ભારતીય રેલવે (Indian Railway) દિનપ્રતિદિન પોતાની સેવાઓમાં વધારો કરી રહી છે. દેશને મજબૂત કનેક્ટિવિટી આપવા માટે રેલવે વિભાગમાં સતત નવા-નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ જ દિશામાં હવે ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમને (Mizoram) પણ દેશના વિશાળ રેલ નેટવર્ક સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે. મિઝોરમને પ્રથમ વખત એરપોર્ટથી સીધી રેલ કનેક્ટિવિટી મળવા જઈ રહી છે. પીએમ મોદી 13 સપ્ટેમ્બર 2025ના રોજ મિઝોરમમાં બૈરાગી-સૈરાંગ રેલ લાઇનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ 51.38 કિલોમીટર લાંબી રેલ લાઇન બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ સાથે જોડાયેલી છે.
મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ જણાવ્યું છે કે, 13 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટનો હેતુ કનેક્ટિવિટીમાં બદલાવ લાવવાનો, યાત્રાનો સમય ઘટદાવાનો અને રાજ્યના લોકો માટે તકો ઊભી કરવાનો છે. મિઝોરમની રાજધાની આઈઝોલના લેંગપુઈ એરપોર્ટથી માત્ર 25 કિલોમીટર દૂર બનેલું રેલવે સ્ટેશન લોકો માટે એક વરદાનરૂપ સાબિત થશે. હમણાં સુધી યાત્રિકો અને પર્યટકો માટે મિઝોરમથી આસામ જવા માટે માત્ર બે જ વિકલ્પ હતા. એક તો રોડ દ્વારા સીધું સિલચર જવું અને બીજું બૈરાબી રેલવે સ્ટેશન સુધી રોડ દ્વારા પહોંચીને ત્યાંથી ટ્રેનમાં જવું.
હવે આ સમસ્યાનો અંત આવી ગયો છે, કારણ કે રેલવે સ્ટેશન અને એરપોર્ટ હવે એક જ રુટ પર થઈ ગયા છે અને આ યાત્રા માત્ર થોડા સમયમાં જ પૂર્ણ કરી શકાય એમ છે. પૂર્વોત્તરના ઘણા પડકારજનક વિસ્તારોમાં થઈને આ નવી રેલ લાઇન પસાર થઈ રહી છે. નિષ્ણાત એન્જિનિયરોએ વિષમ પરિસ્થિતિઓ હોવા છતાં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.
48 ટનલો અને 142 પુલ સાથે પૂરો પૂર્ણ થયો પ્રોજેક્ટ
આ 51.38 કિમી લાંબી નવી રેલવે લાઇન પર ચાર નવાં સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. જેમાં સૈરાંગ, મુઆલખાંગ, કાનપુઈ અને હાર્તકીનો સમાવેશ થાય છે. સૈરાંગ સ્ટેશન રાજધાની આઈઝોલથી સૌથી નજીકનું સ્ટેશન છે, જે એરપોર્ટનું સૌથી નજીકનું સ્ટેશન પણ છે. અહીંથી ટ્રેનો દોડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બર, 2025ના રોજ મુઆલખાંગ સ્ટેશન પર આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સ્ટેશન સંપૂર્ણપણે તૈયાર છે અને અહીં બે હેલિપેડ પણ બનાવવામાં આવી રહ્યાં છે.
કાનપુઈ સ્ટેશન પર હજુ પણ કામ ચાલી રહ્યું છે. પરંતુ મુસાફરોની સુવિધાઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત હાર્તકી સ્ટેશન નાનું છે પણ ખૂબ જ સુંદર છે. કારણ કે તે ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલું છે. આ ચાર સ્ટેશનો ઉપરાંત, બૈરાબી સ્ટેશન પહેલેથી જ અસ્તિત્વમાં છે, જે મિઝોરમ અને આસામની સરહદ પર છે. પહેલાં મુસાફરો અહીં સુધી ટ્રેન મેળવવા માટે આવતા હતા, હવે તેઓ સીધા સૈરાંગ સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરી શકશે.
આ રેલવે ટ્રેક તકનીકી અને પ્રાકૃતિક એમ બંને રીતે ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે. આ રેલવે લાઇન પર કુલ 48 ટનલ અને 142 જેટલા પુલ છે. આ લાઇન પર બનેલો સૌથી ઊંચો પુલ નંબર 196 છે, જે 104 મીટર ઊંચો છે, એટલે કે તે કુતુબ મિનાર કરતા 42 મીટર ઊંચો છે. સમગ્ર રેલવે લાઇનનું 12.8 કિમીનું અંતર ટનલમાંથી પસાર થશે. આ ટનલની દિવાલો પર સુંદર ચિત્રો દ્વારા મિઝોરમની સંસ્કૃતિ, ઇતિહાસ, મહિલા સશક્તિકરણ અને પર્યટન સ્થળોનું ચિત્રણ કરવામાં આવ્યું છે.
યાત્રિકોને મળશે લાભ
આ રેલ પ્રોજેક્ટનો સૌથી મોટો લાભ સમય અને નાણાંની બચત છે. અત્યાર સુધી બૈરાબીથી આઈઝોલ પહોંચવામાં 5થી 6 કલાક લાગતા હતા અને ₹1000થી વધુનો ખર્ચ થતો હતો, પરંતુ હવે આ મુસાફરી ટ્રેન દ્વારા માત્ર 1થી 1.5 કલાકમાં અને લગભગ ₹100માં પૂર્ણ થશે. એટલે કે લગભગ 4 કલાક અને ₹900ની સીધી બચત થશે. આ પ્રોજેક્ટથી મુસાફરોને રાહત તો મળશે જ, સાથે નાના-મોટા વ્યવસાયો, પર્યટન અને સ્થાનિક અર્થતંત્રને પણ મોટો વેગ મળશે. બૈરાબીથી સૈરાંગ સુધીની આ લાંબી રેલવે લાઇન પર ટ્રેનની સ્પીડ 110 કિમી પ્રતિ કલાકની હશે. તેમાં 87 નાના પુલ, 5 રોડ ઓવરબ્રિજ અને 6 અંડરબ્રિજનો સમાવેશ થાય છે. તેનો કુલ ખર્ચ ₹8,215 કરોડ છે.
આ પ્રોજેક્ટ સાથે પૂર્વોત્તરનાં ચાર રાજ્યો આસામ (દિસપુર), ત્રિપુરા (અગરતલા), અરુણાચલ પ્રદેશ (ઇટાનગર) અને મિઝોરમની (આઈઝોલ) રાજધાની હવે સીધી ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાઈ ગઈ છે. તેનાથી આ રાજ્યો વચ્ચે સંકલન વધશે, વેપાર વધશે અને આર્થિક માળખું મજબૂત બનશે. આ ઉપરાંત લાખો લોકોને સીધો લાભ થશે. મિઝોરમ માટે આ એક ઐતિહાસિક પગલું છે, જે રાજ્યને દેશના બાકીના ભાગો સાથે વધુ મજબૂત રીતે જોડશે.


