મંગળવારે (11 માર્ચ, 2025) મોદી સરકાર લોકસભામાં (Lok Sabha) ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 (Immigration and Foreigners Bill 2025) રજૂ કરે તેવી સંભાવના છે. આ બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરી શકે છે. તેમાં ભારતના ઈમિગ્રેશન કાયદાઓમાં વ્યાપક સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ બિલનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા વધારવાનો, ઈમિગ્રેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને પ્રવેશ તથા રોકાણની શરતોનું ઉલ્લંઘન કરનારા વિદેશીઓ પર કડક દંડ ફટકારવાનો છે. આ બિલમાં રાજ્યની (સરકાર) જગ્યાએ વ્યક્તિએ સાબિત કરવાનું રહેશે કે, તે ખરેખર વિદેશી નાગરિક છે કે કેમ.
બિલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા, સંપ્રભુતા અને અખંડિતતા માટે જોખમ પેદા કરનારા કોઈપણ વિદેશી નાગરિકને ભારતમાં પ્રવેશવાની અથવા તો રહેવાની પરવાનગી આપી શકાય નહીં. તેમાં વિદેશી નાગરિકો માટે આગમન સમયે ફરજિયાત નોંધણી, તેમની હિલચાલ, નામ પરિવર્તન અને સંરક્ષિત અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશને રોકવા જેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. તે સિવાય એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, હૉસ્પિટલ અને નર્સિંગ હોમ જેવી સંસ્થાઓએ વિદેશી નાગરિકો વિશેની સૂચના ઈમિગ્રેશન અધિકારીઓને આપવાની રહેશે.

વધુમાં તે પણ કહેવાયું છે કે, જો કોઈ નાગરિક બનાવટી દસ્તાવેજોના આધારે ભારતમાં ગેરકાયદેસર રીતે નાગરિકતા પ્રાપ્ત કરે છે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. તે સિવાય જો કોઈ વિદેશી નાગરિકના પ્રવેશથી ભારતના કોઈ અન્ય દેશ સાથે સંબંધ પ્રભાવિત થઈ શકે તો તે વ્યક્તિને દેશમાં ઘૂસતા અટકાવી શકાય છે. આ કાયદા હેઠળ, ઈમિગ્રેશન અધિકારીના નિર્ણયને અંતિમ નિર્ણય ગણવામાં આવશે.
શું હશે નવા બિલની જોગવાઈઓ?
નવા ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલમાં કાયદાના ઉલ્લંઘન બદલ કઠોર સજા આપવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે. માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં પ્રવેશ કરવા પર 5 વર્ષની સખત કેદ અને ₹5 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. આ ઉપરાંત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતમાં આવી ચડેલા વિદેશી નાગરિકોને 2થી 7 વર્ષ સુધીની સખત જેલની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર ₹1 લાખથી ₹10 લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
તે સિવાય નિર્ધારિત સમયથી વધારે સમય સુધી રોકાવું, વિઝા નિયમોનું ઉલ્લંઘન અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવા પર ત્રણ વર્ષની કેદ અથવા ₹3 લાખનો દંડ અથવા તો બંનેની જોગવાઈ કરવામાં આવી છે. તે સિવાય મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે, માન્ય દસ્તાવેજો વગર વિદેશીઓને ભારતમાં લાવનારા પરિવહન વાહકોને પણ ગુના માટે જવાબદાર ઠેરવવામાં આવશે. તેમના પર ₹5 લાખ સુધીનો દંડ લગાવવામાં આવશે અને જો દંડ ચૂકવવામાં નહીં આવે તો પરિવહનને જપ્ત કરવાની સત્તા પણ સરકાર પાસે રહેશે.
સરળ ભાષામાં સમજવામાં આવે તો એરલાઇન્સ સંસ્થાની તે જવાબદારી રહેશે કે, કોઈપણ અનધિકૃત વિદેશી નાગરિકને ભારત સુધી ન પહોંચાડે. જો એરલાઇન્સ ચૂક કરે અને ગેરકાયદેસર ઘૂસણખોર ભારતમાં આવે તો તેની સાથે એરલાઇન્સ પણ ગુના માટે જવાબદાર ગણાશે અને તેને પણ સજા થશે. તે સિવાય કોઈ વિદેશી નાગરિક પર દેશમાં પ્રવેશ મેળવવાથી રોક લગાવવામાં આવે તો તેમને બહાર કાઢવાની જવાબદારી પણ જે-તે પરિવહન વાહકની રહેશે.
વ્યક્તિએ પોતે સાબિત કરવી પડશે પોતાની કાનૂની સ્થિતિ
આ સાથે જ આ કાયદાની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે, જે-તે નાગરિકે પોતે સાબિત કરવું પડશે કે તે વિદેશી છે કે કેમ. હમણાં સુધી તે નાગરિકને ગેરકાયદેસર ઘૂસણખોર સાબિત કરવા માટે સરકારને સાબિતી આપવાની જરૂર પડતી હતી, પરંતુ આ બિલ પસાર થયા બાદ તે ભાર સરકાર પરથી ઉતરી જશે અને જે-તે વ્યક્તિના માથે આવી જશે. તે વ્યક્તિએ કોર્ટ કે ઈમિગ્રેશન અધિકારી સામે પોતાને ભારતીય સાબિત કરવાનો રહેશે.
જો તે વ્યક્તિ પોતાની કાનૂની સ્થિતિ સાબિત નહીં કરી શકે તો તેના વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી પણ થઈ શકશે. તે સિવાય તેના પર દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જોકે, આ જોગવાઈને લઈને ટીકાકારો સરકાર પર પ્રહાર પણ કરી શકે છે. પરંતુ, સરકારની સ્પષ્ટ દલીલ એ છે કે, તેઓ સીમા સુરક્ષાને વધુ મજબૂત અને કડક કરીને દેશના સર્વભૌમત્વ અને તેની અખંડિતતાને જાળવી રાખવા માટે આ કાર્યવાહી કરી રહ્યા છે.
અંગ્રેજયુગના કાયદાનો થશે અંત, કેન્દ્ર સરકારની શક્તિઓમાં થશે વધારો
આ બિલ ઈમિગ્રેશન અધિકારીઓને વોરંટ વગર કોઈપણ વિદેશી નાગરિકની ધરપકડ કરવાની અસીમિત શક્તિ આપે છે. તે સિવાય કેન્દ્ર સરકારને વિદેશી નાગરિકોની અવરજવરને નિયંત્રણમાં લેવાની સત્તા પણ આપે છે. જેમાં પ્રવેશ પ્રતિબંધ, પ્રસ્થાનને અટકાવવાના અને ચોક્કસ વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના અધિકારનો સમાવેશ થાય છે. તે સિવાય વિદેશી નાગરિકોએ સ્વખર્ચે દેશની બહાર જવું પડશે અને ઓળખ માટે બાયોમેટ્રિક ડેટા પણ આપવો પડશે.
આ નવો કાયદો બ્રિટિશયુગના ઘસાઈ ગયેલા કાયદાઓને ખતમ કરવા માટેની યોજના પૂરી પાડે છે. બ્રિટિશયુગના કાયદાઓમાં ફોરેનર્સ એક્ટ 1946, પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) એક્ટ 1920, રજિસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ એક્ટ 1939 અને ઇમિગ્રેશન (કેરિયર્સ લાયબિલિટી) એક્ટ, 2000નો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ દરમિયાન ઘડાયેલા આ કાયદાઓ હવે જૂના ગણવામાં આવી રહ્યા છે અને સરકારની દલીલ છે કે, ઓવરલેપિંગ નિયમોને ટાળવા માટે એકીકૃત માળખું જરૂરી છે.