ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો (Illegal Foreign Infiltrators) અને ઈમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવેલ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act) સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થઈ જશે. સોમવારે (1 સપ્ટેમ્બર) ગૃહ મંત્રાલય તરફથી આ અંગે ઓફિશિયલ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું. આ બિલ સંસદના બજેટ સત્ર દરમિયાન પાસ થયું હતું અને 4 એપ્રિલ, 2025ના રોજ રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપ્યા બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે તેને કાયદા તરીકે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયના અધિક સચિવ નિતેશ કુમાર વ્યાસે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “કેન્દ્ર સરકાર ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025ની (13 ઑફ 2025) કલમ 1ના પેટા નિયમ (2)માં દર્શાવાયેલી સત્તાનો ઉપયોગ કરીને 14 સપ્ટેમ્બર 2025ને અમલમાં લાવવાની તારીખ તરીકે ઘોષિત કરે છે.” આ કાયદા હેઠળ ભારતમાં ઘૂસણખોરી કરનારા લોકોને દંડ આપવામાં આવશે અને ઈમિગ્રેશનના નિયમો પણ કડક થઈ જશે.
શું થશે બદલાવ?
આ કાયદા હેઠળ ભારતમાં પ્રવેશ કરવા, ભારતમાં રહેવા અને બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરનારાઓને હવે 7 વર્ષની જેલ અને વધુમાં વધુ ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. તે સિવાય ઓછામાં ઓછી સજા 2 વર્ષ અને ઓછામાં ઓછો દંડ ₹1 લાખ સુધીનો રહેશે. જો કોઈ વિદેશી નાગરિક માન્ય પાસપોર્ટ અથવા વિઝા જેવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ વિના ભારતમાં પ્રવેશ કરે તો તેને 5 વર્ષ સુધીની જેલની સજા અથવા તો ₹5 લાખ સુધીનો દંડ કે પછી બંને થઈ શકે છે.
આ કાયદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ કોણ હશે. જો કોઈ વ્યક્તિ યોગ્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરે અથવા તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોય તો તેને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગણવામાં આવશે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓને આવા લોકોને અટકાયતમાં રાખવા, દેશનિકાલ કરવા અથવા બ્લેકલિસ્ટ કરવાની સત્તા આપવામાં આવી છે.
આ કાયદાથી બ્યૂરો ઑફ ઈમિગ્રેશનને વિશેષ સત્તાઓ મળી છે. હવે આ એજન્સી ઘૂસણખોરોને તાત્કાલિક દેશમાંથી કાઢી શકશે અને રાજ્યો સાથે સીધું સંકલન પણ કરી શકશે. આ સાથે હોટેલ, યુનિવર્સિટીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમ માટે સમયાંતરે વિદેશી નાગરિકો સંબંધિત માહિતી પૂરી પાડવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈપણ સંસ્થામાં ગેરકાયદે નાગરિકો મળી આવશે તો તાત્કાલિક ધોરણે તેનું રજીસ્ટ્રેશન રદ કરી દેવાશે.
એરલાઇન્સ અને શિપિંગ કંપનીઓ પર પણ થશે કાર્યવાહી
બધી ઇન્ટરનેશનલ એરલાઇન્સ અને શિપિંગ કંપનીઓએ ભારતમાં આગમન સમયે તેમના યાત્રિકો અને ક્રૂ મેમ્બરોની સંપૂર્ણ મેનિફેસ્ટ અને આગોતરી માહિતી સિવિલ ઓથોરિટી અથવા ઈમિગ્રેશન ઓફિસરને આપવાની રહેશે. નવા કાયદાના અમલ પછી જૂનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. આ નવો કાયદો વિદેશી નાગરિકો અને ઈમિગ્રેશન સંબંધિત તમામ બાબતોને એક જ કાયદા હેઠળ લાવે છે. જો એરલાઇન્સ કે શિપિંગ કંપની તરફથી પણ કોઈ ચૂક થશે તો તેના વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ અંગ્રેજોના સમયના કાયદાઓ અસ્તિત્વમાં હતા. જેમાં પાસપોર્ટ એક્ટ, 1920, રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ એક્ટ, 193, ફોરેનર્સ એક્ટ, 1946 અને ઈમિગ્રેશન એક્ટ, 2000નો સમાવેશ થતો હતો. હવે આ તમામ કાયદા નાબૂદ કરી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયનું માનવું છે કે, આ નવા કાયદાથી ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ઈમિગ્રેશન વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી શકે છે. આ સાથે જ વિદેશી ઘૂસણખોરોને પણ અટકાવી શકાય છે.
શરણાર્થીઓ માટે ખાસ જોગવાઈઓ
ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટમાં શરણાર્થીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પોતાના દેશમાં અત્યાચારનો ભોગ બનીને ભારત આશ્રય મેળવવા આવતા લોકો માટે વધુ સારી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ જોગવાઈઓ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કરવામાં આવી છે, જેથી ભારત તેની માનવતાવાદી જવાબદારીઓ પૂર્ણ કરી શકે. આવા લોકોને કાયદાકીય માન્યતા અને સહાય આપવામાં આવશે, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.


