તક ચૂકતા નથી – બે સક્રિય EPIC નંબર ધરાવે છે (જંગપુરા અને નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં, જે અનુક્રમે પૂર્વ દિલ્હી અને નવી દિલ્હી લોકસભા બેઠકો હેઠળ આવે છે).”
Rahul Gandhi screamed “Vote Chori” from the rooftops. But just like he forgot to mention that his mother, Sonia Gandhi, enlisted herself in India’s voter list even before becoming an Indian citizen, it has now emerged that Pawan Khera, Congress spokesperson—who never misses a… pic.twitter.com/IkGFlUhuWk
— Amit Malviya (@amitmalviya) September 2, 2025
આ પોસ્ટમાં તેમણે 2 ફોટા શૅર કર્યા હતા, જે ભારતીય ચૂંટણી પંચની વેબસાઈટ પરથી લેવામાં આવેલ ડેટા છે. આ અંતિમ મતદાર યાદીમાં પુષ્ટિ કરાયેલી વિગતો અનુસાર, રેકોર્ડ દર્શાવે છે કે ખેડાનું નામ જંગપુરામાં EPIC નંબર XHC1992338 સાથે નોંધાયેલું છે.

આ સિવાય તેમનું નામ નવી દિલ્હીમાં EPIC નંબર SJE0755967 સાથે પણ દેખાય છે. આ બંને એન્ટ્રીઓ સક્રિય છે.

અમિત માલવિયાએ પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, “હવે ચૂંટણી પંચે તપાસ કરવાની છે કે પવન ખેડા પાસે બે સક્રિય EPIC નંબર કેવી રીતે છે અને શું તેમણે ઘણી વખત મતદાન કર્યું છે?- આ ચૂંટણી કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.” તેમણે આરોપ લગાવ્યો કે પવન ખેડા પાસે 2 EPIC નંબર છે અને તેઓ બિહારમાં ચૂંટણી પ્રક્રિયા પર અવિશ્વાસ ઉભો કરવા પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા છે.
મૃત્યુ છતાં મતદાર યાદીમાં પરિવારજનનું નામ
તે જ સરનામે અન્ય મતદારોની તપાસ કર્યા પછી ઑપઇન્ડિયાને જાણવા મળ્યું કે પવન ખેડાની બહેન રૂપમ ખેડાનું નામ હજુ પણ મતદાર યાદીમાં સક્રિય છે. ઉલ્લેખનીય છે કે, રૂપમનું 2021માં કોવિડ-19 સંક્રમણના કારણે અવસાન થયું હતું.

પવન ખેડાને ચૂંટણી પંચની નોટિસ
અમિત માલવિયાના આરોપો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પવન ખેડાને નોટિસ પણ ફટકારી છે. નવી દિલ્હીના જિલ્લા ચૂંટણી કાર્યાલય (DEO) દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, પવન ખેડાનું નામ અનેક મતવિસ્તારોની મતદાર યાદીમાં નોંધાયેલું છે, જે બાદ ચૂંટણી પંચે આ ઘટનાનું સંજ્ઞાન લીધું છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ મોકલવામાં આવેલી નોટિસમાં ખેડાને 8 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ સાથે નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં પણ આવ્યું છે કે, જો નિયત સમય મુજબ જવાબ રજૂ કરવામાં નહીં આવે તો ચૂંટણી પંચ આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરશે. આ પહેલાં માલવિયાએ આ ઘટનાની જાણ કરતા ચૂંટણી પંચને આ મામલે તપાસ કરવા માટેની માંગણી કરી હતી.
કોંગ્રેસના બેવડા વલણો
એક તરફ કોંગ્રેસ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવી રહી છે અને બીજી તરફ તેના જ નેતાઓના આવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓ પોતાના પરિવારના મૃત સભ્યોના નામ મતદાર યાદીમાંથી કઢાવી રહ્યા નથી, આને ‘વૉટચોરી’ ગણવી કે કેમ એ પ્રશ્ન રહ્યો!
આ સિવાય આ પહેલાં સોનિયા ગાંધી પણ આવા આરોપનો ભોગ બની ચૂક્યા છે. ભાજપે પુરાવા સાથે દાવો કર્યો હતો કે સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા નહોતી મળી તે પહેલાં જ 2 વખત તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન એક વ્યક્તિએ તેમની ગાડી પર ચઢીને એવા દાવા કર્યા હતા કે તેનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તેણે ‘વૉટચોરી’નો દાવો કર્યો હતો. જોકે, પછીથી સામે આવ્યું હતું કે તે RJDનો બૂથ લેવલનો એજન્ટ હતો અને તેનું નામ ક્યારેય મતદાર યાદીમાં સામેલ જ નહોતું. પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા તેણે કોઈ આવેદન પણ કર્યું નહોતું.
આ સિવાય ઔરંગાબાદમાં પણ રાહુલ ગાંધીએ રંજૂ દેવી નામની મહિલાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયું છે. પરંતુ બાદમાં રંજૂ દેવીએ એક વિડીયોમાં જાતે જણાવ્યું હતું કે તેમનું નામ મતદાર યાદીમાં છે જ અને તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં હતાં.
આ સિવાય CSDSના સંજય કુમારની જે X પોસ્ટના આધારે કોગ્રેસે બૂમાબૂમ કરીને મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં અનિયમિતતાનો દાવો કર્યો હતો, તે પોસ્ટ સંજય કુમારે પોતે જ ડીલીટ કરી દીધી હતી. સંજયે પછીથી દાવો કર્યો કે તેમની ટીમે તે ડેટાને ‘સમજવામાં ભૂલ કરી’ હતી. છેલ્લા કેટલાક મહિનામાં રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ દ્વારા ચૂંટણી પંચ વિરુદ્ધ કરવામાં આવેલા બધા દાવાઓ પડી ભાંગ્યા છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ જ્યારે જ્યારે આવા દાવા કર્યા છે ત્યારે ત્યારે ચૂંટણી પંચે પુરાવા અને પૂરતા ડેટા સાથે સ્પષ્ટતા આપી છે. પંચે રાહુલને ત્યાં સુધી કહ્યું છે કે જો તેમની પાસે આ દાવાઓને સાબિત કરતા કોઈ ચોક્કસ પુરાવા હોય તો સોગંદનામા સાથે રજૂ કરે, જોકે હજુ સુધી રાહુલે આ મામલે ન તો કોઈ પ્રતિક્રિયા આપી છે અને ન તો સોગંદનામું રજૂ કર્યું છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ ભારતીય ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.


