કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલમાં બિહારના નવાદામાં ‘વોટ અધિકાર યાત્રા’ નામની રેલી કરી રહ્યા છે. આ રેલી દરમિયાન એક ઘટના બની જે ચર્ચાનો વિષય બની ગઈ છે. રાહુલ ગાંધીની ગાડી પર એક શખ્સ ચડી ગયો અને ચૂંટણી પંચ પર આરોપ લગાવતાં કહ્યું કે તેનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તેણે ‘વોટ ચોરી’નો દાવો કર્યો હતો. આ વ્યક્તિનું નામ સુબોધ કુમાર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ચૂંટણી પંચના ફેક્ટચેકમાં વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી.
સુબોધ કુમાર રાહુલ ગાંધીની ગાડી પર ચડીને ‘વોટ ચોરી’ના દાવા કરી રહ્યો હતો. રાહુલ ગાંધીએ આ ઘટનાને રેલીમાં લાઈવ રજૂ કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે, “સુબોધ કુમારજી સાથે જે થયું, તે બિહારમાં લાખો લોકો સાથે થઈ રહ્યું છે. વોટ ચોરી એ ભારત માતા પર હુમલો છે – બિહારની જનતા આ થવા દેશે નહીં.”
जो सुबोध कुमार जी के साथ हुआ, वही लाखों लोगों के साथ बिहार में हो रहा है।
— Rahul Gandhi (@RahulGandhi) August 19, 2025
वोट चोरी भारत माता पर आक्रमण है – बिहार की जनता ये होने नहीं देगी। pic.twitter.com/Xtfun3CGPG
આ ઘટનાનો રાહુલ ગાંધીએ મોટાપાયે પ્રચાર કર્યો. પરંતુ ચૂંટણી પંચના ફેક્ટચેકે આ આરોપોને સંપૂર્ણપણે ખોટા સાબિત કરી દીધા. ચૂંટણી પંચની તપાસમાં જાણવા મળ્યું કે સુબોધ કુમાર કોઈ સામાન્ય મતદાર નથી, પરંતુ રાષ્ટ્રીય જનતા દળનો (RJD) બૂથ લેવલ એજન્ટ (BLA) છે અને તેનું નામ ક્યારેય મતદાર યાદીમાં હતું જ નહીં.
ચૂંટણી પંચે કરેલ સ્પષ્ટતા પરથી સાબિત થાય છે કે એક અજાણી વ્યક્તિનું આવી રીતે રેલીમાં આવવું અને ચાલુ રેલીમાં આવા દાવા કરવા એ આખું એક પ્રકારનું નાટક હતું. જે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના દાવાઓને સમર્થન આપવા માટે રચાયું હતું.
ચૂંટણી પંચનું ફેક્ટ ચેક: સુબોધ કુમારનો આરોપ ખોટો
ચૂંટણી પંચના વિસ્તૃત તપાસ રિપોર્ટ અનુસાર, સુબોધ કુમાર નામની વ્યક્તિ સામાન્ય મતદાર નહીં પરંતુ રાષ્ટ્રીય જનતા દળની બૂથ લેવલ એજન્ટ છે. 29 ઑક્ટોબર, 2024ના રોજ પ્રકાશિત યાદી અને 2025ના SIRમાં પણ તેનું નામ મતદાર યાદીમાં ન હતો. તેના પરિવારના અમુક સભ્યો યાદીમાં સામેલ છે, પરંતુ તેનું નામ ક્યારેય નોંધવામાં ન આવ્યું. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર પ્રકાશિત દૂર કરી દેવામાં આવેલા મતદારોની યાદીમાં પણ તેનું નામ નથી.
#Factcheck *श्री राहुल गांधी द्वारा वीडियो में दिखाए गए श्री सुबोध कुमार द्वारा लगाए गए निर्वाचक सूची में नाम न होने के आरोपों का जांच प्रतिवेदन*
— Chief Electoral Officer, Bihar (@CEOBihar) August 19, 2025
वारिसलीगंज विधानसभा क्षेत्र (239) के निर्वाचक निबंधन पदाधिकारी-सह-भूमि सुधार उपसमाहर्त्ता, नवादा सदर ने बताया कि दिनांक 19.08.2025… https://t.co/yDgp1eerPr
ચૂંટણી પંચે જણાવ્યું કે સુબોધ કુમારે ન તો ફોર્મ 6 ભર્યું ન તો કોઈ પ્રકારનું ઘોષણાપત્ર આપ્યું હતું. જ્યારે BLOએ દૂર કરેલા મતદારોની યાદી બૂથ પર ચોંટાડી ત્યારે પણ તે ત્યાં હાજર હતો, પણ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે તે સ્વયં હસ્તાક્ષર કરી ચૂક્યો છે, તેમ છતાં જાહેરમાં દાવો કર્યો કે તેનું નામ હટાવી દેવામાં આવ્યું છે. કમિશને જણાવ્યું કે સુબોધ કુમારે જે આરોપ લગાવ્યા એ નિરાધાર અને ખોટા છે. જો ભવિષ્યમાં તે નિયમાનુસાર ફોર્મ-6 અને ઘોષણાપત્ર રજૂ કરશે તો તેનું નામ જોડવામાં આવી શકે છે.
રાહુલ ગાંધીનો વારંવારનો ખોટો દાવો
આ પ્રથમ ઘટના નથી કે જ્યારે રાહુલ ગાંધીએ આવા નિરાધાર આરોપો લગાવ્યા હોય. આ પહેલાં ઔરંગાબાદમાં તેમણે રંજૂ દેવી નામની મહિલાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયું છે. પરંતુ બાદમાં રંજૂ દેવીએ એક વીડિયોમાં જાતે જણાવ્યું હતું કે તેમનું નામ મતદાર યાદીમાં છે જ અને તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં હતાં.
ચૂંટણી પંચના ફેક્ટ ચેક દ્વારા તેમના આરોપો ખોટા સાબિત થયા હોવા છતાં, તેઓ પોતાની વાત પર અડગ રહે છે. આવો વ્યવહાર માત્ર તેમની વિશ્વસનીયતા પર જ નહીં, પરંતુ ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ પણ દર્શાવે છે. આવા નિરાધાર આરોપો દ્વારા રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ ન માત્ર નીચું રાજકારણ દર્શાવે છે, પરંતુ લોકશાહીની સંસ્થાઓ પરના લોકોના વિશ્વાસને પણ નબળો પાડે છે. જો રાહુલ ગાંધી આવા આરોપો લગાવવાનું ચાલુ રાખશે તો તેમની વિશ્વસનીયતા પર વધુ પ્રશ્નો ઉભા થશે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદી પ્રક્રિયા પારદર્શી અને નિયમોના આધારે ચાલે છે. આવા નાટકો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાને બદલે રાજકીય નેતાઓએ રચનાત્મક મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.


