હોમપેજદેશ2007નું સ્વપ્ન, બે દાયકા બાદ થશે સાકાર: પીએમ મોદીની દ્રઢસંકલ્પશક્તિ અને જાપાનની...

2007નું સ્વપ્ન, બે દાયકા બાદ થશે સાકાર: પીએમ મોદીની દ્રઢસંકલ્પશક્તિ અને જાપાનની અતૂટ મિત્રતાએ ગુજરાતમાં શક્ય બનાવી બુલેટ ટ્રેન

પીએમ મોદીની આ સફળતા એક વ્યક્તિની મહેનતનું પરિણામ તો છે જ, પરંતુ એક એવા નેતાની ગાથા પણ છે, જેમણે અશક્ય લાગતા સ્વપ્નોને વાસ્તવિકતામાં બદલવાની હિંમત બતાવી.

- Advertisement -

પીએમ મોદીએ 30 ઑગસ્ટના રોજ જાપાનની યાત્રા પૂર્ણ કરી છે. સતત બે દિવસથી જાપાન અને ભારત વચ્ચેના સંબંધોના સમાચારોને લઈને સોશિયલ મીડિયા અને મીડિયા ઉભરાઈ રહ્યું છે. તેમાં એક સૌથી મહત્વની પળ હતી પીએમ મોદીની બુલેટ ટ્રેન યાત્રા. પીએમ મોદીએ જાપાની વડા પ્રધાન સાથે બુલેટ ટ્રેનમાં યાત્રા કરી હતી. આ જ ટ્રેન 2027માં મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. જાપાન અને ભારતની ઐતિહાસિક ભાગીદારીના પ્રતિક તરીકે દેશને આ પહેલી બુલેટ ટ્રેન મળવા જઈ રહી છે, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે, બુલેટ ટ્રેનનું સ્વપ્ન ‘સીએમ મોદી’એ 20 વર્ષ પહેલાં જોયું હતું. આજે બે દાયકા બાદ અનેક સંઘર્ષ અને સમસ્યાઓને ચીરીને ‘પીએમ મોદી’એ તેમના એ સ્વપ્નને હકીકત બનાવ્યું છે.

વર્ષ હતું 2007. ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી જાપાનની ધરતી પર શિન્કાન્સેન બુલેટ ટ્રેનના કૉકપીટમાં બેઠા હતા. તેમની આંખોમાં એક અજાણ્યું સ્વપ્ન તરવરી રહ્યું હતું. સ્વપ્ન હતું જાપાનની આ અદ્યતન, ઝડપી અને વિશ્વસ્તરીય ટેકનોલોજીને ભારત લાવવાનું. તે સમયે આ સ્વપ્ન લગભગ અશક્ય હતું. કારણ કે, રાજ્યમાં ભાજપની સરકાર હતી અને કેન્દ્રમાં કોંગ્રેસની. તે સમયે ભારતની રેલવે પણ પરંપરાગત અને ધીમી હતી. દેશમાં આવી બુલેટ ટ્રેનની કલ્પના કરવી પણ એક પડકાર હતો. 

પરંતુ, નરેન્દ્ર મોદીની દૂરંદેશી, દ્રઢ સંકલ્પશક્તિ અને દેશને આધુનિક બનાવવાની તીવ્ર ઇચ્છાશક્તિએ આ સ્વપ્નને આજે વાસ્તવિકતાના ઉંબર સુધી લાવી નાખ્યું છે. બે દાયકા બાદ 2027માં ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે, જ્યાં હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટના રૂપમાં બુલેટ ટ્રેન દોડશે. પરંતુ, બે દાયકાની આ યાત્રા સરળ નહોતી.

- Advertisement -

બે દાયકાનો સંઘર્ષ અને મોદીની દ્રઢ સંકલ્પશક્તિ

2007માં જ્યારે નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનનું સ્વપ્ન જોયું, ત્યારે તત્કાલીન કેન્દ્રની કોંગ્રેસ સરકારે આ પ્રોજેક્ટને રોકવા માટે અનેક અડચણો ઊભી કરી. નાણાકીય મંજૂરીઓનો અભાવ, નીતિગત અવરોધો અને રાજકીય વિરોધોના કારણે આ પ્રોજેક્ટને વિલંબનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસ સરકારની નબળી નીતિઓ અને દૂરંદેશીના અભાવે ભારતની પ્રગતિને અટકાવવાનો પ્રયાસ થયો, પરંતુ મોદીની અડગ સંકલ્પશક્તિએ તે થવા દીધું નહીં.

કોંગ્રેસ સરકારના વિરોધ ઉપરાંત, આ પ્રોજેક્ટને ઘણા આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરવો પડ્યો. જમીન સંપાદન, પર્યાવરણીય મંજૂરીઓ અને ટેકનોલોજી ટ્રાન્સફર જેવા મુદ્દાઓએ આ પ્રોજેક્ટને વિલંબિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોદી સરકારે દરેક પડકારનો સામનો કરીને આ પ્રોજેક્ટને આગળ વધાર્યો. જાપાનની સરકાર અને જાપાન ઇન્ટરનૅશનલ કોઓપરેશન એજન્સીના (JICA) સહયોગથી આ પ્રોજેક્ટને નાણાકીય અને ટેકનિકલ સપોર્ટ મળ્યો, જેનું શ્રેય મોદીની કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને મજબૂત કરવાના તેમના પ્રયાસોને જાય છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે જાપાન સાથેના સંબંધોને મજબૂત કરીને આ પ્રોજેક્ટનો પાયો નાખવાની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદીની જાપાન સાથેની યાત્રા 2007થી શરૂ થઈ હતી, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની મુલાકાતે ગયા. તેમનો ઉદ્દેશ માત્ર ગુજરાતમાં રોકાણ આકર્ષવાનો જ નહોતો, પરંતુ ભારત અને જાપાન વચ્ચે એક મજબૂત આર્થિક અને ટેકનોલોજીકલ ભાગીદારીનો પાયો નાખવાનો પણ હતો.

મોદીએ ગુજરાતમાં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટની શરૂઆત કરી, જેના દ્વારા જાપાની કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરવામાં આવી. આ સમિટ દ્વારા જાપાનની અગ્રણી કંપનીઓ જેવી કે સુઝુકી, હિટાચી અને ટોયોટાએ ગુજરાતમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું. આ સંબંધોનો પાયો એટલો મજબૂત હતો કે, જ્યારે મોદી 2014માં ભારતના વડા પ્રધાન બન્યા, ત્યારે તેમણે આ સંબંધોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર્યા. જાપાન સાથેની આ ભાગીદારીનું પરિણામ આજે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના રૂપમાં સામે છે.

2014માં બન્યા વડા પ્રધાન અને શરૂ થયું બુલેટ ટ્રેનનું કાર્ય

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જાપાન સાથે મજબૂત સંબંધો કેળવી દીધા હતા. પરંતુ, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાના કારણે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર કામ કરવું લગભગ અશક્ય હતું. તેમ છતાં, નરેન્દ્ર મોદીએ સતત પ્રયાસો ચાલુ રાખ્યા. દ્રઢ સંકલ્પશક્તિ અને દૂરંદેશી સાથે સતત મોદી સરકાર આ દિશામાં આગળ વધી રહી હતી અને તેવામાં 2014માં ઐતિહાસિક ઘટના બની અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા. 2014માં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તેમના 2007ના બુલેટ ટ્રેનના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવાનું શરૂ કર્યું. 

મે 2014માં પીએમ મોદીએ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી, જે ભારતની રેલવે વ્યવસ્થાને વૈશ્વિક સ્તરે લઈ જવાનું પગલું હતું. જુલાઈ 2015માં ફીઝિબિલિટી સ્ટડી પૂર્ણ થઈ અને 20 જુલાઈ 2015ના રોજ જાપાન-ભારત સરવે ટીમે શિન્કાન્સેન ટેકનોલોજીને મંજૂરી આપી. ડિસેમ્બર 2015માં ‘મેક ઇન ઇન્ડિયા’ને સમર્થન આપતી આ ટેકનોલોજી અપનાવવાની જાહેરાત થઈ. 

આ યાત્રામાં પીએમ મોદીની સૌથી વધુ દ્રઢતા 14 સપ્ટેમ્બર 2017ના રોજ દેખાઈ આવી. તે સમયે પીએમ મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિંઝો આબે દ્વારા અમદાવાદમાં પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરાયું હતું. આ ઐતિહાસિક ક્ષણે ભારત-જાપાન ભાગીદારીને નવી ઊંચાઈ આપી અને મોદીના બુલેટ ટ્રેનના સ્વપ્નને વેગ મળ્યો. 2021માં નિર્માણ શરૂ થયું અને આજે પ્રોજેક્ટ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ 2027માં પૂર્ણ થાય તેવી સંભાવના છે. 

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ એ માત્ર એક રેલવે પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતના આર્થિક અને ટેકનોલોજીકલ વિકાસનું પ્રતીક છે. આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રના ઔદ્યોગિક કોરિડોરને જોડશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે. આ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં પૂરું કરશે, જે ભારતની રેલવે વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પગલું છે. આ પ્રોજેક્ટનો શ્રેય નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન જાપાન સાથે વિકસેલા મજબૂત સંબંધોને જાય છે.

પીએમ મોદીની આ સફળતા એક વ્યક્તિની મહેનતનું પરિણામ તો છે જ, પરંતુ એક એવા નેતાની ગાથા પણ છે, જેમણે અશક્ય લાગતા સ્વપ્નોને વાસ્તવિકતામાં બદલવાની હિંમત બતાવી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે જાપાન સાથેના સંબંધોનો પાયો નાખ્યો અને વડા પ્રધાન તરીકે તેમણે આ સંબંધોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારીને ભારતની પ્રગતિનો માર્ગ મોકળો કર્યો. બે દાયકાના સંઘર્ષ, અડચણો અને વિરોધોને પાર કરીને પીએમ મોદીએ સાબિત કર્યું કે, દ્રઢ સંકલ્પ અને ઇચ્છાશક્તિ સામે કોઈ અવરોધ ટકી શકે નહીં. 2027માં જ્યારે ગુજરાતની ધરતી પર બુલેટ ટ્રેન દોડશે, ત્યારે તે માત્ર એક ટ્રેન નહીં હોય, પરંતુ નરેન્દ્ર મોદીના અથાક પ્રયાસો, દૂરંદેશી અને ભારતના નવા યુગની શરૂઆતનું પ્રતીક હશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં